કાનજી ભુટા બારોટ : એ વાતડિયું વગતાળિયું….
લોકસાહિત્યમાં હળવે હળવે અમૃત મળે. એકધારું કોઈ દિવસ પ્રાપ્ત ન થાય. અત્યારે આપણી પાસે ભીખુદાન ગઢવી છે. પણ ભીખુદાન ગઢવી પછી કોણ તેની આપણે વધારે ચર્ચા નથી કરતાં. આપણે બસ ભીખુદાન ગઢવીને માણીએ છીએ. એ જ રીતે લોકવાર્તા, લોકસાહિત્ય, લોકકથાઓના ક્ષેત્રે આપણને ધીરે ધીરે ટેલેન્ટ મળ્યું. મેઘાણી, કાગ, કાનજી ભુટા બારોટ, જયમલ્લ પરમાર…
ભીખુદાન ભાઈ ગઢવી જ્યારે ખુદ સ્થાપિત થઈ આગળ વધતા હતા એવા સમયે કાનજી ભુટા બારોટ અસ્ત થયા. જન્મ પહેલા નોરતામાં અને મૃત્યું છેલ્લા નોરતામાં. હમણાં પહેલું નોરતું આવશે એટલે સંવત 1975 મુજબ કાનજી ભુટા બારોટનો જન્મદિવસ છે. પહેલા નોરતે સમય મળે કે નહીં પણ અત્યારે સમય કાઢીને લખી નાખીએ.
બારોટ અને ગઢવીની વાણીમાં સરસ્વતી હોય છે. પણ બધા બારોટો કે ગઢવીમાં નથી હોતી. બાકી આપણી પાસે લોકસાહિત્યની આખી વાડી ઉભી થઈ ગઈ હોત. કાનજી દાદા પાસે વાણીની સાથે સાથે પહાડી અવાજ હતો. એ કોઈ ઓમકાર કરીને કે ભ્રામણી પ્રાણાયમ કરીને નહોતો મેળવેલો. માઈક ન હોય તો પણ કાનજી ભાઈ જે રીતે હાકલો ને પડકારો કરે તો નબળા માણસનું મુતર છુટી જાય. કોઈ વાર યુટ્યુબ પર કાનજી દાદાની વાર્તાઓ સાંભળજો તો ખ્યાલ આવશે કે આ શ્રીમાનની વાણીને કાનમાં ભૂંગળા ભરાવીને ન સાંભળવી. શરૂઆતમાં એ…. કરીને દુહો ફટકારે તો જ્યારે ગિરનાર પર્વત પર ચડી કોઈએ ત્રાડ પાડી હોય અને પડઘો કાનમાં ભડાંગ દેખાનો અથડાય એવી સિંહ ગર્જના.
આ મંગળવારે ફરી સાહિત્ય પરિષદની મુલાકાતે જવાનું થયું. પણ મુલાકાત પહેલાની એક ઘટના કહું. ચિંદડ પિંદડ વાંચી વાંચીને થાકી ગયા હતા. અંગ્રેજીમાં પણ એટલું કંઈ ખાસ નહોતું. ફરી ફરી મેઘાણી અને મુન્શી તરફ વળવામાં સમય ચાલ્યો જતો હતો. નોકરી પતાવવી અને આવીને ફિલ્મો જોવી. એમાં સમય વધે તો વાંચવું. યુટ્યુબ પર શોધ સંશોધન કરતાં શાહબુદ્દીન રાઠોડ પછી એકાએક મનને શું થયું તે ભીખુદાન ગઢવીને સાંભળવા માંડ્યો. ભીખુદાન દાદાના વીડિયોની નીચે એક વીડિયો હતો. એમપીથ્રી ફાઈલમાં. લખેલું હતું ચતુરચંદ શેઠ. સાંભળ્યું તો ઘેઘુર પહાડી અવાજ. કાન ફાડી નાખે એવો. થોડી ઈર્ષ્યા પણ થઈ કે આવો બધો અવાજ છે કોનો ? નીચે જોયું તો કાનજી ભુટા બારોટ. 5માં ધોરણમાં ભણતા ત્યારે ઘરે વાગતો રેડિયો યાદ આવી ગયો. યાદ આવ્યું કે આ તો જીથરો ભાભો વાળા. બધી વાર્તાઓ ડાઉનલોડ કરી સાંભળી નાખી. એ પછી સાહિત્ય પરિષદે ગયો. અને ત્યાં કાનજી ભુટા બારોટની વાતડિયું વગતાળિયું હાથ લાગી ગઈ. અદ્દલ સોરઠના સિંહે લખ્યું હોય તેવું. બોલચાલની ભાષામાં લખાયેલી વાર્તાએ બળકટ સ્વરૂપ ધારણ કરેલું. કાઠિયાવાડના એવા એવા શબ્દો જે અટાંણે તો ભૂલાઈને આથમી ગયા છે. લલિત ખંભાયતાએ 2015માં સમયાંતર કોલમમાં કાનજી ભુટા બારોટ પર આર્ટિકલ કરેલો. એ અત્યારે હાથવગો નથી. બાકી એમાંથી ઘણું જાણવા મળેત.
આ પુસ્તકમાં 50 વાર્તાઓ છે. જેટલી વાર્તા પુસ્તકમાં છે તેનાથી બીજી અલગ વાર્તાઓ યુટ્યુબ પર અવેલેબલ છે. મૂળ તો કાનજી દાદાએ અઢળક વાર્તાઓ કરેલી. 1990માં તેમને ઈચ્છા પનપી કે હવે મારે મારી લોકવાર્તાઓનો સંગ્રહ કરી નાખવો જોઈએ. પણ કાનજી દાદાની મનની મનમાં જ રહી ગઈ. વાર્તાઓનો સંગ્રહ થાય તે પહેલા જ તેમણે આ દુનિયાને અલવિદા કરી દીધી. જે પછી ઘણા બધા મિત્રોએ લોહી પાણી એક કરીને આ સંગ્રહ તૈયાર કર્યો છે. કાનજી દાદાએ પોતાની વાર્તાઓ થકી લોકોને મૌજે દરિયા કરાવ્યા. તેને પાને મઢતા સંગ્રહના કર્તાધર્તાઓને નવ નેજા નિકળી ગયા હતા. ડૉ વિનુભાઈ પંડ્યા, ધનજીભાઈ વિરાણી, જંયતિ પટેલ, અરવિન્દ ભટ્ટ, વંદનાબેન વ્યાસ આ તમામ લોકોએ કાનજી દાદાનો લહેકો જળવાય રહે તે મુજબનું પ્રૂફ રિડીંગ કર્યું. જેથી વાંચતા સમયે કાઠિયાવાડી ધરતીની સોડમ પાને પાને અનુભવાશે.
1983ના રંગતરંગના અંકમાં ગોવિંદભાઈ મેરે કાનજી ભુટા બારોટનો ઈન્ટરવ્યૂ લીધો હતો. એ ઈન્ટરવ્યૂમાં કાનજીભાઈ પોતાના પિતા કરતાં વાર્તા ક્ષેત્રે કેવા પછાત હતા તેની વાત કરી હતી.
કાનજી દાદાએ કહેલું કે, ‘મારી ઉંમર ત્યારે સાતેક વર્ષની હશે. બાપુજી સાથે હું સાજીયાવદર ગયો હતો. ગામના ચોરે અમે પહોંચ્યા અને ત્યાં બાપુજીએ વાર્તા કહેવાની શરૂ કરી. લોકોને એવા તે હસાવ્યા કે બે ત્રણ જણ હસતા હસતા ભડાંગ… ચોરેથી નીચે પડી ગયા. એ વર્ષ અને પછીના વર્ષે પિતા દેવ થઈ ગયા.’
તેમના પિતા ભુટાભાઈ ગેલાભાઈ બારોટની વાર્તાકળાથી કાગદડીનો એક મુસલમાન એવો હરખાઈ ગયો હતો કે તેણે 75 વીઘા જમીન આપી દીધેલી. એ મુસલમાન માટે કાનજીભાઈના પિતાએ બે વાર્તાઓ માંડેલી. પુરૂષો માટે શોર્યની અને સ્ત્રીઓ માટે પરીની. પણ કાનજી ભુટા બારોટના પિતા મોટા વાર્તાકાર હતા તે તમે બે ફકરાંમાં માની ગયા હો તો તમારી ભૂલ છે.
એમના કાકા બાપુ પિતા કરતાં પણ બે વેત ચડે એવા હતા. નામ હતું સુરા બારોટ. આ સુરા બારોટ એ જ વ્યક્તિ જેમણે ઝવેરચંદ મેઘાણીને સોરઠી સંતોનું દર્શન કરાવેલ હતું. મેઘાણીની વાતો અને લખાણમાં જ્યાં વારંવાર વાજસુરવાળા દરબારનો ઉલ્લેખ આવે છે તેના એક રત્ન સુરા બારોટ હતા. એમની પાસે એક સિતાર હતી. વાર્તા સાથે જ્યારે સિતાર વાગે ત્યારે લોકોને માતાજી પંઈનમાં આવી ગ્યા હોય તેવું લાગે. લોકો ડોલવા માંડતા હતા. હવે એ સિતાર સુરા બારોટ તેમના દિકરાને આપશે તેવું લાગતું હતું, પણ સિતાર ગઈ કાનજી ભુટા બારોટના કાકા ભીખુ બારોટને ત્યાં. આ ભીખુ બારોટ એ સુરા બારોટના શિષ્ય હતા. અને હવે જો તમે માનતા હો કે સુરા બારોટ કાનજીના પિતા કરતાં પણ મોટા વાર્તાકાર તો તમારી ભૂલ થાય છે.
મારો દિકરો વાંચતો જ ન હોય તો મારી લાઈબ્રેરી તેને આપવાથી કંઈ વળે નહીં. તે કોઈ ગ્રંથાલયને કે કોઈ સારા વાંચકને આપી દેવી જોઈએ. તો એ લેખે લાગે. પરિણામે સુરા બારોટે એ સિતાર પોતાના શિષ્ય ભીખુ બારોટને આપી દીધી.
કાનજી દાદાએ ખુદ નોંધ્યું છે કે, ‘મારા વાર્તાગુરૂ મારા બાપુના કાકા સુરા બારોટ. ઘેડ પંથકનું દેળોદર ગામ. એ ગામના ચોરે એક દિવસ સુરા બાપુએ ‘‘વિક્રમ અને મનસાગરો પ્રધાન’’ નામની વાર્તા માંડી. વાર્તા એવી હતી કે શ્રોતામાંથી એક જણો ઉભો થઈ બોલવા માંડ્યો કે, ‘બાપુ આજે વાર્તા કહેવાની રહેવા દો અમારાથી જીરવાતું નથી.’ કારણ કે વાર્તાની ટ્રેજડી એવી હતી કે ત્યાં હાજર બધાની આંખમાંથી મોતીડા જેવા આંસુ સરવા માંડ્યા હતા.
આ દ્રશ્ય જ્યારે કાનજીએ જોયું ત્યારે તેની ઉંમર 12 વર્ષની હતી. 12 વર્ષની ઉંમરે કાનજી ભુટા બારોટે વાર્તા કહેવાની શરૂઆત કરી. કાકાદાદાઓ વાર્તાઓ માંડતા એ વાર્તામાં જે શબ્દો આવે, છંદ અને દુહા આવે તે કાનજી લખતો અને મોઢે કરતો. કોઈ કોઈ વાર યજમાનોને એ પોતાની વાર્તાઓથી ખુશ કરી દેતો. એમાં કોઈ પ્રશંસાના પુલ બાંધે તો કાનજી હરખાતો. પણ મૂળ તો 12 વર્ષના કાનજીની આ તાલીમ હતી. ભવિષ્યની કોને ખબર કે ઉપરના બધાનું નામ લીધું તે સંધાયને પાડી કાનજી સૌથી મોટો લોકવાર્તાકાર થવાનો છે.
કાનજીનું ભણતર વધારે નહોતું. પાંચ ચોપડી જ ભણેલા હતા. વાંચનનો ચસ્કો હતો પણ ક્યાં જઈ પૂરો કરવો ? એટલે કાકાદાદાઓ જે વાર્તાઓ માંડતા તેનો આખે આખો ઈતિહાસ તેણે મોઢે કરી લીધો. વાત જ્યારે એવી બની કે કાનજીની યાદશક્તિ તાકતવાળી હતી. એ જે સાંભળે તે લીટીએ લીટી યાદ રહી જતી. આજની તારીખે કાનજી ભુટા બારોટ જેટલી યાદશક્તિ કોઈ લોકસાહિત્યકારની નથી. એ વાર્તાને અનુરૂપ દુહો ફટકારી જાણતા. એ વાર્તાના ઢાળ પ્રમાણે કહેવતો માંડતા. ત્યાં સુધી કે ડાઈલોગ બોલતા સમયે મારા અવાજ સાથે ચહેરાનો હાવભાવ કેવો હોવો જોઈએ તેની એક અભિનેતા કરતાં તેમને વધારે ખબર હતી. શોર્ય રસ આવે ત્યારે તેમની જીભમાંથી નીકળી જ જાય… ‘તારી જાઈતનો…. મારો બળદ પાંચ રૂપિયામાં લઈ ગ્યો….’
ટ્રેજડી આવે અને સ્ત્રી હોય તો કાનજીનો અવાજ ઢીલો થઈ જાય, ‘એ સાંઈભરૂ હવે આપણે શું કઈરશું આતો માથે આભ ફાટ્યું…’ તો સામેથી શેઠની કહેવત આવે, ‘એલી શેઠાણી હું વાણીયાનો દિકરો છું, આભ ફાટે ને તો મને થીગડું મારતા આવડે છે….’
આ પુસ્તકની પ્રસ્તાવનામાં કનુભાઈ જાનીએ કાનજી દાદાની પ્રશંસામાં લખ્યું છે કે, ‘કહેણીના કલાકારો તો હજી મળે, પણ કંઠ તો ઈશ્વરનું વરદાન.’
આટલો મોટો વાર્તા કહેનારો અમીર હશે તેમ માનતા હશો, પણ કાનજી ભુટા બારોટ કોઈ દિવસ પૈસામાં ન પડ્યા. એ મનોરંજનની બિલ્કુલ વિરૂદ્ધ હતા. જે નાંખવું હોય તે નાખો બાકી વધારે નહીં લેવાનું. કનુભાઈએ પ્રસ્તાવનામાં ઉમેર્યું છે કે, ‘કાનજીએ કથનકલાને સસ્તાઈથી અભડાવા ન દીધી.’ ભીખુદાન ગઢવીએ સાચું જ કહ્યું છે કે, ‘આપણે આ માણસનું કોઈ દિવસ ઋણ નહીં ચૂકવી શકીએ.’
મયૂર ખાવડુ
Leave a Reply