આ વર્ષે આશ્ચર્યની વચ્ચે બોલિવુડ ગીતોનો અસ્ત અને ગુજરાતી ગીતોનો ઉદય થયો. બોલિવુડનું ગીત ફિલ્મ રિલીઝ થઈ, આવે છે, જાય છે, તેમ મોબાઈલમાંથી પણ ઉતરતા જાય છે. હિન્દી મીડિયમનું એક પંજાબી ટ્રેક અને તુમ્હારી સુલુના ગીતોને છોડો તો બધા ઠીકઠાક હતા. સેકન્ડની માફક બોલિવુડના ગીતો મોબાઈલની રિંગટોનમાંથી ઉતરી રહ્યા છે. અરે રિંગટોન રાખવાની પણ કોઈ દરકાર નથી લેતુ. કિશોર કુમારના ગીતો હજુ કારવા નામના રેકોર્ડેડ રેડિયો પર ચાલે છે, ધૂમ મચાવે છે, મોબાઈલની રિંગટોનમાં તેમને સ્થાન છે. જ્યારે અત્યારના ગીતો, તેમાં પણ આ વખતે અરીજીત સિંહનો ચાર્મ જોવા ન મળ્યો. લાગે છે નવા ગાયકોના આવાગમન-ઉપાગમનની માફક હવે અરિજીત પણ ખોવાઈ જવાની કતાર પર ઉભો છે. પણ માનવું પડે આ વર્ષે ગુજરાતી ગીતોએ બોલિવુડના ગીતોને ટ્ક્કર મારી દીધી. આલ્બમની રીતે જુઓ કે પછી ફિલ્મમાં ગુજરાતી ગીતોનો અને ગુજરાતી મ્યુઝિક કમ્પોઝરોનો દબદબો રહ્યો. બોલિવુડમાં આ વર્ષે હિટ ગીતો ન લખાયા, ન બન્યા, જૂના ગીતોને રિક્રેએટ કરી થાળીમાં પિરસવામાં આવ્યા, તમ્મા, તમ્મા, હમ્મા હમ્મા, ગુલાબી આંખે, પલ્લુ લટકે, કહે દુ તુમ્હે, ઓ મેરી મહેબુબા જેવી વર્ષની ફ્લોપ ફિલ્મ ફુકરેમાં પણ ફાટેલા કપડા જેવા ગીતો સાંધવામાં આવ્યા. પણ ગુજરાતી ઓહોહોહોહોહોહોહો…
ગુજરાતી સિનેમાની શરૂઆત થઈ ત્યારથી પેલા ભક્તિ સંપ્રદાયના ગીતો અને પછીથી નદી કિનારે નાળિયેરી બાદ 2005ની સાલ પછી કોઈ નવા અને સારા ગીતો સાંભળવા ન હતા મળતા. આ યુગ આવ્યો કેવી રીતે જઈશ, બે-યાર જેવી ફિલ્મોથી. જેના કેટલાક ગીતોએ દર્શકોને આકર્ષ્યા. એમાં પણ કેવી રીતે જઈશનું ઓબામાને જઈને કહેજો… ગરબે રમે રે… જેવું રિમિક્સ વર્ઝન ગુજરાતીમાં બનેે તો કેવું લાગે ? તેનું અતિ ઉત્તમ ઉદાહરણ આ ફિલ્મ હતી. ગુજરાતી ફિલ્મમેકરો ફિલ્મો હિટ કરતા થયા સાથે હિટ ગીતો પણ આપતા થયા. હવે જૂની ચોપડી ખોલીએ તેના કરતા નવી ચોપડી વાંચી લઈએ. ગુજરાતી ગીતો માટે આ વર્ષ માત્ર સારૂ નથી રહ્યું. ખૂબ સારૂ રહ્યું છે. બોલિવુડના ગીતો તો તેને સ્પર્શી સુદ્ધા નથી શક્યા. આજુબાજુ ફરકી પણ નથી શક્યા.
આ વર્ષનું સુપરહિટ ગીત એટલે સચિને ગાયેલું ફિલ્મ ચોર બની થનગાટ કરેનું …હવે ભૂલી જવું છે…. સુપર કમ્પોઝિશન અને કાનમાં હેન્ડસ-ફ્રી ભરાવી તમને તમારી પોતાની દુનિયામાં લઈ જાય તેવા શબ્દો. પાછા તેના શબ્દો તમામ પ્રકારની કેફિયત રજૂ કરતા હતા. આ થઈ વાત ચોર બની થનગાટ કરેની… હવે વાત કરીએ આ વર્ષની બિગેસ્ટ સુપરહિટ ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝની. ભારતની પ્રથમ ટોયલેટ જોનરની આ ફિલ્મનું ગીત આઈજ્યો…. બાપ રે…. વોટ અ કમ્પોઝિશન. ગુજરાતી ગીતો સાંભળવા ગમતા, હવે તેના પર થીરકવું ગમે છે. નાચવું ગમે છે, ઉડવું ગમે છે, ઉપરથી મારા નામધારી મયુર ચૌહાણનો ધરતીફાડ ડાન્સ. કેદાર અને ભાર્ગવની જોડીનું અફલાતુન સંગીત અને ગીતના બોલનું તો શું કહેવું. વિચારે ચડવું નહીં લિટોળા કરવા નહીં… પેટ સાટુ સારા ખિચડીને દાળભાત છે. આંતરડાની સમસ્યાને ઉજાગર કરી દીધી.
તો કરસનદાસ રોમેન્ટીકમાં પણ પાછુ ન પડ્યું. મને કહી દે… કહી દે રે…. જેવું ગીત. પ્રેમમાં પ્રથમવાર પડ્યા હોય ત્યારે કેવી ફિલીંગ થાય એ ગુજરાતમાં શરદ ઠાકર અને આ ગીત બે જ સાબિત કરી શકે. બાકી પ્રથમ પ્રેમની અનુભૂતિના કવિઓ અને કૉલમો આ બધુ તો ઠીક છે હવે. આ ગીત સાંભળી લો એટલે છોકરો અને છોકરી પ્રેમ શું કામે કરે છે, તેની લાગણીના તાણાવાણા સમજાય જાય. અરે મયુરિયા આખો વેલેન્ટાઈન સમજાય જાય.
તો આવુ જ બવંડર સર્જાયું ફિલ્મ લવની ભવાઈ દ્વારા જેના ગીતોએ વર્ષના અંતે દર્શકોના કાનમાં હિટનું લેબલ ફિટ કરવામાં સફળતા મેળવી. કેવી છે લવની ભવાઈ… કાનમાં મેલની જેમ ચીપકી જતું અને વર્ષો સુધી ઉખાડવાની દરકાર ન લેવી પડે એવું ગીત. આ પહેલા ગુજરાતીમાં ભવની ભવાઈ, માનવીની ભવાઈ હતા પણ હવે લવની ભવાઈ થકી ટ્રાયોલોજી પૂરી થઈ હોવાનું કેટલાક વિવેચકો માનતા હશે. પણ એવું નથી હાહાહાહા…
કોમેડી અને મલ્ટિસ્ટારર ફિલ્મ તંબુરોનું ટાઈટલ ટ્રેક વખાણાયું. કેરી ઓન કેસરના ઈમોશનલ ગીતો સાંભળવા મળ્યા. વિટામીન-Cમાં ધ્વનિત અને ભક્તિ કુબાવતની મસ્તી જોવા મળી. દુનિયાદારીના હળવાફુલ અને રોમેન્ટીક ગીતો જેમાં શાને ટાઈટલ ટ્રેક તારી મારી યારી ગાયુ. સાથે જ સુપરસ્ટાર નામની ફિલ્મમાં અરમાન મલિકે ગાયેલું હોઠના ઈશારેથી… પણ ફેમસ થયું.
ગુજરાતી ફિલ્મોની આ અત્યાધુનિક લિસ્ટ જોઈ મનમાં એ ન ઠસાવી લેતા કે આપણા કેડિયુ અને ચોયણી વાળા ગીતો ચાલતા ન હતા. ઢોલા મારૂ, રાજ-રાજવણ, પંખીનો માળોથી લઈને અનેક ગીતો ચાલ્યા છે, પણ અત્યારે બોલિવુડ ટોનમાં તેને જે સ્પર્શ આપવામાં આવ્યો, તે કાબિલેદાદ છે.
હવે વાત કરીએ કેટલાક આલ્બમની. ગુજરાતી આલ્બમો મહેસાણા, કડિ-કલોલ કે બનાસકાંઠા દાહોદ બાજુ ખૂબ ચાલે. એમાં એક છોકરી આવી જેનું નામ કિંજલ દવે. આયર્ન મેન જે ઓડિ ચલાવતો તેના જાર્વીસને પણ નહીં ખબર હોય કે આવું એક ગીત ગુજરાતમાં આવી ગયું છે. લગ્નથી લઈને કોઈ પણ ઈવેન્ટ કે ફંક્શનમાં આખુ વર્ષ આજ ગીત ચાલ્યું. તેની સફળતાનો શ્રેય કિંજલને આપવા કરતા મનુભાઈ રબારીને આપવો રહ્યો. આ ગીત એટલું પોપ્યુલર થયું પણ હવે શું ? કારણ કે ગુજરાતીમાં તો સ્ટોક ખાલી થતા વાર નથી લાગતી ! એટલામાં એન્ટ્રી થઈ ગીતા રબારીની જેણે રોણા શેરમાં ગાયુ. કિંજલ દવે કરતા ભારે અવાજ ગીતાનો છે અને સારો પણ છે, એ માનવું પડે. રોણા શેરમાં પણ ચાલ્યું અને મનુ રબારી જે આ બંન્ને ગીતના રાઈટર છે, તે ફેમસ થઈ ગયા. પહેલીવાર લાઈમલાઈટમાં આવ્યા. ટીવી સામે આવવા લાગ્યા. લોકો કિંજલની સાથોસાથ તેમની સાથે પણ ફોટો અને ઓટોગ્રાફ લેવા માટે પડાપડી કરવા માંડ્યા. પણ આ સમયે જો પુરૂષની દબાયેલી વેદનાને ગીતમાં આકાર ન આપવામાં આવે તો ઉતર ગુજરાત શાનું ?
હાથમાં છે વ્હિસ્કિ સાંભળ્યું છે !!! ઓટોરિક્ષા ચાલકોએ પહેલીવાર 90ના દાયકાના કુમાર સાનુના ગીતને ફગાવીને આ ગીત પર પસંદગી ઉતારી. જે પણ રિક્ષા, જે પણ લગ્ન, કોઈ પણ ઈવેન્ટ કે ડાંડિયા રાસમાં પણ !? આ ગીતે ધબધબાટી મચાવી દીધી. એમાં પાછો જીગ્નેશ કવિરાજનો નશીલો અવાજ. ગુજરાતીનું કોઈ પણ ગીત અને કોઈપણ ગાયક જાન્યુઆરીથી મેના ગાળા સુધીમાં એક હિટ ગીત આપી સફળતા મેળવે પણ તેને હાસ્યામાં ધકેલવાનું કામ અને તેના ગીત કરતા એક કદમ આગળ વધી પોપ્યુલારીટી મેળવી જવાનું જીગ્નેશ કવિરાજના આધારકાર્ડમાં લખેલું છે. વર્ષનો મધ્યગાળો હોય એટલે જીગ્નેશ એક ગીત લઈ આવે અને ભૂક્કો બોલાવી નાખે.
પછી તો કિંજલ દવેની પોપ્યુલારીટીને જોતા તેના બીજા ગીતો પણ આવ્યા. ચૂંટણી પ્રચારમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો. પણ કિંજલ ઓળખાય બંગડીના કારણે અને ઓળખાતી રહેશે.
વાતનો સાર તો એટલો જ કે આ વર્ષે ગીતો હિટ જવાનું કારણ નંબર એક બોલિવુડના મ્યુઝિક ડિરેક્ટરો અને ગાયકો હતા. નંબર બે આપણે બોલિવુડનું સાંભળી સાંભળીને કંટાળી ગયા હતા એટલે તેના જેવો ચમકારો દેશી ભાષામાં થાય તો મઝા આવવાની જ. નંબર ત્રણ આપણી ક્વોલિટી છેલ્લા ત્રણેક વર્ષથી ગીતો બાબતે સુધરતી જાય છે. માનવામાં ન આવતું હોય તો ગયા વર્ષની રોંગ સાઈડ રાજુ જોઈ લો. દાવ થઈ ગયો યારના ગીતો જોઈ લો (મન ગમતું કોઈ છે) આ બધા સુપરહિટ ગીતો વચ્ચે ગુજરાતી દર્શકો બોલિવુડના ગીતોને આવજો કરવાનું વિચારી રહ્યા છે. અને જો ગુજરાતીમાં મબલખ ફિલ્મો બનતી રહી અને એટલા જ ગીતો સામે આવતા રહ્યા તો પછી શું કહેવું ? કદાચ લોકો બોલિવુડનું એક પણ ગીત નહીં સાંભળે.
આ બધા વચ્ચે આપણા લોક લાડીલા વિક્રમ ઠાકોર ફિલ્મ જગ જીતે નહીં ને હૈયુ હારે નહીં જેવી શબ્દાનુપ્રાસ ધરાવતી ફિલ્મ થકી સાબિત કરી બતાવ્યું કે, મલ્હાર, પ્રતીક ગાંધી, મયુર ચૌહાણ જેવા કલાકારો મારા સ્ટારડમ સામે કશું નથી. મમતા સોની કાજલ છે અને વિક્રમભાઈ શાહરૂખ ખાન છે, તે ગુજરાતની જનતાએ ભાજપની સરકાર પાછી બની છે, એ રીતે સ્વીકારી લેવું.
~ મયુર ખાવડુ
Leave a Reply