ચોર
જ્યારે હું અરૂણને મળ્યો ત્યારે હું માત્ર પંદર વર્ષનો હતો. પણ એ ઉંમરે ય હું અનુભવી અને સફળ ચોર હતો.
અરૂણ કુશ્તી લડતા પહેલવાનોને જોઈ રહ્યો હતો. હું તેની પાસે ગયો. એ લાંબો, દુબળો અને લગભગ વીસ વર્ષની વયનો ફૂટડો જુવાન હતો. એ ઘણો જ સીધો સાદો અને માયાળુ લાગી રહ્યો હતો, જે મારા આયોજન માટે બિલ્કુલ યોગ્ય હતો. આ તરફ કેટલાક દિવસથી મારું નસીબ સાથ નહોતું આપી રહ્યું. આ જુવાન જરૂર મારો ભરોસો કરી લેશે અને મારું ભાગ્ય બદલી જશે.
એ કુશ્તી જોવામાં તલ્લીન હતો. ભીની માટીમાં, તેલથી તરબતર થયેલા પહેલવાન અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં પટકાઈ રહ્યા હતા. એકબીજાને લલકારીને જાંઘમાં થપાટ મારી રહ્યા હતા. હું અરૂણ સાથે સહજતાથી વાતો કરવા લાગ્યો. તેણે પણ એ વાત પોતાના ચહેરા પર ન દર્શાવી કે હું તેને બિલ્કુલ નથી જાણતો.
‘‘તું પણ પહેલવાન લાગે છે.’’ મેં કહ્યું
‘‘હા, તમે પણ.’’ તેણે જવાબ આપ્યો. એક ક્ષણ માટે તો હું સ્તબ્ધ થઈ ગયો. હું તો દૂબળો પાતળો હતો અને મારો તો શરીરનો બાંધો પણ એવો નહોતો.
‘‘ક્યારેક ક્યારેક કુશ્તી લડી લઉં છું.’’ મેં કહી દીધું.
‘‘તારું નામ શું છે ?’’
‘‘દીપક.’’ મેં ખોટું બોલ્યું.
દીપક કદાચ મારું પાંચમું નામ હતું. આ પહેલા હું ખૂદને રણવીર, સુધીર, ત્રિલોક અને સુરિંદર કહી ચૂક્યો હતો.
આ પ્રારંભિક વાતચીત બાદ અરૂણ માત્ર કુશ્તી પર વાર્તાલાપ કરતો રહ્યો અને મારી પાસે પણ કહેવા માટે કશું નહોતું. થોડા સમય પછી તે દર્શકોની ભીડથી દૂર જવા લાગ્યો. હું તેની પાછળ ગયો.
‘‘હેલો.’’ તેણે કહ્યું, ‘‘મઝા આવી રહી છે ?’’
મેં ચહેરા પર અનુરોધરૂપી સ્મિત રેલાવતા તેની સામે જોયું. ‘‘હું તારા માટે એક કામ કરવા માગુ છું.’’ મેં કહ્યું.
એ આગળ ચાલવા લાગ્યો, ‘‘તને કેવી રીતે ખબર કે મને કોઈ કામવાળાની જરૂર છે.’’
‘‘ભાઈ.’’ મેં કહ્યું, ‘‘હું આખો દિવસથી ભાટકી રહ્યો છું. કોઈ સારા માણસની ખોજમાં. જેના માટે હું કામ કરી શકું. જ્યારે મેં તને જોયો તો મને લાગ્યું કે તારા જેવો તો કોઈ નહીં મળી શકે. ’’
‘‘મને માખણ લગાડે છો?’’
‘‘હા.’’
‘‘પણ તું મારા માટે કામ નહીં કરી શકીશ.’’
‘‘કેમ નહીં ?’’
‘‘કારણ કે તને પગાર આપવા માટે મારી પાસે પૈસા જ નથી.’’
મેં થોડી ક્ષણો વિચાર્યું. કદાચ મેં અનુમાન લગાવવામાં મોટી ભૂલ કરી દીધી.
‘‘શું તું મને જમાડી શકીશ ?’’
‘‘તું જમવાનું બનાવી શકીશ ?’’ તેણે પ્રત્યુતર કર્યો.
‘‘હા… હા, હું બનાવી લઉં છું.’’ મેં ખોટું બોલ્યું.
‘‘જો ખાવાનું બનાવી શકે, તો હું તને ખાવાનું ખવડાવી દઈશ. ’’ અરૂણે કહ્યું.
તે મને તેના રૂમમાં લઈ ગયો. ઉંઘવા માટેની જગ્યા બતાવી દીધી. બાકી રાત્રે મારે ફરી રસ્તાની ધૂળ પર આળોટવાનો વારો આવેત. જે જમવાનું મેં બનાવ્યું હતું તે એટલું ખરાબ હતું કે અરૂણે બધુ પાડોશીની બિલાડીને આપી દીધું. તેણે મને તુરંત અહીંથી રફુચક્કર થઈ જવાનું કહ્યું. પણ હું ત્યાં જ સ્થિતપ્રજ્ઞ રહ્યો. ડાચા પર એક દયાળુ અને આગ્રહ ભરેલા સ્મિત સાથે.
થોડી વાર પછી અરૂણ જોરજોરથી હસવા લાગ્યો. તે ખુરશી પર બેસી ગયો અને નિરંતર મોડે સુધી હસ્યા રાખ્યો. પછી બોલ્યો, ‘‘ચાલો કંઈ વાંધો નહીં. કાલ સવારે હું તને ખાવાનું બનાવવાનું શીખવાડીશ.’’
તેણે ન માત્ર મને ખાવાનું બનાવવાનું શીખવાડ્યું પણ મને મારું નામ લખતા પણ શીખવાડ્યું. તેનું નામ લખતા પણ મેં શીખ્યું. અરૂણે મને કહ્યું કે, તે જલ્દી જ મને આખે આખા વાક્યો લખતા શીખવાડી દેશે અને કાગળમાં હિસાબ કરવાનું પણ. ભલે પાસે પૈસા હોય કે નહીં.
અરૂણ સાથે કામ કરવામાં ઘણી મઝા આવતી હતી. હું સવારે ચા બનાવતો, પછી બજારમાંથી સામાન લેવા માટે જતો હતો. હું કરિયાણું લેવામાં ઘણો સમય ખર્ચી નાખતો હતો. હું પચ્ચીસ પૈસાની રોજ કટકી કરી લેતો હતો. તેને કહેતો કે, ચોખા છપ્પન પૈસાના મળ્યા. (મોટાભાગની દુકાનોમાં એ જ ભાવ ચાલતા હતા) પણ હું તેને પચાસ પૈસામાં ખરીદતો હતો. મારા ખ્યાલથી તેને ખબર પડી ગઈ હતી કે, હું આ રીતે થોડા પૈસાની બઠાંતરી કરી લઉં છું. પણ તેણે કોઈ દિવસ કંઈ કહ્યું નહીં. તે મને પગાર પણ નહોતો આપી શકતો.
એણે મને લખવાનું શીખવાડ્યું એટલે હું તેનો ખૂબ આભારી છું. મને ખબર હતી કે ભણેલ-ગણેલ માણસની જેમ હું લખતા શીખી જાઉં તો મારી સામે અસીમ સંભાવનાઓ રહેલી છે. કદાચ મને તે ઈમાનદારી તરફ પણ લઈ જાય.
અરૂણની કમાણીનું કંઈ નક્કી નહોતું. એક અઠવાડિયું ઉધાર લેતો હતો અને બીજા અઠવાડિયે ઉધાર ચૂકવી દેતો હતો. ક્ષણે ક્ષણે તેને ચિંતા રહેતી હતી કે આગલો ચેક ક્યારે આવશે ? પણ ચેક આવતા જ તે હર્ષોઉલ્લાસપૂર્વક જશ્ન મનાવતો હતો.
એક રાતે તે નોટોનો થોકડો લઈ ઘરે આવ્યો. રાત્રે મેં તેને તે બંડલને પોતાના ઓશિકા નીચે રાખતા જોયો. હું અરૂણ સાથે લગભગ પંદર દિવસથી કામ કરતો હતો. થોડી ઈમાનદારીમાં બેઈમાની કરી હતી, પણ કોઈ દિવસ પૈસા ઉઠાવી ઉડન છૂ થવાનો પ્રયત્ન સુદ્ધા નહોતો કર્યો. મને પૂરતી તક મળતી હતી. મારી પાસે મેઈન ગેટની ચાવી હતી. જ્યારે અરૂણ બહાર જતો ત્યારે હું અંદર પ્રવેશી શકતો હતો. એ ભરોસે લાયક માણસ હતો અને એટલે જે તેને ત્યાં ધાડ પાડવાનો વિચાર મને અત્યાર સુધી નહોતો આવ્યો.
એક લાલચી પાસેથી પૈસા ચોરવા સરળ છે, કારણ કે આ જ તેના માટે સજા છે, અમીર પાસેથી પણ ચોરી લેવા સહેલા છે, તેને શું ફર્ક પડે. પણ ગરીબ માણસ પાસેથી ચોરી કરવી મુશ્કેલ છે. ભલે તે ખૂદ ચોરીના ડરથી મુક્ત હોય.
એક અમીર માણસ, એક લાલચી માણસ કે એક હોશિયાર માણસ કોઈ દિવસ પોતાના રૂપિયા ઓશિકા નીચે નહીં રાખે. એ તેને તાળું લગાવી કોઈ સુરક્ષિત જગ્યાએ રાખશે. અરૂણે તો પોતાના પૈસા એવી જગ્યાએ રાખ્યા હતા જ્યાંથી બાળક પણ રમત-રમતમાં પૈસા કાઢી શકે. હવે કંઈક અસલી કામ કરવાનો વખત આવી ગયો છે, મેં ખૂદને કહ્યું, મારી તો આદત જ છૂટી રહી છે…. જો હું આ પૈસા નહીં ચોરીશ તો અરૂણ પોતાના મિત્રો ઉપર ઉડાવી દેશે…. મને પગાર પણ નથી આપતો.
અરૂણ ઉંઘતો હતો. ઓસરી પરથી આવી ચંદ્રનો પ્રકાશ પલંગ પર પડી રહ્યો હતો. હું જમીન પર બેસી ગયો. ગોદડુ પોતાની ચારે તરફથી ઢાંકી દીધું. સ્થિતિને પરખવા લાગ્યો. નોટના એ બંડલમાં ઘણા પૈસા હતા. જો મેં તે લઈ લીધા તો મારે શહેર છોડી જવું પડશે-હું રાતના સાડા દસ વાગ્યાની અમૃતસર એક્સપ્રેસ પકડી શકું છું. ગોદડામાંથી ધીમેથી નીકળીને હું હાથ અને પગના બળે ઘસડાતો દરવાજાથી અંદર ગયો અને અરૂણની તરફ જોવા લાગ્યો.
એ આરામથી ઘસઘસાટ ઉંઘી રહ્યો હતો. તેનો શ્વાસ ધીમે ધીમે અને સુખપૂર્વક ચાલી રહ્યો હતો. તેનો ચહેરો સાફ હતો. કોઈ દાગ નહોતો. મારા ચહેરા પર ઘણા દાગ હતા. જો કે એ દાગ ઈજાઓના હતા. મારા હાથ હળવેકથી ઓશિકાની નીચે ગયા. આંગળીઓ નોટોને ખોજવામાં લાગી ગઈ. તેને તે મળી ગઈ અને મેં કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વિના હળવેકથી બહાર કાઢી લીધી.
અરૂણે ઉંઘમાં એક ઉંડો શ્વાસ લીધો અને પડખુ ફરી ગયો. મારી તરફ. મારો ખાલી હાથ તેના ખાટલા પર હતો. તેના વાળ મારી આંગળીઓને અડક્યા. જ્યારે તેના વાળ અડક્યા તો હું કાંપી ઉઠ્યો. જમીન પર ઢસડાઈને, જલ્દીથી, ચૂપચાપ, રૂમની બહાર નીકળી ગયો.
રસ્તા પર આવીને હું દોડવા લાગ્યો. બજારના રસ્તેથી રેલવે સ્ટેશનના રસ્તે દોડ્યો. દુકાનો બંધ થઈ ગઈ હતી. ઉપરની
બારીઓમાંથી પડતો પ્રકાશ દેખાતો હતો. નોટ મારી કમરમાં હતા. પાયજામાના નાળાથી બંધાયેલા. મને લાગ્યું કે મારે રોકાવું પડશે અને નોટ ગણવા પડશે, ભલે ટ્રેન માટે મોડુ થઈ જાય. દસને વીસ વાગ્યા હતા. હું ધીમે ધીમે ચાલવા લાગ્યો. મારી આંગળીઓ ઝડપથી નોટ પર સરકવા લાગી. સો રૂપિયા હતા, પાંચ-પાંચની નોટમાં, સારો માલ હતો. એક બે મહિના તો હું રાજકુમારની જેમ રહી શકીશ.
જ્યારે હું સ્ટેશન પહોંચ્યો તો ટિકિટ લેવા માટે ન રોકાયો (મેં જીવનમાં કોઈ દિવસ ટિકિટ નહોતી ખરીદી) હું ભાગીને પ્લેટફોર્મમાં ઘુસી ગયો. અમૃતસર એક્સપ્રેસે ચાલવાનું શરૂ કર્યું. અત્યારે તો એ એટલી ધીમે ચાલી રહી હતી કે હું કોઈ પણ ડબ્બા પર કૂદીને ચઢી શકુ. પણ અચાનક હું અટકી ગયો. કોઈક મહત્વના, પણ ન સમજાતા કારણથી.
હું જડવત્ થઈ ગયો અને ટ્રેન છૂટી ગઈ. ટ્રેનના જતા જ પ્લેટફોર્મ પર થઈ રહેલી હોહો અને હાહા શાંત પડી ગઈ. પ્લેટફોર્મ પર મેં ખૂદને એકલો અનુભવ્યો. એ જાણકારીએ કે મારી પાસે પાયજામામાં એક સો રૂપિયા હતા. હું વધારે એકલો પડી ગયો. રાત ક્યાં ગાળુ મને ખબર નહોતી પડી રહી. મારા કોઈ મિત્ર નહોતા, કારણ કે મિત્રો જ કોઈકવાર કરેલા કામ પર પાણી ફેરવી દે છે. હોટલમાં રહીને હું બધાની આંખે ચઢવા નહોતો માગતો. આખા શહેરમાં હું એક જ વ્યક્તિને બરાબર ઓળખતો હતો; એ જ વ્યક્તિ જેના ઘરે મેં ચોરી કરી હતી.
સ્ટેશનથી બહાર નીકળીને ધીમે ધીમે હું બજાર તરફ પગપાળા ચાલવા લાગ્યો, અંધેરી અને સૂનસાન ગલીઓમાં ઘૂમતો રહ્યો. હું અરૂણ વિશે વિચારતો રહ્યો. એ ઉંઘી રહ્યો હશે. સુખેથી, તેને તો તેના નુકસાનની કોઈ ભનક નહીં હોય. મેં એ લોકોનાં ચહેરાનો અભ્યાસ કર્યો જેમણે પોતાની મૂલ્યવાન વસ્તુ ગુમાવી દીધી હોય. લાલચી માણસ એકદમ હેબતાઈ જાય છે, અમીરને ગુસ્સો આવે છે, ગરીબ ડરી જાય છે. પણ મને ખબર હતી કે જ્યારે અરૂણને આ ચોરીની ખબર પડશે તો એ હેબતાશે પણ નહીં અને ગુસ્સે પણ નહીં થાય અને ન તો તે ડરશે. બસ, તેના ચહેરા પર એક ભારી દુખ હશે, પૈસા ગુમાવવાનું નહીં, પણ મારા વિશ્વાસઘાતનું.
હું મેદાનમાં પહોંચી ગયો અને એક બાકડાં પર બેઠો. પગ ઉઠાવીને થાપા નીચે દબાવી દીધા. રાતમાં ટાઢોડુ હતું અને
અરૂણનું ગોદડુ સાથે ન હોવાનો વસવસો પણ હતો. વાયરો વાતો હતો અને મારી મુશ્કેલી વધી ગઈ હતી. જલ્દી જ સાંબેલાધાર વરસાદ પડવા લાગ્યો. મારા વસ્ત્રો મારા શરીર સાથે ચોંટી ગયા. ઠંડી હવાએ પાણી સાથે ભળી જઈને મારા ગાલ પર ચાબુક ફટકારી દીધી. મેં સ્વયં સાથે વાત કરી કે, બેન્ચ પર આડા પડવાની તો તને ટેવ હોવી જોઈએ. પણ અરૂણના ગાદલાએ મને નરમ બનાવી દીધો હતો. હું બજારમાં પરત ગયો અને બંધ દુકાન સામે આવેલી એક સીડી પર બેસી ગયો. અપરિચિતો મારી આજુબાજુ આડા પડ્યા હતા. મેં પૈસાને અડક્યા. તે હજુ મારી પાસે હતા પણ તેની કડકાઈ નહોતી રહી. એ ભીંજાય ગયા હતા.
અરૂણના પૈસા. કદાચ સવારે તે એક રૂપિયો મને પિક્ચર જોવા આપી દેત. પણ બધા તો મારી પાસે હતા. હવે મારે તેના માટે ભોજન બનાવવાની જરૂર નહોતી. ન તો બજાર જવાની, ના પૂરા વાક્યો લખતા શીખવાની. પૂરે પૂરા વાક્ય…
હું તો એ વિશે ભૂલી જ ગયો હતો. પૈસા મળી જવાના ઉત્સાહમાં. એક આખુ વાક્ય લખી શકીશ તો ચોક્કસ કોઈ દિવસ સો રૂપિયાથી વધારે કમાઈ લઈશ. ચોરી કરવું અઘરૂ નથી (કોઈવાર પકડાઈ જવું તે તેના કરતાં પણ સરળ) પણ સાચે જ, મોટું માણસ બનવું, એક સફળ અને સમજદાર માણસ બનવું, આ કંઈક અલગ જ વાત છે. મારે અરૂણ પાસે ફરી જવું જોઈએ. મેં અંતરમન સાથે વાત કરી, કદાચ ભણવા-ગણવા માટે. અરૂણ માટેનો પ્રેમ જ મને તેની પાસે ખેંચી ગયો. મારી એક જ નબળાઈ છે. બીજા પ્રત્યે સંવેદના. કોઈવાર અચકાવાના કારણે હું ચોરી કરતાં પકડાઈ પણ ગયો છું. સફળ ચોર બનવા માટે નિર્મમ હોવું જરૂરી છે. મને અરૂણ પ્રત્યે લગાવ થઈ ગયો હતો. મારો તેના પ્રત્યે પ્રેમ, તેના માટે સહાનુભૂતિ, પણ સૌથી વધારે સંપૂર્ણ વાક્ય લખવાની ઈચ્છા તેની પાસે ફરી ઢસડી ગઈ.
હું ફટાફટ રૂમ પર ગયો. હું ડઘાઈ ગયો હતો. ચોરી કરવી તો સહેલી છે, પણ ચોરી કરેલી વસ્તુને પરત કરવી, એ પણ પકડાયા વિના, ખૂબ આકરૂ કામ છે. હવે જો હું પલંગની નજીક પકડાઈ ગયો. પૈસા હાથમાં રાખીને, કે મારો હાથ ગાદલાની નીચે હોય તો એક જ ખુલાસો છે. હું સાચે જ ચોરી કરી રહ્યો હતો. જો અરૂણ જાગી ગયો તો હું હેરાન થઈ જઈશ.
મહામહેનતે મેં દરવાજો ખોલ્યો. દરવાજાના ઉંબરે ઉભો રહ્યો. ચંદ્ર પર વાદળોનો ચંદરવો છવાયો હતો. ધીમે ધીમે મારા ચક્ષુઓને રૂમના અંધારાની આદત પડી ગઈ. અરૂણ હજું પણ ગાઢ નિંદ્રામાં હતો. હું ફરી હાથ-પગ હલાવતો પલંગની નજીક પહોંચ્યો. મારા હાથ નોટને પકડી ઉપર ઉઠ્યા. મારી આંગળીઓએ તેના શ્વાસનો અનુભવ કર્યો. હું તેના નાક-નક્શા અને સહજતાથી શ્વાસ લેતી ક્રિયાને તાકતો રહ્યો. એક મિનિટ સુધી હું ચૂપચાપ ઉભો રહ્યો. પછી મારા હાથે ગાદલાને પસવાર્યો. ખૂણો મળી ગયો અને નોટનું બંડલ સરકાવી દીધું.
સવારે મોડો ઉઠ્યો. અરૂણે ચા બનાવી લીધી હતી. અજવાળામાં તેના ચહેરાને જોવાની હિંમત એકઠી નહોતી થઈ શકતી. તેનો હાથ મારી તરફ વધ્યો. તેની આંગળીઓમાં એક પાંચ રૂપિયાની નોટ હતી. મારું હ્રદય બેસી ગયું.
‘‘મેં કાલ પૈસા બનાવ્યા.’’ તેણે કહ્યું, ‘‘હવે તને બરાબર પગાર મળશે.’’ મારા જીવમાં જીવ પરોવાયો, બીક આઘી ખસી ગઈ. પૈસા પરત કરવા માટે મેં ખૂદની પીઠ થપથપાવી. પણ જ્યારે મેં નોટ હાથમાં પકડી, મને લાગ્યું કે તેને બધો અણસાર આવી ગયો છે. નોટ રાત્રે વરસાદમાં ભીંજાયેલા હતા.
‘‘આજે હું તને મારું નામ લખતા સિવાય પણ ઘણું શીખવાડીશ.’’ તેણે કહ્યું.
તેને મૂળથી ખબર હતી. પણ ન તો તેના હોઠે કે ન તો તેની આંખોએ કંઈ ઉચ્ચાર્યું. મેં ફરી અરૂણની તરફ જોયું અને નિવેદનરૂપી સૂચક રીતે સ્મિત રેલાવ્યું. આ વખતે હાસ્ય મારા ચહેરા પર આવી ગયું હતું. જેની મને પણ ખબર નહોતી.
મૂળ શિર્ષક – The Thief‘s Story (ચોર)
લેખક-રસ્કિન બોન્ડ
અનુવાદ-મયૂર ખાવડુ
Leave a Reply