3 ઓગસ્ટ 1989 લંડન
છેલ્લા કેટલાય સમયથી મુસ્તફા માજેદ લંડનમાં હતો. ઈરાનથી તેને મોકલવામાં આવ્યો હતો. તેણે એક પુસ્તક તૈયાર કરેલુ. સાહિત્ય માટે નહીં, તેના પૂંઠા વચ્ચે બોમ્બ રાખવામાં આવ્યો હતો. તેને ખબર પડી કે સલમાન રશ્દિ લંડનની આ હોટેલમાં આ તારીખે અને આ સમયે આવવાના છે. આખરે અંજામ આપવા માટે તે હોટેલમાં બોમ્બ લઈ ઘુસ્યો, પરંતુ બોમ્બમાં ખામી આવી ગઈ અને બોમ્બ ત્યાંજ ફુટી ગયો. બોમ્બ એટલો ઘાતક હતો કે લંડનની તે હોટેલના ઉપલા બે માળ ઉડી ગયા. રશ્દિ બચી ગયા. બાદમાં લંડન પોલીસને ખ્યાલ આવ્યો કે આ બોમ્બ સલમાન રશ્દિને મારવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. સલમાન રશ્દિને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. જેના એક મહિના બાદ સપ્ટેમ્બર 1989માં એ ખબર આવી કે, એક માણસ સલમાન રશ્દિને મારવા માગે છે. ધ્યાનથી સાંભળ્યુ તો ખ્યાલ આવ્યો કે આ બીજુ કોઈ નહીં પણ…
——
અહેમદ સલમાન રશ્દિના પિતા એ કોઈ નાના મોટા વ્યક્તિ નહતા. અનીસ અહેમદ રશ્દિ અને નેગીમ બટ્ટના ચાર સંતાનોમાંના એક રશ્દિમાં બાળપણથી ચોપડીયુ વાચવાનો કિડો ઘુસી ગયેલો. પિતાએ ઈંગ્લેન્ડના કેમ્બ્રીજમાં શિક્ષણ મેળવેલુ હતું. એટલે સલમાનને ગળથુથીમાં જ ઈંગ્લીશ મળી ગયુ. પિતાની એવી ઈચ્છા હતી કે સલમાન પોતે રગ્બિના ખેલાડી બને. ત્યારે સલમાનની હાઈટ ઓછી હતી, પરંતુ તેનું શરીર સારૂ હતું. જો કે પિતાનું સ્વપ્ન બીજા પિતાઓની માફક સ્વપ્ન બનીને રહી ગયુ. રશ્દિ કોઈ દિવસ એક સ્પોર્ટસ પ્લેયર ન બન્યા, જેનું મુળ કારણ તેમની આદત. રશ્દિને તેમની યુવા અવસ્થામાં નશાની આદત પડી ગયેલી. હવે તો માત્ર સિગરેટ જ પીવે છે. પાંચ વર્ષની ઉંમરમાં તેમણે પિતાની વિરૂધ્ધ પોતાનો ધ્યેય નક્કી કરી લીધેલો. કે બનવુ તો રાઈટર અને બન્યા પણ વિશ્વના દિગ્ગજ લેખક. જુન 19, 1947 એટલે કે ભારતની આઝાદીના સમયે જન્મેલા રશ્દિએ 1968માં ઈતિહાસની ડિગ્રી હાંસલ કરી. તો પણ આવા ભણવા બણવાના અભરખા નહતા. તેમણે પિતાનો બિઝનેસ અને પોતાનો અભ્યાસ આ બંન્ને માળીયા પર ચઢાવી અને એડવર્ટાઈઝમેન્ટમાં કોપી એડિટીંગનું કામ કર્યુ. આ સિવાય હજુ એક અભરખો અને આ અભરખો અભિનયનો. ઈતિહાસમાં સ્નાતક થયા બાદ તેમણે આ વસવસો પણ પૂરો કર્યો. મુગ્ધાઅવસ્થામાં થાય છે તે માફક સલમાન રશ્દિએ વચ્ચે એક્ટર બનવાનું અને હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કરેલુ ત્યારે તેમણે લેખક તરીકેના સપનાને સાઈડલાઈન કરી દીધેલ. સારૂ થયુ આ એક્ટીંગનું ભુત લાંબા સમય ન રહ્યું. 1970 થી 1980માં તેમણે કોપી રાઈટર તરીકે દસ વર્ષ મજૂરી કરી. જેથી પુસ્તક છપાવવાના પૈસા ભેગા થઈ જાય. તેમણે વિશ્વના તમામ લેખકોને વાચેલા. હવે ભારત વતન પરસ્તી કરવાનો તેમનો વિચાર હતો. ત્યાં સુધીમાં તેઓ ગ્રીમસ નવલકથા લખી ચુક્યા હતા. 1975માં છપાયેલી ગ્રીમસને વિવેચકો સમજવામાં થાપ ખાઈ ગયા. આજે પણ વિવેચકોનું આ થાપ ખાવુ લેખકોને પરેશાન કરી નાખે છે ! વિવેચકોના આ નવલકથા દરમિયાન બે ભાગ પડી ગયેલા એક કે, આ નોવેલ સાયન્સ ફિક્શન છે, બે આ નોવેલ મેજીક રિયાલીઝમની છે. હકિકતે ગ્રીમસ નામનું એક પક્ષી હોય છે. જે અમર હોય છે. જીવનનો અર્થ શું તે જાણવાની તેની તાલાવેલી હોય છે. આ તાલાવેલીમાં તે અમેરિકાથી બહાર આવે છે અને ત્યાંથી સીધો એક નદીમાં જાય છે અને બીજા પ્રદેશમાં નીકળે છે. હવે તમે આનું વિવેચન કઈ રીતે કરો ?
ગ્રીમસને ઉંધે માથ પછડાટ મળી. તેની કોઈ સિંગલ કોપી વહેચાતી નહતી. અને તે પછી આવી મીડનાઈટ ચિલ્ડ્રન. મીડનાઈટ ચિલ્ડ્રનની પ્રસ્તાવનામાં સલમાને લખ્યુ છે કે, ‘આ પુસ્તક બનશે તેવુ મેં કોઈ દિવસ વિચાર્યુ નહતું. હું તો એડવર્ટાઈઝમેન્ટના કોપી એડિટર તરીકે કામ કરતો હતો. રોજ સમય મળતો અને હું મારી લેખનશૈલી મુજબ થોડુ થોડુ લખતો અને તેમાં જે બની તે મીડનાઈટ ચિલ્ડ્રન.’ મીડનાઈટ ચિલ્ડ્રન હિટ ગઈ. 1981માં તેને બુકર પ્રાઈઝ મળ્યુ. 1993 અને 2008માં તેને બુકર ઓફ બુકરનું સન્માન મળ્યુ. તેના જેવી કૃતિ બુકરના ઈતિહાસમાં કોઈ દિવસ પેદા નથી થઈ અને હવે અંગ્રેજી સાહિત્યમાં જે પ્રકારનું મેજીક રિયાલીઝમ લખાય છે, તે જોતા કોઈ દિવસ રચના પણ નહીં થાય. એવુ નથી કે મીડનાઈટ ચિલ્ડ્રન વિવાદોમાં ન આવી. સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેનો વિરોધ કરેલો. પુસ્તકમાં જે રીતે ઈન્દિરા ગાંધીનું કાલ્પનિક ચિત્રણ કરવામાં આવેલુ તે માટે કોઈવાર વિચાર આવે કે આવો વિચાર સલમાનને કઈ રીતે આવ્યો ? હકિકતે ઈજીપ્તની દંતકથાના પ્રમાણે રાતના બાર વાગ્યે જે બાળકનો જન્મ થાય, તે કેટલીક અદભુત શક્તિઓ લઈને જનમ્યો હોય છે. અત્યારે સલમાનની જ્યારે ઓળખ આપવાની થાય ત્યારે તેમને મીડનાઈટ ચિલ્ડ્રનના લેખક તરીકે જ ઓળખવામાં આવે છે.
તેના બરાબર 2 વર્ષ બાદ આવી શેમ. 1983માં લખાયેલી શેમની ખાસિયત તેમાં જુલ્ફિકાર અલ્લી ભુટ્ટોને કેન્દ્રસ્થાને રાખી લખવામાં આવી હતી. પાકિસ્તાનની રાજકીય અશાંતિનું તેમાં ચિત્રણ કરવામાં આવ્યુ હતું. જેને બુકરમાં નોમિનેશન મળ્યુ અને પ્રિક્સ ડ્યુ દ્વારા સર્વશ્રેષ્ઠ વિદેશી પુસ્તક તરીકે પણ સન્માનિત કરવામાં આવી. આ પહેલા પણ તેમણે જગુઆર સ્માઈલ લખેલી જેમાં તેમણે રાજકીય અશાંતિ અને મેજીક રિઆલીઝમ વણેલુ, પણ આ નોવેલ ક્યાંય પણ ઉપલ્બધ નથી. આ પુસ્તક એટલુ નબળુ પૂરવાર થયુ કે તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવી દીધુ, ‘વિધાર્થીઓએ મારી માફક ન લખવુ ’ જો કે અત્યારે બધા તેમની માફક લખવાની કોશિષ કરે છે.
રશ્દિના જીવનનો સૌથી કાળો દિવસ 1988માં આવ્યો. સૈતાનિક વર્સિસ જેવી વિવાદાસ્પદ નવલકથા લખી. રશ્દિએ તેમાં મહોમ્મદ પૈગંબરને ખરાબ રીતે કંડાર્યા. મહોમ્મદ નવલકથા મુજબ મહાઉન્દ કુરાનમાં પંક્તિઓ બોલે છે, ત્યાં શૈતાન તેમને ઉશ્કેરે છે અને આ પંક્તિઓ ઘુસાડવા માટે કહે છે. દુનિયાભરના મુસ્લિમોમાં રોષ ભડક્યો. તહેરાનના રેડિયો પરથી આયોતોલ્લા ખૌમેનીએ રશ્દિનું ગળુ કાપવાનું ફરમાન કર્યુ. રશ્દિ અમને સોંપી દો અમે તેનું ગળુ કાપશુ. ક્રોધાવેશમાં લોકો ભાન ભુલી ગયા અને ઈસ્લામ માટે રશ્દિને મારવાની યોજનાઓ ઘડવા લાગ્યા. રશ્દિના કારણે જ યુનાઈટેડ કિંગડમ અને ઈરાનના રાજકીય સંબંધો વણસી ગયા. તેમણે સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધુ. 2005માં ખૌમેનીએ ફરી એકવાર આ વિવાદને સળગાવ્યો, તેણે મુસ્લિમો સામે એક ભાષણમાં કહ્યું કે, ‘રશ્દિની સજા હજુ પૂરી નથી થઈ. રશ્દિને મરવુ પડશે.’ 2016માં 6 લાખ ડોલરનો ફતવો પણ બહાર પાડવામાં આવ્યો. અને આ વિવાદ હજુ પણ બરકરાર છે. 2015માં પી ચિદમ્બરમે કહ્યું કે રશ્દિના પુસ્તક પર રોક લગાવવુ ખોટું છે. અત્યારે નરેન્દ્ર મોદી પોતાની પ્રસિધ્ધીની ચરમસીમા પર છે, પણ રશ્દિએ જ કહેલુ કે, નરેન્દ્ર મોદીની સરકાર અપશુકનિયાળ સાબિત થશે. જો કે રશ્દિનું મંત્વય આમ નહીં તો આમ વિપક્ષ માટે હાનિકારક પૂરવાર થયુ. તો તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ રશ્દિને આજે પણ શૈતાન માને છે. કાત્જુ રશ્દિને નિમ્ન સ્તરીય લેખક માને છે. શીલા દીક્ષિત સલમાન રશ્દિ ભારત આવે તો તેમનું સ્વાગત કરવા નથી માગતા. સરકારો શર્ત રાખી સલમાનને બોલાવે છે, પણ સલમાનને આ કોઈ બાબતની ફિકર નથી. વચ્ચે જયપૂર લિટરેચર ફેસ્ટિવલ સમયે એવુ આયોજન થયેલુ કે, સલમાનની સાથે તમામ બુકર પ્રાઈઝ વિજેતા લેખકોને એક મંચ પર એકત્રીત કરવા. જેમાં સલમાનનું નામ પહેલી હરોળમાં જ હોવાથી મુસ્લિમો ભડક્યા. સલમાનને આડે હાથ લીધા. અને આ આયોજન રોકાઈ ગયુ.
1990માં હારૂન એન્ડ ધ સી સ્ટોરીસ લખી. જે બાળકો માટે હતી કે મોટેરાઓ માટે તે તમે ક્યાસ ન કાઢી શકો. ધ મુર્સ લાસ્ટ સિંઘ, ઘ ગ્રાઉન્ડ બિનેથ હર ફિટ, સુપરહિટ શાલિમાર ધ ક્લાઉન જે 2005માં બુકર નોમિનેટ થઈ. ધ એનહેન્ટ્રેસ ઓફ ફ્લોરેન્સ 2008માં આવી જેના સાત વર્ષ બાદ રશ્દિ ફરી મેજીક રિઆલીઝમ લઈ આવ્યા. ટુ યેર એઈટ મન્થ એન્ટ ટ્વેન્ટીન એઈટ નાઈટ્સ. કથા કંઈક એવી કે રાજકારણીઓ ના શરીરમાં જીન આવી જાય અને પછી ધમાલ સર્જાય. ખબર નહીં પણ રશ્દિની નવલકથાઓમાં રાજકીય અને મેજીક રિઆલીઝમનો સુગમ સમન્વય હોય છે. જે તેમના વિરોધીઓ માટે ‘ઘા’ સમાન અને વાચકો માટે ‘ઘાયલ’ (પ્રેમીથી) કરવા સમાન રહી છે.
~ મયુર ખાવડુ
Leave a Reply