દિલીપ પરીખ : ગુજરાતનો 13મો મુખ્યમંત્રી જેણે 13 નવેમ્બરે વિશ્વાસમત રજૂ કર્યો અને ગુજરાતનો નાથ બન્યો
દિલીપ પરીખ ગુજરાતના નહોતા. માત્ર તેમના વડવાઓ એક સમયે ગુજરાતમાં રહેતા હતા. મુંબઈમાં રહેતા દિલીપ Elphinstone કોલેજમાં ભણ્યા હતા. ગુજરાતી હોવાનો તેમનામાં એક જ પૂરાવો ધબકતો હતો. છાપાવાળો ફેરિયો જ્યારે ઘરના દરવાજાની નીચેથી ત્રણ અંગ્રેજી અખબાર સરકાવતો ત્યારે એક ગુજરાતી અખબાર પણ સરાકાવી દેતો હતો. જેનું નામ હતું ગુજરાત સમાચાર. ગુજરાત સમાચાર વાંચવા સિવાય દિલીપ ફ્લૂઅન્ટ ગુજરાતી બોલતા હતા. લખી શકતા હતા. પ્લાસ્ટિકના બિઝનેસમાં સક્રિય રહેતા દિલીપ પરીખની એક દિવસ શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત થઈ. દિલીપ એ વખતે રાજકારણમાં આવવાનું મન ન બનાવેત તો પણ પ્લાસ્ટિકનો બિઝનેસ ધમધોકાર ચાલતો હતો. પણ શંકરસિંહ વાઘેલા તેમના મિત્ર થયા. મિત્ર ભાવે દિલીપ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બન્યા, શંકરસિંહના કહેવાથી અમદાવાદની ધંધૂકા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જે કામ શંકરસિંહ બાપુને કરતાં 30 વર્ષ લાગ્યા હતા તે ગુજરાતની ધરતી પર દિલીપે રાજનીતિમાં હકડેઠાઠ અનુભવ ન હોવા છતાં ત્રણ વર્ષમાં કરી દેખાડ્યું. જેના બેકગ્રાઊન્ડમાં તો શંકરસિંહ જ હતા.
HISTORY REPATE
ઘણી વખત આપણે બોલીએ છીએ કે ઈતિહાસ ખૂદને દોહરાવે છે. લોભનો વિચાર કરો અને લોભ થઈ જાય, તેમ ઈતિહાસ પાછો સામે આવીને ઉભો છે તેનો વિચાર કરો તે પહેલા તો ઈતિહાસ રચાય ગયો હોય. 1997ની એ સાલ હતી. બસ તેના એક વર્ષ પહેલા જ લોકસભામાં દંગલ થયું હતું. 13 દિવસની વાજપેયીની સરકાર પડી ભાંગી હતી. એચ.ડી દેવેગૌડા વડાપ્રધાન બન્યા હતા જેમની પાસેથી કોંગ્રેસે સમર્થન ખેંચી ઈન્દ્રકુમાર ગુઝરાલને વડાપ્રધાન બનાવ્યા અને હવે આવું ગુજરાતની ધરતી પર થવાનું હતું, કોંગ્રેસે રાષ્ટ્રીય દળના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાસેથી સમર્થન ખેંચવાનું નક્કી કર્યું હતું.
શંકરસિંહ સ્ટાઈલ
આ વાતની શંકરસિંહ વાઘેલાને ત્યારે ખબર પડી જ્યારે રાષ્ટ્રીય જનતા પાર્ટીની મિટીંગમાં એક વ્યક્તિ આવી કાનમાં કહી ગયો. તેણે એ પણ કહ્યું કે, ‘કોંગ્રેસ રાજ્યપાલને પત્ર પણ આપી ચૂકી છે જેથી હવે ગમે ત્યારે સરકાર પડી ભાંગશે.’ આ વખતે શંકરસિંહ વાઘેલાના મનમાં એક જ વસ્તુ ચાલતી હતી. ‘અત્યારે કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર નથી. તેની પાસે રાષ્ટ્રીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. એવામાં હું ખુરશી પર રહું કે ન રહું ફર્ક પડતો નથી. ગમે તે વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે.’ મીટીંગ પૂર્ણ કરી જ્યારે વાઘેલા બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘કોંગ્રેસે કોઈ પણ શર્ત રાખ્યા વિના મારી પાર્ટીને 1 વર્ષ સુધી સપોર્ટ કર્યો. આ માટે હું તેનો ખૂબ ખૂબ આભાર માનું છું.’
શંકરસિંહ વાઘેલાના આ સ્ટેટમેન્ટથી અંદરખાને કોંગ્રેસને પણ સપોર્ટ ખેંચી લેવાનું દુખ થયું. એ સમયે સી.ડી.પટેલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ હતા. જેમ પાણીમાં પત્થર દેખાય તેવા સ્પષ્ટ શબ્દો વાપરી તેમણે કહી દીધું, ‘અમારું કામ વાઘેલાના નેતૃત્વને આવજો કહેવાનું હતું. પણ જનતાને ધ્યાનમાં રાખીને RJPનું સમર્થન ચાલુ રાખીશું.’
આત્મારામની એન્ટ્રી
વાઘેલાના હટતા જ મુખ્યમંત્રી બનવા માટેની દોડ શરૂ થઈ ગઈ. જેમાં સૌ પહેલા ઉભરી આવ્યા આત્મારામ પટેલ. જેમની ધોતી વાજપેયીની સભામાં ખેંચવામાં આવી હતી અને હવે તે સત્તા માટે ખેંચતાણ કરી રહ્યા હતા. આત્મારામે પોતાનો અધિકાર જતાવ્યો ઉપરથી અનુભવી હોવાના નાતે તેમણે મુખ્યમંત્રી હોવાનો દાવો પણ રજૂ કર્યો. પણ બીજી તરફ શંકરસિંહના મગજમાં અલગ જ રાજનીતિ ચાલી રહી હતી. તે એક તીરથી બે નિશાન લગાવવા માગતા હતા. જેમાં ભાજપની પરંપરાગત વોટ બેંકનો પણ સમાવેશ થતો હતો.
વાઘેલા બાપુના મગજમાં એવું હતું કે, દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવવામાં આવે. તે ગુજરાતની મધ્યમવર્ગીય જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરથી વેપારી છે. જેથી જૈન અને હિન્દુ આ બંન્નેનાં વોટબેંક ખેંચી શકીશું. જેના પર ભાજપનું પ્રભૂત્વ છે. આત્મારામ પટેલ આંખો ફાળીને જોતા રહી ગયા અને ફરી વાઘેલાએ પોતાની જ પાર્ટીમાંથી દિલીપ પરીખને મેદાને ઉતાર્યા. રાજ્યપાલે દિલીપને મુખ્યમંત્રી તરીકે તો સ્વીકારી લીધા પણ સાથે એમ પણ કહ્યું કે, ‘13 નવેમ્બરે બહુમત સાબિત કરી બતાવો.’ દિલીપ પરીખ માટે આ માથાના દુખાવા સમાન હતું, પણ શંકરસિંહ વાઘેલા માટે આ ચપટી વગાડવા જેવું કામ હતું.
રાજનીતિનો અઠંગ ખેલાડી ‘શંકરસિંહ’
એક દિવસ સવાર પડતા જ વાઘેલાના કાન પર વાત પડી. અફવા હતી કે શું ખબર નહીં પણ વાઘેલા આ વાત સાંભળી સ્તબ્ધ રહી ગયા. તેમને ફરી પોતાની રાજનીતિનો ભારતીય જનતા પાર્ટીને પરચો બતાવવાનો હતો. કારણ કે અખબારોથી લઈને તમામ જગ્યાએ વાત ઉડી રહી હતી કે વાઘેલાની પાર્ટીના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. કાલ સવારે સંઘરેલો સાપ ઉઠીને ડંખે એ પહેલા જ વાઘેલાએ એક બસ તૈયાર કરી. ગાંધીનગરથી 180 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા પાસે જ્યાં રાજસ્થાનની બોર્ડર હતી ત્યાં તમામ ધારાસભ્યોને ભેગા કરી દીધા. કહ્યું, ‘અંબાજી મંદિર ઘુમવા જવાનું છે.’ 12 નવેમ્બરની રાતે તમામ ધારાસભ્યોની ગાંધીનગરમાં વાપસી થઈ. ગુજરાત સહિત તમામ રાજ્યોની સરકાર માની ગઈ હતી કે રાજનીતિમાં પડતી ક્રાઈસિસ મેનેજમેન્ટને ખાળવા બાપુ જેવી જ બુદ્ધિ જોઈએ. જે પછી ગુજરાતમાં વારંવાર થયું. બીજા શબ્દોમાં… શંકરસિંહ સ્ટાઈલ કોપી થતી રહી.
મહેતા સાહેબની મહત્વાકાંક્ષા
પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાની રાજનીતિક મહત્વાકાંક્ષા ચરમસીમાએ હતી. ગુજરાતમાં ચાલતી સંગીત ખુરશીની રાજનીતિક રમતમાં તેમને બધાને હટાવી ફરી મુખ્યમંત્રીની ગાદી પર આસીન થવું હતું. જેથી તેમણે કોંગ્રેસમાં જ અંદરોઅંદર તોડફોડ કરવાની શરૂઆત કરી દીધી. પણ છબીલદાસનું કંઈ ન ચાલ્યું. તેમનું એવું માનવું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ ફરી ગુજરાતનો નાથ બની જાઉઁ.
ના એ 15 નથી જોતા
ભાજપ પાસે હજું સાપસીડીનો ખેલ દેખાડવાનો સમય હતો. તેણે કેન્દ્રિય નેતૃત્વ સાથે વાત કરી પૂછ્યું કે, ‘15 અપક્ષ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. કહો તો પાડી દઈએ.’ પણ કેન્દ્રની વાજપેયી-અડવાણીના નેતૃત્વએ ના પાડી દીધી. તેની પાછળનું કારણ એ હતું કે તમામ 15 અપક્ષ ધારાસભ્યો પર આરોપો લાગેલા હતા. જો તેમને સાથે રાખી સત્તામાં ભાજપ આવે તો તેમને મંત્રીપદુ પણ આપવું પડે ઉપરથી ભવિષ્યની લાઈફલાઈન સેફ કરતા 15 ધારાસભ્યો આગામી સમયમાં થનારી ચૂંટણીની ટિકિટ પણ માગે. જેથી તેમનું કદ ભાજપમાં મંગળ પ્રવેશ કરતા જ વધી જાય.
દિલીપનો એક લીટીનો વિશ્વાસ
રસ્તો સાફ હતો. 13 નવેમ્બરના રોજ દિલીપ પરીખે ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી મારી. ભાજપ અને કોંગ્રેસ ભવિષ્યની ચિંતા કરી શાંત થઈ ગઈ હતી. માત્ર એક લાઈનનો વિશ્વાસ પ્રસ્તાવ રાખી દિલીપ જીતી ગયા. 76ના મુકાબલે 98 વિશ્વાસ મત મળ્યાં. એ પછી દિલીપ પરીખની કામ કરવાની વૃતિ-પ્રવૃતિ જોઈ તમામ લોકો તેની શંકરસિંહ વાઘેલા સાથે તુલના કરતા હતા. બધા જાણતા હતા કે દિલીપ પરીખ સત્તામાં છે પણ મુખ્યમંત્રીની સીટનું રિમોટ કન્ટ્રોલ તો શંકરસિંહના હાથમાં છે. એ સમયે દિલીપ પરીખ અને શંકરસિંહ વાઘેલા ગાંધીનગરની જગ્યાએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે કેબિનેટની મીટીંગો કરતા હતા. એક દિવસ આવી જ મીટીંગ નર્મદામાં ગોઠવાય હતી. તમામ લોકોને એકઠા કર્યા હતા, પણ અચાનક શંકર અને દીલીપે હેલિકોપ્ટર મંગાવ્યું અને રફુચક્કર થઈ ગયા. ટેકો આપનારી કોંગ્રેસ પાર્ટીને પણ કોઈ અણસાર નહોતો. ગાંધીનગર રાજ્યપાલ પાસે પહોંચી શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખે 6 મહિનાની ‘‘બાળ’’ સરકારને રાજીનામા દ્રારા પતાવી નાંખી.
રાજીનામું શા માટે આપવું પડ્યું ?
શંકરસિંહને ખબર પડી ગઈ હતી કે ભાજપ પાસે હવે પૂરતા ધારાસભ્યો આવી ગયા છે. જેથી પાર્ટી પડી ભાંગે તે પહેલા જ રાજીનામું આપી દેવું જોઈએ. શંકરસિંહ અને દિલીપ પરીખની સરકાર પર ગ્રહણ લાગ્યું હતું. જેનું નામ હતું આત્મારામ પટેલ. આત્મારામ પટેલે શંકરસિંહની જ ચાલનો ઉપયોગ કર્યો હતો. શંકરસિંહે જે રીતે ભાજપના 46 ધારાસભ્યોની વિકેટ પાડી નાખી હતી તે રીતે આત્મારામે પણ શંકરસિંહના 46માંથી 17ની વિકેટ પાડી નાખી. ઉપરથી આરજેપી (A) નામની નવી પાર્ટી પણ બનાવી અને કોંગ્રેસના અધ્યક્ષ સીતારામ કેસરી પાસે પહોંચી ગયા. એ સમયે ખૂદ સીતારામ કેસરી પ્રધાનમંત્રી બનાવાના ખ્વાબ જોતા હતા. શંકરસિંહ ભવિષ્યમાં કામ આવશે અને તેની સામે શિંગડા ન ભરાવાય તેની સીતારામ કેસરીને પણ ખબર હતી. જેથી તેમણે આત્મારામ પટેલને માત્ર શૂશૂશૂ… શાંત રહેવાનું કહી દીધું. આ રીતે ગુજરાતના 13માં મુખ્યમંત્રી દિલીપ પરીખની 6 મહિનાની સત્તાનો અંત આવ્યો. અને આજે…. એ ચાલ્યા ગયા….
મયૂર ખાવડુ
Leave a Reply