એકાએક ભાજપ-મોદી અને શાહના પુસ્તકોનાં ઢગલા થવા માંડ્યા છે
2014 અને હવે 2019નો અંત આવતા આવતા ભારતીય જનતા પાર્ટી હારતી જનતા પાર્ટી બનવા લાગી છે. 2018માં જ્યારે 15 વર્ષનું એકચક્રિય શાસન ભોગવી ચૂકેલી મધ્યપ્રદેશની શિવરાજ સિંહ (મામા)ની સરકાર પડી ભાંગી તેની પાછળનું કારણ મોદીએ કરેલી નોટબંધી અને કોંગ્રેસે ખેડૂતોને આપેલા વચનો હતા. શિવરાજ સિંહ ચૌહાણે એ સમયે કહેલું કે, ‘લંગડી સરકાર તો અમે પણ બનાવી શકતા હતા, પણ બનાવી નહીં.’ આજે ઘણાં ખરા રાજ્યોમાં ભાજપ લંગડી સરકાર તરીકે ચાલી રહી છે. જેમનો માગ અને પૂરવઠો ન સંતોષવામાં આવે તો ભાજપ માટે આયારામ-ગયારામ જેવી સ્થિતિ સર્જાય. મહારાષ્ટ્રમાં બનેત તો પણ લંગડી જ બનવાની હતી. કર્ણાટકમાં પેટા ચૂંટણી છે. જેમાં કોંગ્રેસમાંથી બળવો કરનારા 13 ધારાસભ્યોને જેકપોટ લાગી જતા ભાજપે ટિકિટ આપી દીધી છે.
ભાજપને મેશ ચોપડીને પણ ગમે તેમ હોળી રમવી છે. આજે એ પુસ્તકો હાસ્યાસ્પદ લાગી રહ્યાં છે જે ભાજપની ઉતક્રાંતિ સમયે પત્રકારો દ્રારા લખવામાં આવ્યા હતા. એક સમયે ગાંધીજી પર વિશ્વભરમાં સૌથી વધારે પુસ્તકો લખાય તેવું કહેવામાં આવતું હતું. હવે સમીકરણો બદલતા મોદી અને ભાજપ પર સૌથી વધારે પુસ્તકો લખાય રહ્યાં છે. કદાચ ભાજપે એ વસ્તુની શરૂઆત કરી છે કે જેની સરકાર હોય તેના પર એ જ સમયે સૌથી વધારે પુસ્તકો લખાવા જોઈએ. જેથી તેની ઉપલબ્ધિ વિશે જનતાને ખ્યાલ આવે. એ સમયે વિવાદિત વિષયો ધરાવતી ફિલ્મો પણ બનવી જોઈએ જેથી વારંવાર નજરમાં રહે. પાછી ફિલ્મો અને પુસ્તકો એવા સમયે પ્રકાશિત કે રિલીઝ થવા જોઈએ જ્યારે કોઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય.
2014માં મોદી જ્યારે સત્તા પર આવ્યા ત્યારે એન્ડી મરીનોનું નરેન્દ્ર મોદી પુસ્તક ખૂબ ચાલ્યું હતું. મોદી પર લખાયેલું એ સૌથી બેસ્ટ પુસ્તક છે. જેથી મોદી પર લખો તો વધુ ચાલે તે રીતે અંધાધૂન પુસ્તકો લખાવા માંડ્યા. આજે એ તમામ પુસ્તકોનો અભ્યાસ કરવામાં આવે તો મોદી પર તમે પણ એક સારું પુસ્તક લખી શકો છો.
વિજય ત્રિવેદી જેવા લેખકો માત્ર ભાજપ માટે જ લખે છે. તેમના ત્રણ પુસ્તકો વાંચ્યા બાદ આ વિધાન જરા પણ અતિશ્યોક્તિ ધરાવતું લાગતું નથી. તેમનું અટલ બિહારી વાજપેયી પર લખાયેલું પુસ્તક હાર નહીં માનુંગા મને ખૂબ ગમ્યું છે. જે પછી તેમણે યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશ સરકારે એક વર્ષ પૂર્ણ કરતાં તેમના પર પણ પુસ્તક લખી નાખ્યું. એ પુસ્તકનું નામ છે યદા યદા હી યોગી. વિજય ત્રિવેદીએ તેમાં જ્યાં થઈ શકે ત્યાં ત્યાં યોગી સરકારની પ્રશંસાના પુલ બાંધ્યા છે. એવો કોઈ મુદ્દો નથી છોડ્યો જ્યાં ટીકારૂપી નાની એવી કાંકરી પણ પગમાં આવે. અંતરમનથી લાગે કે અહીં ટીકા કરવા જેવું હતું ત્યાં પણ તેમણે વખાણ કર્યા છે.
મોદી પર અરવિન્દ ચતુર્વેદીએ રિયલ મોદી લખ્યું. જેમાં મોદી જેટલા જ લેખક પણ આવે છે. એ પુસ્તકમાં મોદીના બાળપણનાં કિસ્સાઓથી લઈને સત્તાના સિંહાસન પર મોદી કેવી રીતે બેસી ગયા ત્યાં સુધીનો ઉલ્લેખ છે. પેપરની ક્વોલિટી સારી છે. ફોટોગ્રાફ એટલા સારા નથી. વર્ણન પણ સારું છે. નીલાંજન મુખોપાધ્યાયે નરેન્દ્ર મોદી એક શખ્સિયત એક દૌર નામની કથા લખી છે. જેને હિન્દીમાં ખરે વ કુમારે અનુવાદિત કરી છે. મોદી પર લખાયેલું છે એટલે તેને અનુવાદની પણ એક તક મળે છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના પત્રકાર પ્રકાશ ઝાએ ભાજપા કૈસે જીતતી હૈ… વિષય પર પુસ્તક લખ્યું છે. હવે પછી ભાજપ કેવી રીતે સાંઠગાંઠ કરે છે અને કેવી રીતે ‘રાત’નીતિ રમ્યા બાદ 88 કલાકમાં મુખ્યમંત્રી પદ પરથી નેતા ઉતરી જાય છે તે વિશે પણ લખાવું જોઈએ. હા, તેમાં એક સારો મુદ્દો છે કે નોટબંધી બાદ પણ ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર કેવી રીતે બની ગઈ ? અને બિહારમાં શા માટે પછડાટ મળી ? આ તમામ મુદ્દાઓ રાજકીય વિશ્લેષકો માટે અભ્યાસ કરવા પૂરતા બની રહે છે.
સંતોષ કુમારે ભારત કૈસે હુઆ મોદીમય લખ્યું છે. રાજદીપ સરદેસાઈએ 2014ના ઈલેક્શન પર પુસ્તક લખ્યું હતું. એ જ રીતે 2019ની ચૂંટણી માટે 2019 : How Modi Won India? લખ્યું છે. નોર્થ ઈન્ડિયામાં ભાજપ જીતતા રજત શેઠી અને સુભરાષ્ટ્રએ The Last Battle Of Saraighat લખ્યું છે. આ બંન્ને લેખકોએ બીજેપી માટે આસામમાં કેમ્પેઈન કર્યું હતું. ઉપરથી લેખક રજત શેઠી હાર્વડ યુનિવર્સિટી અને IIT ખડગપુરમાંથી ભણેલા છે. રાજનીતિનાં પુસ્તકોના લહીયા એમને બનાવવા જે ખૂબ ભણેલા હોય અને પોતાના માટે પ્રચાર કર્યો હોય. એ સિવાય શાંતનું ગુપ્તાએ ભારતીય જનતા પાર્ટી પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર જેવું દળદાર ચોપડુ લખ્યું છે.
Amit Shah And The March Of BJP ( અમિત શાહ અને ભાજપની યાત્રા) નામનું પુસ્તક અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્રિવેદીએ લખ્યું. પ્રસ્તાવના રજત શર્માએ લખી છે. પુસ્તકમાં આંકડાઓની ભરમાર છે. ભાજપની રણનીતિ, રાજનીતિક પ્રવાસ, જીવન સંઘર્ષ અને ઉત્થાનની વાત કરવામાં આવી છે. એટલે કે અમિત શાહને કેન્દ્ર સ્થાને અને કવરપેજ પર રાખી તેમાં વાત ભાજપની કરવામાં આવી છે. આવું જ પુસ્તક બાદમાં વિજય ત્રિવેદીએ ભાજપ કલ આજ ઔર કલ લખ્યું છે. તેમાં ય ભાજપની પડતીથી ચડતીનો ઉલ્લેખ આવે છે. 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ ઈંટ મુકી એ પછી 2019માં પાર્ટી કેવી રીતે આગળ આવી અને કાયાકલ્પ થયો તે વિશે છે. આ પહેલા અમિત શાહને ચાણક્યમાં ખપાવતું પુસ્તક ‘આજ કા ચાણક્ય મેનેજમેન્ટ ગુરૂ અમિત શાહ’ પણ આવ્યું હતું. જે રાકેશ ગુપ્તાએ લખ્યું છે. એ જ શિર્ષક સાથે પછીથી ‘આજ કા ચાણક્ય અમિત શાહ’ વિરેન્દ્ર સિંહે લખ્યું. અમિત શાહને આ તમામ પુસ્તકોમાં મોદીના સંકટમોચક તરીકે લેખાવ્યા છે. ઉપરના ત્રણને બાજુમાં મુકી દો તો અમિત શાહનું ‘મૈં અમિત શાહ બોલ રહા હું’ પણ છે. હાસ્યાસ્પદ લાગશે પણ એમેઝોન પર કિન્ડલમાં એક પુસ્તક છે. અમિત શાહ કે 100 પ્રેરક વિચાર (કિન્ડલ-પ્રાઈઝ 9 રૂપિયા)
પછીથી એવું થયું કે વર્તમાન રાજનીતિમાં ભાજપ, મોદી અને શાહના જ પુસ્તકો લખાય છે. એટલામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું રાજનીતિ નામનું પુસ્તક આવ્યું અને છેલ્લે ગોપાલગંજ ટુ રાયસીના જેવી લાલુ પ્રસાદ યાદવની સંવેદના માગતી આત્મકથા પણ આવી. ઉપરના જેટલા પુસ્તકો છે તે હિન્દીમાં પણ છે અને અંગ્રેજીમાં પણ છે. જનતાને આકર્ષિત કરવાનો આ નવો પેતરો છે. આ જ સમયગાળામાં મોદી વિરોધી પુસ્તકો આવ્યા જે હિન્દીમાં હતા, પણ અંગ્રેજી ન થયા અને જે અંગ્રેજીમાં હતા તો હિન્દીમાં ન થયા. તેમાનું એક શશી થરૂરનું The Paradoxical Prime Minister (વિરોધાભાસી પ્રધાનમંત્રી) છે.
મયૂર ખાવડુ
Leave a Reply