શીર્ષક : ભૂખ
આંખો બંધ કર્યા વિના પણ આંખો સામે અંધારું છવાઈ જાય એવું કાળુંડીબાંગ અંધકાર ધરાવતા એ નાનકડા ઝુંપડામાં બે શરીર પાસપાસે પડ્યા હતા. એકાદ ક્ષણબાદ રૂપલીએ પડખું ફેરવ્યું – કદાચ પાંચમી વખત. એ જોઈ પાસે પડી રહેલા સુરાએ હળવેકથી નિશ્વાસો નાંખતા પૂછ્યું, “કાં ? નિંદર નથ આવતી કે ?”
‘પેટમાં કંઇક અડધા ટંકનું ખાવાનું પણ ગયું હોય તો ઊંઘ આવે કે !’, ગળા સુધી આવેલા શબ્દો ગળી જઈ રૂપલીએ માત્ર હોંકારો કરી જવાબ વાળ્યો. વળી થોડીવારે મનમાં જીજ્ઞાસાનો કીડો સળવળ્યો અને પડખું ફેરવી સુરા તરફ ફરતા બોલી, “તે, હવે એકાદ દી’માં તો સરકાર ખાવાની વ્યવસ્થા કરી જ દેશે ને ?”
આ એકનો એક પ્રશ્ન રૂપલી છેલ્લા ત્રણેક દિવસથી વખત જોઇને સુરાને પૂછી લેતી. અને હમણાં અડધી રાત્રે પણ એના એ પ્રશ્નમાં છુપાયેલી આશાનું કિરણપુંજ સુરાને પણ નિરાશાના મધદરિયે આશાનું તાંતણું આપી ગયું.
તેણે હોંકારામાં જવાબ આપી બીજી તરફ પડખું ફેરવી લીધું. અને નજર સામે, ઝુંપડાના ખૂણે ચીથરેહાલ કપડામાં સુઈ રહેલી બંને દીકરીઓ તરવરી ઉઠી. ઘડીભર એ દીકરીઓનો પિતા નજરોથી એમની પર અમીવર્ષા કરતો રહ્યો, પણ એકાએક એમના શરીરના બદલાવ થકી દીકરીઓ મોટી થઇ રહેલી હોવાનું ભાસ થતા તેણે એક ઝાટકા સાથે નજર ફેરવી લીધી. અને પોતાનાથી અજાણતામાં પણ કોઈક ગુનો થઇ ગયો હોય, અને એ છુપાવવા હવાતિયા મારતો હોય એમ બળથી આંખો મીંચી રાખી પડી રહ્યો.
પણ આંખો બંધ હોય કે ખુલ્લી, એનાથી એની પરિસ્થિતિઓના ચિત્રમાં ક્યાં લગીરેય ફેર પડવાનો હતો. આંખો બંધ કરી લેવાથી થોડી કાંઇ છેલ્લા એક વર્ષથી પડી રહેલ દુકાળથી મોં ફેરવાઈ જવાનું હતું !
છેલ્લે ખેતરમાં જઈ પરસેવે ક્યારે નાહ્યા હતાં એ પણ હમણાં આ ચારેય શરીરને યાદ નથી, પછી ગાલ પર વરસાદનો છાંટો છેલ્લે ક્યારે ઝીલ્યો હતો એ તો ક્યાંથી યાદ હોય !!
એક તરફ લોકોને એક ટંકનું ખાવાનું મેળવવાના ફાંફા હતા, જયારે બીજી તરફ મલક આખો દુકાળમાં ખવાઈ ગયો હતો. ‘દુકાળમાં અધિકમાસ’ – ની કહેવત તો રૂપલીએ પીયરીયે સાંભળી હતી, પણ પોતે ક્યારેક જાતે એ પરિસ્થિતિનો સામનો કરશે એવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું.
પણ એક વાત તો માનવી જ પડે, રૂપલી જેવું બૈરું શોધ્યેય નો જડે હોં ! વિકટ સંજોગોમાં ભરથારની જોડે કેમનું રહેવું એ તો કોઈ એનાથી શીખે બાપ ! પોતાના નસીબના પત્તા સામે દુકાળને હરાવવા એણે પોતાના ઘરેણા સુધી વેચવા દઈ દીધા ! સ્ત્રીની જાત માટે આ કરવું કાંઇ સહેલું થોડું છે !
પોતે ભુખી રહીને સુકાયેલા બાવળિયા જેવી થઇ ગઈ છે, પણ ભરથાર, બેય છોડિયું, અને ઘૂઘરીને ભાગ્યે જ એણે ભુખ્યા સુવડાવ્યા હશે ! ઘૂઘરી – એના ઘરે વધેલી એકમાત્ર મરઘી ! એના આણા વખતે એના સસરાએ એને અને સુરાને એક મરઘી – સરયુ – લાવી આપી હતી. અને આ ઘૂઘરી એ, એ જ સરયુ મરઘીના વંશવેલાનું બચેલું છેલ્લો અંશ હતી.
ઘુઘરી એના જન્મ વખતથી જ પોતાના સાથીઓ કરતા કંઇક વધારે ઘેરો, ઘુઘવાટ ભર્યો અવાજ કરતી ઘર આખામાં ફરી વળતી, ત્યારથી જ રૂપલીએ એને ઘુઘરી કહેવાનું શરુ કર્યું હતું. દુકાળ આખામાં એની બધી ગાયો, ભેંસો, અને મરઘીઓનો ભોગ લેવાઈ ગ્યો’તો ! પણ ઘૂઘરી પરની એની વિશેષ માયા કહો કે પક્ષપાત, એણે કેમેય કરીને એને ટકાવી રાખી હતી.
અલબત્ત, હવે ઘરમાં એનો એ ઘુઘવાટ સાંભળ્યે પણ લાંબો વખત વીતી ચુક્યો હતો. પ્રાણી માત્ર પોતાના માલિકને અને એની પરિસ્થિતિને સમજે છે. અને પોતાની એ સમજ થકી પોતાની પરિપક્વતા દેખાડતી હોય એમ ઘૂઘરી ઘરના ખૂણે પડી રહે છે, અને જયારે રૂપલી ચણ આપે ત્યારે થોડુંક ચણી લઇ, બાકીનું બીજા ટંક માટે બચાવી રાખે છે. અને એમાંને એમાં પોતે પણ રૂપલીની જેમ સુકાઈને કાંટો થઇ પડી છે. કદાચ કોઈ રોગ પણ લાગુ પડી ગયો હોય તો કોને ખબર ? અને બસ એમ જેમ તેમ દિવસો કાઢી દઈ, રાત પડ્યે ટોપલા નીચે ઢંકાઈ જઈ પડી રહે છે – હમણાં પડી હશે એમ જ ! – પણ આજે તો ખાવાનું જ ઘણું ઓછું હતું તે સુરાએ પણ જમવાનું માંડી વાળ્યું. અને એ વાતથી રૂપલીનું મન ખાલી પેટથી પણ વધારે આજે દાઝતું હતું.
ઘરની પરિસ્થિતિ જોઈ અવારનવાર સુરાએ શહેર ભણી ચાલી નીકળવાની વાત કરી હતી. પણ કેમેય કરીને રૂપલીથી ગામની માયા છુટતી નથી. વચ્ચે તો સુરાએ એકલા જ શહેર કામ પર જવાની રટ લીધી હતી, પણ ત્યારેય ‘એવું કાંઈ કરવા ઘર બહાર પગ પણ કાઢો તો મને મરેલી જુઓ !’, કહીને રૂપલીએ એને રોકી પડ્યો હતો. કોણ જાણે કેમ રૂપલીને એ માટી પાસે કંઇક એવી આશ હતી કે, ભલે થોડાક દિવસ ભૂખથી તતડાવશે, પણ આંતડી પણ એ જ માટી ઠારશે !
એમ ને એમ કરતા દુકાળ પડ્યાને બીજા છ મહિના વીતી ગયા હતા. પણ આ રાત ! આ રાત કેમેય કરીને પૂરી નહોતી થતી. અને આ જ રાત કેમ, છેલ્લે ભરેલા પેટે ક્યારે મનભરીને ઊંઘ ખેંચી હતી એ યાદ કરવામાં મગજની નસો ખેંચાઈ જાય એવી હાલત હતી !
ખાલી પેટ પડખા ઘસી રહી સુરા અને રૂપલીએ એ રાત પણ વિતાવી દીધી.
* * *
સવારના બીજા પહોરે તો ગામ આખામાં ખુશીની લ્હેર ફરી વળી. શહેરમાં કામ કરતો ગંગીડોશીનો ગગો પાક્કી ખબર લાવ્યો હતો કે આજથી ચોથા દિવસે સરકાર એમના મલકમાં ઘેર-ઘેર અનાજ પંહોચાડવાની છે ! અને અનાજનું વિતરણ માથા દીઠ થવાનું છે, જેના ઘરમાં માથા વધારે એના ઘરના ભંડાર વધારે !
ગગો જયારે આ ખબર સુરાને આપવા આવ્યો ત્યારે સુરાએ નિશ્વાસ મુક્યો, “ભ’ઈ આ હોંભેર્યે રાખીનેય મહિનો કાઢી નોંખ્યો. એ મુઆ સરકારી બાબુઓ એક દી’ અંઈ રે તો જોણે, કે શું વીતે છે અમારી પર !”
સુરાનો હાથ પોતાની બંને હથેળી વચ્ચે લઇ ધીરેથી દબાવતા તેણે આશ્વાશન આપતા કહ્યું, “કાકા, આ વખતની ખબર પાક્કી છે ! આજથી ચોથા દિવસે ચોક પર આવી જજો. અને હા, સરકારી સાહેબો આવવાના છે, તો થોડાક ‘વ્યવસ્થિત’ થઈને આવજો !”, અંતિમ વાક્ય બોલતી વખતે એણે સુરાની નાનકીના ફાટેલા કબ્જા તરફ એક ઉડતી નજર નાંખી લઇ મોં ફેરવી દીધું હતું. અને સ્ત્રી સહજ સમજદારીથી પ્રેરાઈ નાનકી સડસડાટ ઘરમાં પ્રવેશી ગઈ.
ગગાને ગયે થોડોક વખત વીત્યો હશે ત્યાં જ રૂપલી ખાટલે આવીને સુરા પાસે બેઠી. “શેની ચેંત્યા કરો છો ?”
“આ મુઆ લુંઘડાની જ તે. આ ગગો કઈ ગયો ઈ હોંભર્યું નઈ? ઓઈ ખાવાના ફોંફા છે તે ડીલ ક્યોંથી ઢોંકવું ?”
“એનોય કંઈ રસ્તો થી જાહે…”, કહેતાં રૂપલી વિચારે ચડી. અને થોડીવારે ઉભી થઇ ઘરના ખૂણે પડી રહેલી ઘુઘરીને ઉઠાવી લાવી સુરાની સામે લાવી મૂકી.
“ના હોં ! ઈ મારાથી નઈ થાય. તેં તારું બધુંય આપી દીધું સે, હવે આ માયા મુકવી રહેવા જ દેજે !”, કહેતાં સુરો અપરાધભાવથી ખાટલામાંથી ઉભો થઇ ગયો.
“ઈને નોં વેચો તો, તમને મારા હમ !”, કહેતાં રૂપલીએ આખરી પત્તું નાંખી દીધું. અને સુરો પણ આવી વિકટ પરિસ્થિતિમાં વધારે આનાકાની નઈ કરે એ પણ ક્યાં એનાથી અજાણ્યું હતું. પોતાની દીકરીયુંના ડીલ ઢાંકવા ભીની આંખે એણે ઘુઘરીને ઉપાડી, અને ભારે પગે બજાર ભણી ચાલી નીકળ્યો.
* * *
સુરજ ડૂબું-ડૂબું થતાં સાંજ લંબાવ્યે જઈ રહ્યો હતો, પણ હજી સુધી સુરાની ભાળ જોતી ઉંબરે ઉભી રૂપલીની આંખ્યુંને ટાઢક નહોતી મળી. અને ત્યાં જ થોડીવારે દુરથી સુરાની ભાળ મળી. દુરથી એના હાથમાં કાળું ઝભલું જોઈ રૂપલી હરખાઈ ઉઠી કે, “હાશ, મારી છોડિયું હાટુ નવા લુઘડા તો આવ્યા ! અમાર ધણી-બાયડીનું તો જોયું જશે, પણ જવાન દીકરીયુંને ઉઘાડા ડીલે તો કેમ રખાય !”
પણ સુરાએ આવતાની સાથે એના બધા મનોભાવ પર પાણી ફેરવી આપ્યું. ઉંબરે પગ માંડતા જ તેણે કાળું ઝભલું રૂપલીને પકડાવતા કહ્યું, “જલ્દીથી આનું શાક કરી દે. કકડીને ભૂખ લાગી છે !”
“આ શું ? તમું તો લુંઘડા લેવા જ્યા’તા ને ?”
“જવા દે ને હવ. લુંઘડા તો ત્યારઅ કામ આવશ ન, જયારે ડીલ બચ્યું હશ ! તારી ઓલી ઘુઘરી તો મોંદી ભળાય છે એમ ધારી કોઈ લેવા હાટુ પણ તૈયાર નો થાય. તે પછી મેં એને જ કપાવી મારી !”
એ સાંભળતા જ રૂપલીની હાલત વાઢો તો લોહી પણ ન નીકળે એવી થઇ ગઈ ! પોતાના હાથમાં ઘુઘરીનું માંસ છે એ વિચાર સાથે જ એના હાથમાંથી થેલી પડી ગઈ ! એ જોઈ સુરાએ એ જ સ્વરમાં આગળ બોલવાનું ચાલુ રાખ્યું, “આ મુઈ સરકારનો તો શું ભરોહો. આવહે ત્યારે આવહે. ત્યોં સુધી ડીલ સુકવીને નવા લુંઘડા આણવાના કે ? હાલ જલ્દી શાક કર. આજે પેટ ભરીને ખાહું !”
બંને દીકરીયું સાથે મળીને રૂપલીએ ભીની આંખે મરઘીનું શાક કર્યું. ચાર દિવસના એકટાણાના હિસાબે શાકના ચાર ભાગ કરી એણે ઢાંકીને મૂકી દીધા. અને પાંચમો ભાગ આજની રાત્રે જમવામાં પીરસ્યો. અને મનોમન એણે સરયુને યાદ કરી એની માફી પણ માંગી લીધી, “સરયુ, મારી માડી. થાય તો મુંને માફ કરજે. તારા બચોળિયાંને મારીને હું મારી છોડિયું અને મારું પેટ ભરું છું !” અને આટઆટલી ગ્લાની બાદ પણ જમતી વખતે શાકને જોઇને ચારેયની આંખોમાં જે ચમક ઉપસી આવી હતી એ ભુખ્યા પેટની કઠણાઈ ન હોય તો બીજું શું હોય !
“તે ઘુઘરી હાચેન બીમાર હશે તો ?”, પથારી કરતી વખતે રૂપલીએ ચિંતામય સ્વરે સુરાને પૂછ્યું.
“ઈ તો મારી માવડી ઘુઘરી જ જાણે. એને કસાઈને કાપવા દીધી ત્યારે ઈની જે આંતડી કકળી હશે એ તો એને જ ખબર. અને એનું આપણે અંઈનું અંઈ જ ભોગવવાનું છે ! અને મું તો કઉ, એ બીમાર હશે તો તો એનું મોત એળે નઈ જાય. એના થકી આપણનેય આ જીવતે નર્કમાંથી છુટકારો મળશે !”, કહેતાં સુરાએ પથારીમાં લંબાવ્યું. અને થોડીવારે રૂપલીએ હળવેકથી નિસાસો નાંખતા કહ્યું, “આમ જ ચાલ્યું તો એ દી’ પણ દૂર નથી જયારે માણહ, માણહને કાપીને ખાહે !”
એ ગરીબ પરિવાર માટે, ગઈ રાત અને આજની રાતમાં જમીન આસમાનનો ફરક હતો ! ભલે ઘરમાં એક સદસ્ય ઓછું થયું હતું, પણ પેટ ભરાયાનો સંતોષ હતો ! લુંઘડા લાવી ડીલ ઢાંકવાના સ્વમાન સામે ભુખ્યા પેટની જીત થઇ હતી ! મનના કોઈક ખૂણે પોતે જમેલી મરઘી બીમાર હોવાનો ભય હતો તો બીજા ખૂણે લાંબા સમય બાદ ભરેલા પેટે લેવાઈ રહેલી મીઠી નિંદરનો હરખ ! અને કંઇક આવી જ અસમંજસ વચ્ચે એ રાતે પડખા બદલ્યા વિના ચારેય શરીર ‘આંખો મીંચી ગયા’ !
– Mitra ❤
Leave a Reply