પાકિસ્તાનના ચીફ જસ્ટીસ સાકિબ નીસાર એક મોટો થોથો લઈ આવ્યા. એટલે જોઈને મીડિયા ડઘાઈ ગઈ, આટલું બધુ બોલશે ? પણ ના, સાકિબ નીસારને તુરંત અગોતરી જાણકારી મળી ગઈ કે, લોકો કાગળના પાના જોઈ આપો ખોઈ બેઠા છે એટલે તેમણે લોકોને સાંત્વના આપી. બસ, આ સાંત્વના સવારની તેમની ઉંઘ હરામ કરીને બેઠી છે. સાંત્વના એવી હતી કે, ‘‘વક્તવ્ય હંમેશા સ્ત્રીના સ્કર્ટ જેવું હોવું જોઈએ, વધારે ટુંકુ નહીં અને સ્ત્રીનું શરીર દેખાય જાય એટલું પણ ટુંકુ નહીં.’’ ત્યાં એક મહિલા જર્નાલિસ્ટ ઉભેલી, તેણે આ વીડિયો કેપ્ચર કર્યો અને હેશટેગ સાથે ટ્વીટર પર મુક્યો. મહિલાઓનું સન્માન કરતા નથી આવડતું ? આવુ જાત જાતનું બાલીશ બોલનારા લોકોની ભીડ જામી ગઈ, ત્યાં એક નૌજવાન ત્રાટક્યો કહ્યું આ મહિલા પરનો આરોપ નથી આ ચોરી છે. ચોરી જ્યાંથી કરી તેનું નામ ચર્ચિલ છે. આ વિધાન ચર્ચિલે બોલેલું હતું. એટલે અર્ધ અનાવૃતની સાથે ચોરીનો પણ આરોપ લાગ્યો.
માણસે શું બોલવું ? કેવું બોલવું ? કેટલું બોલવું ? ક્યારે બોલવું ? તે માટે બરાબરનો ગુણાકાર ભાગાકાર અને ઘનફળ કરવું જોઈએ. પેલુ જૂનું નજરાણું જે અત્યારે પાનના ગલ્લે સાંભળવા મળે છે, તેનાથી તો તમે વાકેફ જ હશો. બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ. આ બંન્ને કહેવતો જ્યાંથી પણ આવી છે, તે ગામના નામ મળી જાય, તો ત્યાંના લોકો કેટલું બોલે છે અને કેટલું નથી બોલતા તેના પર લોકો સંશોધન કરી નાખે. આપણને નવા મેઘાણી મળી જાય !
પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો નંબર વન પોસ્ટનો મજૂર હંમેશા સાહેબને ખુશ રાખશે. તમે તેની સાથે મુલાકાત કરો તો પ્રથમ ગ્રાસે જ ખ્યાલ આવી જાય કે, તેની બુદ્ધિમતાનું ત્રાજવું કેટલું મોટુ છે. અલબત્ત, દુકાનદાર માટે ત્રાજવું મોટું હોવુ તેમાં કંઈ નવી વાત નથી, પણ ત્રાજવામાં રોજ જોખાય છે કેટલું તે મહત્વનું છે. કારણ કે ઘરે ગયા પછી એ ત્રાજવામાં જોખાયેલા પૈસા જ કામમાં આવવાના. તમે જોયું હશે જે બટકબોલો હશે તે કંપનીમાં ઉંચા પાયદાન પર હશે. તેણે સાહેબની તારીફોના પુલ બાંધ્યા હશે. અને જે હોશિયાર હશે તે ખૂણામાં બેઠો બેઠો કામ કરતો હશે. ભલે તેને આવડે છે, પણ તેની જીભમાં મંથરા જેવી ધાર નથી એટલે તે પાછળ રહી જવાનો.
ગુજરાતીમાં અને મોટાભાગની સાહિત્યક ભાષાઓમાં હવે વક્તવ્યો લાંબા થતા જાય છે. કોઈને સાંભળવાની મેલી મુરાદ નથી, તો પણ સાંભળે છે અને લંબાયે જાય છે. યુટ્યુબ પર મોટાભાગના વક્તવ્યોના વીડિયો એક કલાકથી ઓછી લંબાઈ ધરાવતા નથી. તેમાંથી તમારે ચકલીની જેમ કાંકરા અને દાણાને અલગ કરવાના છે. આ માટે કેટલાક રસિયા તમારી આંખને બામ ચોપડવા માટે તૈયાર જ હોય છે. દુનિયાની બેસ્ટ મોટિવેશનલ સ્પીચમાં ચારથી પાંચ વિધાનો જ તમારા કામના હોય. સ્ત્રીના સ્કર્ટની માફક !! આખી બોક્સિંગ મેચ દરમ્યાન બોક્સરનો એક જ પંચ નોકઆઉટ માટે કાફી હોય છે, પણ મહેનત તો તેણે દરેક મુક્કે કરવાની છે ! વક્તવ્યનું પણ તેવું જ કંઈક છે. દરેક હાસ્યલેખમાં હસવા ના મળે. નવલકથાઓ ટુંકી લખવાનો યુગ આવ્યો છે. વાર્તા માઈક્રોફિક્શન થઈ ગઈ છે. પ્રેક્ષકોને દરેક લેખની લિટીમાં જાદુઈ ફિલોસોફી જોઈએ છે. દરેક વક્તવ્યમાં કવિતારૂપી અલંકારો લાગેલા જોઈએ છે. અને તે લગાવીએ તો નીસાર સાહેબ જેવું થઈ જાય, તો ગફલો પણ એટલો મોટો છે.
આખો દિવસ બોલતી કાબર અને સવારમાં બોલતા મોર અને કોયલના ટહુકામાં ફર્ક તો હોવાનો. પણ જો ટ્વીટર યુઝર સાચા હોય અને કહી રહ્યા હોય કે, આ ક્વોટેશન ચર્ચિલનું છે, તો તે વિધાન સેક્સી જ છે. કારણ કે ચર્ચિલને આવા દ્રિઅર્થી વિધાનો બોલવાની આદત પડી ગઈ હતી. બોલ્યા રાખતા હતા અને ત્યારે સોશિયલ મીડિયા ન હોવાના કારણે લોકો ટિપ્પણી પણ કરતા ન હતા.
ઓછું બોલવામાં પણ રાજગદ્દીઓ ચાલી ગયાના દાખલા છે. નરેન્દ્ર મોદી મોતના સૌદાગર છે, યાદ છે સોનિયા ગાંધીનું વિધાન. આ વખતેની ચૂંટણીમાં ભલે ઓછા માર્જિનથી પણ કોંગ્રેસને હરાવવા માટે જવાબદાર નાના એવા નીચ નામનો નનામો શબ્દ જ હતો. આના કરતા લાંબુ બોલવું સારૂ. તમે બોલી જાઓ ત્યાં સુધીમાં દર્શકો ઉંઘી ગયા હોય. પછી તમે 100ની સ્પીડથી ફિલોસોફી ઠોકો તો પણ કોઈ તાળી નથી પાડવાનું. હવે તો લાંબા લેખમાં પણ લોકો ચાબખા મારી રહ્યા છે. સો સેડ…. !
લાંબા વક્તવ્યથી યાદ આવ્યું કે ઈશાન ભાવસાર અને હું ચર્ચા કરતા હતા ત્યારે વાતમાંથી વાત નીકળી. એકવાર વિનોદ ભટ્ટ સાથે ઉપેન્દ્ર ત્રિવેદી સહિત ઘણા મંધાતાઓનું ભાષણ હતું. ઉપેન્દ્ર ત્રિવેદી પોતાની જીવન કણિકાઓને 1 કલાક પાથરી. છેલ્લે જ્યારે વિનોદ ભટ્ટનો વારો આવ્યો ત્યારે વિનોદ ભટ્ટે કટાક્ષ કરી દીધો, ‘‘ઉપેન્દ્રભાઈ મારૂ વક્તવ્ય સાંભળજો, સૂઈ ન જતા, કારણ કે હું તમારા ભાષણમાં છેલ્લા 1 કલાકથી જાગતો હતો.’’
~ મયુર ખાવડુ
Leave a Reply