‘છેલ્લા એક વર્ષથી હું આ મહાનગરમાં રહી રહ્યો છું. ઘરે જવાનું પણ ઘણું જ ઓછું બન્યું છે. અરે ! મમ્મી પપ્પાનો ચેહરો પણ ઝાંખો ઝાંખો યાદ હોય એમ લાગે છે. અને મારી ચિંતામાં એમના ચહેરા પર કેટલીક કરચલીઓ વધી આવી હશે એ પણ હવે મારા માટે માત્ર કલ્પનાનો વિષય છે !
અહીં આવ્યો ત્યારે મનમાં એક અજાણ્યો ભય હતો કે ક્યાંક અહીં આવ્યા બાદ હું પણ આ મહાનગરવાસીઓ જેવો – સ્વાર્થી, મતલબી, ખુદગર્ઝ – ન થઈ જાઉં ! પણ એ બાબતે હું ખોટો પડ્યો ! હવે મારે મારા ખોટા સાબિત થવાનો આનંદ કરવો કે ખેદ એ મારાથી નથી સમજી શકાતું. મારા નાના ગામની ઊંચી પ્રામાણિકતા જળવાઈ રહી છે એ અહીં મને મૂર્ખામી સમી લાગી રહી છે !
અહીં નાનેરાથી માંડી મોટેરા સુધી, જેને જુઓ એને માત્ર પોતાનાથી મતલબ છે ! પોતાનું ખાવાનું, પીવાનું, રહેવાનું, ઓઢવાનું, રખડવાનું, ભણવાનું,… બધું જ પોતાનું !! પડોશી તો દૂર એક છત નીચે રહેનારની પણ કોઈને કશી પડી નથી હોતી ! છેલ્લા એક વર્ષથી ‘ફોર શૅરિંગ PG’માં રહું છું, પણ આજ સુધી કોઈ રૂમમેટે હસીને એટલું સુધ્ધાં નથી પૂછ્યું કે, ‘કેમ છે?’ કોણ જાણે કેમ, એટલું પૂછી લેવાથી હું એમની કોઈ ચીજમાં ભાગ ન પડાવી લેવાનો હોઉં ?
અને એટલું ઓછું હોય એમ ઓફિસમાં પણ ઉપેક્ષિત વ્યવહાર ! બૉસની નજરમાં મારા જેવો કામચોર માણસ કોઈ નહીં હોય, પણ મારે એમને કઈ રીતે સમજાવવું કે મારા કામની ક્રેડિટ દરવખતે કોઈ અન્ય પડાવી જાય છે. અને તમને ગમે છે એવી ચાપલુંશી એ મારા સ્વભાવ બહારની વાત છે ! અને અહીં કોઈને ઓળખું છું એટલું કહેતા પણ વિચારવું પડે છે, પછી ‘દોસ્ત’ શબ્દનો અર્થ તો ક્યાંથી મળવાનો હતો ?
બની શકે કે હું નાના નગરમાંથી આવું છું માટે આ કહેવાતા મહાનગર અને તેની મહામારીનો મને ઝાઝો અનુભવ ન હોય. પણ માનવતા આટલી હદે મરી પરવારી શકે છે એ તો અહીં આવીને જોયા બાદ જ સમજાયું. અને મારા જેવા તો રોજના કેટલાય આ મહાનગરમાં ઠલવાતા હશે ! આંખોમાં ઊંચી મહત્વકાંક્ષાઓ, માબાપના અરમાનો અને કઇંક કરવાની ધગશ સાથે. પણ આ ખુદગર્ઝ દુનિયાને નજીકથી જોયા બાદ એમને પોતાના જ સ્વપ્નો ખભા પરના બોજ લાગવા લાગે છે ! ક્યારેક કંટાળીને અજાણતામાં જ હોમસીકનેસથી પીડાતા હશે અથવા તો ડિપ્રેશનના શિકાર પણ થઈ ગયા હશે ! કારણકે જીવતા માણસના સાથની વર્તાતી ઉણપ આ ફોન, મેસેજ અને વિડીયોકોલ તો કઈ રીતે ભરી શકે ?
ચાલો, માન્યું કે આ સંઘર્ષ અમારો – મારો અને મારા જેવા અન્યોનો – પોતાનો છે, અને અમે જ સામે ચાલીને એ માટે ડગ વધાર્યા છે. પણ અમારું માત્ર એટલું જ કહેવું છે કે, જ્યારે અમારા જેવા અહીં – નવા માહોલમાં, નવા શહેરમાં – બધું જ છોડી દઈને આવે છે ત્યારે અમારે શૂન્યમાંથી શરૂઆત કરવી પડતી હોય છે. ઘરે ગાડી સિવાય એક મિનિટ પણ ન રહી શકનારા અહીં કિલોમીટરના કિલોમીટર ચાલતાં હોય છે. ઘરે આરામથી ઠંડકમાં મહાલતાને અહીં પાણીની અછત વેઠવી પડતી હોય છે. અને આવી પરિસ્થિતિમાં એક માણસ તરીકે દરેકની એટલી તો નૈતિક ફરજ બને જ કે કેમ સે કમે એ જે તે વ્યક્તિ સામે દુર્લક્ષ ન સેવે ! અને તમારાથી વધારે કંઈ ન થઈ શકે તો કોઈ જ વાંધો નથી, એ અજાણ્યાને ટકી જવા તમારું અકારણનું સ્મિત પણ ઘણું થઈ પડશે !
તમારું એક સ્મિત માત્ર અમને પોતાના સ્વપ્નોના પાયા પર વિશ્વાસ ટકાવી રાખવાની હિંમત આપી જશે !
ખેર, અહીંના લોકોને હું જેટલું પણ કહીશ એ ક્યાં મારુ સાંભળવાના છે ? એમને કાને વાત નાંખવી એટલે પથ્થર પર પાણી ! કદાચિત પાણીના એકધારા પ્રવાહથી પથ્થર પોતાનો આકાર બદલી પણ દે, પણ આ કહેવાતા મહાનગરવાસીઓ…! ઉફ્ફ તોબા !
ભલે ત્યારે, એ ન બદલાઈ શકે તો કોઈ વાંધો નથી. હું પણ નથી બદલાવાનો ! અને હું તો મારા જેવા દરેકને કહું છું, કે એમના જેવા નિષ્ઠુર બની જવા કરતાં થોડીક એકલતા ભોગવી લઈને પણ પોતાના હૃદયની કુંણપ જાળવી જ રાખજો ! અને આજની મારી એક નવી શરૂઆત – આ ડાયરી સાથે ! આજથી હોમસીકનેસ, ડિપ્રેશન બધાની એક, બે, ને સાડી ત્રણ કરીને જ જીવવું છે ! આજથી આ મહાનગરને બતાવી જ દેવું છે કે ‘તું દુઃખી ન થઈશ, આ પથ્થરોના ઢગલા વચ્ચે પણ એક માણસ – હું – તો છે જ !’
આજે કદાચ નોકરી પણ છોડી દઈશ, અને બસ પછી કોઈ પણ નાનું-મોટું પણ પોતાને ગમતું કામ કરીશ. નોકરી પતાવીને અમસ્તો જ ક્યાંય દૂર અકારણ ચાલતો જઈશ, ઢગલો પુસ્તકો વાંચીશ છતાંય વેદિયો નહિ બનું. અને આખાબોલો થઈને નવા મિત્રો બનાવીશ. હા, જરાક અઘરું પડશે, પણ કોઈક તો મારા જેવું મળી જ રહેશે. અને રહી વાત આ કહેવાતાં મહાનગરની, તો એને તો એમ ઘોળીને પી જવું છે જાણે મારી કર્મભૂમિ નહીં પણ જન્મભૂમિ જ હોય ! રોજ કઇંક નવું કરીશ, અને એટલું બધું જીવનમાં એટલો બધો બદલાવ લાવીશ કે આ ડાયરીના પાનાં પણ ઓછા થઈ પડશે ! All the best to self for the new begining !’
* * * * * *
એ અજાણ્યાની નવી જ ડાયરીમાં લખાયેલા માત્ર ત્રણ પાનાં વાંચીને મેં ડાયરી બંધ કરી.
આમ તો મને મોડે સુધી ઊંઘી રહેવાની ટેવ ખરી. પણ આજે કઇંક વહેલી જ આંખ ખુલી ગઈ – 8 વાગ્યે ! અને અમસ્તા જ આ ડાયરી પર નજર પડી – જે મને ગઈકાલે સાંજે ફ્લાયઓવર ક્રોસ રોડ પર થયેલા અકસ્માત વખતે મળી હતી !
ગઈકાલે ક્રોસરોડ પર એક ગમખ્વાર અકસ્માત ઘટી ગયો. લોકોનું કહેવું હતું કે કોઈક યુવક જાણીજોઈને ભાગતી જતી ટ્રકની નીચે આવી ગયો હતો ! એ સાંભળતા જ એ દ્રશ્યની કલ્પના માત્રથી મારા રુંવાડા જ ઊભા થઈ આવ્યા હતા. અને ટોળાંને વીંધીને હું એ યુવક સુધી પહોંચું એ પહેલાં જ એને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. અને ત્યાં જ અનાચકથી મારી નજર રસ્તા પર કઇંક ફંગોળાઈને પડેલાં એના સમાન પર ગઈ. અને કોઈક અજાણ્યા જ આવેગથી પ્રેરાઈ એની ડાયરી મેં પોતાના બેગમાં સરકાવી લીધી. કદાચ એનું એક કારણ એ ખુલ્લી પડેલી ડાયરીમાં દેખાતા ગુજરાતી શબ્દો પણ હોઈ શકે !
આ ડાયરી વાંચતા ગઈકાલે સાંજે બનેલી ઘટના ફરી માનસપટ પર ઉપસી આવી. અમસ્તા જ મારા હૃદયના ધબકારા વધી ચાલ્યા હતા. મેં મનોમન એ યુવકની માટે પ્રાર્થના કરવા માંડી. પણ મને હજી સુધી એક વાત નહોતી સમજાતી, કે જો એ યુવકે ડાયરીમાં લખ્યું છે – કે હવેથી જિંદગી મનભરીને માણવી છે વગેરે વગેરે – જો એ સાચું હોય તો લોકોએ એમ શાથી કહ્યું કે તેમણે પોતાની સગી આંખે એ યુવાનને ટ્રક નીચે પડતું મુકતા જોયો છે ?
એના આત્મહત્યાના પ્રયાસ પાછળ કારણ ભલે ગમે તે હોય પણ મને મનમાં કોઈક ગંભીર અપરાધ કર્યાની મુંજવણ થવા માંડી. અને ત્યાં જ હાથમાં ન્યૂઝપેપર રમાડતા મમ્મીએ પ્રવેશ કર્યો, અને મારી સામે પેપર ધરતાં કહ્યું, ‘કાલે રાત્રે તેં જે અકસ્માતની વાત કરી એ વિશે પેપરમાં પણ આવ્યું છે. લખે છે, ‘ફ્લાયઓવર ક્રોસરોડ પર થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલ યુવકનું મૃત્યુ થયું છે. પોલીસે લાશની ઓળખ વિશેની તપાસ હાથ ધરી છે.’
આંખમાં ઊભરી આવેલ આંસુંને કારણે પેપરમાં એક ખુણા પર આવેલ એ ચાર પાંચ લિટીના સમાચાર મને ઝાંખા દેખાવા લાગ્યા. અને એ સાથે મનમાં એક પ્રશ્ન ઉઠી આવ્યો, ‘શું આ ડાયરી ન વાંચી હોત તો એ ટચૂકડી ખબરથી શું મને લેશમાત્ર પણ ફરક પડતો !? શું એની પર નજર ફેરવવાની પણ તસ્દી લેવાતી ?’ મારા અંતરમાં એનો કોઈ જવાબ તો ન હતો, પણ નજરો સામે ડાયરીના પેલા શબ્દો તરવરી ઉઠ્યા – તમારું એક સ્મિત માત્ર અમને અમારા સ્વપ્નોના પાયા પર વિશ્વાસ ટકાવી રાખવાની હિંમત આપી જશે !
અને બસ એ દિવસ અને આજનો દિવસ, મારા ચહેરા પર સતત એક અકારણ સ્મિત રમતું જ રહેતું હોય છે. કોણ જાણે ક્યારે, ક્યાં, અને કોને એ સ્મિત હિંમત આપી જાય !
– Mitra ❤
Leave a Reply