2022માં તીડ ગુજરાતની 182 બેઠકો પર ચૂંટણી લડશે
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પગ પેસારો કરી પાથરણા પાથરી બેસી ગયેલી તીડે હવે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ સંદર્ભે તીડ પ્રજાતિના અગ્રણીએ ગુજરાતની વર્તમાન સરકાર સામે 2022ની ચૂંટણીમાં 182 ધારાસભ્યો ઉતારવાની વાત વહેતી મુકી કોંગ્રેસ સહિતના પક્ષોની ઉંઘ હરામ કરી દીધી છે. જેથી આગામી સમયમાં સત્તા પરિવર્તન થાય તો નવાઈ નહીં.
છેલ્લા કેટલાક સમયથી તીડની કુલ 10 પ્રજાતિઓમાંની એક પ્રકારની પ્રજાતિ પાકિસ્તાનમાંથી ગુજરાતમાં મહેમાન બનીને આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં તીડ અગ્રણીએ કહ્યું હતું કે, વર્તમાન ભાજપ સરકારે NCR અને CAAને લાગુ કરી માનવજાત માટે એક સારું કામ કર્યું છે. તેમના આ પગલાંથી અમે ખુશ છીએ જેના કારણે વર્ષોથી પાકિસ્તાનના ઉજ્જડ પ્રદેશમાં કંઈ ખાવા ન મળતા અમે ભારતના ગુજરાત વિસ્તારમાં ધામા નાખ્યા હતા. જો કે અહીં પણ અમારા પર વારંવાર હુમલા થયા હતા. જ્યાં પણ બેસીએ છીએ ત્યાં થાળીના અવાજો કાને પડે છે. જેથી આવનારા સમયમાં અમારી સરકાર આવશે તો તીડ પ્રજાતિના કાનમાં કોઈ અવાજ ન કરે આ માટેનો નવો કાયદો લાવવામાં આવશે. આ કાયદો લાવવા માટે ગુજરાતમાં ચૂંટણી લડવી ફરજીયાત છે તેવી અમને માહિતી મળી છે. પરિણામે હવે ગુજરાતની 182 બેઠકો પર અમે ચૂંટણી લડવાના છીએ.
છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં એક માત્ર ભાજપની સરકાર છે. જે હટવાનું નામ નથી લઈ રહી ત્યારે તેની સામે લડવા માટે કેવી રણનીતિનો પ્રયોગ કરશો આ પ્રશ્નનો જવાબ આપતા તીડ અગ્રણીએ કહ્યું હતું કે, દેશમાં અશાંતિ અને હિંસાનો માહોલ હોવાની વાત અમારા કાને પડી છે. એક રાત્રે નજીકમાં આવેલા ઘરમાં પગપેસારો કર્યો હતો. જ્યાં NDTV પર કોઈ ભાઈ દેશમાં ભયનો માહોલ હોવાની છાશવારે વાતો કરતા હતા. આ વાતોથી અમને એક મુદ્દો મળ્યો છે કે જ્યાં તીડ માટે શાંતિ ન હોય ત્યાં બે પગારા મનુષ્ય માટે શાંતિ કેવી રીતે હોય શકે ? સાંભળ્યું છે કે, ગુજરાતમાં એકાદ મહિના પહેલા બે પગા મનુષ્યોના ટોળે ટોળા ગાંધીનગર ખાતે ઉતર્યા હતા. જેઓ કોઈ બિનસચિવાલય નામના ઘાસ માટે લડતા હતા. જો આ ઘાસ એમના માટે એટલું જ મહત્વનું છે તો અમે તેમને એ ઘાસ અપાવીશું. પણ ખેડૂતો માટેની સમસ્યાનું નિરાકરણ થશે તેની અમે કોઈ ગેરન્ટી નથી આપતા. તેની તો કોઈ સરકાર ગેરન્ટી જ નથી આપતી ! આ તો અમે પહેલેથી જ ખુલાસો કરી દઈએ જેથી બાદમાં અમારી વાતનું વિપક્ષ વતેસર ન કરે. કારણ કે ખેડૂતોનો એ પાક તો અમારી સરકારને અચૂક ખાવા જોશે જ.
ચૂંટણી લડવાની જ્યારે વાત આવી ત્યારે અંદરો અંદર મડાગાંઠ સર્જાઈ હતી જેનો જવાબ આપતા તીડ અગ્રણીએ કહ્યું હતું કે, કોઈ પણ પાર્ટી બનાવો તેમાં ધીંગાણાનો અવકાશ રહેવાનો જ છે. અમારી વસતિ કુલ 2 કરોડની છે તે પણ માત્ર ગુજરાતમાં. એવામાં 2 કરોડમાંથી 182ની પસંદગી કરવી તે અમારા માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. કારણ કે દરેક તીડ ખેડૂતોનું ચાવ કરવા માગે છે. સત્તામાં આવ્યા પછી તો તીડ ભાઈઓ શું શું ન કરે ? આ માટે વર્ષમાં 200 દિવસ ઉપવાસ રહેનારા તીડ ભાઈઓને અમે ચૂંટણી મેદાનમાં ઉતારશું. જેથી ભવિષ્યમાં સંકટ ન સર્જાય. આ માટેનો એક ફોર્મ્યુલા પણ અમે તૈયાર કરી નાખ્યો છે. જેમાં ઉપવાસ રહેનારા તીડોની ગણતરી હાથ ધરવામાં આવશે.
આયાતી ઉમેદવાર બનવા થનગની રહેલા દીપડાની અમરેલી વિધાનસભા માટે પસંદગી કરી હોવાની વાતને ફગાવતા તીડ અગ્રણીએ જણાવ્યું હતું કે, હા, છેલ્લા કેટલાય સમયથી સત્તા માટે વલખા મારી રહેલા દીપડા સાથે અમારી મીટીંગ થઈ હતી. તેને અમે માત્ર ઘાસ ખાવાના મુદ્દે ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું. પણ તે એ વાત ઉપર ટકી શક્યા ન હતા. અમરેલી વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડી બાદમાં તેઓ પોતાના ઘરની હકાવેત તો જનતાના બળવાનો અમારે સામનો કરવો પડેત. ઉપરથી તેમની કેટલીક માગો હતી જેવી કે, જંગલ ખાતા વિભાગનું વિસર્જન કરી નાખવામાં આવે. તીડ સરકારે સિંહોને ઘુસણખોર જાહેર કરી મધ્યપ્રદેશમાં તગેડી મુકવામાં આવે, અને રોજ એક માણસને અમારી પાસે સામેથી ભોજન માટે મોકલવામાં આવે, કારણ કે દીપડાની હવે ઉંમર થઈ છે. તે સ્થળ પર જઈ શિકાર નથી કરી શકતો. જેની આ તમામ માગો અમને ચૂંટણી જીતવામાં આડખીલ્લી રૂપ થઈ શકે તેમ હતી તેથી અમે અવગણી ને આયાતી ઉમેદવાર પર ચોકડી મારી છે.
તીડથી નિરાશ થયેલા દીપડાએ સ્વતંત્ર પાર્ટી ખોલી હોવાની વાતનો સ્વીકાર કરતાં તીડે કહ્યું હતું કે, રાજકારણમાં કોઈની વાત માનવામાં ન આવે ત્યારે તે પ્રાણી ભવિષ્યમાં મુસીબત સર્જવાનો જ હોય છે. હા, દીપડાને તેના સમાજનું સમર્થન નથી. મળવાનું પણ નહોતું કારણ કે તમામ દીપડાઓ એક સરખા નથી. એક વખત ગાંધીનગર સચિવાલયમાં ઘુસી જઈ દીપડાએ વિરોધ પ્રદર્શન કર્યું જ હતું. પણ બાદમાં તેની શી હાલત થઈ હતી તે કહેવાની જરૂર નથી. આવી હાલત ફરી વખત ન થાય આ માટે તે અમારી વહારે આવ્યો હતો, પણ તેની માગો ખૂબ વધારે હતી, જે ફગાવવી પડી. અમને શંકા છે કે આગામી સમયમાં અપક્ષ ઉમેદવાર તરીકે દીપડાલાલ ચૂંટણી લડશે. લડે તો પણ અમારા શાકાહારી ઉમેદવાર સામે જીતી શકવાની તેમનામાં ક્ષમતા જ નથી.
આ સિવાય તીડ અગ્રણીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર બનતા જ તાત્કાલિક લોકોની થાળીઓ લઈ લેવામાં આવશે. લગ્નમાં વગાડવામાં આવતા ડિજે પર પ્રતિબંધ મુકવામાં આવશે. સવારે 9 વાગ્યા સુધી અમને ઉંઘવા જોઈએ જ જેથી તમામ સ્કૂલો સહિતના કામો 9 વાગ્યા પછી જ શરૂ થશે. કૃષિ વિભાગની કેટલીક હાનિકારક દવાઓથી કિટક સંપ્રદાયનું અકાળે અવસાન થઈ રહ્યું છે. જેને નેસ્તાનાબૂદ કરી દેવામાં આવશે. જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે તે રીતે છોડ પર છાંટવામાં આવતી દવાની દવાબંધી કરી દેવામાં આવશે, કારણ કે આ તો ગાંધીનું ગુજરાત છે…. છેને ?
મયૂર ખાવડુ
Leave a Reply