ઓશો રજનીશ : ભગવાનને પણ બનાવી જનારા ગુજરાતીઓ જ હશે
રજનીશ. આચાર્ય. ભગવાન અને પછી ઓશો. ભગવાન શ્રી ઓશો રજનીશને એક વ્યક્તિની શોધ હતી. જે તેમની જગ્યા લઈ શકે. બુદ્ધ બની શકે. પોતાની જેમ જ ભાષણ આપી શકે. પણ ભગવાનની એ ઈચ્છા કોઈ દિવસ પૂર્ણ ન થઈ. ભગવાન ખૂદ લાલસાઓથી વીંટાયેલા હતા. એક છોકરીના કારણે. 80નો દાયકો ચાલતો હતો, ત્યારે એ છોકરીને તેના પિતા રજનીશની પાસે લાવેલા. આચાર્ય રજનીશ એ છોકરીને જોઈ મોહી પડ્યા. તેનું માથું પોતાના ખોળામાં રાખ્યું. રજનીશને પણ શું ખબર હશે કે આ છોકરી ભવિષ્યમાં તેના માટે પનોતી સાબિત થવાની છે. છોકરીનું નામ હતું શીલા. જે પછીથી મા આનંદ શીલાના નામે (કુ)ખ્યાતિ પામી. એક પુસ્તક લખી તેણે ભગવાન રજનીશનો ભાંડો ફોડી નાંખ્યો. છતાં રજનીશ ત્યારે પણ એટલા વંચાતા-સંભળાતા હતા, આજે પણ એટલા જ વંચાય-સંભળાઈ છે.
પ્રખ્યાત દિગ્દર્શક રાજકુમાર હિરાણી ખૂદ રજનીશના ખૂબ મોટા પ્રશંસક છે. રજનીશ પોતાના અનુયાયીઓને ઈડિયટના હુલામણા નામે બોલાવતા હતા. ભવિષ્યમાં હિરાણીએ પણ થ્રી-ઈડિયટ બનાવી. તમે કોઈ દિવસ હિરાણીના કેરેક્ટરને જોયા છે ? ફિલ્મની ક્રિટીકલ કોર્ટ બનવાની જગ્યાએ મગજ પર રહેલું પ્રેશરનું બટન દબાઓ. પ્રેશરકૂકર ન બનો ! તેનો રણછોડદાસ શ્યામલદાસ છાછડ એ બીજું કંઈ નથી પણ ઓશો છે. તે પરંપરાથી હટીને કંઈક કરવા માગે છે. તેનો મુન્નાભાઈ કોઈની વાત માનતો નથી. તેનો પીકે ધર્મના ચીંથરા ઉડાવે છે. આ કલાકારોમાં બીજું કોઈ નહીં પણ ખૂદ ભગવાન ઓશો રજનીશ ધબકી રહ્યાં છે.
મા આનંદ શીલાએ તેના પુસ્તક Don’t Kill Him! The Story Of My Life With Bhagwan Rajneeshમાં લખ્યું છે કે ભગવાન સેક્સને દબાવવા નહોતા માગતા. આશ્રમમાં એક મહિનામાં એક વ્યક્તિ 90થી વધારે વખત અલગ અલગ પાત્ર સાથે સેક્સ કરતો હતો. દેશમાં મંદી હતી ત્યારે સરકારને કામે ઓશો જ આવેલા હતા. શીલાએ કહ્યું છે, એ સમયે ભગવાન રજનીશ દુનિયાભરમાં પોપ્યુલર થવા લાગેલા હતા. પુનામાં આવેલા તેમના આશ્રમમાં ભીડ થવા લાગી. વિદેશીઓના ભારત આગમનથી ધંધો પૂરબહારમાં ખીલવા લાગ્યો.
70ના દાયકામાં પુનાના આશ્રમની આજુબાજુ ધંધો કરનારાઓની અત્યારે કોઈ જાજરમાન હોટલ હોય તો સમજવું કે ઓશોની મહેરબાની છે. ભારતની સરકાર ઓશોના તેજતરાર ભાષણ પર કંઈ બોલતી નહોતી તેની પાછળનું કારણ પણ ઓશોની પોપ્યુલારીટી અને વધતો જતો પ્રવાસન ઉદ્યોગ હતો. ઓશો ઘણા માટે કામધેનુ ગાય સાબિત થયા હતા !
1981ના સમયગાળામાં ઓશો રજનીશે મૌન ધારણ કર્યું. જેનો વર્ષ 1984માં શબ્દ સ્વરૂપે ભીંત ફાડીને પીંપળો ઉગ્યો અને સીધો અમેરિકામાં નીકળ્યો. ઓશોની ચડતી-પડતી ત્યાંથી શરૂ થઈ.
હવે નથી પણ વર્ષો પહેલા મને પૂર્તીઓ સાચવવાનો શોખ હતો. આજે કેટલીક પૂર્તીઓ ગમી જાય તો અંગત સંગ્રહમાં રાખી લઉં છું. તેમાં ધૈવત ત્રિવેદીનો એક ઓશો રજનીશનો પરનો આર્ટિકલ સાચવેલો. આજે એ આર્ટિકલ તમને વિસ્મય-1 ભારતીય વ્યક્તિ વિશેષ નામની બુકમાં પેજ નંબર 90 પર મળશે. આ લેખનું શિર્ષક છે, રજનીશ : છલનાના સંમોહનમાં અટવાયેલો લાલસાનો ભગવાન. લેખ આજથી 12 વર્ષ પહેલાં લખાયો તેની પણ લેખકે તેમાં માહિતી આપી છે. વિસ્મય કોલમ ઈતિહાસ કરતાં ઈતિહાસને રજૂ કરવાની તેની ડ્રામેટિકલ સ્ટાઈલના કારણે ખાસ્સી ચર્ચામાં રહી છે. આખા લેખની તો વાત નહીં થાય પણ મા આનંદ શીલા અને સ્વામી અભિનવ ભારતીએ કરેલાં બાયોલોજીકલ કાંડના પ્રરાક્રમની વાત કરીએ.
માણસની પ્રસિદ્ધી વધે તેમ તેની આસપાસ છળ કપટ કરનારા વધે. એમાં ય અધૂરામાં પૂરૂ રજનીશ તો સ્વંય ખૂદને ભગવાન માની બેસેલા હતા. તેમના ઈડિયટ (ભક્તો) પણ તેમને ભગવાનના સર્વનામથી જ બોલાવતા હતા. અમેરિકાના ઓરેગાન શહેરના ડેલાસ પ્રાંતમાં સાચા ભગવાનને પણ શરમાવે તેવું રજનીશે રજનીશપુરમ સ્થાપી દીધું. આંકડા પ્રમાણે ભક્તોની સંખ્યા 15 હજારથી વધારે હતી. અમેરિકાની સરકાર માટે પણ માથાનો દુખાવો હતો કે લોકો ગૃહસ્થીજીવન છોડી ઓશોના આશ્રમમાં જતા હતા. આમ તો ખૂદ ઓશો બધાને ગૃહસ્થ જીવનમાં પણ કેવી રીતે સંન્યાસી બનવું તે શીખવતા હતા, પણ અમેરિકનોમાં ભારતની છબી અલગ જ પ્રકારની હતી. Netflixની Wild Wild Country અને BBCને આપેલા ઈન્ટરવ્યૂમાં પણ શીલાએ કબૂલ્યું છે, ‘આમા રજનીશનો કોઈ વાંક નહોતો, એ સમજદાર લોકો રજનીશનાં આંગણે આવી ભરાઈ ગયા હતા. તમે સમજદાર હો છતાં આમ કરો તો શું કહેવું ?’
ભગવાનના જોરને આખા અમેરિકામાં ફેલાવવા માટે સ્વામી અભિનવ ભારતી અને મા આનંદ શીલાએ એક લપસણો માર્ગ તૈયાર કર્યો. ચંગુ મંગુ જેવા ઓશોના આ બંન્ને સાધકોએ રાજકારણમાં જંપ લાવવાનું વિચાર્યું. વાસ્કો કાઉન્સિલની ચૂંટણીમાં પગપેસારો કરવાનું નક્કી કર્યું. ભગવાન ઓશોની સહી સાથે ઉમેદવારોની યાદી તૈયાર થઈ. પણ પછી જે ભયંકર થવાનું હતું તેની ખૂદ ભગવાનને ખબર નહોતી. ચૂંટણી જીતવા માટે વોટ જોઈએ. વોટ માટે સ્થાનિકોને મનાવવા પડે તેમ હતા અને તે માને તેમ નહોતા, કારણ કે બધા રજનીશપુરમના કટ્ટર વિરોધી હતા.
એ સમયે તમામ યોજનાઓ પર વિચાર કર્યા બાદ ડેવિડ બેરી ઉર્ફ સ્વામી કૃષ્ણદેવ જે બાયોટેકેનોલોજીસ્ટની ધિકતી કારકિર્દી છોડી ભગવાનના ચરણોમાં આવી ગયો હતો તેણે ખૂરાફાતી આઈડિયા આપ્યો. તેણે સાલ્મોનેલા બેક્ટરેયા વિશે કહ્યું જે ખાધા પછી એવી તીવ્ર અસર થાય કે વ્યક્તિને ઝાડા-ઉલટી થઈ જાય. દાક્તરી ભાષામાં ફૂડ પોઈઝનિંગ થઈ જાય. આ વિચાર પર થમ્સ અપ મારવામાં આવ્યું. પણ નહીંને ડોઝ વધારે થઈ જાય અને વિદ્રોહ ફાટી નીકળે કે ચૂંટણી કેન્સલ થાય તો ? એટલે કૃષ્ણદેવે યોગ્ય માત્રામાં ડોઝ તૈયાર કર્યો.
આખરે મતદાનના એકાદ દિવસ પહેલાં સાલ્મોનેલાને છાંટવામાં આવ્યો. મતદાનના દિવસે તો દોડાદોડી થઈ ગઈ. અઢી હજાર લોકો ઝપેટમાં આવી ગયા. તેમાંથી પાંચ મૃત્યુ પામ્યા, જે માથાના દુખાવા સમાન ન હતું. અમેરિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ભગવાનનો જ્વલંત વિજય થયો.
અહીં સુધી રોકાય જાત તો ઠીક હતું. પણ ભગવાનના ચેલાઓને જ્યારે નેપોલિયન બની અમેરિકાને જીતી લેવું હોય તે રીતે નીતનવા છળ-કપટ-ત્રાગાના સોગઠા ગોઠવવા લાગ્યા. એમાં ખૂદ ભગવાન રજનીશ પોલીસની શરણે ગયા અને કહ્યું, ‘મા આનંદશીલા મારા વધનું ષડયંત્ર ગોઠવી રહી છે.’ ભાંડો ફૂટ્યો અને આખરે અમેરિકાએ ભગવાનને પોતાના દેશમાંથી તગેડી મુક્યા.
પણ જાણવાની હવે મઝા આવશે. એ વાતની તો ગૂગલ કરતાં પણ ખબર પડી જાય કે આનંદ શીલા મૂળ વડોદરાની હતી અને અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં છે. 19 વર્ષની વયે વધુ અભ્યાસ અર્થે તે અમેરિકા ગઈ હતી. પણ તેની સાથે કાવતરાનો માસ્ટર માઈન્ડ સ્વામી અભિનવ ભારતી (રોહિત મણિલાલ મહેતા) પણ ગુજરાતનો હતો. હવે ખૂદ વિસ્મયના લેખક ધૈવત ત્રિવેદીની કલમે માણો…
‘‘રોહિત મણિલાલ મહેતા એ ઉના પાસેના ખોબા જેવડાં સનખડા ગામના વાણિયાનો દીકરો. સાડા ચાર વર્ષની સજા કાપ્યા પછી શીલા પટેલ અને રોહિત મણિલાલ, એ બંને હાલ ક્યાં છે ? અમે સૌ પહેલાં એ બંનેના વતનની રખડપટ્ટી આદરી. સનખડા ગામનાં ઘરડાંઓને રોહિત તો યાદ નથી, પણ તેનો બાપ મણિલાલ મણિયો એક નંબરનો ઉસ્તાદ હોવાનું કહે છે.’’
ધૈવત ત્રિવેદીએ લખ્યું છે, ‘‘ભગવાનને પણ બનાવી જનારા કોણ હશે ? શક્ય છે કે આ બે ગુજરાતીઓ જ હોય.’’
તો રજનીશ આજે પણ કેમ આટલા ચર્ચાય છે ? ભારતભરમાં ગૂરૂઓની ફોજ હોવા છતાં રજનીશ પર જ કેમ સોઈ આવી અટકે છે ? એવું તે શું કારણ છે કે બાળક પેદા થઈ પોતાની એકવીસી પાર કરે કે રજનીશ વિશેનો એકાદ વખત વિચાર કરી લે છે. કદાચ એટલા માટે કે દુનિયાના દરેક વ્યક્તિને ઓશોને વાંચ્યા અથવા સાંભળ્યા બાદ એક વખત ખૂદ ઓશો બનવાનું પ્રલોભન જાગે છે. જેમ ઓશો વિશે ઉપર કહેલું, ‘‘ઓશોને એક પોતાના જેવા માણસની શોધ હતી. જે તેની જગ્યા લઈ શકે.’’ ભવિષ્યમાં મળી જશે ?
મયૂર ખાવડુ
Leave a Reply