છીન્નપત્ર નવલકથા છે ? આ વિશે તો વિવિધ મતમતાંતરો પ્રવર્તતા રહેશે, પરંતુ છિન્નપત્ર ડાયરી સાહિત્યમાં લખાયેલી નવલકથા છે તે કહેવું વધારે ઉચિત્ત રહેશે ? કે પછી એટલા માટે કે સુરેશ જોષી આધુનિકતાનો જે યુગ ગુજરાતી સાહિત્યમાં લાવ્યા તેમાં કશુંક ‘નૂતન’ હતું. જેના પ્રવાહ તળે નવા ઉન્મેષો તણાયા અને આધુનિકતાનો સિક્કો ગુજરાતી સાહિત્યમાં લાગી ગયો.
સુરેશ જોષીના પુસ્તકોના શીર્ષકો આજે પણ સમય કરતા આગળ ચાલતા હોય તેવું લાગે. છિન્નપત્ર પણ તેમાંનું જ એક ઉદાહરણ છે. નવલકથા અગાઉ વાત કરી તેમ ડાયરી સાહિત્ય જેવી છે. હા, લેખક પોતે (નેરેટર-પ્રોટોગોનિસ્ટ-પહેલા પુરૂષ એકવચનમાં) પોતાની કથાનો આરંભ કરે છે. જેમાં તેની નજીકના કેટલાક ઇર્ષ્યા તત્વો છે. તેની પ્રેમિકા માલા અને તેની પત્ની લીલા વિશેનો ફિલોસોફીલ એલિમેન્ટ રહેલો છે. નવલકથાને જીવંત રાખનારું તત્વ તેની અંદરની ફિલોસોફી છે. કોઇ પણ વિવેચકને સુરેશ જોષીની છિન્નપત્ર નવલકથાના પ્રવાહમાંથી પસાર થવા માટે ખૂબ ધ્યાન દઇને વાંચવું પડે. એક એક શબ્દમાં ફિલોસોફી રહેલી છે. તે શબ્દોનો કંઇક ને કંઇક કોઇક ને કોઇક રીતે અર્થ સરે છે. તેને પકડતા આવડવો જોઇએ. છિન્નપત્રનું વિવેચન કરનારો કે સંશોધન કરનારો વ્યક્તિ જેટલો વધુ અભ્યાસી તેટલી તે નવલકથામાંથી ફિલોસોફીની પ્રત્યંચા વધારે તાણી શકશે.
નવલકથા અને તેની ફિલોસોફીમાં ડૂબકી મારતા પહેલા નવલકથા વિશે ઓનલાઇન શું ઉપલબ્ધ છે તે જાણીએ. જમાનો ઓનલાઇનનો છે એટલે નવલકથા વિશે કોણે શું કહ્યું તે માહિતી મેળવી લેવી જરૂરી બને છે. આમ તો ગુજરાતી નવલકથાઓ વિશે ઓનલાઇન સાહિત્યમાં શું મળી શકે ? પણ મને મળ્યું. કોઇ દિવસ છિન્નપત્ર નવલકથા વિશે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું છે ? એક ગુજરાતી સાહિત્યના ભાવક અથવા તો સુરેશ જોષીના વાંચક તરીકે ? ગુજરાતીની આ નવલકથા વિશે અંગ્રેજી નવલકથાની જેમ માળખુ આપીને એક એક વસ્તુ લખવામાં આવી છે. હા, અંગ્રેજી જેટલું ડિટેલીંગ કરવામાં નથી આવ્યું, પણ ગુજરાતી નવલકથા વિશે આટલું લખેલું હોય તો એ આપણા માટે ઘરે પ્રસંગ હોવા જેવી વાત છે. વિકીપીડિયામાં છિન્નપત્ર વિશે આટલું લખાયું કેમ ? કારણ કે ત્રિદીપ સુહરૂદે તેનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો છે. પુસ્તકનું કવર ભૂપેન ખખ્ખરે તૈયાર કરેલું છે. તેના જોનરમાં તેને Lyrical novel તરીકે ઓળખાવી છે. વર્જીનિયા વુલ્ફ, ગ્રેહામ સ્વીફ્ટ, હર્મન હેસ સહિતના લેખકોની નવલકથાઓને આ ક્ષેત્રમાં રાખી તેના પર અભ્યાસ થયા છે.
વિવેચક જયેશ ભોગાયતા એ લખ્યું છે, ‘‘લિરિકલ નવલકથા કોઇ પૂર્વનિર્ધારિત સ્વરૂપ વડે બદ્ધ નથી. તેમાં કથાસાહિત્યની સંકુલ પ્રયુક્તિઓનો સમન્વય પ્રગટ થાય છે. કલ્પન, પ્રતીક, આંતર-એકોક્તિ,આંતર ચેતનાપ્રવાહ, રૂપકગ્રંથિ જેવી વિભિન્ન રચનાપ્રયુક્તિઓના સમન્વય વડે નવલકથા પાત્રની વૃતિ, મનોભાવ, જ્ઞાનમૂલક સંવેદનશીલતા પ્રગટ કરે છે’’ (નવલકથા : સ્વરૂપ અને વૈવિધ્ય-સંપાદન શિરીષ પંચાલ-લેખક જયેશ ભોગાયતા-પેજ 586)
સુમન શાહે તેને ‘પ્રેમનું મેટા ફિઝીક્સ’ કહીને ઓળખાવી છે. શિરીષ પંચાલનું વિકીપીડિયામાં રહેલું ક્રિટીસિઝમ આ વિશે કહે છે – among Joshi’s longer works of fiction Chhinnapatra deserves a special mention.
અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટે લખ્યું છે – this type of modern novel has negated the age old concept that a novel can’t survive out of its social milieu. પણ ખૂદ સુરેશ જોશી આ નવલકથાને ‘લખવા ધારેલી નવલકથાના મુસદ્દા’ તરીકે ઓળખાવે છે. આ નવલકથા એક ડ્રાફ્ટ છે. સ્ક્રિપ્ટના ડ્રાફ્ટની જેમ નહીં, ડાયરીના ડ્રાફ્ટની જેમ. સ્ક્રેપબુક છે. જ્યારે કોઇ વ્યક્તિ પોતાના પ્રેમને વર્ષો જૂના પાતાળ કૂવામાં ત્યજીને આવેલો હોય અને પછી સમય જતા એ પાતાળકૂવામાંથી કેટલાક અવશેષો ખોદી કાઢવાનું તેને ઇતિહાસવિદ્દની માફક મન થાય. હવે તે અવશેષો ઇતિહાસ બની ગયા છે અને જે વસ્તુ ઇતિહાસ બની ગઇ હોય તેની કિંમત પણ વધી જવાની. કંઇક આવું જ છે છિન્નપત્રનું. 1965માં ક્ષિતિજમાં પ્રગટ થયેલી આ નવલકથાએ કેવી રીતે પ્રેમ-ચિંતન અને લિરિકલ નોવેલનું સંયોજન કર્યું ?
એક લેખક છે (અત્યારે નામ નથી આપતો) પોતાની વર્તમાન જિંદગી જીવી રહ્યા છે, ખૂબ પ્રતિષ્ઠિત લેખક હોવાનો મોભો ધરાવે છે, પણ હવે તેમણે પોતાની આ વાત ડાયરીના પાના દ્વારા ‘હું’ કેન્દ્રિત રીતે વહેતી મુકી છે.
નવલકથાના પહેલા પ્રકરણના પહેલા ફકરામાં જ સુરેશ જોષી લખે છે, ‘‘આંસુથી તું બધું વહાવી દે છે ત્યારે આંસુની ભંગુર દીવાલ વચ્ચેના શૂન્યના પડઘાને ઝીલવા હું મથું છું ખરો, પણ મને સમજાઈ જાય છે કે આંસુ જે આપે તે આંસુ દ્વારા જ ઝીલી શકાય, ને મારાં આંસુ તો મારું ગામ છોડ્યું ત્યારે મારા ગામના પાતાળઝરણાને સોંપીને આવ્યો છું. દાદાજીએ કહ્યું હતું: ‘હવે તું મોટો થયો. હવે આંખમાં આગ શોભે, આંસુ ન શોભે. માટે જે કાંઈ આંસુ રહ્યાં હોય તે પાતાળઝરણાને સોંપી આવ.’ આથી તું જે આંસુથી આપે છે તે મારાથી ગ્રહી શકાતું નથી, એમાંનું થોડુંક ઝિલાય છે પવનમાં, થોડુંક જળમાં.’’ (પ્રકરણ-1 પૃ.1)
નાયિકાની સ્ત્રી સહજ પ્રકૃતિ છે કે તેને આંસુ આવે. વિરહના આવે ! પણ પ્રોટોગોનિસ્ટ માટે આંસુ ન વહેડાવી શકાય. તે પુરૂષ છે. વર્ષો પહેલા નાયક જ્યારે લેખક નહોતો ત્યારે પોતાનું ગામ છોડીને આવેલો અને ત્યાંજ આંસુ ધરબી દીધા હતા. લેખકે અચૂક યુવાનીમાં આંસુ સાર્યા હોવા જોઇએ. કારણ કે તેના દાદાએ તેને મીઠો ઠપકો આપી તેનો યુવાની સાથે પરિચય કરાવ્યો છે. કહે છે, ‘તારી આંખમાં આગ શોભે આંસુ ન શોભે.’ એટલે સુરેશ જોશીનું આ પાત્ર તેની યુવાનીમાં પીડનવૃતિમાંથી પસાર થયું હોવું જોઇએ. અને એટલે જ નાયક નાયિકાને થોડુ ઘણું હસાવી શકે છે. જે વ્યક્તિ પીડામાંથી પસાર થયો હોય તે બીજાને હસાવવાની ક્ષણો શોધતો હોય છે. સુરેશ જોષી દ્વારા રચિત લેખકના આ પાત્રમાં તેની ઉંડાઇનો અભ્યાસ કરીએ તો તે પીડા ઉડીને આંખે વળગે છે. અગાઉના પ્રકરણમાં નાયક પૂર્વાધના પ્રકરણોનું અનુસંધાન જોડી કહે છે, ‘‘પણ તારા હાસ્ય માટે મારે હંમેશા વેદનાનું જ નામ લેવું પડે.’’
કલાના બે મોટા સ્વરૂપો. નવલકથા અને ફિલ્મમાં કોઇ એક એવો સંવાદ હોય છે જે યાદગાર બની રહે. ધૂમકેતુની વિનીપાતમાં, પડે છે ત્યારે સઘળુ પડે છે, માનવીની ભવાઇમાં, ભૂખ ભૂંડી છે એવા ઘણા સંવાદોએ કૃતિ અને તેના સર્જકનું નામ જગતમાં અમર રાખ્યું છે. તેમ છિન્નપત્રના આ સંવાદે પણ આખી કથાને જીવંત રાખી. ‘‘એક શબ્દ ઘડવાને કેટલા રાક્ષસ શોધી શોધીને હોમવા પડતા હતા?’’ આમ તો આ સંવાદ નથી. લેખકે ડાયરીમાં ટપકાવેલો વિચાર છે. જેમાં ‘હું’ કેન્દ્રસ્થાન છે. કૃતિમાં જ્યારે કથા લેખક દ્વારા એટલે કે ‘હું’ દ્વારા કહેવાતી હોય ત્યારે વાંચકનો લેખક સાથે સંધાન મજબૂત રીતે જોડાય છે. તેવું આ વાક્ય સાથે થયું છે. લેખકના જીવનમાં આવેલા પાત્રો અમલ,અરૂણ,અજીત અને અશોક એ તેના રાક્ષસો હોવા જોઇએ. જેને તે અલગ અલગ પાત્ર સ્વરૂપે ઘડીને હોમે છે. અથવા તો માલાના આ પુરૂષો સાથે સંબંધ અને લેખક સામે થઇ ચૂકેલા તેના ઘટસ્ફોટથી માલા અચૂક શબ્દોરૂપે રાક્ષસો લેખકથી છૂપાવતી હશે.
લેખક કહે છે શેરીના દિવાનું અજવાળું ખાબોચિયામાં પૂરાઇને અકળાય છે. જેમાં નાયકે ખુદને એક રૂમમાં પૂરી લીધો છે. હકિકતે તેની જે લેખક તરીકેની કિર્તી ચારેકોર ફેલાયેલી છે એ દિશામાં તેને જવું જોઇએ પણ ત્યાં જતા તેમનું મન વિહવળ થઇ જાય છે. કારણ કે માલા પાસે તેનું જીવન અટકી ગયું છે. જોકે નાયકના જીવનમાં કંઇક બન્યું છે, કંઇક ઘેરો આઘાત તેને લાગ્યો છે, તે આ વાક્યથી સ્પષ્ટ થાય છે. ‘મારા પડછાયાને ઠોકર લાગે.’ સુરેશ જોષી એ અહીં એકાંત અને અસ્તિત્વવાદ બંન્નેને પૂરક રીતે સમાવી લીધા છે.
પહેલા પ્રકરણમાં જ લેખકનો વ્યવસાય શું છે તેની માહિતી આપ્યા વિના જાણ થઇ જાય છે. જ્યાં નાયકે પોતાની ડાયરી લખી ત્યાં એક ખાટલો છે (કદાચ નાયકને સુતા સુતા વાંચવાની ટેવ હશે) તેને અડીને જ ટેબલ આવેલું છે (લખવા માટે) આ સિવાય રૂમમાં બીજી કોઇ ઘરવખરી નથી.
સુરેશ જોષીએ અહીં પ્રતીકોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે. આમ તો ઠેકઠેકાણે પ્રતીકો તેમના નિબંધની જેમ ભર્યા છે. બીજા પ્રકરણમાં જ જુઓ, ‘‘અમલને તો તું ભૂલી નથી ગઈ ને? એ આજે આવ્યો હતો. બહાર ચાંદની હતી ને કાતિલ ઠંડી હતી – શબ ઘરમાં હોય છે એવી. અમલની આજુબાજુ એ ઠંડીનું આવરણ હતું. આથી એ ઝાંખો ઝાંખો લાગતો હતો. કદાચ એ કંઈક બોલ્યો હશે. પણ એના શબ્દો બરફની સળીઓ બનીને વિખેરાઈ ગયા હશે. જો એ વધુ બોલ્યે જ ગયો હોત તો એના જ શબ્દોના બરફમાંથી ગોળ પિણ્ડ બનાવીને મેં એને માર્યો હોત પણ એ એની આજુબાજુના આવરણને અથડાઈને મને જ વાગ્યો હોત તે હું જાણું છું.’’(પ્રકરણ-2)
નાયકને અમલ પ્રત્યે કંઇક વેર છે. તેવું અહીં ફલિત થાય છે. અમલના પાત્રમાં સુરેશ જોશીએ ઇર્ષ્યાનું તત્વ નાખ્યું હોવું જોઇએ, તો નાયકના પાત્રમાં તેમણે લાચારી અને ઇમાનદારીનું નિરૂપણ કર્યું છે. નાયક તેને મારવા માગે છે, પણ કઇ રીતે ? બરફના પિંણ્ડથી. જે તેને વાગે નહીં, પણ નાયક પોતાનો ગુસ્સો તેના પર ઠાલવી શકે. કારણ કે અમલ નાયકના ઘરમાં આવી ફંફોસે છે. તેને લેખક અને માલા વચ્ચે કંઇક રંધાય રહ્યું હોવાની શંકા છે. અહીંથી અમલ, નાયક અને માલા વચ્ચે પ્રણય ત્રિકોણ બન્યો છે. પણ અમલ લેખકને કંઇ પૂછતો નથી. તે લેખક પાસેથી ઓકાવવા માગે છે.
આ નવલકથા છે કોઇ કવિતા નથી કે પ્રિયતમાને કેદ કરી દેવામાં આવે. સુરેશ જોષીએ સરસ લખ્યું છે, ‘‘મારા લેખનમાં મેં તને પૂરી નથી દીધી, એ દ્વારા હું તને મુક્ત કરતો જાઉં છું.’’
માલા ધીમે ધીમે લેખકની ભાષા બોલવા લાગી છે. પ્રિયતમા જેની સાથે વધારે રહે તેના જેવી થઇ જાય, પણ લેખક તેનો કોઇ ફોડ પાડતા નથી. માલા કહે છે, ‘‘મારા આંસુમાં હું શૂન્યને સંઘરૂ છું’’ ત્યારે લેખક કહે છે, ‘‘તને આવી ભાષા કોણે શીખવી ? હું તેને મારવા માગુ છું.’’ તેને પ્રેમ અને સાહિત્યની ભાષા શીખવનારો તો નાયક છે, તો શું નાયક ખુદ સાથે અંતરદ્વંદ્વ કરશે ? કે પછી માલાના અન્ય પ્રેમીઓ સાથે !!
સમગ્ર નવલકથામાં નાયકના મુખે થયેલું આત્મનિવેદન એ ભાવક માટે રસિકતાની નિશાની છે. પાત્રો ઘટનાઓમાંથી પસાર થઇ રહ્યા છે, પણ ઘટના એટલી આંદોલિત નથી. કોઇ કથન દ્વારા તેને કહેવાય નથી. માત્ર તેને તત્વજ્ઞાનના પડછાયામાં રાખવામાંં આવી છે. પાત્રોમાં વિવિધ પ્રકારના સંવેદનો આકાર લે છે. અમલ લેખકની દ્રષ્ટિએ ઇર્ષ્યાળુ છે. તેની પત્નીનું પાત્ર એ વાસ્તવિક જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં જે ભાગ ભજવે તેવુ પાત્ર છે. માલાને આપણે લાગણશીલ કહી શકીએ, પણ કઇ રીતે ? અત્યાર સુધી તો નાયકના શબ્દોમાં તે માત્ર આંસુઓ સારતી રહી છે અને નાયક માટે સમસ્યા બનતી આવી છે. 14માં પ્રકરણમાં જ્યારે લેખક પાસે કોઇ પોતાની કૃતિ વંચાવવા માટે આવે છે. ત્યારે લેખક તેની જતી વેળાએ પરચી વાંચે છે અને પછી સુરેશ જોષીની અંદરનો વિવેચક જાગી ઉઠે છે. તે પરચીમાં શું લખેલું છે તેનું તે વિવેચન કરે છે અને લખાણ માટે પ્રશંસા કરે છે.
નાયક વારંવાર ભૂતકાળ-વર્તમાન અને ભવિષ્ય વચ્ચે જીવતો બતાવ્યો છે. એ વાતો ભૂતકાળની કર્યા કરે છે, પણ વર્તમાનમાં પત્ની લીલા અંગે ચર્ચા કરવા સ્વસ્થ નથી અને ભવિષ્ય તો તે માલા અને લેખનમાં જ જુએ છે. માલા નાયકને ક્યાંય પૂર્ણ સ્વરૂપે વર્તમાનમાં નથી મળી રહી. એટલે નાયક પણ અડધો થઇ રહ્યો છે. થોડો ભૂતકાળમાં થોડો ભવિષ્યમાં જીવી રહ્યો છે,પણ વર્તમાનમાં ? માલા તેના સ્વપ્નોમાં આવે છે પરંતુ દેહ સાથે આવતી નથી.
વાંચકની અધિરાઇનો અંત છેક 16માં પ્રકરણમાં આવે છે. જ્યારે નાયકની પત્ની તેને પત્ર લખી માલા સાથે આવેલા કોઇ પુરૂષની વાતથી નાયકને સળગાવે છે ત્યારે તેમાં ‘અજય’ નામ આવે છે. આ સિવાય અગાઉના પ્રકરણમાં પણ સુરેશ જોષીએ પોતાના નાયકનું નામ ‘અ’ જણાવ્યું છે જે વાંચકે મેષ રાશિમાંથી પોતાની મેળે ધારી લેવું. ઉપરથી માલાને મેષ રાશિ સાથે કંઇક વધારે જ લગાવ છે. તેના જીવનમાં આવેલા તમામ પુરૂષો અરૂણ, અમલ, અજિત અને અશોક છે. પણ આ તમામ પુરૂષોથી અજયને ઇર્ષ્યાનો ભાવ જાગે છે.
અજયે એક પણ વસ્તુ જે માલા સાથે સંલગ્ન છે તેને વિખૂટી પાડી નથી. એ પછી ટેબલ, રેલ્વે સ્ટેશન, રાત, લીલા, પ્રકૃતિ, બરફ, પતંગિયા, ફુદુ… લિરિકલ ફોર્મ આખુ ઉજાગર કરી દીઘું છે.
સુરેશ જોષીએ એ સમયના નવલકથાકારો પર આડકતરો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું છે, ‘‘મમીનું કફન પહેરીને ચાલતા થોડા નવલકથાકારો.’’ જેમની લખવાની ક્રિયા ક્યારની મરી ગઇ છે, પણ અભરખો હજુ છોડતા નથી.
નવલકથાનો નાયક દ્રશ્ય અને પ્રતિબિંબોમાં જીવે છે. તેના પાત્રો પણ પત્રમાં જીવી રહ્યા છે. પાત્રો સાથે ઘટતી ઘટમાળા પણ પ્રાકૃતિક સ્વરૂપે છે. માલાને બીજા પુરૂષોથી મુક્ત કરાવવાની અજયની મથામણ અને મૂંઝવણ છે. અજય જે ઝંખે છે એ તેને ક્યાં મળવાનું ? તેના પાત્રમાં વિષાદ જાગે છે, આમ તો માલાના પાત્રમાં પણ વિષાદ ભર્યો છે, પણ અજય જેટલો નહીં. અને અંતે તો ન પામી શક્યાની વેદનાનો સૂર એટલે છિન્નપત્ર.
~ મયૂર ખાવડુ
Leave a Reply