હું બારીમાં ઉદાસ ઉભી હતી. દીકરાની યાદ આવી જતી હતી અને આંખોમાં આંસુ આવી જતાં હતાં.વારંવાર રડી પડાતું હતું.
એકદમ મારુ ધ્યાન નીચે ઝાંપા આગળથી કાગળ વીણી રહેલાં એક દસેક વર્ષના છોકરાં ઉપર ગયું. એના કાનમાં ઈયર ફોન ભરાવેલો હતો. ફાટેલા, ખિસ્સામાં ફોન હશે. મજાથી ગીત ગાઈ રહ્યો હતો અને કાગળ વીણી રહ્યો હતો.
અમારા ફ્લેટના ચોકીદારે એને હસતાં હસતાં પૂછ્યું, ” અલ્યા, કાગળ વીણવા આવ્યો છું કે ચોરી કરવા…? તારી મા તને ભણવા નથી મોકલતી?”
“મારે મા કે બાપા નથી” એમ કહીને ગીત ગાતો ગાતો આગળ નીકળી ગયો.
હું એની મસ્તાની ચાલને અને ગીત સાંભળતા સાંભળતા, ખુશ થઈને સાથે ગાતાં હું એને જોઈ રહી.
મેં આંસુ લૂછી નાંખ્યા અને અંદર આવીને સીડી પ્લેયર ચાલું કરીને સાથે ગુનગુનાવા લાગી.
~ પ્રફુલ્લા શાહ ‘પ્રસન્ના’
Leave a Reply