અને આજે થોડું મૃત્યું વિશે
ચંદ્રકાંત બક્ષીએ મૃત્યું વિશે ઘણું લખ્યું છે. ગુજરાતીમાં કોઈ લેખકે નથી લખ્યું તેટલું લખ્યું છે. તેમના એક આર્ટિકલમાં તેઓ લખે છે, ‘‘મહાન ફેંચ લેખક આંદ્રે માલરોએ 236 પાનાંનું એક પુસ્તક લખ્યું હતું : ‘ધ ફોલન ઓક્સ’ (તૂટેલાં ઓક વૃક્ષો), જેમાં એમના અને ફ્રેંચ રાષ્ટ્રપતિ અને ચિંતક ચાલ્સ દ’ ગોલના થયેલા સંવાદોનું બયાન છે. બન્ને જણા સદીની અદ્દભુત વિભૂતિઓમાં સ્થાન પામે છે. ચાલ્સ દ’ગોલે એમના ભૂતપૂર્વ સંસ્કૃતિમંત્રી આંદ્રે માલરોને પૂછ્યું : તમને ખબર છે મૃત્યુ શું છે? નવલકથાકાર માલરોએ ઉત્તર આપ્યો : નિદ્રાની દેવી ! અને પછી માલરોએ ઉમેર્યું : આપણે એ કક્ષાના મનુષ્યો છીએ જેમને એમની હત્યા થવાની ચિંતા નથી…’’
મૃત્યું ત્રણ પ્રકારનાં છે. એક માણસ દિલની ઘણો નજીક હોય, તેની સાથે મજા આવતી હોય, જીવન સુખેથી પસાર થઈ રહ્યું હોય અને ચાલ્યો જાય. બે માણસ મરૂ મરૂ થતો હોય પણ મરે નહીં. જ્યારે મૃત્યું પામે ત્યારે લોકો બોલી ઉઠે, ‘સારું થયું તેમનો અને પરિવારનો આ યાતનામાંથી છૂટકો થયો.’ ત્રીજા નંબરનું મૃત્યું ભયાનકતા અને હેરાનગતિથી વિપરિત કક્ષાનું છે. માણસ લાંબું જીવે અને ચાલ્યો જાય. લોકો ખુશ થાય. ઢોલ-નગારા પણ વગાડે ! કે સારું જીવીને ગયો.
માણસની કક્ષાનો ખ્યાલ તેની વિદાય બાદ જ આવે છે. જીવતા માણસનું મૂલ્યાંકન થતું નથી. કદાચ વિશ્વભરમાં જીવતા માણસના મુલ્યાંકનની કોઈ રૂપરેખા તૈયાર થઈ નથી. એવા વિદ્રાનો અને વિચારકો હજું વર્ષો સુધી જન્મશે પણ નહીં. 21મી સદીની ટેક્નોલોજીની દુનિયામાં હવે લોકો ડિઝીટલી લાગણીથી કનેક્ટ થઈ રહ્યાં છે. તેનું પહેલું ઉદાહરણ કુંજલબેનની વિદાયથી આવ્યું. ઘણા ખરા લોકો તેમને મળ્યા ન હતા. એમાંનો હું પણ એક છું. પણ જાણે રોજ તેમની સાથે ઉઠવા બેસવાનું હોય તે રીતે લાગણીનો ધોધ ફેસબુક પર વરસવા લાગ્યો.
માણસ પોસ્ટથી ઈમોશનલી જોડાવા લાગ્યો છે. કુંજલબેનની વિદાયે રેકોર્ડ રચ્યો પણ હવે તે છે નહીં ! કુંજલબેન કોઈ મોટી વ્યક્તિ ન હતા, પણ તેમની લડાયક વૃતિએ અન્ય લોકોને પણ પ્રેરણા અને ઉર્જા પૂરી પાડી હતી. પાડી છે. મોટિવેશન થોડા સમય માટે જ હોય છે. વિપશ્યના શિબીરોમાં થતી અનુભૂતિની માફક. કદાચ એટલે જ મોટિવેશનલ સ્પીકરોનો ધંધો ચાલ્યા કરે છે. ફરી ફરી લોકો એક ને એક વસ્તુ સાંભળ્યા કરે છે. હવે કોઈ નબળું પડે તો તેમણે એક વખત કુંજલ બેનની પ્રોફાઈલ ચેક કરી લેવી. મસમોટા મોટીવેશનલ પ્રવચનો સાંભળીને જીવનને શ્રેષ્ઠતમ બનાવવું શક્ય નથી. પણ કુંજલબેનની પ્રોફાઈલમાં જશો અને તેમનો ચહેરો જોશો તો થોડું ઉદ્દીપન મળી જશે.
ગઈ કાલે આ દુ:ખદ ઘટનાની ભાળ મળી ત્યારે વિશ્વાસ નહોતો આવતો. આજે પણ નથી આવી રહ્યો. મારાથી તો બોલાય ગયું, ‘અરરર આ બેનને શું થયું ?’ એવું થાય છે કે હમણાં તેમની પોસ્ટ ફરી શેર થશે. પણ એવું થવાનું નથી. હવે માણસે ફેસબુક એકાઊન્ટની પણ પોલીસી ઘડાવી નાખવી જોઈએ. વારસદાર નીમવો જોઈએ. જેથી તે જીવંત છે તેવું લાગ્યા રાખે. ઘોસ્ટ રાઈટરની માફક. તેની પોસ્ટ શેર થાય અને લાગે ‘હા, જીવે તો છે હો… પેલા ભાઈએ ફેક ફોટો અપલોડ કર્યો છે. આ જો એમની પોસ્ટ આવી ગઈ.’
સંવાદના કાર્યક્રમમાં જય વસાવડાએ ચંદ્રકાંત બક્ષીને પૂછેલું, ‘હમણાં હમણાં એક વાંચક તરીકે મને એવું લાગે છે કે તમે મૃત્યું પર વધારે લખો છો.’ જેના જવાબમાં બક્ષી બાબુએ કહેલું, ‘હા, એ તમારી વાત સાચી છે. હમણાં હમણાં હું મૃત્યું વિશે વિચારું છું, વાંચુ છું અને લખું છું. મારી પાસે સમય ખૂબ ઓછો છે. પણ એક શિક્ષક તરીકે, લેખક તરીકે મેં ઘણું બધું આપ્યું છે અને ઓછું લીધું છે એટલે મારું મૃત્યું સુખે જશે.’
અમેરિકામાં ગોળીબાર થાય અને કોઈ મૃત્યું પામે તો તમને કે મને કોઈ ફર્ક નથી પડતો. કારણ કે આપણે એ વ્યક્તિ સાથે લાગણીના કોઈ તાંતણે જોડાયેલા નથી. પણ નજીકનો વ્યક્તિ મૃત્યું પામે ત્યાં સુધી કે જે રસ્તે રખડતા કૂતરાને તમે રોજ રોટલી નાખો છો તે બરાબર છે. પણ એ જ કૂતરાની સાથે જ્યારે તમે લાગણીથી જોડાવ અને એ મૃત્યું પામે ત્યારે વિરહની વેદના સહન કરી શકાતી નથી. કોઈ સાથે લાગણીથી ન જોડાવું એ માણસનો સ્વભાવ નથી. ઈશ્વરે તેની રચના જ આ માટે કરી છે. એ ગમે તે ભોગે ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાગણીથી જોડાવાનો રસ્તો શોધી લે છે. કદાચ એટલે જ તેને જીવનમાં સૌથી વધારે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે નજીકનો વ્યક્તિ છળ-કપટ કરે છે. જીરવાતું નથી.
કેટલાક લોકો મનમાં જ મૃત્યુંના ડર સાથે જીવતા હોય છે. એવા લોકોને સુખેથી મોત પણ નથી મળતું. કેટલાકને ખ્યાલ આવી જાય છે કે એક દિવસ તો મરવાનું છે જ તો પછી ડરવું શા માટે ? ખુલીને જીવવું જોઈએ. મઝા કરવી જોઈએ. આ ખુલીને જીવવું અને મઝા કરવાની શ્રેણીમાં કુંજલબેન આવતા હતા. આપણે તેમાંથી એ જ વસ્તુ શીખવાની છે.
વર્ષ 2018માં નાગા ચૈતન્ય પ્રભૂ અને આર.માધવનની સવ્યસાચી નામની ફિલ્મ આવી હતી. ફિલ્મમાં હિરો નાગા ચૈતન્ય આર.માધવનને શોધતા શોધતા તેની નજીક આવી જાય છે, પણ પછી પડી જાય છે. તેને પ્રેરણા આપવા માટે ખૂદ વિલન બનતો આર.માધવન બોલે છે, ‘ઉઠ, તાકાત શરીર મૈં નહીં આદમી કી સોચ મૈં હોતી હૈ’ કુંજલબેન પર તમામ લોકોએ લખેલી આટલી બધી પોસ્ટો વાંચી તેમાંથી આ પણ સવ્યસાચી ફિલ્મ જેવું જ શીખવા મળ્યું… ભગવાન એ સવ્યસાચીની આત્માને શાંતિ આપે….
મયૂર ખાવડુ
Leave a Reply