વિક્રમે બેતાલને ખભા પર નાખ્યો અને નિયમ પ્રમાણે બેતાલે વાર્તા કહેવાની શરૂઆત કરી. સાંભળ રાજન, દૂર દેશ મગધ રાજ્ય હવે બિહારમાં પરિવર્તિત થઈ ગયું હતું. લોકો યશ અને કિર્તી ભોગવતા હતા. બધાના હાથમાં મોબાઈલ આવી ગયા હતા, પરંતુ કેટલાય સમયથી દારૂની બોટલ નીતિશ નામના રાજવીએ છીનવી લેતા લોકો પરેશાન હતા. રાજ્યના લોકોએ સદબુદ્ધિ કેળવવા માટે મદિરાપાન ન કરવું જોઈએ તેવું મહારાજા નીતિશનું સૂચન હતું. રાજ્યમાં સુખ શાંતિ અને કિર્તીનું કોમ્બોપેકેજ ચાલતું હતું. મોટા ભાગના બિહારીઓ કલેક્ટરના ઉચ્ચપદે જ નિર્વાહ કરતા હતા. બાકીના લોકોને દૂરના પ્રાંતોમાં કામ કરવા માટે જવું પડતું હતું.
એટલામાં રાજ્યની ચૂંટણી આવી, હવે રાજા બદલે તેવું લાગતું હતું, એટલે નીતિશે રાજ્યના પૌરાણિક રાજા લાલુની મદદ લીધી. ચહેરાથી સાવ કદરૂપા લાગતા લાલુના મનમાં ચાલ હતી. તેને પોતાના પુત્રને અડધી ગાદી અપાવવી હતી, જ્યારે તેણે નીતિશને આ વિશે કહ્યું ત્યારે નીતિશના હદયના પાટિયા બેસી ગયા. આંખો ચકળવિકળ ઘુમવા લાગી. એક દિવસનો સમય માંગી રાજાએ પોતાના મંત્રીઓની બેઠક કરાવી અને બાદમાં બંનેનું થયું મહાગઠબંધન.
આ મહાગઠબંધનનું કારણ હતો, ભારત દેશનો પ્રતાપી રાજા નરેન્દ્ર મોદી. કેટલાય સમયથી તે તમામ રાજ્યોને ભગવા કપડા પહેરાવતો આવ્યો હતો. એકમાત્ર બિહારમાં પોતાનો ભગવો લહેરાવવાનો બાકી હતો. પરંતુ જ્યારે ચૂંટણી અને પછી તેનું પરિણામ આવ્યું ત્યારે મહારાજાધિરાજ નરેન્દ્ર મોદીની હાર થઈ ચૂકી હતી. નરેન્દ્ર મોદીના પ્રિય મંત્રી સુશીલ મોદી સુમો હોવા છતા કંઈ નહતા કરી શક્યા. નેપોલિયનનો વિજયરથ જેમ વોર્ટલુના યુદ્ધમાં રોકાઈ ગયેલો તેમ મોદીના વિજયરથને પણ બ્રેક લાગી ગઈ. જેનું કારણ જય-વિરૂ જેવા લાલુ અને નીતિશ હતા.
મોદીએ જોઈ લઈશ એવું શાંત મુદ્રામાં કહ્યું. નિયમ પ્રમાણે લાલુના પુત્ર તેજસ્વીની તાજપોશી કરવામાં આવી. શણગારવામાં આવ્યો. દૂરદેશથી ખાસ વાળંદ બોલાવવામાં આવ્યા. જે તેના કાનના વાળ પિતાની માફક લાંબા છે કે નહીં, તે ચકાસે ! નીતિશ મહારાજા અને તેની નીચે વજીર તરીકે તેજસ્વીને રાખવામાં આવ્યો. તેજસ્વીએ કોઈપણ વિદ્યાલયમાંથી જ્ઞાનની પદવી મેળવી નહતી. પિતાનું યૌવન અને તેમની આવડત તેને વારસામાં પ્રદાન થઈ હતી.
પણ એક દિવસ રાજ્યમાંથી ખબર આવ્યા. સભાપતિનો પત્ર સાંભળી નીતિશની ખૂરશી હચમચી ગઈ. તેણે શાંત મગજે ગાદી પર ગાદીને નમાવી. ઉંડો શ્વાસ લીધો અને અંતરધ્યાન થઈ ગયા.
રાજ્યારોહણ બરોબર ચાલતું હતું. એટલામાં લાલુ પોતાના સમયે જ્યારે રાજા હતા ત્યારે ચારો ખાઈ ગયા હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ પુત્ર તેજસ્વીના બળે લાલુ છુટી ગયા. નીતિશને હવે અહીં લાલુ ખાનદાની ઘર જમાઈ બની ગયા હોય તેવું લાગતું હતું.
નીતિશના રાજ્યમાં વિકાસની જગ્યાએ કંકાસ થતો હતો. લાલુ અને તેજસ્વીના તાબા હેઠળ મહારાજા આવી ગયા હતા. નીતિશજી કોઈવાર દુખી થઈ એકાંતમાં રડી લેતા હતા. કોઈવાર ચાલુ સભાએ મુર્છિત થઈ જતા. આવુ ક્યાં સુધી ચાલશે…. ?? આવો પ્રશ્ન આખા બિહારવર્ષને સતાવી રહ્યો હતો.
ત્યાં થોડા સમયમાં જ લાલુનું વધુ એક ભોપાળુ સામે આવ્યું. આ વખ્તે ફરી પોતે રાજા હતા ત્યારે અગ્નિરથવિરામસ્થાનમાંથી કેટલીક વસ્તુઓ ખાઈ ગયા હતા. દંડકનો કેસ હવે મજબૂત હતો. પરંતુ લાલુના કારણે નીતિશની છબી પણ ખરડાઈ રહી હતી. કોઈવાર નીતિશ વિચારતા… વ્હાય…. વ્હાય.. કેમ મહાગઠબંધન કર્યું ? આખરે કંટાળીને તેમણે પોતાના પદથી રાજીનામું આપી દીધું.
થોડા સમયમાં જ જાહેરાત થઈ કે, તેમણે ત્યાંના રાજ્યમહાધિપતિ કેસરીનાથ ત્રિપાઠીને રાજ્યમાં નરેન્દ્ર મોદી સાથેની સંયુક્ત સરકાર બનાવવાનું કહ્યું છે. લાલુ અને તેજસ્વીના ભવા ઉંચકાઈ ગયા. વિચારવા લાગ્યા, અમે આટલા ખરાબ હતા, તે ભારતવર્ષના રાજા મોદી સાથે હવે તેઓ સરકાર બનાવી રહ્યા છે.
આખરે નીતિશે પિતા-પુત્ર આમ બંન્ને દ્રૂષ્ટોને ખદેડ્યા. અને બિહાર રાજ્યમાં નીતિશની સરકાર કાયમ કરવાનું એલાન કર્યું અને તે પણ ભાજપ સાથે.
તો રાજન આજે તારે બે પ્રશ્નના જવાબ આપવાના છે, ‘એક નીતિશને એવી તે કઈ ખબર આવેલી કે ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા અને બે બિહારમાં સરકાર કોની બની ?’
વિક્રમે કહ્યું, ‘સાંભળ બેતાલ, દૂરદેશથી ભારતવર્ષના પ્રતાપી રાજા નરેન્દ્ર મોદીનો પત્ર આવેલો, જેમાં એમણે લખેલું, નીતિશ અમે લાલુના જૂના છબરડા બહાર કાઢીએ છીએ, અમારી સાથે હાથ મિલાવો, બાકી ભોગવો અને તારા બીજા પ્રશ્નનો જવાબ, બિહારમાં સરકાર નરેન્દ્ર મોદી એટલે કે ભાજપની બનશે. નીતિશ માત્ર શાસન કરશે.’
અરે… બહોત ભોલા હૈ તુ વિક્રમ, તુ બોલા ઓર મેં ગયા… ચલ મિલતે હૈ
(કાલ્પનિકકકકથા – ખુલ્લમ ખુલ્લા)
~ મયુર ખાવડુ
Leave a Reply