ત્યારે ફૂલ ત્રીજા ધોરણમાં ભણતી હતી, લગભગ આંઠ વર્ષની હશે, એને એક નાનો ભાઈ અને એક નાની બેન. મમ્મીએ મહીના પહેલા જ બીજી એક બેનને જન્મ આપ્યો.
નાનકડી ફૂલની જવાબદારી વધી ગઈ. બંને નાના ભાઈ બેનને એણે જ સાચવવાના.
એમાંય ત્રીજી બેનના જન્મ પછી ભાઈના લાડપાન વધી ગયા. એના માટે દરેક વસ્તુ હાજર અને એની દરેક માંગ કોઈ પણ જાતની આનાકાની વગર પૂરી કરાતી. પપ્પા એક કંપનીમાં સામાન્ય કારકૂન હતા અને પગાર પણ બહુ નહોતો. પૈસાની હંમેશા તંગી રહેતી પણ ભાઈને જલસા રહેતા. પપ્પાના ગરમ સ્વભાવનો લાભ ફૂલને વધારે મળતો. ફૂલ સરકારી સ્કૂલમાં ભણતી અને એનો ભાઈ ખાનગી સ્કૂલમાં પહેલા ધોરણમાં હતો.
એ દિવસે ફૂલની સ્કૂલમાં ઉજાણી હતી. પૂરી સિવાય શિખંડ અને ફરસાણ સ્કૂલમાંથી આપવાના હતાં. પૂરી બધાએ ઘેરથી લાવવાની હતી.
નાનીએ મોકલેલી નાસ્તાની પૂરી થોડી પડી હતી અને એની મમ્મીને બીજી પૂરી બનાવવાનો સમય નહોતો.
ફૂલવાએ મમમીને ઉજાણીની વાત કરી. પૂરી ચાર-પાંચ જ હતી. અને એ પણ ભાંગેલી તૂટેલી. ફૂલે મન મનાવ્યું કે એટલી ચાલશે. પણ કોણ જાણે કેમ મમ્મીએ એ પૂરી લઇ જવાની પણ ના પાડી. ફૂલે જીદ કરી, રડી, કકળી, રાડારાડ કરી. પણ, મમ્મી ઉપર એની કોઈ અસર ના થઈ.
વિલાયેલા મોંઢે એ સ્કૂલે ગઈ. એનું મન ક્યાંય ન લાગ્યું, મમ્મીના વર્તનથી એ નારાજ હતી. કોઈ રમત ગમતમાં પણ એણે ભાગ ના લીધો.
જમવાનો સમય થયો પણ એ સંકોચાતી રહી. એના સિવાય બધાજ પૂરી લાવ્યા હતા.
શિક્ષકે એને પૂરી નહી લાવવાનું કારણ પૂછ્યું તો એ રડી પડી.
શિક્ષકે એની આજુબાજુ બેઠેલી બંને છોકરી પાસેથી બે-બે પૂરી અપાવી.
સ્કૂલેથી એ ઘેર આવી તો એણે જોયું કે એની મમ્મી એના ભાઈને પૂરી ખવડાવી રહી હતી.
એ વિલાઈ ગઈ અને આંખમાં આંસુ છૂપાવવા માટે દોડીને બહાર જઈને એક ખૂણામાં સંતાઇ ગઈ.
~ પ્રફુલ્લા શાહ ‘પ્રસન્ના’
Leave a Reply