શીર્ષક : તો શુ આ દેશ આપણો નથી…?
‘મમ્મી પપ્પા કેમ આજે કામ પર નથી ગયા…?’ દીકરીએ સવિતાને પૂછ્યું. પણ દીકરી પાસે આપવા માટે કોઈ જ જવાબ ન હતો.
‘બસ અમસ્થા જ…’
‘પણ મમ્મી પપ્પા અહીં આવ્યા પછી ક્યારેય કામ માટે પણ રજા નથી રાખતા તો પછી આજે…?’ દીકરી વારંવાર મનમાં ઉદભવતા પ્રશ્નો પૂછી રહી હતી.
‘કારણ કે આપણે આપણા ઘરે નથી. આપણે પરિવારથી બહુ દૂર છીએ. મારી નાખશે એ લોકો જો બહાર જઈશું તો…’ સુનિલના ઈશારે સવિતા શાંત થઈ.
‘તો શું આ આખોય દેશ આપણો નથી…?’ દીકરીએ કહ્યું.
સવિતા અને સુનિલ એકબીજાની આંખોમાં જોઈને શાંત હતા. પાછળના દશ વર્ષથી એ લોકો પોતાના વતનથી દૂર રહેતા હતા. પણ આજે અચાનક જ પ્રદેશવાદનું ઝેર એમના જીવનમાં સુનામી બનીને ત્રાટક્યું હતું. સુનિલનો આજે એક કસ્ટમર પાસેથી ઓર્ડર લેવાનો હતો, જો આજે બહાર જઈ એ ડિલ ન કરે તો આગળના મહિનાનો ખર્ચ પણ નીકળી શકે એમ ન હતો. પણ, મઝબૂરી આગળ કોઈનું નથી ચાલતું.
સુનીલે જ્યારે એમણે દૂર વતનમાં મમ્મીને ફોન કર્યો ત્યારે પણ… એમણે કહેલું કે અહીં પણ એમના લોકોને શોધી શોધીને મારવામાં અને એમના ઘરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. વાંક કોઈ એક વ્યક્તિનો છે, જેણે અહીં કોઈનું ખૂન કર્યું છે. પણ એ ગુનેગાર તો પકડાઈ ગયો છે. સજાનો વાસ્તવિક હકદાર પણ એ જ છે… તો પછી…
‘તો પછી સજા એને મળવી જોઈએ, બિચારા બીજા બધાનો શુ વાંક…?’
‘પણ દીકરા આ બધી વાત સમજે કોણ…?’
આગલું સાંભળ્યા પછી સુનિલની આંખોમાંથી નિરંતર આંસુઓ સરી રહ્યા હતા. એણે માંડ હિંમત એકઠી કરીને કહ્યું ‘મા, અહીં અમારી પણ આ જ સ્થિતિ છે. ત્યાં થયેલા અન્યાયનો બદલો કદાચ એ લોકો અહીં અમારી સાથે લઈ રહ્યા છે.’
‘સુનિલ તમે શાંત થઈ જાઓ.’ સવિતાએ એને સાંભળતા કહ્યું. પોતાનો ડર એ પણ આ સ્થિતિમાં છુપાવી ન શકી.
‘પણ, સવિતા એકના ભૂલની સજા આખો પ્રદેશ કે આખો સમાજ શા માટે ભોગવે…? શુ આ જ છે સ્વતંત્ર ભારતની વાસ્તવિકતા…?’
‘ત્યાં કંઈક થયું હશે તમે પૂછો તો ખરા. બાકી આટલા શાંત માણસો એમનેમ આટલા જંગલી ન બને…?’
‘મમ્મી ત્યાં કાંઈ થયું છે…?’ સુનિલે પૂછ્યું.
‘અહીંના અમુક માણસો ત્યાંના દરેક લોકોને ઢોર માર મારી રહ્યા છે. બિચારા એવા લોકો આ ટોળાશાહીનો ભોગ બની રહ્યા છે, જેમનો કોઈ વાંક ન હતો. કાલે જ બાજુમાં રહેતા પેલા રામ પ્રસાદની ઘેર કોઈકે માર પીટ કરી જેમાં એની પત્નીને ધક્કો વાગવાથી એની જાન જતી રહી. સંભળાય છે કે ઘણા જીવ આ હુલ્લડમાં ગયા છે.’ સામે છેડેથી આવતો અવાજ સાવ તરડાઈ ગયો. માંડ શબ્દો નીકળ્યા ‘બેટા તું ઠીક તો છે ને…?’
‘મા જ્યારે અહીંની ધરતીના દીકરાઓ ત્યાં સુરક્ષિત નથી, તો ત્યાંના દીકરા અહીં સુરક્ષિત કેમ કરીને રહેવાના…? ત્યાના લોકોને જ અમારી પરવા નથી, તો પછી અહીંના લોકો શા માટે…’ સુનિલ આનાથી વધુ બોલી જ ન શક્યો. છતાં એણે ઉમેર્યું… ‘શુ આપણા વતનના લોકો એ પણ ભૂલી ગયા કે ત્યાંના સંતાન અહીં પણ રહેતા હશે…? એમની સાથે પણ…’
સવિતા પણ આ સાંભળી ખળભળી ઉઠી. આગળ શું થશે એની કલ્પના એને ફફડાવી નાખવા સક્ષમ હતી. એ દીકરીને ખોળામાં લઈને રડી રહી હતી. બહાર દરવાજો પછડાવા લાગ્યો… દીકરી ભયથી થથડતી માના ખોળામાં સમાઈ ગઈ. સુનિલ આજે પેલી બાર ગભરાઈને ધ્રુજી ઉઠ્યો.. આ ડર દુશ્મનોનો ન હતો, આ ડર પોતાના જ દેશના અંદરની માણસાઈનો નગ્ન નાચ જોઈ પ્રવર્તી રહ્યો હતો. બહારથી અવાજ સંભળાતા હતા ‘ઉન્હોને હમારે ભાઈઓ કો મારા હે, હમ ઉન્હેં ભી નહિ છોડેંગે.’
‘પ્રદેશવાદ શુ દેશનો ભોગ લઈ લેશે…? પાકિસ્તાનને કોષનારા શુ ભારતને પણ પાકિસ્તાન નથી બનાવી રહ્યા…?’ થોડીક જ વાર પછી સુનિલના ધ્રુજતા શબ્દો માથામાં વાગેલા ઘા સાથે ઠરી ગયા. દરવાજો તૂટીને નીચે પડ્યો હતો. આખુંય ટોળું ઘરમાં હતું. દીકરીના માથાનો ભાગ લોઈ ભીનો થઈને મા ના ફાટેલા વસ્ત્રોમાં છુપાઈ રહ્યો હતો.
‘પણ અમે તો નિર્દોષ છીએ…?’ સવિતાએ કહ્યું.
‘નિર્દોષ તો અમારા લોકો પણ હતા. એકના ગુન્હાને કારણે જો ત્યાં અમારા લોકોને આમ મારી નાખવામાં આવે તો અમે શુ ચૂપ રહીશું…?’
‘પણ… પણ…’ દીકરીની સ્થિતિ જોયા પછી સવિતાના શ્વાસ પણ અટકી ગયા.
‘સંસારમાં, શુ આ જ માણસાઈ રહી ગઈ છે હવે…?’ સુનિલના શ્વાસ પણ આ છેલ્લા શબ્દની જેમ જીવનના ચકરમાં પ્રશ્ન બનીને રહી ગયા.
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply