2020 કરતાં પણ કોઈ ભયાનક છે તો એ ટેરન્ટીનોનાં પાત્રો છે
ભારતમાં 80 અને 90ના દાયકામાં જો ટેરન્ટીનોના જીવન પરથી ફિલ્મ બને, તો દિગ્દર્શકો તેને મંદિરના ગર્ભગૃહ પર ઉભો રખાવી. તેની આજુબાજુ રીમા લાગુ, નીરૂપા રોય, ફરિદા જલાલ, દિના પાઠક, અચલા સચદેવ, લીલા મિશ્રા, સુલોચના લટકર, રાખી સહિતની હિન્દી સિનેમાની શ્રેષ્ઠ સંસ્કારી માતાઓને ઉભી રખાવી બોલાવડાવે, ‘નીચ, પાપી, ક્યા યે સબ દેખને કે લિયે તુજે પાલ પોસ કે ઈતના બડા કિયા થા ? તાકી તું લોગો કિ આંખે નિકાલ લે, ઉન્હે તલવાર સે મારે, ઉન્હેં ચેન સે જીને ના દે. મૈને એસા ક્યા પાપ કિયા થા કિ ભગવાનને તુજ જૈસે હૈવાન કો મેરી કોખ સે જન્મ લેને કે લિયે ભેજા.’ પણ આવું કેમ ?
2009માં આવેલી Inglourious Basterds ફિલ્મ માટે ક્વિન્ટન ટેરન્ટીનો ઈન્ટરવ્યૂ આપવા આવેલા. 1994થી ચાલી આવતી પરંપરા પ્રમાણે પત્રકારે શરૂઆત કરી, ‘તમારી ફિલ્મમાં આટલી હિંસા શા માટે હોય છે ?’
ડાયરેક્ટર ભડકી ગયા. ક્રોધિત થઈ બોલ્યા, ‘મારે આ વસ્તુનો જવાબ કેટલી વખત આપવો ? 1994થી હું આ સવાલનો જવાબ તમને આપી રહ્યો છું. મારી રિલીઝ થનારી દરેક ફિલ્મને લઈ આ એક જ સવાલ પૂછો છો, તેનો અર્થ એ થયો કે, તમારી પાસે ફિલ્મનું યોગ્ય જ્ઞાન જ નથી. હું તમારા સવાલનો જવાબ નથી આપી રહ્યો, કારણ કે હું તમારો ગુલામ નથી અને તમે કંઈ મારા માલિક પણ નથી. તમે તમારી ધૂન પર મને નચાવી નહીં શકો. હું આ મુદ્દા પર વાત કરવા નથી માગતો, તેનું કારણ એ છે કે ભૂતકાળમાં હું આ મુદ્દાને ઘણી વખત સ્પર્શી ચૂક્યો છું. જો હજુ તમારે જાણવું હોય કે તમારી ઓડિયન્સને જાણવું હોય તો ગુગલ કરી લો. હું ઘણી વખત બોલ્યો જ છુંને.’
આખી વાતનો ગીતાસાર એ નીકળે છે કે સલમાન ખાનને દર વખતે ન પૂછાય કે તમે લગ્ન કેમ ન કર્યા ? એ તો સલમાન ખાન છે. જો તમે ટેરન્ટીનોને પૂછો તો પહેલા તેની ફિલ્મો જોઈ લેવી. એ માણસ Kill Bill Vol-1ના ક્લાઈમેક્સ માટે 400 બેરલ નકલી લોહી વહાવી શકે, તો તમારા પર મુષ્ટી પ્રહાર તો કરી જ શકે. ઉપરથી ટેરન્ટીનોને માત્ર બેસતા વર્ષના દિવસે જ હસવું હોય તેવું તેના ચહેરા પરથી કળી શકાય. એ ગુસ્સામાં હોય તેવી જ અનુભૂતિ થાય.
ભારતીય દર્શકો ટેરન્ટીનોને કાંટે ફિલ્મથી ઓળખે છે. તેની Reservoir Dogs પરથી એ ફિલ્મ બનેલી. જેમાં તેમણે ઉચ્ચકક્ષાનો અભિનય પણ કરી બતાવ્યો હતો. આપણે ત્યાં કોઈની ફિલ્મની પૂછ્યા વિના નકલ કરો, તો મૂળ દિગ્દર્શક ગુસ્સે થઈ જાય. કેસ કરી નાખે. બે ચાર વખત પ્રેસ કોન્ફરન્સ બોલાવે. સોશિયલ મીડિયા પર બફાટ કરે, લીધા દીધા વિનાના તેમના ફેન્સ બાખડે અને પછી ઘીના ઠામમાં ઘી ઢળે. તેના બદલે ટેરન્ટીનોએ સરસ જવાબ આપેલો, ‘તમે વિચારો જરા, ભારતના કલાકારો અમેરિકાની બેંકને લૂંટે છે એ જોવાની જ કેવી મઝા આવશે.’
ટેરન્ટીનો મોજમાં હોય તો મળવા જેવા માણસ પણ ખરા, આવું અનુરાગ કશ્યપ કહી ચૂક્યા છે. અનુરાગને એકાંતમાં ટેરન્ટીનોએ કહેલું, ‘તમારે ત્યાં એક ફિલ્મ છે. Aalavandhan (અભય) મને તેના પરથી જ Kill Billના એનિમેશન સિન્સનો વિચાર આવેલો.’ કમલ હસનની એ ફિલ્મ આજે ઈન્ટરનેટ પર સારી ક્વોલિટીમાં મેળવવા માટે ખાસ્સી લમણાઝીંક કરવી પડે છે.
ટેરન્ટીનોએ કશ્યપ સાથે વાત કરી એ મુદ્દો તો સાફ જ કરી નાખ્યો કે, એક સારી ફિલ્મ બનાવવા માટે અસંખ્ય ભાષાની સારી અને ખરાબ ફિલ્મો જોવી પડે છે. ભલે તમને ભાષા સમજાય-ન-સમજાય કે બોરિંગ લાગે. ખબર નહીં ક્યાંથી પ્રેરણાનું પડીકુ મળી જાય.
*******
વર્ષ 2020ને આપણે મર્ડરર યેર ઘોષિત કરી ચૂક્યા છીએ. 2020ની સાલે એ તમામ ગુનાઓ કર્યા જેના પરથી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ બનાવવાનું મટીરીયલ મળે. ઓસ્કરમાં બેસ્ટ ફોરેન કેટેગરી માટે ફિલ્મ મોકલી શકાય તેવા વૈવિધ્યસભર વિષયો મળ્યા. દળદાર સાહિત્યની રચના કરી શકાય તેવા મનમાં તરંગો ઉઠ્યા. પીએચડીના થીસીસી પણ થઈ શકે અને ઈતિહાસના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એક સારો દસ્તાવેજ પણ તૈયાર કરી શકે તેવી ઘટનાઓ મળી. પણ છતાં 2020 એટલું ઘાતક નથી જેટલા ટેરન્ટીનોના પાત્રો હોય છે. કોઈ કાચા હ્રદયના માનવીને થીએટરમાં લઈ જાઓ અને હસતા હસતા સીટ પર બેસાડો, ત્યાં ફિલ્મના લીડ કેરેક્ટરે કોઈની આંખનો ડોળો કાઢી લીધો હોય. વાક્યના રહસ્ય પરથી પડદો હટાવીએ, તો હાથથી આંખનો ડોળો કાઢી લીધો હોય. અત્યાર સુધી ગુજરાતી વાર્તા કે નવલકથામાં એવું વાંચ્યુ હશે કે એનો જીવ તાળવે ચોંટી ગયો, એ તાળવે ચોંટેલા જીવને ખેંચવાનું કામ ટેરન્ટીનોના પાત્રો કરે છે.
પોતાના પાત્રોની મબલખ હિંસા પર ટેરન્ટીનો અનેક વખત ઉંચા હાથ કરી કહી ચૂક્યા છે, ‘ફિલ્મ જોયા પછી જો રિયલ લાઈફમાં આવી ઘટના બને છે, તો હું તેના માટે બિલ્કુલ જવાબદાર નથી. મારી જવાબદારી એ છે કે પાત્રોને થાય તેટલા સત્યની નજીક રાખવા.’
ટેરન્ટીનો બિલ્કુલ સાચા છે. તમે દાઢી મુછ રાખી કબીર સિંહ બની શકો, સલમાનની રાધે સ્ટાઈલ કોપી કરી શકો, પણ એ બંન્ને પાત્રો પડદા પર જે કરી રહ્યાં છે તે કરવાનો પ્રયત્ન કરો તો તમે વિશ્વના સૌથી મોટા મૂર્ખ ઠરો. તમે રિલ અને રિયલ વચ્ચેનો ભેદ નથી સમજી શક્યા. અથવા તો તમે એ પાત્રના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા છો, જે રોગના લક્ષણો ભારતની મોટાભાગની ઓડિયન્સમાં જોવા મળે છે.
તેમની ફિલ્મોના પાત્રો જુગુપ્સાપ્રેરક ક્રિયા કરતા નજરે ચડે છે. વારંવાર થૂંકી રહ્યાં છે. થૂંક પણ કેવી રીતે ? Django Unchainedમાં એક કાળીયાને ઘોડા પર સવાર જોઈ બીજો કાળીયો ઈર્ષ્યાથી થૂંકે છે. Kill-Billમાં નાયિકાનાં મોઢામાં ભરાયેલો લોહીનો કોગળો થૂંકાય છે. Inglourious Basterdsમાં યહુદીઓ જર્મન સામે બદલો લેવાની ભાવના રાખી તેમની સામે થૂંકે છે. થૂંકના પણ અભિનય સાથે પ્રકાર હોય શકે તેવું ટેરન્ટીનોની ફિલ્મોએ શીખવાડ્યું.
રંગભેદ અને પ્રદેશભેદથી તેમની ફિલ્મોના પાત્રો ખૂબ પીડાય છે અને ચીડાય પણ છે. આ કારણે જ તેઓ લોકોની ઠંડા કલેજે હત્યા કરે છે. Django Unchained ફિલ્મનો પ્રોટોગોનિસ્ટ (D)jango રંગભેદ અને પ્રેયસી માટે ભૂરિયાઓનું નિકંદન કાઢી નાખે છે. બીજી બાજુ Kill-Billની હાફ-અમેરિકન-ચાઈનીઝ-જાપાનીઝ એન્ટોગોનીસ્ટ O-Ren Ishilને એક ગુંડો, ‘તું અહીંની નથી એટલે તારે કિંગ ન બનવું જોઈએ…’ જેવા શબ્દોથી માથુ ઉંચકે છે બદલામાં તેનું માથુ જ કપાય જાય છે. Inglourious Basterdsમાં જર્મનો પોતાના પ્રદેશમાંથી યહુદીઓને હાંકી કાઢવા ઉત્સુક છે. જેથી યહુદીઓએ જર્મનોના ઘરને જ સમરાંગણ બનાવી દીધું છે. Once Upon A Time in Hollywoodમાં ફિલ્મનો અભિનેતા Rick Dalton હિપ્પીઓને ગાળો કાઢે છે અને ક્લાઈમેક્સમાં તો હિપ્પીઓના હાજા જ ગગડાવી નાખે છે.
શ્રીમાન ટેરન્ટીનોની બે ફિલ્મો. Kill-Bill Vol 1 અને 2 સાથે Inglourious Basterdsમાં મનુષ્યના શરીરના એક ચોક્કસ ભાગ પર હુમલો કરવામાં આવે છે. Kill-Bill-1ના ક્લાઈમેક્સમાં શત્રુ O ren ishilને પરાજીત કરતી Bride તેની ખોપરીના ભાગને તલવારથી હવામાં ફંગોડી દે છે. જેથી તેનું માથુ ધડ સાથે ચોંટેલું રહે પણ માથાની ઉપરના ભાગનો વિચ્છેદ થઈ જાય. આવું જ Inglourious Basterdsના એક સીનમાં પણ દેખાય છે. જ્યાં જર્મન સૈનિકોને માર્યા બાદ બ્રાડ પીટના ખૂંખાર યોદ્ધાઓ તેમના વાળ સાથે ચોંટેલી ચામડીને કાપી રહ્યા છે.
યુદ્ધની ફિલ્મ હોય તો બંદૂક હોવી સ્વાભાવિક છે. બાકી ટેરન્ટીનો તલવાર અને ચાકુનો ખૂબ ઉપયોગ કરે છે. Inglourious Basterdsમાં શત્રુઓને જીવતા રાખી ચાકુથી માથા પર સ્વસ્તિકનું નિશાન કરવું. Kill-Billમાં તલવારથી શત્રુઓની શશ્ત્રક્રિયા કરવી. ફરી Inglouriousનો સેકન્ડ નાયક, Sgt.Donny Donowitz બેઝબોલનાં ધોકા વડે માથાની ખોપરી ફોડી નાખે છે. Django Unchainedમાં Calvin Candie કાળીયાઓની કુસ્તીમાં જ્યારે એક કાળીયો હારી જાય ત્યારે તેને હથોડીથી મારી નાખવાને જ કુસ્તીની દુનિયાનું અને વાસ્તવિક દુનિયાનું સૌથી મોટું સત્ય માને છે. એક તો આ વસ્તુઓ તમારું મન પડદા પર વિચલિત કરવા પૂરતી છે. જોકરના શબ્દો ઉધાર લઈએ તો, ‘આ બધી વસ્તુઓ સસ્તી છે.’
તેમના પાત્રો ક્રૂર છે, પણ તેમના પ્રત્યે હ્રદયમાં આપણે પ્રેમનો વિસ્ફોટક પદાર્થ સંગ્રહીને બેઠા છીએ. વાતો વાતોમાં પાત્ર યાદ આવી જાય. Django Unchainedમાં Dr.Kingને આપણે મરતા નથી જોઈ શકતા, Kill-Billમાં Brideને, Inglourious Basterdsમાં છેલ્લે સુધી Hans Landaને આપણે ચાહીએ છીએ. નકારાત્મકતામાં પણ આપણને સકારાત્મક ઉર્જા દેખાય છે.
ટેરન્ટીનો એક ફિલ્મમાં બનેલી ઘટનાનું બીજી ફિલ્મમાં અલગ રીતે પુનરાવર્તન કરે છે. કોઈની લાગણી ન દુભાય એટલે ? Inglourious Basterdsમાં જ્યાં જર્મની વિલન છે, તો Django Unchainedમાં એક જર્મન અમેરિકન કાળીયાને મદદ કરે છે. થઈ ગયું સરભર.
પાછા પાત્રો વાર્તા કહેવાના શોખીન છે. અંધારી રાતમાં લાકડા સળગાવી સામસામે બેસીને, જીવન સાથે સંકળાયેલી ફેરી ટેલ કહે છે. Kill-Billમાં વાર્તા કહેવાનો સીન પહેલી વખત આવ્યો અને પછી એવો જ સીન Django Unchainedમાં પણ જોવા મળ્યો. જ્યાં Dr.King, Djangoને તેની પ્રેમિકાની યાદમાં એક લવસ્ટોરી કહે છે.
કોરોના વાઈરસના કારણે ટ્રાવેલિંગ ન કરો તેટલું સારું, પણ ટેરન્ટીનોના પાત્રો તો મુસાફરીમાં જ માને છે. એ સેટ કરેલા ગોલને પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી થોભવાનું નામ નથી લેતા. Kill-Billની નાયિકા, Djangoનો નાયક, Inglouriousની ટીમ, Once Uponમાં પણ Cliffનું કારમાં ટ્રાવેલ કરવું. ઉપરથી ફિલ્મમાં હિપ્પીઓ, જેમને તો ભોમિયા વીના જ ડુંગરા ભમવા હોય.
પાત્ર વાતોય ક્રૂર કરે ત્યારે થઈ આવે કે 2020 તો ખોટેખોટો બદનામ છે. હત્યા કરવાના ટેલેન્ટેડ ધંધામાં છીએ અને ધંધો જોરમાં છે. જર્મનો સામે આપણે ક્રૂરતાથી લડવાનું છે. માણસ પોતાની મર્યાદાને ભૂલાવી દે તો ખબર છે એ ક્યાં સુધી જઈ શકે ?
હમણાં હમણાં ટેરન્ટીનોની ચાર ફિલ્મોનું રિવીઝન કર્યું. Django Unchained, Kill-Bill-1-2, Inglourious Basterds, અને Once Upon A Time in Hollywood. જેમાં ટેરન્ટીનોના પાત્રો વિશે લખવાનો વિચાર આવ્યો. ઉપર નામ લીધા તેનાથી પણ સારી પલ્પ ફિક્શન, હેટફુલ એઈટ, રિઝર્વિયર ડોગ્સ જેવી ફિલ્મો છે. તેના વિશે તમને ઈચ્છા થાય તો અભ્યાસ કરી લખજો જ, કારણ કે નેટ ફ્લિક્સની ડાર્ક વેબ સિરીઝનો એક સંવાદ છે, ‘એક હાથીના કદનું અવલોકન એક જ વ્યક્તિ કરે અને પછી બધી બાજુથી દસ વ્યક્તિ કરે, તો કેટલી બધી માહિતી મળે ?’
મયૂર ખાવડુ
Leave a Reply