સુગંધ એટલે માત્ર આપણા માટે એક એવી વસ્તુ કે જેનાથી આપણે ઘણી બધી વસ્તુઓને પારખી અથવા તો તેને મહેસુસ કરી શકીએ છીએ પણ સુગંધ દ્વારા આપણે ઘણી બધી તેવી વસ્તુઓ છે કે જેને મહેસુસ કરી ને પણ આપણી અંદર ઉતારીએ છીએ સુગંધ એટલે માત્ર એક એવો “દરિયો” કે જેના દ્વારા આપણે દરિયાને ખોબામાં તો લઇ નથી શકતા પણ તેને મન ભરીને મનની અંદર માણી શકીએ છીએ.
સુગંધ ઘણા અલગ-અલગ પ્રકારની હોય છે. ઘણા લોકોને તેને અલગ-અલગ રીતે મહેસુસ કરતા હોય છે. અને તેને માણતા હોય છે.
પણ ક્યારેય એવું સાંભળ્યું છે, કે સુગંધ દ્વારા પણ આપણે આપણી યાદો પણ તાજી કરી શકીએ છીએ તો “હા..” એવું પણ બને છે ઘણીવાર આપણે ઘણી બધી યાદો સુગંધ દ્વારા પણ સાચવી શકીએ છીએ. અને તેને પોતાના સંબંધો દ્વારા બનતી યાદો સાથે જોડી પણ શકીએ છીએ. અને ઘણીવાર તે યાદો દ્વારા બનેલી એ સુગંધને પણ આપણે જ્યારે જીવનમાં ક્યારે પણ એ મહેક દ્વારા બનેલી યાદને યાદ કરીએ છીએ ત્યારે તેની સાથે જોડાયેલી બધી જ વસ્તુઓ યાદ આવે છે. અને યાદો દ્વારા બનતી ઘટનાઓ, સપનાઓ અને પ્રેમ, દુઃખ, દર્દ થી લઈને બધી જ યાદો આપણી આસપાસ ઘુમવા લાગે છે આ છે સુગંધનો જાદુ.
સુગંધ દ્વારા જોડાયેલી યાદોમાં થોડી વાતો તમારી સાથે યાદ કરું તો….
જ્યારે પણ હું કોઈપણ રસ્તેથી પસાર થતો અને બાજુમાં કોઈ ગામ નજરે ચડતું હોય અને જેમ જેમ તેની નજીક જતો તો ત્યાંના લોકોમાંની પગ પેની દ્વારા બનેલા રસ્તાઓ અને મારા ગામમાં બનેલા એ રસ્તાઓ અને રસ્તાઓની “મીઠી-મધુરી” સુગંધ દ્વારા મને મારા ગામની યાદ આવે.
જ્યારે પણ કોઈ ગામ ગયો હોય અને ત્યાં તે ગામનાં ભાગોળે કોઈ પાદર જોયું હોય અને એ પાદરની લીલાશ પડતી પાંદડીઓ અને વૃક્ષો જોઈ તેની નજીક જઈને તેની સુગંધ માણતો હોય ત્યારે મને મારા ગામના પાદરની યાદ આવે.
જ્યારે પણ હું કોઇ ગરીબ બાળકના ખરડાયેલા ધૂળ થી ભરેલા અને મેલા હોવાને કારણે ભૂરા થયેલા વાળને સ્પર્શ કરીને તેની સુગંધને મહેસુસ કરતો હોય ત્યારે મને મારા ગામના ગરીબ બાળકો યાદ આવે.
જ્યારે પણ રસ્તે થી ચાલતા ચાલતા આવતા જતા એ બગીચા મહી રહેલા અને અલગ-અલગ સુગંધથી મહીકી રહેલા એ ફૂલ માની સુગંધ મને ગામમાં છાણ અને ધૂળ થી બનાવેલા બચપણ નાં ક્યારાઓ અને તેમાં રોપેલા ફૂલના છોડ અને તેની સાથે જોડાયેલી સુગંધ યાદ આવે.
ગામે-ગામે ફરતા કોઈ આવતું ગામ અને તેની અંદર રહેલા લોકો અને તેને પાળેલા પશું ના રહેઠાણ માંથી આવતી એ છાણ અને ગાયના ગૌમુત્ર ની અમૃત સમાન આવતી સુગંધ દ્વારા મને મારા ગામના ઢારિયા (પશુ માટે બનાવેલું રહેઠાણ) યાદ આવે.
સિમેન્ટ થી બનેલા પાક્કા અને નકોર મકાનો જે છે માત્ર ખોખા જેવા પણ તેની વચ્ચે ઉભા અને દબાયેલા નળિયાવાળા મકાનો જોઈને મને મારા ગામની અંદર આવેલા ધૂળની ઈટોથી અને ગાયના છાણથી છૂંદેલા પગ ની તળિયે બનેલા ગારા (ધૂળ,માટી,અને ઘવ ના પૂતળા થી બનેલો લેપ) મકાનોની સુગંધ યાદ આવે.
ગટરોની કાળા પાણી પાસે ભગવાનના બનેલા મંદિરો અને તેની આસપાસ રહેતા લોકો ની કાળી સુગંધ માં મને મારા ગામની પવિત્ર નદી ના કિનારે આવેલા મંદિરો,ઝાલર ના જાણકારો, અગરબત્તી અને ધૂપની સુગંધો યાદ આવે.
ગરીબ માં જ્યારે ધગધગતા તે ડામરના રસ્તાઓ માં ખુલ્લા પગે પોતાના બાળકને લઈને દર-બદર ભોજન માટે ભટકતી પૈસા માટે કે પછી તરસ માટે ભટકતી જોઈને મા ના હાથથી પીધેલું દૂધ અને ઠંડી છાશ અને ઘડાનું ઠંડુ પાણી થી જોડાયેલ સુગંધ યાદ આવે.
આમ ઘણા અલગ અલગ પ્રકારની સુગંધ આપણી અંદર સમાયેલી હોય છે અને તેના દ્વારા ઘણી બધી વસ્તુઓને ઘણી બધી યાદો ને આપણે આપણી અંદર સમાવી અને તેની એક યાદ સ્વરૂપે સાચવી શકીએ છીએ બસ જે સુગંધ ને હંમેશા મળતા રહેવી જોઈએ તેને હંમેશા યાદ કરતા રહેવું છે કારણકે સુગંધ એ એક એવો દરિયો છે સુગંધ થી ભરપૂર છે પણ તેને કેમ ખેડવો એ આપણા હાથમાં છે.
આપનો અભપ્રાય આપવાનો ના ભૂલશો.😍
✍️લેખક : ગીરીમાલ સિંહ ચાવડા
Leave a Reply