અરેબિયન નાઈટ્સ : શૌર્ય, સાહસ, ભેદભરમ, રહસ્ય અને કામક્રિડા
બુદ્ધનું જ્યારે નિર્વાણ થયું અને તે પહેલાથી જ જનમાનસ પર એક અમીટ છાપ પડી ગઈ હતી. સંસારનો ત્યાગ કરી નાખવો જોઈએ. માણસમાં ઘર છોડવાની વૃતિ જ ‘ઘર’ કરી ગઈ હતી. કોઈ સંસારમાં રહી અને સંસારની મહિમાગીતા સમજવા જ નહોતું માગતું. બુદ્ધના માર્ગે ચાલી પત્ની-પુત્ર-પુત્રીની જવાબદારીઓમાંથી આઝાદ થવા પુરૂષો ઘેલા થયા હતા. એ ઘેલાપણાથી જ સમજી શકાય કે બુદ્ધના પ્રવચનમાં કેટલી તાકાત હશે. એવા સમયે કેટલાક બુદ્ધિજીવીઓને યાદ આવ્યું કે, ભારતના મહાનગ્રંથ રામાયણ અને મહાભારતથી લોકોને ફરી પરિચિત કરાવવાનો વખત આવી ગયો છે. માણસો એ વસ્તુથી પરિચિત થવા જોઈએ કે રામાયણ અને મહાભારતમાં સંસાર વિશે બોધપાઠ આપવામાં આવ્યો છે. જેથી તેમના બુદ્ધતર્કનો છેદ ઉડે અને કેટલાક લોકો સંસારમાં પણ રહે. નહિત્તર લોકો જંગલોમાં જ ચાલ્યા જશે અને સંસાર મોહે-જો-દરો સમયની સંસ્કૃતિ બની જશે. ફરી વાર રામાયણ અને મહાભારતના ગુણગાન ગાવામાં આવ્યા. જેના કારણે એક સમતુલન સર્જાયું. લોકો ફરી ઘર તરફ આવવા લાગ્યા.
હવે વાત અરેબિયન નાઈટ્સની. અત્યાર સુધી તમે કે હું જે અરેબિયન નાઈટ્સ વાંચી ચૂક્યા છીએ તેમાં માત્ર સાહસકથા, હાસ્યકથા અને રહસ્યકથાઓનો ત્રિશંભૂ મેળો હતો. રમણલાલ સોનીએ તેનો અનુવાદ કર્યો હતો. પણ ઓરિજનલ અરેબિયન નાઈટ્સ પણ ઉપર બુદ્ધ, રામાયણ અને મહાભારતની જે વાત કરી તે રીતે જ આવી છે. જ્યારે સમસ્યા સર્જાય ત્યારે જ સર્જન થાય છે. સમસ્યા વિના કોઈ વસ્તુનું સર્જન નથી થતું. જ્યોર્જ બર્નાડ શોનું સરસ વિધાન છે. ‘Science never solves a problem without creating ten more.’ વાત સાચી છે. તમે તુરંત સફળતાની સીડી ન ચડી શકો. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે તમે સફળ થાઓ ત્યારે પાછળ વળીને એકવાર જોઈ લેવું. જ્યારે તમે વૃદ્ધ થયા હશો ત્યારે જ તમે બુદ્ધ થયા હશો.
અરેબિયન નાઈટ્સ મૂળ તો બેવફાઈની રચનાઓનો ભંડાર છે. પુરૂષને સ્ત્રી દ્રારા કરવામાં આવતો અન્યાય છે. પુરૂષ એ તો નથી સમજવા માગતો કે એક સાથે આટલી બધી રાણીઓ ભેગી કર્યા પછી પણ હું પહેલી રાણી ને તો બીજી રાણીથી અને બીજી રાણીને તો ત્રીજી રાણીથી અન્યાય જ કરી રહ્યો છું. અરેબિયન નાઈટ્સમાં આવતા જીન, કલ્પનાની દુનિયામાં લઈ જતા લખાણો, રહસ્યનો અસીમ વિસ્ફોટ અને અહર્નિષ ચાલતી છળ-કપટની લડાઈ સિવાય તેના ભોરિંગમાં અન્યાય અને બેવફાઈ છુપાયેલી છે. ઓરિજનલ અરેબિયન નાઈટ્સ વાંચશો તો આ વાતનો તાંતણો જોડી શકશો. બાળકોનાં કુમળા માનસપટ પર અસર ન સર્જાય એટલે આપણા બાળ સાહિત્યકારોએ સેન્સર બોર્ડ બની તેમાંથી ઘણા ખરા ચેપ્ટરો કાપી નાખ્યા છે. તે સારું પણ કર્યું છે. આ કારણે જ વર્ષો સુધી ઓરિજનલ અરેબિયન નાઈટ્સ ન વાંચનારા લોકો પુસ્તકના રિયલ બોધપાઠથી વંચિત રહી ગયા.
શાહબુદ્દીન રાઠોડ કહે છે તેમ, ‘પુરૂષોને સારી સ્ત્રી પામવાના કોઈ વ્રત કરવાની જરૂર જ નથી, કારણ કે તે શુદ્ધ અને પવિત્ર જ છે. પણ સામે એવું નથી.’
ધનસુખલાલ મહેતા દ્રારા અનુવાદિત્ત અરેબિયન નાઈટ્સ. જે મેં ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી ખરીદી તેમાં કોઈ પ્રસ્તાવના લખવામાં નથી આવી. જેથી વધારે માહિતી ભંડોળનો મોહનથાળ તમારી સામે નહીં રાખી શકું. ગુજરાતીનાં લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોએ તેના વિવેચન પર પણ ધ્યાન નથી આપ્યું. નહીંતર પણ આપણને કોઈ સંદર્ભ હાથ લાગેત. પણ રમણલાલ સોનીએ થોડું ઘણું લખ્યું છે.
સોની દાદાએ લખ્યું છે, ‘‘આ વાર્તાઓ કોઈ એક ભેજાની ઉપજ નથી, પણ સૈકાઓથી પ્રચલિત લોકકથાઓ છે. એમાં માનવજાતનું સૈકાઓનું ડાહપણ સંઘરાયેલું છે. દરેક વાર્તા તેના શ્રોતા કે વાચકનું મન બહેલાવવા સાથે તેના મનમાં કંઈ ને કંઈ ચિરકાલના ડાહપણનું વહેણ કરતી જાય છે. આ વાર્તાઓ સૈકાઓ થયા હજુ એવી ને એવી પ્રાણવાન છે. તેનું આ રહસ્ય છે.’’
રમણલાલ સોનીએ હાસ્યકથાના પાંચ સેટમાં કુલ 13, સાહસકથામાં પણ 13 અને રહસ્યકથામાં 19 વાર્તાઓની રજૂઆત કરી છે. રજૂઆત એટલા માટે કે તેમણે તેમાં પોતાની શૈલી વાપરી છે. બાળ સાહિત્યકાર તરીકે જ્યારે તમે કોઈ કૃતિનો અનુવાદ કરતાં હો ત્યારે તેને રજૂઆતની જ શૈલીમાં ઢાળવી. કારણ કે અદ્દલ અનુવાદ કરી તેમાં પોતાના જ્ઞાનનો નહીં, પણ સમજણનો પરિચય આપવાનો હોય છે. એ પણ ધ્યાન રાખવું કે તે મોટા કરતાં નાના બાળકો વાચવાના છે. બોલને પીચની વચ્ચે ટપ્પો ખવડાવવાનો છે. જેથી વાચક સિક્સ મારવાની અભિલાષામાં કંઈ ન થાય તો પણ ચોગ્ગો તો ફટકારી જ દે.
એક સમયે શહરિયાર અને શાહજમાન નામના બે ભાઈઓ હતા. પિતાનાં મોત બાદ બંન્ને વિખૂટા પડી ગયા. નાનો ભાઈ મોટાભાઈથી અલગ થઈને પોતાનું રાજ દૂર ક્યાંક ચલાવવા લાગ્યો. વર્ષો થઈ ગયા પણ મોટાભાઈ નાનાભાઈને મળી ન શક્યા. જેથી શહરિયારે એક દિવસ શાહજમાનને આવવા નિમંત્રણ મોકલ્યું. નાનોભાઈ પણ વિરહની વેદનાથી અંદર ને અંદર ચીખતો હતો. તેણે મોટાભાઈનું આમંત્રણ સ્વીકારી લીધું અને મોટાભાઈએ મોકલેલા વજીરના રસાલા સાથે નીકળી પડ્યો. અડધે રસ્તે પહોંચતા જ તેને મોટાભાઈ માટે લઈ જવાની ભેટ યાદ આવી ગઈ. તે રસાલાને સ્થગિત કરી મોટાભાઈ માટે સોગાત લેવા ગયો. પણ ત્યાં જઈ જુએ છે તો એક ગુલામ હબસીની સાથે તેની પત્ની સંભોગ કરી રહી હતી. આ જોઈ આક્રોશમાં આવી નાનાભાઈ શાહજમાને પત્નીનું તલવારના એક ઝાટકે કાસળ કાઢી નાખ્યું. ચિંતાતુર થઈ તે ફરી રસાલા સાથે જોડાય મોટાભાઈને ત્યાં ચાલ્યો ગયો. તેના મનમાં એક જ વાત હતી, દરેક પત્ની આવી જ હોય છે.
મોટાભાઈએ તેનું સ્વાગત કર્યું પણ તેનો ચહેરો પડી ગયેલો હતો. દિવસો વિત્યા તેમ તે દૂબળો થવા લાગ્યો. મહિના બે મહિના ગયા કે એક દિવસ મોટાભાઈ શહરિયાર શિકાર પર ગયા. નાનો ભાઈ ઉપર ઝરૂખામાંથી જુએ છે તો દસ બુરખા પહેરેલી સ્ત્રીઓ આવી. બુરખો હટતા જ ખ્યાલ આવ્યો કે તેમાં તો પાંચ સ્ત્રીઓ અને પાંચ પુરૂષો છે. ગુલામ હબસી પુરૂષો. તેમણે કપડાં ઉતાર્યા અને સંભોગ કરવા લાગ્યા. મોટાભાઈની પત્ની પણ આમ… આ વિચારે તેને હાશકારો આપ્યો કે મોટાભાઈનું બૈરૂ જ તેમના હાથમાં નથી તો મારું શું ? તે તંદુરસ્ત થઈ ગયો. મોટાભાઈને પણ હાશકારો થયો. પણ અંદરથી થતું હતું કે જે નાનોભાઈ શાહજમાન વૈદ-હકિમથી તાજો ન થયો તે અચાનક કેમ થઈ ગયો ? તેણે જબરદસ્તી નાનાભાઈને પૂછ્યું. નાના ભાઈએ તેમને શિકારે જવાનું કહી પાછળથી ઝરૂખામાં સંતાવાનું કહ્યું. મોટાભાઈએ તેમ જ કર્યું અને જોયું તો તેની બીબી હબસી સાથે સંભોગ કરી રહી હતી. ગુસ્સામાં આવી મોટાભાઈએ પોતાની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દીધી. દુનિયાની દરેક સ્ત્રી આવી હોય છે. તેમ માની મોટા શહરિયારે નિર્ણય લીધો. હવે હું રોજ એક સ્ત્રી સાથે લગ્ન કરીશ. તેની સાથે સુહાગરાત મનાવીશ અને બીજા દિવસે મારી નાંખીશ.
આમ કરતાં કરતાં શહેરની તમામ સ્ત્રીઓ મોતને ઘાટ ઉતરી ગઈ. કેટલાક પરિવાર તો એ શહેરમાંથી જ ચાલ્યા ગયા. હવે વજીરની બે પુત્રીઓ રહી. જેનું નામ શહરાજાદી અને દિનારજાદી હતું. તેમાંથી હોશિયાર મોટી શહરાજાદી પિતાના ના કહેવા છતાં લગ્ન કરવા તૈયાર થઈ. તેણે રોજ રાત્રે એવી રીતે વાર્તાઓ સંભળાવી કે તેનો અંત બીજી સવારે અધૂરો રહેતો અને રાજા વાર્તા સાંભળવાના ઓરતાને લઈ તેને જીવંત રાખતો.
કથામાં તો એવું પણ છે કે શહરાજાદીની નાની બહેન દિનારજાદીની સામે જ રાજાએ સેક્સ માણ્યું હતું. બહેનને મારી વાર્તા સાંભળ્યા વિના ઉંઘ નથી આવતી આવું બહાનું કાઢી શહરાજાદી તેને ઉઠાવી લાવેલી.
ઓરિજનલ અરેબિયન નાઈટ્સમાં શરૂઆતથી જ અશ્લિલતા ભરેલી છે. તેમાં હાસ્ય, સાહસ અને રહસ્ય એ બાજુમાં રહી જાય છે. એ વસ્તુ મનોરંજનના ભાગરૂપે છે. જેને તમે જીન કહો છો તે જીનને અરેબિયન નાઈટ્સની કથાઓમાં ઈફ્રિટ કહે છે. તે પણ બિચારો બેવફાઈનો સામનો કરી રહ્યો છે. તેણે એક પેટીમાં સુંદર યુવતીને બંધ રાખી છે. રોજ એક વખત ઈફ્રિટ તેને આઝાદ કરી તેના ખોળામાં માથું રાખી ઉંઘે છે. પણ બિચારા ઈફ્રિટને ખ્યાલ નથી કે જે યુવતીના કૌમાર્યને તે પોતાની અસીમ શક્તિ અને રાક્ષસી તાકાતથી સાચવી બેઠો છે, તે તેના માથા નીચે કોઈ બીજી વસ્તુ સેરવી 570 પુરૂષો સાથે કામક્રિડા કરી ચૂકી છે. દરેક પુરૂષની અમાનત રૂપે વીંટી પણ સુંદરી પોતાની પાસે રાખે છે અને ઈફ્રિટ સાથે બેવફાઈ કરે છે.
મૂળ તો ઈરાન, ગ્રીસ, મધ્ય એશિયા, ઈજીપ્તમાંથી ભેગી થયેલી આ કથાઓમાં કામક્રિડા સાથે બેવફાઈનો મેસેજ છે. છુપી રીતે એક પત્નીવ્રતનું પાલન કરવાનું પણ પતિદેવોને કહી દે છે. નહીંતર સજા માટે ભોગવો…. રાજા દર બે મહિને નવી છોકરીને પરણીને તેનો ઉપભોગ કરે એ સાથે જ જૂનીને ભૂલી જાય છે. નવી રાણીનું સ્થાન બીજી રાણી બે મહિના બાદ લઈ લે છે અને રાજાના શયનખંડની માનીતી બને છે. પછી રાજાની જગ્યાએ હબસીઓ સાથે સમાગમ માણી સંતોષ મેળવતી પૂર્વરાણીઓ માટે બેવફા તો તેનો પતિ જ સાબિત થયો કહેવાય. અન્યથા બાકીની અગોચર કલ્પનાસૃષ્ટિ વાચકનો રસ અણનમ રહે એ માટે જ છે.
મયૂર ખાવડુ
Leave a Reply