વારતા રે વારતા : અનિલ શર્મા હજૂ ‘ગદર’ના જમાનામાં જ જીવતા હોય એવું લાગે છે. ફિલ્મમાં હિરો ઈમાનદાર ઓફિસર છે. એક જમીનદાર બ્રાન્ડ વિલન છે. હિરો ઈમાનદારી બતાવીને હિરોગીરી કરે છે અને વિલન યેનકેન પ્રકારે તેને અને તેના પરિવારને હેરાન કરવાના પ્રયત્નો કરે છે. અંતે હિરોના પરિવારને શક્ય એટલુ નુકસાન પહોંચાડીને તેને લાંચના કેસમાં ફિટ કરી જેલમાં ધકેલી દેવાય છે. હિરો પાછો આવીને વિલનની સાન ઠેકાણે લાવે છે.
~ વાર્તા સાવ જ પ્રેડિકટેબલ હોવા ઉપરાંત એટલી ધીમી ચાલે છે કે તમે ચાલુ ફિલ્મે ઉભા થઈને બહાર આંટો મારી આવો તો પણ કંઈ ખાસ ફર્ક ન પડે.
~ એક તો વાર્તા અમસ્તી પણ ફ્લેશબેકમાં ચાલતી હોય છે એમાં પણ ડાયરેક્ટર સાહેબ કોઈ મહાન સસ્પેન્સ ખોલતા હોય એમ દર થોડી વારે વાર્તાને ફ્લેશબેકમાં લઈ જાય છે. ફ્લેશબેકમાં પણ ફ્લેશબેક?
~ સન્ની દેઓલનો ડાન્સ ઓછો હોય એમ આપણા મનોરંજનાર્થે બોબી દેઓલ અને ધર્મેન્દ્ર પણ આવીને ઠુમકા લગાવી જાય છે. છતાં પણ જો તમે ન ધરાયા હોવ તો તમારા માટે અંતમાં એક આઈટમ સોંગ આવે છે જેના શબ્દો છે-
ખૈકે પલંગ તોડ પાન તૂને લેલી મેરી જાન….
વૈધાનિક ચેતવણી : આ ગીતમાં પણ સન્ની દેઓલ નાચે છે, પ્રકાશ રાજ પણ નાચે છે. 😉
~ હિરોઈન ઉર્વશીની ક્લિવેજ બતાવવાની લ્હાયમાં ડાયરેક્ટરે સન્ની દેઓલ સાથે તેનું એક સેમી ઈરોટીક દ્રશ્ય રાખ્યુ છે. આ દ્રશ્યમાં સન્ની દેઓલ હિરોઈન ઉર્વશીની સાડીનો પાલવ ખેંચે છે. આ સિનમાં ઉર્વશી તો માઈન્ડ બ્લોઈંગ લાગે છે પણ સન્ની દેઓલ? એનો ફેઈસ જોતા એમ લાગ્યું કે આના હાથમાં હિરોઈનની સાડીના બદલે ઘોડાની લગામ પણ હોત તો શું ફર્ક પડેત યાર? 😉
~ પણ ઉર્વશી મસ્ત લાગે છે. આખી ફિલ્મમાં ઉર્વશી એ એક જ એવો પોઈન્ટ છે જેના કારણે આપણે આવી રેઢીયાળ ફિલ્મ સહન કરતા સિનેમાહોલમાં બેઠા રહીએ છીએ. પણ નખ્ખોદ જજો ડાયરેક્ટરનું. એનાથી આપણી એટલી ખુશી પણ સહન નથી થતી. ફિલ્મની વાર્તા અડધે માંડ પહોંચે ત્યાં હિરોઈન મરી જાય છે. પછી જોવાનું શું? બાબાજી કા ઠુલ્લુ? 🙂
~ આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવીને પ્રકાશ રાજે સોનાની જાળ પાણીમાં ફેંકી છે. પ્રકાશ રાજની એક્ટિંગ કાયમની જેમ દમદાર છે પણ આવી વાહિયાત ફિલ્મમાં એ શું કામની? આ ફિલ્મમાં પ્રકાશ રાજનો રોલ જ્હોની લિવરે, જ્હોની લિવરનો રોલ પ્રકાશ રાજે અને સન્ની દેઓલનો રોલ દારાસિંગે પણ કર્યો હોત તો શું ફર્ક પડેત યાર?;)
ડાયલોગ્સ :
તડ…તડ…તડ…તડ…તડ…
ફર…ફર…ફર…ફર…ફર…
ફૂર્ર…ફૂર્ર…ફૂર્ર…ફૂર્ર…ફૂર્ર…
ચેતવણી : આ ડાયલોગ્સ સન્ની દેઓલ અને પ્રકાશ રાજ દ્વારા એક્સપર્ટસના માર્ગદર્શન અને (સામેવાળાની) પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફિલ્માવવામાં આવ્યા છે. ઘરમાં કે જાહેરસ્થળોએ આ ડાયલોગ્સ બોલવાનો પ્રયત્ન કરવો નહીં. એવું કરવા જતા તમારા મોંમાંથી થૂંક ઉડી શકે છે. 😉
~ ઓવરઓલ ‘ગદર’ની ડીવીડી લાવીને સતત ત્રણ વાર જોઈ લેવાથી પણ જેટલો કંટાળો નહીં આવે એટલો ‘સિંઘસાહબ’ એક વાર જોવામાં આવશે.
ક્લાઈમેક્સ:
> નુપૂર અને રાજેશ તલવારની સાથોસાથ શક્તિમાન તલવારને પણ આજીવન કેદ થવી જોઈએ.
– શક્તિમાન તલવાર કોણ?
> ‘સિંઘસાહબ ધ ગ્રેટ’નો રાઈટર. 😉
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૨૬-૧૧-૨૦૧૩ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply