તેમૂર પોતાની ક્રૂરતાના કારણે જગમશહૂર હતો. એવુ કહેવામાં આવે છે કે, તેમુરે બે હજાર જીવતા માણસોને ચણી દીધા હતા, અને તેના પર મિનારો તૈયાર કરાવ્યો હતો. આ એક જ વાત તેમૂરના પાવર માટે કાફી છે. માની લો કે આ માણસ હિટલરના યુગમાં અથવા તો આધુનિક યુગમાં પેદા થયો હોત તો ? વિચારો કે તેમૂરનો જન્મ પ્રથમ અથવા તો બીજા વિશ્વયુધ્ધના સમયે થયો હોત તો ? તો કદાચ તેમૂર આ દુનિયામાં સૌથી વધારે માનવસંહાર કરનાર શાસક બનેત. ઈતિહાસ એટલે જ પોતાના સમય પ્રમાણે લોકોને ધરતી પર મોકલે છે. તેમૂરનું પણ કંઈક આવુ જ હતું. 1336 ટ્રાંસ- અક્સિનીયામાં જન્મેલો તેમૂર પોતાના યુગમાં ચોર હતો. પિતા ત્યાંના શાસક હોવા છતા અવળાધંધા કરતો હતો. જેનું કોઈ કામ હોય તો તે બકરી અને ઘેંટાઓની ચોરી કર્યા રાખતો હતો. પકડાતો માર ખાતો, પણ સુધરવાની શોકત તેમૂરમાં કોઈ દિવસ આવી નહીં. તેને પણ ભાગ્યે જ ખ્યાલ હશે કે હું કોઈ દિવસ આ દુનિયાનો સૌથી ક્રુર શાસક બની જઈશ. પોતે જન્મથી મુસ્લીમ ન હતો. જેમ મોટાભાગના મુસ્લીમો હોતા નથી. તેના પિતાએ મુસ્લીમ ધર્મ અંગિકાર કર્યો હતો. તેમૂર પણ તેના પિતાની માફક મુસ્લિમ અનુયાયી બની ગયો. તેના પિતાને એમ કે તેમૂર મારી માફક આગળ જતા નેક ફરિસ્તો બનશે, પરંતુ એવુ કશું થયુ નહીં. તેમૂરમાં કટ્ટરતાનું લોહી ભરાવા લાગ્યુ હતું. બાળપણમાં જ્યારે તેણે પહેલીવાર મહાન શાસક ચંગેજ ખા અને સિકંદરનું નામ સાંભળ્યુ, ત્યારથી તેના દિમાગમાં એ વાત ઘર કરી ગઈ. બનવુ હોય તો વિશ્વ વિજેતા બનાય. ખોટી ચોરીઓથી ડરવુ અને પછી ભાગવામાં કોઈ પ્રકારનો માલ નથી. અને બન્યુ પણ એવુ જ 1360માં સમરકંદના શાસકનું મૃત્યુ થયુ. તેના નામનો અર્થ ‘લોઢુ’ થાય છે. અને લોહા ગરમ હો તો હથોડા માર દેના ચાહિયે !!! તેણે પણ આવુ જ કંઈક કર્યુ. પિતાની ગાદી પર કબ્જો જમાવી લીધો. અને પોતાની તાકાત સમસ્ત જગતમાં ફેલાવવા લાગ્યો. શરૂઆતની તેની સફર જોતા લોકોને ભાસ થવા લાગ્યો હતો કે, તેમૂર કોઈ પણ રીતે અટકશે નહીં. તે પોતાનો દિગ્વીજય મેળવીને જ રહેશે.
માણસ પોતાના રોલ મોડેલના કારણે વખણાય છે. તેમૂરનો રોલ મોડેલ ત્યારે ચંગેઝ ખાન હતો. મગજમાં ક્રુરતા ભરેલી હતી. હિંસા તેના લોહીમાં નહતી, પણ બનાવી લીધેલી. તલવાર ચલાવતા આવડતી નહતી, શીખી લીધી. અને બની ગયો તેમૂર. 1380થી 1387ના સમયગાળા વચ્ચે તેમૂરે ધરતી પર પોતાનો કૈકાર વર્તાવ્યો. ખુરાસાન, સીરસ્તાન, અફઘાનિસ્તાન, અઝરબેસ્તાન, કુર્બીસ્તાન જેવા તમામ પ્રદેશો તેણે પોતાના તાબા હેઠળ લઈ લીધા. 1393માં તેણે બગદાદથી મેસોપોટેમિયા સુધીનો ઈલાકો પોતાના નામે કરી લીધુ. ત્યારે રાસનકાર્ડ નહતું અન્યથા હજુ આ વિસ્તારો તેના નામે બોલતા હોત !! તેમૂરનું માનવુ હતું કે એશિયા અને તેમાં પણ ભારત પર જો હુમલો કરવામાં આવે તો આખી રિયાસત હાથમાં આવી જાય. આ માટે તેના સેના અધ્યક્ષોએ તેને મનાઈ કરી. જેના પરથી એ વાતનું તારણ લાવી શકાય કે તેના સમયે તેના મુરબ્બીઓ પણ ચાલાક અને શાતિર હશે. તેમૂરનું તો ઈસ્લામ ધર્મનો પ્રચાર-પ્રસાર અને મારામારી સિવાય કોઈ ઉદ્દેશ્ય ન હતું. તેણે આ માટે જરા પણ વાર લગાવ્યા વિના ભારત તરફ પોતાની નજરો ટેકવી. ભારતમાં ચાલતી મુર્તીપૂજા તેને પસંદ નહતી. તે પણ એક કારણ માનવામાં આવે છે. જો કે એક તરફ ઈતિહાસકારો એવુ પણ માને છે કે ઈસ્લામનો ધર્મ પ્રચાર કરવો અને મૂર્તીપૂજાનો વિરોધ આ તો એક બહાનું હતું. તેમૂરની નજર માત્ર અને માત્ર ભારતના સ્વર્ણીમ ભંડારો પર ટકેલી હતી. ભારતની સમૃધ્ધિની ગાથા તેણે સાંભળેલી હતી. ત્યારે ભારતમાં નબળો શાસક હતો, જેનું નામ ફિરોઝશાહ તુઘલક હતું. ફિરોઝના અધિકારીઓ પણ નિર્બળ હતા. ઈતિહાસમાં એક આરામશાહ નામનો શાસક થઈ ગયો, બસ આ ભાઈ તેના મોટાભાઈ થાય તે માનવામાં પણ અતિશ્યોક્તિ ભરેલુ નથી. તેમૂરે પોતાના પૌત્ર પીર મહોમ્મદને ભારત પર હુમલો કરવા માટે રવાના કર્યો. તેમૂરના મગજમાં તો એક જ વાત હતી કે, ભાઈ ભાંડુઓ જાય ભાડમાં મને શાસન મળવુ જોઈએ. તે માટે જ તેણે પીર મહોમ્મદને ભારત મોકલ્યો. જેણે ત્યાં મુલ્તાનને પોતાના તાબા હેઠળ લીધુ, અને મારામારી કરી. ત્યારબાદ ખુદ તેમૂરને ભારતમાં આવવાનું મન થયુ અને તે જેલમ રાવી જેવા ઈલાકાઓ પાર કરી અને ભારતમાં પહોંચ્યો. 13 ઓક્ટોબરે તે ઉતર પૂર્વી ભારતમાં પહોંચ્યો. ત્યાં તુલંબા નામના નગરને જોઈ તે એટલો મોહિત થયો કે તેણે કોઈપણ વાતનો વિચાર કર્યા વિના તેને લુંટી લીધુ. કત્લેઆમ ચલાવી, સામાન્ય લોકોને મોતને ઘાટ ઉતાર્યા. ત્યાંથી લૂંટ ચલાવી તે દિલ્હીમાં પહોંચ્યો. જ્યાં લાખો હિન્દુ કેદીઓના કત્લ કર્યા. અને અગાઉ જે વાત કરવામાં આવી તે પ્રમાણે તેણે ત્યાં માણસોની કત્લો કરેલો મીનારો બંધાવ્યો. જેથી બાકી શાસકોને તેમૂરના ખોફની ખબર પડે. ફિરોઝશાહના શાસનનો તેમૂર પહોંચ્યો ત્યારે અંત આવી ગયો હતો. તેણે મહોમ્મદ સાથે પાણીપતની નજીક યુધ્ધ કર્યુ. 17 ડિસેમ્બરે 40,000 પાયદળ, 10,000 અશ્વરોહી અને 120 હાથીઓની બબ્બર સેના સામે તેમૂરનો મુકાબલો થયો. તેમૂરને શું ? તે જીતી ગયો.
ભયભીત થયેલો સુલ્તાન મહોમ્મદ ગુજરાત તરફ ભાગ્યો. તે બચી ગયો. તેમૂરના મનમાં તેને મારવાનો કોઈ ઈરાદો નહતો. તેમૂરને તો બસ ભારતના ખજાનાને લુંટી પોતાની ઘાક જમાવવી હતી. દિલ્હીમાં પોતાનું ખુલ્લુ રાજ છે, તેવુ તેમૂરને લાગતા તેણે દિલ્હીમાં ઉઘાડી લુંટ ચલાવી. લોકોને મારવા અને લૂંટવા લાગ્યો. મેદાનોમાં લાશો લગાવવામાં આવી. બ્રામ્હણ હિંદુઓની ચોટી તેણે જ્યારે માંસ કાપતો હોય, તે રીતે કાપી. મુરધીની માફક તેણે ગરદનો ઉડાવી. મરેલા લોકોની ઉપર તે તલવારો ચલાવતો રહ્યો. ત્યાંથી તે કામના લોકોને બંદી બનાવી અને સમરકંદ લઈ ગયો. શિલ્પીઓને ત્યાંની મૂર્તીઓ બનાવવા માટે લઈ ગયો. દિલ્હીમાં પોતે પંદર દિવસ માટે રોકાયો. 9 જાન્યુઆરી 1399માં મેરઠ પર ચઠાઈ કરી અને તેના પણ એવાજ હાલ કર્યા, જેવા દિલ્હીના કર્યા હતા. હરિદ્વારમાં તો તેને હરાવવા માટે હિંદુઓની બે સેનાઓ ભેગી થયેલી, છતા તેમૂર હાર્યો નહીં. આટલો નરસંહાર કર્યા બાદ તેમૂર ફરી 19 માર્ચ 1399 ભારતથી પોતાના ઘરે ચાલ્યો ગયો. એવુ કહી શકાય કે તે ભુકંપ લઈ આવ્યો હતો.
ભારતથી પરત ફર્યા બાદ તેની લૂંટ અને નરસંહારની ભૂખ સંતોષાઈ નહીં. જેણે 1400માં અંતોલીયા પર આક્રમણ કરી નાખ્યુ. 1402માં અંગોરાના યુધ્ધમાં ઓટોમનને હરાવ્યા. 1405માં જ્યારે ચીન પર હુમલો કરવાનો વિચાર કરતો હતો, અને આ વિચાર વિચાર બનીને રહી ગયો. તેમૂર મૃત્યુ પામ્યો.
ખબર નહીં કેમ પણ તે વારંવાર પોતાની સભાઓમાં એ વાત કહેતો હતો કે, તે ચંગેઝ ખાનનો વંશજ છે. લોહી પરથી ન લાગે પણ તેના માનસપટ પરથી લગાવી શકાય. આમ પણ હોય શકે કારણ કે દુનિયાનો સાતમો વ્યક્તિ કદાચ ચંગેઝનો વંશજ હોય શકે છે !!! તો આ ભાઈ પણ હોવા જોઈએ. ચંગેઝ ખાન અને તેના લોકો બેરહેમી પૂર્વક લોકોની હત્યા કરતા, પણ સાવ આવુ વર્તન ન કરતા હતા, જે તેમૂર કરતો હતો. પોતાના પિતા બાદ તેનું શાસન આવ્યુ, અને તે આ દુનિયા માટે જ એક ઈતિહાસ બની ગયો. તેના આત્મકથા તુજુકે તૈમૂરીમાં તે પોતાના આવા ભયાનક યુધ્ધોનું પણ વર્ણન કરે છે. તેણે પોતાની આત્મકથામાં લખ્યુ છે કે ‘મેં બાદમાં હરિયાણામાં પણ આક્રમણ કરેલુ અને પછી પંજાબ જેવા શાહી વિસ્તારમાં, જ્યાં મેં તમામની હત્યા કરી અને લાશોના ઠેર લગાવી દીધા. જમ્મુ કાશ્મીરમાં મેં જ્યારે હુમલો કર્યો ત્યારે રાજપૂતો પોતાની સેનાને લઈ ભાગેલા. જેમાં પૂરૂષોને માર્યા બાળકો અને સ્ત્રીઓને હું કેદ કરી લાવેલો.’ તેણે દિલ્હીમાં જાતપાત પણ કરી. મુસ્લીમોને જવા દીધા અને હિન્દુઓને માર્યા. જેનાથી તેનો જાતિવાદ ચોક્કસ ખબર પડી જાય.
તેમૂરને તેમૂર લંગ કહેવામાં આવતો હતો, લંગ એટલે લંગડો. જેની પાછળનું કારણ એક યુધ્ધમાં તેનો ટાંટીયો ભાંગી ગયેલો. અને હા તેમૂર તમામ યુધ્ધમાં એક હાથે તલવારથી લડતો. જ્યારે તે મર્યો ત્યારે દુનિયાભરના લોકોએ એવી પ્રાર્થના કરેલી કે યા અલ્લાહ તુ બીજો તેમૂર પેદા ન કરતો. આમા મારો કોઈ વાંક નથી સૈફ અને કરિના… ત્યારના લોકો આવુ કહેતા હતા. તો સોરી…….
~ મયુર ખાવડુ
Leave a Reply