હાજી મહોમ્મદ અલ્લા રખીયા શિવજી ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ સચિત્ર સામાયિક વીસમી સદી ચલાવતા હતા. એ આપણું સૌથી મોટું અને પહેલું સાહસ હતું, તેવુ ધીરૂભાઈ પરીખે શ્રોતાઓ સમક્ષ પોતાના પ્રવચનમાં નોંધ્યુ છે. પણ પછી એક દિવસ હાજી મહોમ્મદ અલ્લા રખીયાનું અકાળે અવસાન થયું. તે નહ્વા ગયા અને ડૂબી ગયા. એ સાથે જ વીસમી સદી નામનું સામાયિક પણ ડુબી ગયુ. ત્યારે વીસમી સદીમાં રવિ શંકર રાવળ પ્રદાન આપતા હતા.
એ સમયે કુમાર મેગેઝિન બે ચાર લોકો ચલાવતા હતા. કલા સાથેનું કામ કરનારા લોકોને ચિતારા તરીકે ઓળખતા એવુ ધીરૂભાઇએ નોંધ્યું છે. અત્યારે જેમ લોકો કલા પાછળ ઘેલા થયા છે, તેવો મહિમા ત્યારે નહોતો. આખરે તેમણે અંગત સાહસ તરીકે કુમાર મેગેઝિનની શરૂઆત કરી. જે હજુ પણ ચાલે છે.
શબ્દ-કલમ અને પીછીં સાથે કામ પાર પાડનારા ઓછા લોકો હતા. આજે પણ આ ત્રણમાં મહારત હાંસિલ કરનારાઓની સંખ્યા ખૂબ ઓછી છે. પ્રજાને આ સંસ્કારથી ઘડવાના કામ માટે કુમાર શરૂ થયું. ત્યારે કુમાર પોતાની માલિકીનું હતું. કોઇ ટ્રસ્ટ તેની સાથે જોડાયેલું નહોતું. 1942માં રવિશંકરની તબિયત લડખડાતા તેમની સાથે કામ કરતા બચુભાઇને આ કામ સોંપવાનું નક્કી કર્યું.
બચુભાઇ પોતે સાહિત્ય અને કલાના માણસ. જેમણે રવિશંકર રાવળના મકાનનું નામ નેપથ્ય રાખ્યું હતું. રવિભાઇનું નામ હતું, પણ બચુભાઇના કામના કારણે કુમાર ઓળખાયુ.
આજે તો લોકપ્રિય મેગેઝિનોના ચિલાચાલુ લેખોના કારણે કુમાર મેગેઝિન ચાલે છે કે બંધ થઇ ગયુ છે, તેની પણ ઘણાને ખબર નહીં હોય. અમે ભણતા ત્યારે કોલેજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન માટે આ મેગેઝિન આવતું હતું. જેને કોઇ અડકતું નહીં. અંદરના પાને, આ વખતેનું લવાજમ ભરશો તો આગલો અંક ચાલી શકશે તેવુ લખેલું પણ આવતું. રૂપિયા ઓછા પડ્યા પણ સાહિત્યના કારણે કુમાર દોડ્યું. સાહિત્યએ કુમારને દોડાવ્યુ અને બચાવ્યું અને આજે પણ સાહિત્યક સામાયિકોમાં તે અગ્રેસર છે. આ સિવાય કવિલોક. કવિઓને જીવતા રાખવા માટેનું સાહિત્ય. સોનેટ, હાઇકુ અને છંદના બંધારણમાં રચાયેલી દુર્લભ કવિતાઓને જોવી હોય તો કવિલોક વાંચવી રહી.
કુમાર મેગેઝિનનું પાનું પણ ન ફેરવતા લોકોને આછેરી ઝલક આપી દઇએ. સૌ પહેલા કુમાર મેગેઝિનની શરૂઆત થાય એક તૈલીચિત્રથી. મોટાભાગના અંકોમાં આ ચિત્ર બંગાળીભાષાના ખ્યાતનામ કલાકારો દ્વારા તૈયાર કરાયેલું- મઢવામાં આવ્યું હોય. અંદરના પાને કવરપેજની પાછળના ભાગે પણ ચિત્ર અને ચિત્રનો શબ્દો દ્વારા આસ્વાદ. જે પરંપરાની શરૂઆત રવિશંકર રાવળ અને બચુભાઇએ કરી, તેમાં કોઇ પણ પ્રકારના ફેરફાર વિના ધીરૂભાઇએ તેને નિભાવી છે.
અનુક્રમણિકા કેટલો ભાગ રોકે ? એટલે બાજુમાં જ કોઇ કવિતાનું દર્શન કરાવી દે. અનુક્રમણિકામાં ચિત્રો, કાવ્યો, ચરિત્રો, વાર્તા-લઘુનવલ-લઘુકથાનું આખું વિશ્વ. એ પછી સાહિત્યક લેખોની શરૂઆત થાય. વિભાગો આવે અને સૌનું પ્રિય માધુકરી. સુન્દરમની કલમે લખાયેલી માધુકરી એ કુમાર મેગેઝિનનો મુખવાસ જોઇ લો.
કુમાર મેગિઝિનની મુલાકાતે જવાનું થયું ત્યારે જૂનુ અમદાવાદ નજીકથી જોયુ. જૂના અમદાવાદમાં પોળની જે મઝા છે, તેવી કોઇ જગ્યાએ નથી. રાયપુર ચકલાએ પહોંચી ગયા બાદ બઉઆની પોળ મળી ગઇ. પોળની અંદર જ્યાંથી પ્રવેશ કર્યો ત્યાં નાની એવી ગલી હતી. મેં બાઇકમાંથી નીચે ઉતરવાનું મુનાસીબ માન્યું. ગાડી ચલાવનારા ચિંતનને કહ્યું,‘તું ગાડી લઇ મારી પાછળ પાછળ આવ હું લોકોને સરનામું પૂછું છું.’
આજુબાજુમાં કોઇ હતું નહીં એટલે કોઇના ઘરનું બારણું ખટખટાવીને જ પૂછવું રહ્યું. એક મકાનની બાજુમાં ગયો તો તે મકાન નહીં મંદિર હતું. બીજા મકાને ગયો તો તે પણ મંદિર… પૂજારી ઘંટડી વગાડતા હતા. ત્રીજા મકાનમાં પૂજારી પૂજા પતાવી વિશ્રામની મુદ્રામાં બેઠા હતા. તેમના હરિ સ્મરણમાં ખલેલ પાડતા મેં પૂછ્યું, ‘કુમાર મેગેઝિન?’
‘અહીંથી સીધા ત્યાંથી ડાબી બાજુ.’ બહાર નીકળતા લાગ્યું કે બઉઆની પોળ તો પૂરી થઇ ગઇ છે. પેલા પુજારીની વાત પર વિશ્વાસ મુકી પોળ પૂરી કરી ડાબી બાજુ ગયા અને ત્યાં… જ્યાંથી પ્રવેશ કર્યો હતો તેના ખૂણે જ કાર્યાલય હતું.
કુમાર મેગેઝિન ટુંક સમયમાં હેરિટેજ કાર્યાલય બની જાઇ તો નવાઇ ન લગાવતા. જૂની બિલ્ડીંગ. શાંત વિસ્તાર. અંદર પ્રવેશ કરો એટલે રેફરન્સ માટે રાખેલા ચોપડાઓનો થોકડો. તેની અંદર પ્રવેશ કરો એટલે ભાતભાતના મેગેઝિનો. તેની અંદર કુમારની જૂની પ્રતો, તેની અંદર કુમારની એનાથી પણ જૂની પ્રતો. તેની અંદરના રૂમમાં કુમારની એનાથી પણ જૂની પ્રતો. મકાનને હેરિટેજમાં મુકવુ રહ્યું !
કાર્યાલયની શરૂઆતમાં જ ધીરૂભાઇ પરીખ સાથે મુલાકાત થઇ જાય. અને અંદરના ભાગે એક ભાઇ ટાઇપીંગ સાથે કુમારના નવા અંકની તૈયારીમાં લાગેલા હોય. કુમારે કોઇ આવ્યું છે એટલે તેના ચહેરાની ખુશીને તમે કળી શકો.
ધીરૂભાઇને મળવાનું થયું. એકદમ શાંતમુદ્રામાં. મોટી બ્લુકલરની ચેર, સાદા કપડાં, આંખે ચશ્મા અને એજ સ્મિત અકબંધ. અંદર પ્રવેશતા જ ક્યાંથી આવો છો ? તેવી પ્રારંભિક પૂછતાછ કરી. મેં તેમને એક સવાલ પૂછ્યો,‘વાર્તા કે ચરિત્ર લખવામાં સાહિત્યક ટચ આપવા શું કરવું?’
‘સાહિત્યક ટચ એમ મળી જાત તો તમામ લોકો વાર્તાકાર કે ચરિત્રકાર બની જાત, પણ એવુ નથી. લોકો અડધે રસ્તે નાસીપાસ થઇ જાય છે. તમે લખો. લખશો એટલે લહિયા બનશો તેમાંથી લેખક તરીકે તમારો જન્મ થઇ જશે.’ ધીરૂભાઇએ કહ્યું અને આંગળીઓ દાબી પાછા વિચારમાં લીન થઇ ગયા.
તેમણે ઓટોગ્રાફ કરેલી બુક આપી ને સહજતાથી પૂછ્યું, ‘હું અહીં નીચે આજની તારીખ લખી દઉં.’
મેં ના પાડી,‘મારી વાસરીકામાં લખી નાખીશ… આજનો આખો દિવસ.’ તેમના મોં પર ફરી સ્મિત આવ્યું. બચુભાઇ પછી ધીરૂ પરીખ પાસે કુમાર મેગિઝનનું તંત્રી પદ આવ્યું તે આપણા અને ગુજરાતી મેગેઝિનોના ઇતિહાસમાં જ્વલ્લે જ બનતી ઐતિહાસિક ઘટના છે.
ધીરૂભાઇ પરિખના તંત્રી પદે બચુભાઇના લેખો અને તેમની કામગીરીનો પણ એક અંક બહાર પડેલો. 1998માં બહાર પડેલા આ અંકમાં નવા લખવૈયાઓ માટે બચુભાઇની લેખનશૈલી અને તેની કામગીરીને નજીકથી જાણવાનો સુનેહરો અવસર પ્રદાન થયેલો. એ મેગેઝિનની હજુ પણ જૂની પ્રતો ત્યાં સચવાયેલી પડી છે.
બચુભાઇનું રેખાચિત્ર કેવુ હોય ? વિનોદ ભટ્ટે બચુભાઇનું રેખાચિત્ર પ્રભુંને ગમ્યું તે ખરૂંમાં ઉતાર્યું છે. વિનોદ ભટ્ટે આ પુસ્તકના 55માં પાને આ ચરિત્રને નામ આપ્યું છે ‘‘એક બીજા બચુભાઇની વાત.’’
રાયપુર ચકલામાં વિનોદ ભટ્ટ ગુણવંત શાહ સાથે આંટા મારતા હતા અને અચાનક બચુભાઇ સાથે ભેટો થઇ ગયો. ગુણવંત શાહે પરિચય કરાવ્યો એટલે બચુભાઇએ કહ્યું,‘કુમારને લાયક કંઇ હોય તો લખી મોકલજો.’ વિનોદ ભટ્ટ તો આમંત્રણની રાહ જોઇ બેઠા હતા. તેમણે પોતાની વૈતાળકથાઓ લખી મોકલી.
પણ બચુભાઇને ખમવાનો વારો આવ્યો વિનોદની નજરેમાં. તેમના પર ફોનની ધમકીઓ આવતી હતી,‘હું તમને જોઇ લઇશ.’ અને બચુભાઇ પ્રુફ કરી છાપ્યા છાપ થયા હતા. કોઇની સાડીબારી રાખી નહીં. રાખવાની હોતી જ નથી ! આજે આવા તંત્રીઓ જુજ જોવા મળે છે.
લાભશંકર ઠાકરના લેખમાં તેમણે કસાટાનો ઉલ્લેખ કરેલો ત્યારે વિનોદને તેઓ પૂછતા, ખૂદને રોકી નહોતા શક્યા,‘આ કસાટા શું છે ?’
‘કસાટા આઇસ્ક્રિમ છે.’ વિનોદે કહેલું.
‘ઓહો, મને નહોતી ખબર હો…’તેમને ન ખબર હોય તો ના પાડી દેતા. પોતે જ્ઞાની છે અને તમામ વસ્તુથી માહિતગાર છે, તેવો ઢોંગ તેમનામાં નહોતો.
પ્રુફ સમયે તેઓ બરાબરની ચકાસણી કરે. બે લીટી તપાસે અને બે લીટીની વચ્ચેનું બીટવીન ધ લાઇન્સ પણ તપાસે. વિનોદના અક્ષરો તો ખરાબ એટલે એક દિવસ વિનોદને બચુભાઇએ ઓફિસે બોલાવ્યા,‘આ જુઓ આ શું લખ્યું છે ?’
વિનોદે સ્પષ્ટતા કરતા કહ્યું,‘સ્પષ્ટતા લખ્યું છે.’ પછી તેમણે ત્યાં પેન્સિલથી લીટી કરી. કોઇ ભૂલ જણાતી ત્યારે તેઓ પેન્સિલથી લીટી કરી નાખતા. જેથી એ જગ્યા અને તે અક્ષર તેમને યાદ રહી જાય.
કુમારની તો આવી અઢળક ઐતિહાસિક વાતો બઉઆની પોળમાં અકબંધ છે. બચુભાઇએ પુસ્તક કેવી રીતે તૈયાર થાય છે તેની માહિતી આપતો એક લેખ પણ કુમારમાં કરેલો. જેમા ચિત્ર સાથે આખુ વર્ણન છપાયેલું. કુમારની પરંપરા રહેલી છે. પોતાના વાંચકોને એવુ આપવું જેના કારણે તે વાચક આ લેખ અત્યાર સુધી નથી વાંચ્યો અને આવા લેખો કેવી રીતે કુમાર મેળવતુ હશે તેના વિચારોમાં ખોવાઇ જાય. કુમારના અંકોમાં બંગાળી શૈલીની વાર્તાઓનો અનુવાદ, બંગાળના ચરિત્રો, બંગાળના સાહિત્યકારો, બંગાળના તૈલીચિત્રો આવે છે. કોઇ પણ વ્યક્તિ કે વિષય પર કોઇનો પ્રભાવ તો હોવાનો જ. કુમાર પર બંગાળનો પ્રભાવ હતો અને છે.
કુમારમાં પ્રગટ થયેલા અંકોમાંથી તેઓ પુસ્તક પણ તૈયાર કરે છે. તેમાંની વાર્તાઓનું એક પુસ્તક કુમાર વાર્તા સમગ્ર સંપુટ ભાગ-2 મારી પાસે છે. સંપુટ એક તો હવે કુમાર પાસે પણ નથી રહ્યું.
કુમાર જમાનાથી આગળ ચાલ્યું. જ્યાં સાયન્સ ફિક્શન વાર્તાઓ લખવામાં ગુજરાતી સાહિત્યકારોને આભડછેટ થાય છે, ત્યાં કુમારે અશોક હર્ષની પહેલી જ સાયન્સ ફિક્શન વાર્તા આ સંગ્રહમાં છાપી છે. નામ છે લોખંડી બરૂ. કંઇક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. તો સૌના પ્રિય એવા વિજયગુપ્ત મોર્યની બે વાર્તા પણ આ સંગ્રહમાં છે. ગાંડા હાથીનો સામનો અને મૈસૂરની નરભક્ષી વાઘણ.
કુમાર માત્ર સામાજીક વાર્તાઓ નથી છાપતું. તે સાહસ અને સાયન્સ ફિક્શન સાથે આજથી ત્રણ દાયકાઓ પહેલાથી જોડાયેલું છે. અેમ નેમ તો નથી કહેવાતું ને કે કુમારમાં તમારી વાર્તા છપાઇ ગઇ એટલે તમે લેખક બની ગયા. કુમાર ઓલ્વેઝ કુમાર…
~ મયૂર ખાવડુ
Leave a Reply