આમ જ રહ્યું તો ખાલી સફારી અને જીપ્સી જ ખરીદવાની રહેશે
જમ્મુ કાશ્મીરનું શ્રીનગર. શ્રીનગરનાં રિગલ ચોકમાં હિલાલ અહમદ બટની દુકાન આવેલી છે. 5 ઓગસ્ટ પહેલા બટની આંખોમાંથી ઝળઝળીયા ન આવી જાય એટલું જ બાકી રહ્યું હતું. પરિવારનું પેટ ભરવું તેમના માટે મુશ્કેલ હતું કારણ કે બટ પુસ્તકો અને મેગેઝિનની દુકાન ચલાવતા હતા. મોબાઈલ અને ઈન્ટરનેટના સ્પીડી જમાનામાં તેમની દુકાન સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં આવી ગઈ હતી. પણ મોદી સરકારની કૃપાથી ઈન્ટરનેટ બંધ હોવાના કારણે બટની દુકાન છેલ્લા કેટલાક મહિનાઓથી ધમધોકાર ચાલે છે. દુકાન પર રિતસરની ભીડ જામે છે. કોઈ પાન-માવાની દુકાન હોય તેમ લોકોનો પુસ્તકોની માફક ઢગલો થાય છે. ગઈ કાલે મંગાવેલો સ્ટોક ગણતરીની કલાકોમાં પૂરો થઈ જાય છે. આ અઠવાડિયાની ઈન્ડિયા ટુડે મેગેઝિને જમ્મુ-કાશ્મીરનાં ગુલઝાર રહેતા મીડિયાની વાસ્તવિક સ્થિતિના દ્રશ્ય પર લખ્યું તેમાં બટનું નાનું અમથું નિવેદન લેવામાં આવ્યું છે. જે નિવેદન ખુશ-મિજાજી લાગી રહ્યું છે.
કોઈ વાર મજાકમાં મારાથી બોલાઈ જવાતું હોય છે, ‘એક દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવે તો રાડો પાડતી મીડિયા અને છાપાનું એકાદ પાનું આરામથી ઘટી જાય.’ કોઈ માહિતી જ ન રહે. માહિતી મેળવવા માટે ફરી કાન્તિ ભટ્ટનાં યુગમાં જવું પડે. જ્યાં ચોપડાઓ, જૂના છાપા અને મેગેઝિનો ઉથલાવી ડેટા એકઠો કરી લખવું પડતું હતું. ઈન્ટરનેટની હકાલપટ્ટી કરી નાખવામાં આવે તો લેખકોની સંખ્યામાં પણ તોતિંગ ઘટાડો આવી જાય. ઈન્ટરનેટ સારું છે તો ખરાબ પણ છે. ઘણાં સારા કોલમિસ્ટો ગુજરાતને મળ્યાં તેની પાછળ ઈન્ટરનેટનો હાથ છે અને જો છાપા કે કોઈ જગ્યાએ લખવા નથી મળતું તો ફેસબુક તો છે જ.
પણ આ જ ઈન્ટરનેટની મદદથી લખાતા લખાણમાં લેખકની સાથે શબ્દનું અસ્તિત્વ પણ જોખમાય જાય છે. તમારે નિરીક્ષણ કરવું. કચરા પેટી કોઈ દિવસ ખાલી ન હોય, કચરા પેટી હોય તો તેમાં કચરો તુરંત ભરાય જ જાય. ઈન્ટરનેટ પર ઠલવાતું સાહિત્ય આવું જ છે.
છેલ્લા એક મહિનાથી વિવિધ દુકાનોએ આટા માર્યા બાદ પણ કોઈ ગુજરાતી પુસ્તક નથી ખરીદ્યુ. હવે સારું લખનારાઓ પણ છાપવા નથી માગતા તે સ્પષ્ટ દેખાય આવે છે. આમ જ રહ્યું તો મારો મહિનાનો ખર્ચ સફારી, જીપ્સી અને ઈન્ડિયા ટુડેમાં જ પૂરો થઈ જશે. આમ છતાં આ મહિને બે પુસ્તકો ખરીદ્યા છે. ભારતીય જનાદેશ : ચુનાવો કા વિશ્લેષણ. જે પ્રોનોય રૉય અને દોરાબ સોપારીવાલાએ મળીને લખ્યું છે. મતદાન બાદ સૌની ઈચ્છા ઓપિનિયન પોલ વિશે જાણવાની હોય છે. વર્ષ 1980થી પ્રોનોય રૉય ચૂંટણીનું વિશ્લેષણ કરે છે અને એક્ઝિટ પોલ પર પોતાનો મત વ્યક્ત કરે છે. પ્રોનોય રોયનું નામ એટલે મોટું છે કે તેઓ NDTVના સંસ્થાપક છે. તેમના મોટાભાગના વિશ્લેષણો ખરાં ઉતર્યા છે. પરિણામે રાજનીતિનું અટપટ્ટુ ગણિત જાણવા માટે આ બુક ખરીદી.
બીજું હિન્દી પુસ્તક ન લીધું હોત તો પણ ચાલેત, જો કે ઘણું સાંભળ્યું હતું કે વિજય ત્રિવેદીએ લખેલ અટલ બિહારી વાજપેયીના પુસ્તક હાર નહીં માનુંગાની તુલનાએ ઉલ્લેખ.એન.પી દ્રારા લખવામાં આવેલ વાજપેયી એક રાજનેતા કે અજ્ઞાત પહલૂ સૌથી રોચક અને મજેદાર છે. વાજપેયીના જીવનની સૌથી નજીક આ પુસ્તક જાય છે. ખાસ ઈન્ડિયા ટુડે અને તેમની જ ધ લલ્લનટોપ વેબસાઈટ દ્રારા વાજપેયીના જીવનને જ્યારે પ્રસારિત કરવામાં આવ્યું ત્યારે વાજપેયી પર લખાયેલા અઢળક પુસ્તકોમાંથી તેમણે આ પુસ્તકને પ્રધાન્ય આપ્યું હતું. લલ્લનટોપનાં સંપાદક સૌરભ દ્રિવેદીએ પણ અટલ બિહારી વાજપેયીના નિધન સમયે જ્યારે લલ્લનટોપ શો કર્યો ત્યારે તેમના ડેસ્ક પર આ જ પુસ્તક હતું. લલ્લનટોપની એક વસ્તુ ખૂબ ગમે છે. જ્યાંથી માહિતી મેળવી તેનું જન્મસ્થાન પણ આપણને કહે છે. જો કે 1996ની ચૂંટણી સમયનો જે આર્ટિકલ મેં લખેલો તેમાં મેં વિજય ત્રિવેદીની હાર નહીં માનુંગાનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખ.એન.પીની તુલનાએ વિજય ત્રિવેદીએ ખૂબ વિસ્તારથી કહ્યું છે. તેમણે વાજપેયીનાં ઘણા અજાણ્યા પહેલું દર્શાવ્યા છે. આમ છતાં ઉલ્લેખ.એન.પીની ભાષા અને તેમનો ડ્રામેટિક અંદાજ જ્યારે આંખ સામે દ્રશ્ય ભજવાતું હોય તે સ્ટાઈલમાં પોલિટિકલ રાઈટિંગ કરી છે.
મોટાભાગના લેખકો પોતાનો આર્ટિકલ ક્યાંથી મેળવ્યો તે છુપાવ્યા રાખે છે. તેના કરતાં તેનો મૂળ સ્ત્રોત વાંચકોને કહી દેવાથી કંઈ લેખક અજ્ઞાની તો સાબિત નથી થઈ જવાનો ? તેનાથી વાંચનારાઓને જ ફાયદો થશે. રૂચિ ધરાવનારા વાંચકો જે-તે લેખકનો આર્ટિકલ વાંચી પુસ્તક શોધશે, મેળવશે અને તેનાથી લેખકની એક ચોપડી વેચાય તો આપણું ક્યાં ભૂજ ભાંગી જવાનું !! મને અંગત રીતે એવું લાગે છે કે, કોલમિસ્ટ બનવા માટે લખતા આવડવું એ પ્રાથમિકતા નથી. લખવું એ ગૌણ વસ્તુ બની જાય છે. તેના કરતાં કોલમિસ્ટ એક સારો સંશોધક હોવો જોઈએ.
નંબર ત્રણ. આ વખતે લસરપટી જેવા લીસા પાનાંમાં એક પ્રવાસગ્રંથ આવ્યો છે. તેની જાહેરાત લેખકે કરી તે પહેલાં જ મને અંદેશો આવી ગયો હતો. મૂળ તો પુસ્તક ખરીદ્યુ ન હોત તો પણ ચાલેત કારણ કે જીપ્સીના તમામ અંકોમાં તેની સફર માણી છે. આમ છતાં લેખકના પુસ્તકને ખરીદવાની જીજીવિષા રોકી ન શક્યો. વાત થઈ રહી છે હર્ષલ પુષ્કર્ણાના પ્રવાસગ્રંથ ચાલો લદ્દાખની. આ પુસ્તક પાનાં પર ટકાવી રાખે છે. તેની પાછળનું કારણ તેના ચિત્રો છે. લદ્દાખ જવાની જરૂર જ નથી એવું લાગ્યા રાખે. આમ છતાં લેખકે દિલથી 2014થી 2018 સુધી લદ્દાખની વાંરવાર મુલાકાત લઈ આ પુસ્તક રચ્યું છે એટલે એક વખત તો મુલાકાત લઈ જ આવવી. પુસ્તક વાંચી લેશો તો કોઈ ટ્રાવેલ વેબસાઈટ ખોલવાની જરૂર નહીં પડે. અંદર લેખકે કેટલા જોડી કપડાં લઈ જવા અને કેવા કેવા લઈ જવા તેનું પણ બોક્સ સ્ટાઈલમાં વર્ણન કર્યું છે. મૂળ તો આ પુસ્તક વાંચશો તો લદ્દાખ જતી વેળાએ કોઈ અડચણ નહીં આવે ઉપરથી ત્યાંના લોકોને નમસ્કાર પણ તેમની જ ભાષામાં કરી શકશો. જો આ પુસ્તક વાંચ્યું તો…
આ પુસ્તકની પ્રસ્તાવનાનાં પ્રથમ બે ફકરાં મને ખૂબ ગમ્યાં. 1962નાં યુદ્ધમાં ચીન ભારતમાં આવેલ લદ્દાખનો ઘણો ખરો હિસ્સો પચાવી ગયું. એ સમયે સંસદમાં જવાહરલાલ નહેરૂએ કહ્યું હતું, ‘ભૂલી જાવ એ ગુમાવેલા પ્રદેશને ! ઘાસનું એકાદ તણખલું સુદ્ધા ત્યાં ઉગતું નથી એટલો તે ઉજ્જડ છે.’
નહેરૂનું આ વાક્ય સાંભળી સાંસદ મહાવીર ત્યાગી ઉભા થયા. તેમને માથે વાળ નહોતા. તેમણે પોતાના માથા વિનાના વાળ પર આંગળી ચીંધી કહ્યું, ‘નહેરૂજી તણખલું તો અહીં પણ ઉગતું નથી, તો શું હું મારું શીશ કોઈને ઉતારી આપું ?’
આ પુસ્તકની શરૂઆતમાં એક વ્યક્તિનો ફોટો છે. જેનું નામ છે મુક્તાનંદ વિશ્વયાત્રી. ખ્યાલ છે એ કોણ છે ? વિજયગુપ્ત મોર્ય….
મયૂર ખાવડુ
Leave a Reply