એમ નથી કહેતો કે જ્ઞાનમાં ‘અનંત’ હોવો જોઈએ, થોડો ઘણો પણ ‘જ્વલંત’ હોવો જોઈએ
2014-15ની સાલ હતી. પત્રકારત્વમાં અભ્યાસને એક વર્ષ આટોપાય ગયું હતું. સ્થળ હતું રાજકોટનું હેમુ ગઢવી નાટ્યગૃહ અને સન્માન થવાનું હતું કવિ શ્રી સંજુ વાળાનું. આ સન્માન રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા માટે એટલે મહત્વનું હતું કારણ કે પ્રથમ એર્વોડ હતો. મુશાયરો પણ થવાનો હતો. રમેશ પારેખ પર ત્રિ-દિવસિય કાર્યક્રમનું આયોજન થયું હતું. જેનો આજે છેલ્લો દિવસ હતો. હકડેઠાઠ ભીડ હતી. હેમુ ગઢવી નાટ્યગૃહ આટલું વિશાળ હોવા છતાં હવે કોઈ સીટ ખાલી નહોતી રહી. રાબેતા મુજબ મેં અને અશોક સરિયાએ છેલ્લેથી બીજી સીટ લીધી. મુશાયરાની શરૂઆત થાય તે પહેલા જ તાળીઓનો ગડગડાટ અને યુવાનોની નસોમાં જ્યારે રમેશ પારેખની કવિતાનું હુલ્લડ લોહી બની હરતું ફરતું હોય તેમ સીટીઓ પર સીટીઓ વાગી રહી હતી. મારી બાજુમાં બેઠેલા સીટીબાજ અશોક સરિયાને હું પૂછી બેઠો, ‘આટલી બધી ભીડને વક્તા સાચવશે કઈ રીતે ?’
સામેથી અશોક સરિયાએ પ્રત્યુતર આપ્યો, ‘બાપુ, ભીડની મુકો આમા એન્કર બોલવા આવશે ત્યારે શું થાશે ? એને કોઈ સાંભળશે કે નહીં ?’
જો કે બાદમાં અમે અમારી મસ્તીમાં લીન થઈ ગયા. થોડી વાર પછી એક ભાઈ પડદા પાછળથી આવ્યા. તેમણે શર્ટની બાંયો ચડાવેલી હતી. હાથમાં રહેલા કાગળને અમથો જ હાથમાં રાખવા આવ્યા હોય તેમ ડેસ્ક પર મુકી દીધો. ઓડિયન્સ સામે નજર કરી અને અત્યાર સુધી રામાયણ યુગમાં શૂપર્ણખાને શરમાવે તેવી ચીચીયારીઓ પડી રહી હતી તે પીનડ્રોપ સાઈલેન્સમાં પરિવર્તિત થઈ ગઈ. તેણે રમેશ પારેખની કવિતા ફટકારી અને શાંત રહેલું ટોળુ ફરી હોહો કરવા માંડ્યું. પછી તો આખા મુશાયરામાં હોહો ને હીહી થઈ પણ જેવી બુમ રમેશ પારેખ વિશે પેલા ભાઈ બોલેલા ને પડી તેવી પાછી ન પડી. એ ભાઈ હતા જ્વલંત છાયા. અમારા સાહેબ. પત્રકારત્વ ભવનમાં અમે તેમની પાસેથી ફિલ્મો વિશેનું શીખતા હતા. પણ એ દિવસે પહેલી વખત ખબર પડી કે જ્વલંત સાહેબ આટલી બધી ઓડિયન્સને હેન્ડલ કરવાનું બખૂબી જાણે છે. અને અમે પાંચ મિનિટનો સેમિનાર પણ આપી નથી શકતા.
પત્રકારત્વ ભવનમાં એન્ટ્રી મેળવતા પહેલા તેમની દિવ્યભાસ્કરની કળશ પૂર્તિમાં આવતી સંવાદ કોલમ વાંચી હતી. એ પછી ભણતા હતા એ સમયગાળામાં જ એમનું પહેલું પુસ્તક સંવાદ પ્રગટ થયું હતું. મૂળ તો જ્વલંત સાહેબ સાહિત્ય અને સિનેમાનાં માણસ છે. સાહિત્યનું તેમણે સર્જન નથી કર્યું પણ સાહિત્યને વાંચીને તેમણે સાચવ્યું છે. સાહિત્યની નજીક જવા માટે સાહિત્યનું સર્જન કરવું ફરજીયાત નથી પણ જૂનું સાહિત્ય વિસરાય ન જાય તેની પણ દરકાર કરવાની છે. કવિતા બોલવાનું કહો અને યાદ ન હોય તેવું જ્વલંતના કિસ્સામાં જ્વલ્લે જ બને. મોટાભાગના સાહિત્યશ્રેષ્ઠીઓના ઈન્ટરવ્યૂ તેમણે લીધેલા છે. તેમનું લખાણ અન્ય પત્રકારો કરતા અલગ હોવાનું કારણ પણ તેમનો સાહિત્ય પ્રેમ જ છે.
મને યાદ છે પત્રકારત્વ ભવનમાં તેમણે અમને સ્ટોરી કઈ કઈ જગ્યાએથી મળી શકે તે અંગેનો સવાલ કરેલો. અમારામાં અભ્યાસની ઉણપ ઉપરથી અનુભવનું ભાથુ પણ નહોતું એટલે વિચારવા લાગ્યા. સવાલનું સરલીકરણ કરતાં જ્વલંત સાહેબે કહેલું, ‘સ્ટોરી તમારા રૂમમાં જ છે.’ આમ છતાં બહેર મારી ગયેલા અમારા મગજ પત્રકારત્વ ભવનની બારી બહાર જોતા હતા. કદાચ એટલા માટે કે યુનિવર્સિટીનું કંઈક હશે એ પૂછતા હશે. પણ સ્ટોરી મારી સામેની બેન્ચમાંથી નીકળી. એ સ્ટોરી હતી રેખા નામની એક પ્રજ્ઞાચક્ષુ છોકરીની. જે અમારી સાથે જ પત્રકારત્વ કરી રહી હતી. એક રીતે પત્રકારત્વમાં અંધ વ્યક્તિ કેવી રીતે કામ કરી શકે તે મોટો સવાલ હતો ? અમને સાહેબે સવાલ કરેલો તેની પહેલા જ સ્ટોરી સબમિટ કરી આવેલા. ચિત્રલેખામાં પછી રેખાની સ્ટોરી છપાય. લાઈબ્રેરીમાં જઈ અમે તે વાંચી. એ દિવસે ખ્યાલ આવ્યો કે પત્રકારત્વમાં દીર્ઘ દ્રષ્ટિ હોવી જરૂરી નથી કે તમને ક્ષિતિજની પાર દેખાય, પણ પાડોશમાં શું થઈ રહ્યું છે તેની પણ ખબર હોવી જોઈએ.
તેમની મોટાભાગની સ્ટોરીઓ રાજકોટની આસપાસ જ ઘુમે છે. કચ્છ પર તેમણે અઢળક સ્ટોરી કરેલી. અમારો કચ્છ પ્રવાસ હતો ત્યારે તેમણે મોરચંગ વિશે કહેલું. જે દાંતમાં દબાવીને વગાડવાનું હોય છે. રણોત્સવમાં ગયા ત્યારે એક દાદા પાસેથી ઉછીનું માગીને દાંતમાં ભરાવી કસરત કરી પણ કોઈ પરિણામ ન મળ્યું. જ્યારે પ્રવાસ પાછો આવ્યો ત્યારે મેં તેમને વિસ્મયપૂર્વક વાત કરેલી, ‘અમે મોરચંગ જોયું સાહેબ.’ અમારા આખા ક્લાસમાંથી એ વખતે હર્ષ ત્રિવેદી અને હું જ મોરચંગને યાદ રાખી તેની નજીક પહોંચ્યા હતા. કદાચ એટલે કે અમે જ્વલંત સરની દરેક વાતને સિરીયસલી લેતા હતા.
જય વસાવડાએ પોતાના વક્તવ્યમાં કહેલું કે, ‘ફિલ્મ જોવી બધાને છે પણ તેની ઉંડાણની કોઈ વ્યક્તિને તપાસ નથી કરવી.. કે ડાયરેક્ટર કોન છે ? પ્રોડક્શન શું છે ?’ જ્વલંત સાહેબ એ સમયે આ થીમ પર ચાલતા અને આજે પણ ચાલે છે. પુસ્તકમાંથી ભણાવવું તેમને કોઈ દિવસ ફાવ્યું નહીં. તેઓ ચર્ચા કરવામાં માનતા હતા. જેથી મારી પાસે છે એ હું તમને આપું અને તમારી પાસે કંઈ નવું હોય તો તમે મને શીખવાડો. પણ ક્લાસમાં ફિલ્મ વિષયક એ જ્ઞાન અમારામાંથી કોઈની પાસે નહોતું. હું થોડુ ઘણું જાણતો હતો એટલે બોલતો પણ પછી મારી પણ એક લિમિટ આવી જતી. જ્યારે સાહેબ સત્યજીત રેથી લઈને ઋત્વિક ઘટકની મેઘે ઢાકા તારાના આર્ટ સિનેમાની વાત કરતા હતા. કોઈ એક્ટર પર તેમનું પ્રભૂત્વ હોય તો રાજ કપૂરને ગણવા રહ્યા. રાજ કપૂર વિશે તે લેક્ચરમાં વાત શરૂ કરે તો તેનો અંત જ ન આવે. ગુલઝાર બાબતે પણ આવું જ બનતું.
તેમનામાં હ્યુમર ખૂબ ભરેલું છે. એ સમયે તેમણે ભવ્યની નવલકથા અન્યમનસ્કતા પર કટાક્ષ કરતા ક્લાસમાં કહેલું, ‘હવે મારે પણ શૂન્યમનસ્કતા નામની નવલકથા લખવી છે.’ તો બીજી તરફ ગાંઠીયા ઉપરની તેમની લાઈનો અદભૂત છે. ‘સમુદ્રમંથન દરમિયાન જે પવિત્ર વસ્તુ પ્રાપ્ત થઈ તે ગાંઠીયા હતા.’
વોટ્સએપનો વાયરો નવો નવો ફેલાયેલો ત્યારે તેમના લખેલા વાક્યો રાજકોટ આખુ ફેરવતું. એક વખત તો વેકેશન ખુલતા તેમણે લખેલું, ‘બગીચાના ફૂલ ફરી બુકેમાં…’ અને તે આખો દિવસ રાજકોટીયન્સે ઘુમાવ્યું. તે પણ કોનું છે એ જાણ્યા જોયા વિના. અત્યારે આપણે લખીએ છીએ કે સરકાર આ વસ્તુ આપણું ધ્યાન ભટકાવવા માટે કરી રહી છે. એ વાત પહેલી વખત મેં 2016માં જ્વલંત છાયાના પ્રવચનમાં સાંભળેલી હતી. આજથી સાડા ત્રણ વર્ષ પહેલા. એ પછી જેટલી વખત સાંભળ્યું કે ફેસબુકમાં વાંચ્યું ત્યારે લાગ્યું કે નક્કી જ્વલંત ભાઈમાંથી કોપી કરી લાગે છે.
સૌમ્ય જોશી અને ધ્રૂવ ભટ્ટનો કરેલો તેમનો ઈન્ટરવ્યૂ વાંચો અને બાદમાં બીજા પત્રકારોએ કરેલો વાંચો તો ખ્યાલ આવશે કે જ્વલંત જેવી મઝા ન આવી. અત્યારે ઈન્ટરવ્યૂમાં તો વીડિયોનો જમાનો આવી ગયો છે. છતાં લખેલું એ દસ્તાવેજ રૂપે હાથમાં રહે છે એટલે ઈન્ટરવ્યૂ વાંચવા ગમે છે.
મૂળ તો દર અઠવાડિયે ચિત્રલેખામાં આવતી તેમની સ્ટોરી કરતા વાર્ષિક વિશેષાંકોની સ્ટોરીઓ વાંચવા જેવી હોય છે. 2010ની સાલમાં ભાસ્કરની ઉત્સવ મેગેઝિનના વિશેષાંકમાં તેમણે ભીખુદાન ગઢવી પર મસ્તમજાની સ્ટોરી કરેલી. શબ્દોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી જાણતા જ્વલંત છાયાએ ભીખુદાન ગઢવીની પ્રશંસામાં સમરકંદ બુખારા ઓવારી જઈએ તેવા બે શબ્દો વાપરેલા, ‘તેમના અવાજમાં ભરતવન અને શેષાવન જેવી ઘેઘૂરતા છે.’ (સરપ્રાઈઝ થાઓમાં આ કામ અગાઊ કહેલું તેમ તેમના સાહિત્ય વાંચનના કારણે આવ્યું છે.)
સૌમ્ય જોષીની કવિતાઓ શેર કરતાં લોકોને પૂછવું કે સૌમ્ય જોશીએ તેમનું પહેલું કાવ્ય ક્યારે અને કયુ લખેલું ? 2012ના ઉત્સવ મેગેઝિનમાં જ જ્વલંત સાહેબે તેમને પૂછેલું ત્યારે જવાબ મળેલો, ‘એસ.વાય.બીએમાં પાળિયો નામનું કાવ્ય લખેલું તે મારું પહેલું કાવ્ય હતું.’ આમ ઉત્સવ મેગિઝનમાં જ તેમણે કેતન મહેતાનો સરસ મઝાનો ઈન્ટરવ્યૂ કરેલો હતો.
ચિત્રલેખાના વાર્ષિક અંકમાં તેઓ કંઈક નવું શોધી લાવેલા. રાજકોટમાં વસતા કેરળના લોકોને !! ત્યારે તેમણે હેડિંગ મારેલું ‘કેરાલ્ત લેકી સ્વાગતમ્…’
જ્વલંત છાયાના પત્રકારત્વ પરથી શીખવા મળે છે કે દરેક વખતે હાર્ડકોર સ્ટોરી કરવાની જરૂર નથી. થોડુ એવું પણ કરો જે પોતાના શોખની સાથે મેચ થતુ હોય અને બીજાને પણ મઝા આવતી હોય. લોકલ પબ્લિકને ટાર્ગેટ કરો. સકારાત્મક સ્ટોરી ખોજી કાઢો. કોઈની સફળતા વિશે છાપાના ખૂણામાં છપાયેલું છે કે કર્ણોપકર્ણ માહિતી મળેલી છે તેને શોધી કાઢી પ્રેઝન્ટ કરો અને તે સ્ટોરીમાંથી એ વસ્તુ શોધો જે અસામાન્ય છે. જેમ કે, ‘લો, આ તો પંદરમાં વર્ષે થઈ ગયો એન્જિનિયર !’
(ગુજરાતી મીડિયા એર્વોડ માટે અભિનંદન સાહેબ)
મયૂર ખાવડુ
Leave a Reply