કાન્તિ ભટ્ટ : Reading Of Mister ‘K’
કાન્તિ ભટ્ટનું પત્રકારત્વ કંઈક અલગ દ્રષ્ટિકોણ ધરાવતું હતું. માહિતી સાથે તેમને છેલ્લે સુધી ગળથૂથી જેવો સંબંધ રહ્યો. તેમના કોઈ પણ આર્ટિકલ પર નજર ફેરવો એટલે પહેલી લાઈનમાં યા તો વિદેશી અખબારોથી લખાણ શરૂ કર્યું હોય અથવા તો પુસ્તક અને લેખકનું વર્ણન કરવામાં આવ્યું હોય. જંગલમાં કોઈ એક જ સિંહ બધા જાનવરોના શિકારનો ઈજારો રાખી બેઠો હોય, તેમ કાન્તિ ભટ્ટે કોઈ પણ પુસ્તક વિશે આપેલી માહિતી માંડ 1 ટકા વાચકે વાંચી હોય તેવું બનતું હતું. તેમનું પત્રકારત્વ હોય કે કોલમ… ડેટા સાથે તેમને પરિવાર જેવો સંબંધ રહ્યો હતો. એક લીટી લખવા માટે પણ તેઓ અઢળક પુસ્તકો વાંચી નાખતા હતા. ઓલરેડી જમાનો ઉતાવળનો આવી ગયો છે ત્યારે આવો ગંભીર, વિલક્ષણ, સ્થિતપ્રજ્ઞ અને ડેડલાઈનમાં પુરેપુરૂ માનનારો પત્રકાર હવે ક્યાંથી શોધવો ?
ખોટી માહિતી કે ઠઠ્ઠો ભેગો કરવો, ફિલોસોફીની લાંબી લાઈનો ખેંચવી એ તેમના લખાણમાં કોઈ દિવસ નથી આવ્યું. તેઓ ફિલોસોફીની બે ચાર લાઈનો મુકતા તો તેમાં પણ ઉલ્લેખ કરતા કે ફલાણા લેખકે પોતાના ફલાણા પુસ્તકમાં લખીને આવું મુક્યું છે. હું મહાન છું અને મને આવી મોટી મોટી ફિલોસોફી સાથે ચીકણી ચીકણી વાતો કરતા આવડે છે તેવું બીજાનું વિધાન ઉધાર લઈ તેઓ મહાન ન બન્યા. આવું શા માટે ? કારણ કે કાન્તિ ભટ્ટને પુસ્તકની માહિતી આપી ગુજરાતીઓને વાચતા કરવા હતા. આપણા ઘણા ગુજરાતી લેખકો ઓશોના કારણે તરી ગયા. જો કાન્તિ ભટ્ટે ફિલોસોફીની બે લાઈન મુકી તરવાનું વિચાર્યું હોત તો…? કાન્તિ ભટ્ટ એ વ્યક્તિ હતા જેમનું વાંચન ‘મબલખ’ શબ્દને પણ શરમાવે તેવું હતું.
તેઓ લેખનને હંમેશાં જીવન સાથે સાંકળતા હતા. પોતાના અનુભવો પોતાના વાચકો સાથે શેર કરતા હતા. અત્યારે તો ઉપવાસ ઉપર વેબસાઈટોમાં ઘણું બઘું મળે છે, પણ ખીચડી ખાનારા કાન્તિ ભટ્ટે ઉપવાસ ઉપર જે લખ્યું તે લેખો વાંચી શારીરિક વૃદ્ધિ ધરાવનારા લોકો તો હચમચી જ જાય. બીટી કપાસ ઉપર હવે તો કોઈક જગ્યાએ લખેલું આવે છે પણ બીટી કપાસ એટલે શું તેના પર અઠવાડિયા સુધી લેખ લખનારા કાન્તિ ભટ્ટ હતા.
કાન્તિ ભટ્ટે જ્યારે નિવૃત થવાનું નક્કી કર્યું ત્યારે યુનિવર્સિટીના પ્રોફેસરોનું અડધે અડધું પ્રોફેસરપણું ભાંગી ગયું હશે. કાન્તિ ભટ્ટને રોજ સવારે વાંચી તેઓ વિદ્યાર્થીઓ સામે પોતે બુદ્ધિજીવી હોવાનું પ્રગટ કરતા હતા. બે ચાર ને તો મેં જ સાંભળ્યા છે. ઘણા પ્રોફેસરોની દિનચર્ચા કાન્તિ ભટ્ટથી શરૂ થતી હતી. રોજ સવારે ઉઠી કાન્તિ ભટ્ટને વાચો. કાન્તિ ભટ્ટને વાંચવા એ એક સમયે ખરચૂ જવું, સ્નાન કરવું, દાંતણ કરવું અને છોકરાઓને તૈયાર કરવા તેમાંની જ એક પ્રવૃતિ બની ગઈ હતી. જીવનના એક ભાગ તરીકે તેમનું લેખન વણાઈ ગયું હતું.
આ દુનિયામાં પુસ્તકના પાને પાને રખડવાનું સૌભાગ્ય ઉધયને પ્રાપ્ત થયું હોય છે. પણ ઉધયનો ય રેકોર્ડ તોડે એવા કાન્તિ ભટ્ટ હતા. કાન્તિ ભટ્ટના પુસ્તકોને ઉધય લાગી હશે તે માનીએ પણ તેમના મગજને તો અંત સુધી ઉધય લાગી નહોતી. 80ની ઉંમરે પણ તેઓ ગુજરાતના ખેરખાં કહી શકાય તેવા લેખકોને પોતાની કલમ દ્રારા પરાજીત કરી દેતા હતા. અજાતશત્રુ જેવું પણ તેમના લેખનમાં હતું. વિનોદ ભટ્ટ જ્યારે જીવતા હતા ત્યારે કાન્તિ ભટ્ટે તેમના પર લેખ લખેલો. એ જ વિનોદ ભટ્ટ જે રવિવારે કાન્તિ ભટ્ટની સાથે જ દિવ્ય ભાસ્કરમાં ઈદમ તૃતિયમ કોલમ લખતા હતા.
નગીનદાસ સંઘવીએ પોતાના ભાષણમાં એક સુંદર મજાની વાત કરી હતી. તેમણે કહેલું કે, ‘જીવંત વ્યક્તિનું કોઈ દિવસ મુલ્યાંકન ન થઈ શકે.’ આજે જ્યારે નરેન્દ્ર મોદીએ કાન્તિ ભટ્ટના નિધન પર ગુજરાતી ભાષામાં ટ્વીટ કરી ત્યારે નવી પેઢીને ખ્યાલ આવ્યો હશે કે આપણે શું ગુમાવ્યું છે.
દરેક ભાષાને તેનો લેખક મળી જતો હોય છે, પણ તેમાંથી કાન્તિ ભટ્ટ ખૂબ ઓછી ભાષાને પ્રાપ્ત થાય છે. કાન્તિ ભટ્ટ કોઈ મોટા સાહિત્યકાર નહોતા. તેઓ મોટા લેખક હોવાનું પણ નહોતા માનતા. આ બે કરતા તેમના માટે સારી અને સાચી શ્રદ્ધાંજલી એ હોય શકે કે તેઓ એક સારા રિડર હતા. આપણા માટે લખનારા ઘણાં છે પણ આપણા માટે વાંચનારા હવે ઓછા થતા જાય છે. સુરેશ જોશી, કાન્તિ ભટ્ટ આ એવા લોકો હતા જેઓ આપણા માટે વાંચતા હતા. માઉન્ટ એવરેસ્ટ સુધી ન પહોંચી શકો તો ત્યાં પહોચેલા લોકોના અનુભવો તો વાંચી લો…
ગુજરાતી પત્રકારત્વની અડધી પેઢી કાન્તિ ભટ્ટને વાંચી-અનુકરણ કરી અને પત્રકારત્વમાં આવી છે તે કહેવામાં જરાં પણ અતિશ્યોક્તિ નથી. પણ હવે વાત કાન્તિ ભટ્ટના લેખન કે પત્રકારત્વની નહીં, પણ તેમના વાંચનની કરીએ. ગુજરાતી ભાષાને લેખકોની જરૂર નથી, સારા વાંચકોની જરૂર છે. જો સારું વાંચનારા હશે તો સારા લેખકો આપોઆપ જ મળી જશે.
વાત એક લાઈબ્રેરિયનની
હરગોવિંદદાસ એક શિક્ષક હતા. તેમને પણ વાંચનનો શોખ હતો. ભાવનગરનાં મહારાજાએ ત્યારે પંચાયતમાં લાઈબ્રેરી ઉભી કરવાનું બીડુ ઝડપ્યું હતું. એમાં એક લાઈબ્રેરી સ્થપાઈ ઝાંઝમેર ગામમાં. ઘરમાં પુસ્તકો હતા. એ બે પુસ્તકો હરગોવિંદદાસના દિકરાએ વાંચ્યા હતા. એક હતું ચંદ્રકાન્તા અને બીજું હતું સરસ્વતીચંદ્ર. આ સિવાય પણ ઘણું બધું હોય છે તેની તો મહારાજાએ લાઈબ્રેરીની સ્થાપના કરી ત્યારે તેને ખબર પડી. ત્યાંની લાઈબ્રેરીમાં એક લાઈબ્રેરીયનની તાતી જરૂરીયાત હતી. અને લાઈબ્રેરીયન બન્યો એક ટીન્ડુકડો છોકરો. નામ હતું કાન્તિ હરગોવિંદદાસ ભટ્ટ. કાન્તિ યાદ કરતા કહે છે કે, ‘એ લાઈબ્રેરીમાં ખેડૂતો વાવણી કરી આવ્યા પછી વાચવા માટે આવતા હતા અને મને પણ એ જ ગમતું હતું. હું જ્યાં સુધી બેભાન ન થઈ જાઊં ત્યાં સુધી વાંચતો હતો.’
દીનુભાઈ જોશીની ચાવી ચોરી લીધી
મહુવાની પ્રાથમિક શાળામાં કાન્તિએ એડમિશન લીધું. બન્યું એવું કે ત્યાં લાઈબ્રેરી જેવું હતું જ નહીં. પણ દરેક વ્યક્તિ માટે ઈશ્વર પાતાળમાંથી પણ તેની માનસિક રિપ્લેકા ખોળી કાઢતો હોય છે. એમ કાન્તિનો મેળાપ થયો જીવરામ જોશીના નાના ભાઈ દીનુભાઈ જોશી સાથે. 1941માં દીનુભાઈ જોશી કાન્તિના પાડોશી થયા. એ સમયે મહુવાની નગરપાલિકામાં રસ લેતા જશવંત મહેતાના કેટલાક મિત્રોએ મહુવામાં બાળમંદિર ઉભું કરી દીધું. દીનુભાઈ જોશીએ આ બાળમંદિરમાં એક શરત રાખી કે હું બાળ મંદિર સંભાળુ તો ખરો પણ તમે નાના બાળકો માટે 5000ના ખર્ચવાળી લાઈબ્રેરી ઉભી કરી દો. આખરે દીનુભાઈના વલણના કારણે મહુવામાં પ્રથમ લાઈબ્રેરી ઉભી થઈ. જો કે બન્યું એવું કે લાઈબ્રેરીમાં શરૂઆતમાં દીનુભાઈના દિકરા પ્રેમ અને ભરત સહિત કાન્તિને પ્રવેશ નહોતો મળી રહ્યો. અંદર સાહસકથાના પુસ્તકો જોઈ કાન્તિનું મન લલચાતું હતું. એક આઈડિયા નીકાળ્યો. રવિવારે બાળમંદિરની ચાવી ચોરી કરી અંદર જઈ વાંચવા મંડવાનું. વંચાય જાય એટલે ચાવી દીનુભાઈની કફનીમાં તેમને ખબર ન પડે તેમ મુકી દેતા હતા. પણ કોઈ દિવસ પુસ્તક ચોરતા નહોતા.
મલેશિયાની મજૂરી
10 વર્ષ કાન્તિ ભટ્ટ મલેશિયામાં રહ્યા હતા. 1956થી 1966 સુધી. વાંચન છોડીને કાકાનું ઋણભાર ઉતારવા માટે ત્યાં બિઝનેસમેન તરીકે કામ કરવાનો વારો આવ્યો. જે કાન્તિને બિલ્કુલ પસંદ નહોતું. કાકાની ખાડે ગયેલી કંપનીને ઉંચી લાવવા માટે કાન્તિ 18-20 કલાક કામ કરતા હતા. થોડાં વર્ષ બાદ કાન્તિને તેમાંથી છૂટકારો મળ્યો. સ્ટીમરમાં બેસી કલકત્તા થઈ રંગૂનના રસ્તે મુંબઈ આવી રહ્યા હતા. એ સ્ટીમરમાં એક લાઈબ્રેરી હતી. કાન્તિ ભટ્ટે લખ્યું છે કે, ‘પુસ્તકાલય જોઈ જ્યારે કોઈ યૌવનાની સાથે રોમાન્સ કરવાનું મળ્યું હોય તેવું મને લાગ્યું.’ એ પછી તેમની પુત્રી ફ્લોરિડાની એકહટ કોલેજમાં ભણતી હતી. પરિક્ષા દરમ્યાન પુત્રીને હાથનું રાંધેલું ખાવાનું મળે આ માટે કાન્તિ ભટ્ટ ત્યાં ગયા હતા. ત્યાં ભવ્ય લાઈબ્રેરી હતી અને તે પણ કાન્તિ ભટ્ટે ફેંદી મારી.
એશિયાટીક લાઈબ્રેરીમાં એન્ટ્રી
1966ના સપ્ટેમ્બર મહિનામાં કાન્તિ ભટ્ટ પત્રકાર બન્યા. વ્યાપાર-જન્મભૂમિના ઉપતંત્રી બન્યા. ત્યાં અમૃતલાલ શેઠ બાદ તમામ તંત્રીઓએ લાઈબ્રેરી સમૃદ્ધ બનાવી હતી. તેનો લાભ કાન્તિ ભટ્ટને મળ્યો, પણ તૃપ્તિ નહોતી થતી. એ પછી તેમના સહતંત્રી મોહનલાલ ગાંધીએ તેમને એશિયાટીક લાઈબ્રેરી બતાવી. જ્યાં દુનિયાનાં કોઈ પણ ખૂણેથી પ્રસિદ્ધ થતા પુસ્તકની બે નકલ આવી જતી હતી. 40 વર્ષ જેટલું ત્યાં સભ્યપદ ભોગવ્યું અને અંગ્રેજી-હિન્દી સહિત અઢળક પુસ્તકોનું વાંચન કર્યું.
પુસ્તકો પાછળ 25,000નો ખર્ચ
કાન્તિ ભટ્ટની ઉંમર 80 વર્ષની થઈ ત્યારે ઈન્ટરનેટ ગુજરાતમાં ધમધોકાર ચાલવા લાગ્યું હતું. કાન્તિ ભટ્ટે સાધના મેગેઝિનના લેખમાં કહેલું, ‘હું 2થી 3 કલાક ઈન્ટરનેટ પર વીતાવું છું.’ એ 2-3 કલાક કાન્તિ ભટ્ટ માત્ર સાહિત્ય અને પુસ્તકો વિશે જ માહિતી મેળવ્યા રાખતા હતા. 80ની ઉંમરે પહોંચેલા ત્યારે દિવ્ય ભાસ્કર સહિત અન્ય મેગેઝિનોમાં અઠવાડિયે-મહિને સરેરાશ તેઓ 45 જેટલા લેખો લખતા હતા. લેખો લખવા માટે વાચવું ખૂબ પડે. તેમાં પણ વાત જ્યારે સાહિત્ય અને માહિતીની હોય તો ખૂબ જ વાચવું પડે. 40 વર્ષથી લખતા કાન્તિ ભટ્ટ મહિને 20,000થી 25,000 રૂપિયા મેગેઝિન અને ચોપડાઓ પાછળ ખર્ચી નાખતા હતા. જે દરેક યુવા લેખકનું એક સપનું હોય છે.
ઈન્ટરવ્યૂ લેવા ગયા અને લાઈબ્રેરી માગી લીધી
એક વખત કાન્તિ ભટ્ટ જયવદન તકતવાલાનો ઈન્ટરવ્યૂ કરવા માટે ગયા હતા. જયવદન ભાઈ અમીર. મુંબઈમાં તો પૈસાવાળાઓને એવો શોખ લાગ્યો હતો કે મસમોટી લાઈબ્રેરી ઉભી કરવી, રૂપાળું રૂપાળું લાગે તેવી રીતે ગોઠવવી જેથી બહારથી આવેલા લોકો તે જોઈ અભિભૂત થઈ જાય. થાય કે ભાઈ આટલા અમીર એટલે છે કારણ કે આટલું વાંચે છે. હવે જયવદન ભાઈને ત્યાં મોટી લાઈબ્રેરી હતી. કાન્તિ ભટ્ટથી રહેવાયું નહીં. બોલી બેઠા, ‘આ પુસ્તકો તમે વાંચો છો ?’
સામેથી જયવદનભાઈનો પ્રત્યુતર મળ્યો, ‘બિલ્કુલ નહીં…’
કાન્તિ ભટ્ટે સેકન્ડના સોમાં ભાગમાં પૂછી લીધું, ‘મને આપી દો…’ આમ તો આ માગ્યું નહોતું જ્યારે પુસ્તકો પર કાન્તિ ભટ્ટનો અધિકાર હોય એમ જ બોલતા હતા. જયવદન ભાઈએ તમામ પુસ્તકો કાન્તિ ભટ્ટને આપી દીધા. 310 ચોરસફૂટની ઓરડીમાં કાન્તિ ભટ્ટની લાઈબ્રેરી સ્થપાઈ.
પાંચ મિનિટ પણ બગાડવી નહીં
એક વખત કાન્તિ ભટ્ટ લંડન ગયા હતા. ત્યાં એક અંગ્રેજ મિત્રને ઘરે ઉતર્યા અને જોયું તો તેના સંડાસમાં પણ પુસ્તકો હતા. કાન્તિ ભટ્ટથી રહેવાયું નહીં. સંડાસમાં તો લાઈબ્રેરી ન બનાવી શકાય એટલે તેમણે 80ની ઉંમરે વધતી જતી પુસ્તકોની સંખ્યાને ધ્યાને લઈ નક્કી કર્યું કે સંડાસમાં પણ પુસ્તક લઈને જ જવું જેથી ખોટી થતી ચાર પાંચ મિનિટમાં કંઈક સારું વંચાય જાય.
-મયૂર ખાવડુ (થેન્ક યૂ કાન્તિ ભટ્ટ)
Leave a Reply