◆ ફિલ્મ – સંજુ
◆ ડાયરેકટર – રાજકુમાર હિરાણી
◆ સ્ટારકાસ્ટ – રણબીર કપૂર, પરેશ રાવલ, દિયા મિર્ઝા, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, વિકી કૌશલ, (છેલ્લા સોંગમાં ખુદ સંજુ બાબા પણ છે જ…)
◆ રેટિંગ :- 4.5 out of 5
સંજય દત્ત. નરગિસ અને સુનિલ દત્તનું આ સંતાન એના માતાપિતા કરતાં એની જીવવાની પદ્ધતિથી જ વધુ પ્રખ્યાત થયું છે! આ વાક્ય લગભગ દરેક રીવ્યુ અને સંજુ ફિલ્મની તારીફ કરવા માટે અત્યારે સક્ષમ માધ્યમ બની ગયું છે. આમ પણ રણબીર એ એક્ટિંગનો કીડો છે, એની કોઈ પણ ફિલ્મ રેન્ડમલી ઉપાડીને તમે જોઈ શકો. ભલે બીજે ક્યાંય દમ હોય ન હોય પણ રણબીરની એક્ટમાં મજબૂતાઈ તો નક્કર હશે જ… અને આ ફિલ્મે એની કલાકારી પર જાણે બહોત અચ્છેનો સ્ટેમ્પ પણ લગાડી જ દીધો છે. જે પ્રકારે સંજય દત્તની રિયલ લાઈફમાં રોલરકોસ્ટર જેવા ઉતારચઢાવ આવ્યા છે, એ પરથી રોલર કોસ્ટર વાળી રીલ લાઈફમાં ફિલ્મ બનશે એ લગભગ જ કોઈએ વિચાર્યું હશે. બીજી મહત્વની વાત જોઈએ તો રાજકુમાર હીરાણીની ફિલ્મ હોય એટલે એમાં કંઇક સ્પાર્ક મળશે એ ઉત્તેજના તો ખરી જ. પાછું રિયલ લાઈફ પર બાયોપિકમાં આ એમનો પ્રથમ પ્રયાસ એટલે સહેજ ડર પણ ખરો. પણ ફિલ્મ જોયા પછી તો એ ડર કદાચ જ કોઈને સાર્થક થતો લાગ્યો હોય. સંજુબાબાનું જીવન વાસ્તવિક પણે ફિલ્મી છે, જો કે દરેકનું હોય છે. પણ, દરેકની સ્ટોરીમાં આટલા ઉતાર ચઢાવ નથી હોતા અને દરેકની રિયલ લાઈફ રીલ લાઈફમાં ભજવાય એ માટે રાજકુમાર હિરાણી જેવા ડાયરેકટર પણ ત્યાં નથી જ હોતા. બાયોપિક ટ્રેન્ડના અત્યારના બદલાતા બોલીવુડના વાયરાઓ જોતા એમનો વિચાર ઉત્તમ હતો. કદાચ જ આવી રિયલ લાઈફ અન્યત્રે એમને મળી શકી હોત…
ક્યારેય આખું જીવન દર્શાવી, કહી કે ભજવી ન જ શકાય. અને એ પણ જ્યારે ફિલ્મ રૂપે ત્રણ કલાકમાં પતાવાનું હોય, ત્યારે એ અશક્ય જ થઈ જાય છે, એટલે સંપૂર્ણ જોવાની લાલસા મનમાં રહી જાય તો એનો અફસોસ ન કરવો. કારણ કે મહત્વની બધી જ ઘટનાઓ અહીં ત્રણ કલાકમાં તમારી સામે જીવંત બનતી જોઈ જ શકશો. પણ તેમ છતાંય સંજુ ફિલ્મમાં સંજુબાબાના જીવનના ડ્રગ એડિક્શન અને અંડરવર્લ્ડ કનેક્શન જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંજુબાબાની ઉજળી સાઈડ રજૂ કરતી આ ફિલ્મમાં બાબાને દરેક તબક્કે સંજોગોનો શિકાર નાયક જ ચિતર્યો છે. સંજયે જે કાંઈ પણ કર્યું છે, એ મજબૂરીમાં કર્યું છે અથવા તો પછી ભૂલથી કર્યું છે. પણ એ એક સારો માણસ છે, એવું સતત આ ફિલ્મ આપણને કહ્યા જ કરે છે. અઢળક સ્ત્રીઓ સાથેના સબંધ હોય, ડ્રગ જેવા તત્વોનું સેવન હોય, દારૂ પીવા ગર્લફ્રેન્ડના ઘરે અડધી રાત્રે જવાનું હોય, પાસે ak56 રાખવાનું હોય કે પછી મિત્રની ગ્રાલ્ફ્રેન્ડ સાથે જ પ્રેમ સંબંધ કેમ ન બંધાઈ જતો હોય. આ બધુ જ બાદ કરીને પણ આપણે એ માનવાનું જ રહ્યું કે સંજુ બાબા દરેક ગુન્હામાં અજાણપણે અથવા ભૂલે ચુકે ભેળવાય છે, અને આ ફિલ્મ આપણને દરેક પળે આ જ કહેવા માંગે છે. જો કે ફિલ્મની શરૂઆતમાં આવતા ડિસ્ક્લેમર દ્વારા ફિલ્મ મેકર કદાચ એ સ્પષ્ટ નિર્દેશિત કરે જ છે કે, આ ફિલ્મ કોઈ કેરેક્ટરને અવાસ્તવિક અથવા ઉજળું શાબિત કરવાનો પ્રયાસ નથી.
હવે રહી વાત સંજય દત્તની જીવનગાથાની, તો એમાં નિરાશા તો પાક્કી જ છે. કારણ કે અમુક પ્રસંગો સિવાયના જીવનના રંગીન મુદ્દાઓનું કદાચ પીલ્લું વાળી દેવામાં આવ્યું છે. વર્ષ ૧૯૮૭થી લઈને ૧૯૯૬ સુધી સંજય દત્તની પત્ની રહેલ રીચા શર્માનો અહી માત્ર એક ટીવી સમાચારમાં જ ઉલ્લેખ દેખાડાય છે. બાકીના પ્રકરણો સ્ક્રીન પ્લેમાંથી જ સીફ્ટ કંટ્રોલ ડીલીટ કરી દેવાયા છે, અને આમ જોતા આ મહત્વનું છે. કારણ કે આપણે ત્યાં સંજુબાબાને જોવા જાવાના છીએ યાર… ઓર એક કિરદાર કે કટ ફટ જાને સે ક્યાં હોતા હે. પિક્ચર તો અભી બાકી હે. ‘મીડિયા ક્યાં કોઈનું સાંભળે છે…? અથવા વાસ્તવિકતાની પ્રતીક્ષા ક્યાં કરે છે…? અથવા એમને સત્ય સાથે કોઈ લેવા દેવા નથી, એમને માત્ર ટીઆરપીની જ પડી હોય છે. ’ આવી જ કઈક વેદના લઈને સંજુ બાબા પરેશાન છે. કારણ કે ફિલ્મમાં બાબા એમ માને છે કે કેશમાં જજ સજા નિર્ધારિત કરે કે ન કરે પણ એ પહેલા જ મીડિયા એને દોષિત ઠેરવી દે છે. આખી ફિલ્મ પોતાની સ્ટોરી દર્શાવતા પાત્ર તરીકે ફલેશબેકમાં જ શરુ થાય છે. સૃષ્ટિના દરેક સામાન્ય પિતાઓની જેમ દીકરાને સુપરસ્ટાર બનાવવાની પિતાની અતિશય મહત્વકાંક્ષા બાબાને ડ્રગ્સ તરફ ધકેલી દે છે, ટ્રેલર મેં ભી તો યહી દિખાયા ગયા હે. પહેલી, દુસરી ઓર તીસરી બાર તક બાબા ડ્રગ એડીક્ટ બની જાય છે. આમ ફિલ્મનો સતત ભજવાતો ફ્લેશબેક સંજુબાબાના જીવનના નવા નવા પડદા ઉઘાડા કરે છે. શરૂઆતથી અંત સુધી ફિલ્મ દર્શકને બરાબર ઝકડી રાખવાની ક્ષમતા ધરાવે છે.
વેલ, આટલી બધી પ્રસ્તાવના પછી મૂળ વાત પર આવી જઈએ ‘સંજુ’ ફિલ્મને લઈ અપેક્ષાઓ આભે હતી. કારણ કે ટ્રેલર અને રાજકુમાર હીરાણી તેમજ રણબીર કપૂરની એક્ટનું મિશ્રણ જ ઉત્સુકતા માટે પુરતું હતું. આખી ફિલ્મ રાજકુમાર હિરાણીની અલાયદી સ્ટાઈલમાં ડાયરેક્ટ થઇ છે. એક્ટિંગ અને ડાયરેકશન પરફેક્ટ છે. મ્યુજિકની દ્રષ્ટીએ ટ્રેઇલરમાં ધૂમ મચાવતા કર હર મેદાન ફતેહ સિવાયના ગીતોમાં ખાસ અસરકારકતા જણાતી નથી. પણ, રણબીરની અલાયદી એક્ટિંગ સ્ટાઈલ, બોડી મુવમેન્ટ અને આબેહુબ સંજુબાબાનો લુક એમાં ચાર ચાંદ લગાડી દે છે. ઇન શોર્ટ રણબીર માટે આ એક માસ્ટર પીસ રોલ બની રહેશે. ફિલ્મના બીજા એક પાત્ર વિકી કૌશલે પણ દર્શકોનું વધારે ધ્યાન ખેંચ્યું છે. વીકી કૌશલ એટલે સંજયનો ગુજરાતી મિત્ર કમલેશ કનૈયાલાલ કપાસી! આ પાત્રનું બોન્ડિંગ અને એક્ટિંગ બંને ઝક્કાસ છે. અન્ય દરેક કિરદાર અને સ્ક્રીનપ્લે સાથે જમતા ડાયલોગ્સ દ્વારા આ ફિલ્મ આબેહુબ જીવંતતા પામી શકી છે. જો કે લોજીકલી કોઈ ઘટના સંપૂર્ણ રીતે રજુ નથી થઇ પણ ત્રણ કલાકમાં પુરતું બધું જ અહી રજુ થયું છે. હસાવતી, રડાવતી, સમજાવતી અને દિલના તારોને હચમચાવી જતી ફિલ્મ દરેક દર્શકમાં અદ્ભુત છાપ મુકે છે.
◆ સલાહ – હવે વધારે કાઈ જાણવાની અપેક્ષા માટે તમારે ફિલ્મ જોઈ લેવી જોઈએ…
◆ પ્રશ્નાર્થ અને કટાક્ષ (જો કે આ જ વાસ્તવિકતા પણ છે.) – ભારત દેશના કા તો કાયદાઓ માયકાંગલા છે, કા તો સરકારી અફસરોની બોડીમાં ક્યાંક ભ્રષ્ટાચારનું કેન્સર છે. કારણ કે જો બે માંથી એક પણ સાચું ન હોય તો, આપણે વિદેશી કાયદા ભારતના કાયદા સાથે સરખાવવાની જરૂર ઉભી થાય જ નહીં.
◆ કોન્ટ્રોવર્સી :-
ઘણા લોકોને ‘ઘી છે તો ગાપાગપ છે’ ડાયલોગ સામે વાંધો છે. તો કેટલાય લોકોને સંજુ બાબાની છબી સુધારવા ફિલ્મ બની હોવાના આક્ષેપ છે. જે હોય તે પણ વાસ્તવિક જીવનમાં અને ભારતમાં આ ડાયલોગ બહુ સાર્થક છે કે ‘ઘી છે તો ગાપાગપ છે.’
છબી સુધરી હોય અથવા સુધારવાનો પ્રયત્ન થયો હોય તો પણ એના પાછળેય આ જ ડાયલોગ સાચો સાબિત થાય છે. આફ્ટર ઓલ કેમ કોઈ કોઈના ઉપર આંગળી ઉપાડી શકે… ભારતમાં એવું છે જ કોણ જે પોતાનો સ્વાર્થ નથી વિચારતું…?
◆ તડક ભડક :-
કોઈ જ મીડિયા કે સોશિયલ મીડિયાને વાસ્તવિકતાના સંપૂર્ણ જ્ઞાન વગર કોઈના જીવનને તબાહ કરવાનો અધિકાર નથી. અને જો આવું થાય તો એના માટે સખતમાં સખત અને પારદર્શક કાયદા હોવા જોઈએ. કારણ કે ભારતમાં દરેક કાયદાને નિપટાવવા વાળા પણ સરકારના જ સાગીર્થ હોય છે. એટલે સરકારી કામકાજ માટે ભારતમાં ‘ઘી છે તો ગપાગપ છે’ એ સૂત્ર સંવિધાનીક રીતે અમાન્ય છે એટલે એના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. મીડિયાનું કામ પારદર્શીતાનું છે, દેશ અને પ્રજાને ગુમરાહ કરવાનું નહીં. આ કથનનો સંજય દત્ત સાથે કોઈ લેવા દેવા નથી, પણ હા આ પ્રકારની પ્રશ્નાર્થ ચિન્હ વળી ઘટનાનો ફિલ્મમાં ઉલ્લેખ છે એટલે લખી રહ્યો છું. મીડિયાની ટીઆરપી પાછળની આ ભૂખના કારણે જ મીડિયાની વિશ્વનિયતા ધીરે ધીરે ડહોળાઈ રહી છે.
◆ ફિલ્મ જોવી કે ન જોવી…?
આટલું વાંચ્યા પછી તમને જે વિચાર યોગ્ય લાગે એમ જ કરવું. પણ, હા… પૂર્વધારણા અને પૂર્વગ્રહોના આધારે જો એને મૂલવશો તો ફિલ્મનો મેસેજ પણ સમજી નાહીજ શકાય. 😊
~ સુલતાન સિંહ
( ૭:૧૭ – ૨ જુલાઈ ૨૦૧૮ )
Leave a Reply