છેલ્લાં કેટલાય સમયથી ભગવતીકુમાર શર્માની વાર્તાઓ વાંચવી હતી. ધાપુ વાર્તા વાંચ્યા બાદ ભગવતીકુમાર શર્માની વાર્તાકળા પ્રત્યે મને એક અનોખું આકર્ષણ થયું હતું. પછી તો ઠેર ઠેર ભગવતીકુમાર શર્માની વાર્તાઓ શોધી પણ મળી નહીં. જો કે જેના પર વધારે આશા રાખી શકાય તેવા શરીફા વીજળીવાળાએ આ વાર્તાનું સંપાદન કરી એક અનમોલ ભેટ આપી છે. અનુ-આધુનિક કે આધુનિક યુગના વાર્તાકારો માટે જે સારા શબ્દો વાપરી શકાય તે તમામ શબ્દો ભગવતી દાદાની વાર્તા માટે પણ વાપરવા રહ્યા.
આપણે ત્યાં વિવેચન ક્ષેત્રે મોટાભાગે ભગવતી દાદાની નવલકથાઓ પર કલમ ચાલી છે. ઉર્ધ્વમૂલથી લઈને સમયદ્રીપ સુધીની તેમની નવલકથાઓએ યુવા સાહિત્યકારોમાં પણ પોરસ ચડાવ્યું છે. તેમના ગઝલ પરના પ્રભૂત્વને પણ આપણે શબ્દોમાં ઢાળી તેમની પ્રશંસાના પુલ બાંધ્યા છે, પણ તેમની વાર્તાઓ વિશે ખૂબ ઓછું લખાયું છે. અન્ય શબ્દોમાં કહી શકાય કે તેમની નવલકથાઓ અને ગઝલોના ઘોડાપૂર વચ્ચે તેમની વાર્તાકળા દબાય ગઈ.
શરીફા વીજળીવાળાએ આ પુસ્તકનું સંપાદન કરી ગુજરાતી સાહિત્યને એક અનોખો સંપાદિત્ત સંગ્રહ આપી દીધો છે. શરીફા વીજળીવાળા જેટલા સર્જક તરીકે પસંદ છે તેનાથી વધારે સંપાદક તરીકે પસંદ છે. સાહિત્ય રસિકોની રૂચિને લગતી વાર્તાઓનું સંપાદન જ્યારે સાહિત્યને જરૂર હોય ત્યારે તેમની પાસેથી મળી રહે છે. ઉપરથી શરીફા બેન પાસેથી વાર્તા ક્ષેત્રનું વિપુલ જ્ઞાન પણ તેમના વીડિયોમાંથી તમને મળી રહેશે. (એ વીડિયો પ્રથમ કૉમેન્ટમાં જોવા મળી જશે.)
શરીફા વીજળીવાળાએ બકુલેશની વાર્તાઓ, નારીઓને કેન્દ્રસ્થાને રાખી શતરૂપા વાર્તાસંગ્રહ, જયંત ખત્રીની ગદ્યસૃષ્ટિનો મસમોટો સંગ્રહ, જયંત ખત્રીનો વાર્તાવૈભવ, હરેશ નાગ્રેચાની શ્રેષ્ઠ વાર્તાઓ આ સિવાય અંગત રીતે ગમતાં બે સંપાદિત્ત પુસ્તકો એટલે સરોજ પાઠક અને હિંમાશી શેલતની વાર્તાઓનું પણ તેમણે સંપાદન કર્યું છે.
આજથી બે વર્ષ પહેલા ભગવતીદાદાની વાર્તા ધાપુ વાંચી હતી. જેમાં એક શિક્ષક અને હિજડાઓની જમાતાની આસપાસ વણાયેલી કથા હતી. ચંચુપાત કરવાનો શોખીન એવો શિક્ષક પોતાના પાડોશીઓને ત્યાં જ્યારે પણ દિકરાનો જન્મ થાય ત્યારે હિજડાઓને કાનાફૂંસી કરી આવતો હતો, જેનાથી પાડોશીઓ પણ તંગ આવી ગયા હતા. પાડોશી પણ નક્કી કરીને બેઠાં હતાં કે એકવાર માસ્તર હાથમાં આવે પછી વાત… અને એ દિવસ પણ આવી ગયો. વાર્તા પુરી થાય છે અને જ્યારે અંત આવે છે ત્યારે તમારી પાસે આંખો પહોળી કર્યા સિવાયનો કોઈ વિકલ્પ નથી બચતો. ધાપુમાં સમાજમાં વારંવાર બનતી ઘટનાને મોટું સ્વરૂપ આપી એવી રીતે રજૂ કરવામાં આવી હતી કે, એ ઘટના વાંચ્યા બાદ આજ સુધી આ વિષય પર કોઈની નજર કેમ ન ગઈ તેવું લાગ્યા વિના ન રહે.
તારક મહેતાએ એક સરસ વાત કહેલી, ‘મને આજ સુધી મારી પ્રસ્તાવના સારી છે આ માટે કોઈ વાચકનો પત્ર નથી આવ્યો.’ પણ સંપાદિત્ત પુસ્તકોની પ્રસ્તાવના એટલા માટે વાંચવી રહી કારણ કે તેમાં વિવેચન પણ સમાયેલું હોય છે. શરીફા વીજળીવાળાએ પુસ્તકની પ્રસ્તાવનામાં ભગવતીકુમાર શર્મા વિશે લખ્યું છે કે, ‘‘ભગવતીભાઈએ વાર્તાઓ લખવાનું તો ઘણું વહેલું શરૂ કરેલું. 1975 સુધીમાં પાંચેક વાર્તાસંગ્રહોમાં લગભગ સો જેટલી વાર્તાઓ લખાઈ હશે. વાર્તારસમાં ચાલે એવી આ વાર્તાઓમાંથી સાચવી રાખવા જેવી તો એકાદ વાર્તા જ મળે. 1980 પછી એમની પાસેથી સારી કહી શકાય એવી વાર્તાઓ મળવાની શરૂ થઈ. જેની સંખ્યા ઉત્તરોતર વધતી ગઈ. અંતિમ સંગ્રહ શંખધ્વનિમાં સારી વાર્તાઓની સંખ્યા વધી છે તો સર્જક ભગવતીકુમાર શર્માનો કથાપ્રવેશ પણ વધ્યો છે.’’
આમ તો પુસ્તકની અંદર જ ભગવતી કુમાર શર્માએ કેટલા વાર્તાસંગ્રહો આપ્યાં તેનો આંકડો લખેલો છે. ભગવતીદાદાએ 11 વાર્તાસંગ્રહો આપ્યા છે. આ સિવાય 13 નવલકથા, 8 કાવ્યસંગ્રહ અને 8 નિબંધસંગ્રહ. ભગવતી કુમાર શર્માએ લગભગ 300-400 વાર્તાઓ લખી છે. જેમાં તેઓ સતત પોતાની વાર્તાઓને મઠારતા રહ્યા તેના વિશે પણ પુસ્તકમાં લખેલું છે.
પત્રકરત્વની દુનિયામાં સાહિત્યનો ભાવ જીવંત રાખી વાર્તાઓ લખનારા જૂજ પત્રકારો મળે છે. કદાચ એટલે જ શરીફા બેને ભગવતી દાદાની પત્રકારત્વ અને સાહિત્યની કરિયરને મેઘાણી અને હરિન્દ્ર દવે સાથે મુલવી છે. રોજ બરોજ છાપામાં જે વાર્તાઓ તમે કે હું વાંચીએ છીએ તેમાંની ઘણી ખરી વાર્તાઓ ટાઈમપાસ કે મુગ્ધાઅવસ્થાને પોષવા સિવાય કંઈ નથી હોતી. ભગવતી દાદાએ પણ આવી વાર્તાઓ શરૂઆતમાં લખી જ હશે કારણ કે તેમની પાસેથી સારી વાર્તાઓ મળવાની શરૂઆત તો ખૂબ પાછળથી થઈ.
મોટાભાગે સાહિત્યમાં નિષ્ફળ નિવડેલો વ્યક્તિ કે સાહિત્યમાં રૂચિ ધરાવનારો માણસ બાદમાં પત્રકાર બની ઠરીઠામ થઈ જતો હોય છે અથવા તો પત્રકારત્વ કરીશ તો સાહિત્યની બારી ખુલી જશે આવા વિચારો તેના મગજમાં ઘેઘુર વાદળની જેમ ઘેરાતા રહેતા હોય છે. પણ પત્રકારત્વમાં આવ્યા બાદ સાહિત્યનો શોખ પૂરો કરનારા આપણે ત્યાં ખૂબ ઓછા છે. તેમાંના એક ભગવતી કુમાર શર્માને ગણી શકીએ. જેમણે પત્રકારત્વ સાથે લગ્ન કર્યા છતાં સાહિત્યને છૂટાછેડા ન આપ્યા. અન્યથા ઘણાં પત્રકારોનો આજે સાહિત્ય એ શોખનો વિષય બનીને રહી ગયો છે.. રહેતો રહેશે.
ભગવતીકુમાર શર્માની દ્રષ્ટી, પત્નીનું મૃત્યું અને ઘર છોડવાની લાચારી આમ લેખકના અંગત જીવનના કથાપ્રવેશ વિશે પણ શરીફા બેને લખ્યું છે. પણ હવે તેમની વાર્તાઓ વિશે વધારે નહીં કહું. વિવેચન કે પુસ્તકનો રિવ્યૂ તો બિલ્કુલ નથી કરવો કારણ કે આ પુસ્તક ખરીદ્યા બાદ તેમની વાર્તા વાંચજો અને બાદમાં શરીફા વીજળીવાળાએ વાર્તાઓ વિશે જે લખ્યું છે તે વાંચજો. એક સંપાદકે ક્યા દ્રષ્ટિકોણથી વાર્તાઓ સંપાદિત્ત કરી છે અને આ વાર્તાઓ જ આ સંગ્રહમાં શા માટે આવી, આ પ્રશ્નનો જવાબ તમને પુસ્તકની પ્રસ્તાવનામાંથી મળી જશે.
મયૂર ખાવડુ
Leave a Reply