કોઈ મને સમજાવશો આ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે ? ભાષા મુજબ આનો અર્થ થાય છે. – ‘બીજાના શરીરમાં પેસવું તે – એક સિદ્ધિ’
હવે સમજ્યા આપણે ત્યાં બડવો-ભૂવો ધૂંણે અને મેલીવિદ્યા માટે જે મંત્રતંત્ર કરે અને એનામાં પેલું ભૂત પ્રવેશ કરે એવી પ્રક્રિયા છે.
અરે… બાપ રે ! તો શું સાહિત્યકારો આવી વિદ્યાઓના જાણકાર છે ? ઓહ… તો તો હવેથી બચીને રહેવું પડે હોં ભાઈ !
પરકાયાપ્રવેશ શું કામ કરો છો સર્જકો ?
શું તમને અમારા માથે તમારા પંખા છીએ એવું લખેલું દેખાય છે ? મતલબ તમે સવારે ઉઠીને કોઈ પણ ગંધાતી વાત લખી આપશો, તો અમે માની લઈશું એમ ?
આ પરકાયાપ્રવેશની તમારા માટે મહાન ગણાતી વિદ્યાનો પ્રયોગ અત્યારે કોરોના મહામારીમાં જે પીડા ભોગવી રહ્યા છે, એમના સંદર્ભે કર્યો કે નહીં ? કે ખેલ પૂરો થાય અને કથાઓ જમાવીએ એમ વિચારીને બેઠા છો ? જરા તમારા સંમોહનમાં પડેલા પંખાઓને જણાવજો કે આજકાલ તમારી આ પરકાયાપ્રવેશની વિદ્યા બેઅસર છે કે કેમ ?
તો હવે સાહિત્યરસિક ભાવક ભાઈઓ-બહેનો… આજે પોલ ખોલીએ. આ પરકાયાપ્રવેશની મેલીવિદ્યા જાણનારા સાહિત્યકારોની.
સૌ પ્રથમ તો આ પરકાયાપ્રવેશના નામે એ લોકો સૌથી મોટું જૂઠ ફેલાવી રહ્યા છે. અને જ્યાં કોઈ ઘટના સાંભળે કે જુએ ત્યાં એમાં પોતે કઈ રીતે આ ઘટનાને કથાવસ્તુના રૂપમાં પોતાને ગમતી હવિતા કે વાર્તા કે કોઈપણ સાહિત્યના સ્વરૂપમાં ઢાળી શકે છે, એ બાબતે વિચારે છે. એ હિસાબે એ બધા પરકાયાપ્રવેશ્યાઓ પોતાના સંદર્ભમાં, પોતાની અભિપ્રાયની આંખોથી એ બાબતને આલેખે છે બસ !
આટલી વાતને એ લોકો…ઓહો… હો… પરકાયાપ્રવેશ કર્યો ! એમ કહીને ચગાવી મારી છે. એવી આહ… અને ઓહો… ની ભારેખમ શબ્દોની રમત રમીને બેવકૂફ બનાવવાનું વધારાનું કાર્ય કરે છે. એ એવું કેમ કરે છે ? તો એમને ફેમસ થવું છે.
હેં ? બસ, ફેમસ થવું છે ? – હા.
તો તો આ બધી પરકાયાપ્રવેશની વાતો સંવેદનાઓનો ધંધો કહેવાય કે નહીં ?
પણ નહીં, એમની નજરમાં તમેં અને હું તો પંખા છીએ ને !
એમનું તો કામ બની ગયું ભાઈ… પંખા ખુશ ! પબ્લિક ખુશ ! ઍવૉર્ડ મળી જાય તો એ પરકાયાપ્રવેશની વિદ્યા સફળ ! એટલે સર્જક પણ ખુશ.
હવે તમે સમજો કે કુદરતી સ્ત્રી અને પુરુષ જેવા શરીરો દરેકમાં જીવમાં છે. કોઈ સ્ત્રી પુરુષ જેવું વર્તન કરે કે કોઈ પુરુષ સ્ત્રી જેવું વર્તન કરે તો એ બાબતે પણ હવે કાયદા અને બંધારણે ત્રીજી જેન્ડરની વ્યાખ્યા આપી છે.
આમાં એક સ્પષ્ટવાત છે. એટલે એક સવાલ થાય કે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને સ્ત્રી કરતાં પણ વધારે સમજી શકે એવું બને ખરું ? હા, સાહિત્યકારોમાં બને !
કેમ કે એમની પાસે પેલી પૌરાણિક કથાઓમાં ઊડીને જવાની કે અદૃશ્ય થઈ જવાની વિદ્યા હતી, એવી આ પરકાયાપ્રવેશની વિદ્યા છે બોલો !
મતલબ હદ છે યાર !
કોઈ પુરુષ સાહિત્ય સર્જક ગમે તે નારીમનની ગલીઓમાં એમ જ મોજ ખાતર રખડીને પાછો ઘરે આવી શકે ? આ મહાન વિદ્યા છે એમ ?
આવી જ પરકાયાપ્રવેશની વિદ્યા આપણે ત્યાં આજના સાહિત્ય સર્જકોમાં છે, વિચારો
મહેરબાની કરીને આ પરકાયાપ્રવેશની મેલીવિદ્યા તમે પેલી હિન્દી ફિલ્મોમાં આવતા આઉ… બ..લ..મા ! એમ કહીને હિરોઇનને ડરાવતા વિલનને ના સમજાવી દેતા.
નહિ… આ પરકાયાપ્રવેશ કરો છો કેવી રીતે ? એ જરા બધા ભાવક પંખાઓને સમજાવો. અને હા, ખાસનોંધ કે એ સમજાવતી વખતે તમારે પેલા જાદૂગર પાસે હોય એવી જાદૂઈ છડી ફેરવવાની નથી… એમ જ તર્કબદ્ધ રીતે દલીલ સાથે સમજાવવાનું છે.
નહિ, તમે સમજાવો કે તમે સવારે ઉઠીને જ્યોતિષ પાસે જાઓ કે આજે મારે પરકાયાપ્રવેશ કરવા માટે કયું ચોઘડિયું સારું રહેવાનું છે ? પછી તમે કાળીધોળી ટોપી પહેરીને, ચટપટા કપડાં પહેરીને, યા હોમ કરીને પડો… ફતેહ છે આગે ! એમ બીજાની કાયામાં પ્રવેશ કરવા હાલી નીકળો છો ?
મને સમજાવો કે આ છોડિયુંના મનમાં જ તમે ચ્યમ જાવ છો ? અને કોઈવાર ભૂલથી ભૂલ થઈ ગઈ કે કોઈ સ્ત્રીના મનમાં પરકાયાપ્રવેશ થયો પણ બહાર નીકળવામાં ચૂક થઈ. મતલબ પ્રવેશ કર્યો એ કર્યો… પછી એમાંથી બહાર ન નીકળ્યા તો ? બિચારા તમારા ભાવઘેલુંઓનું શું ? આવા જોખમો તમારે શા માટે ખેડવા પડે છે ?
જવાબમાં (ભારેભરખમ સાહિત્યિક ભાષમાં) કહેશે કે અમે તો સંવેદનાને એક હદથી વધારે અનુભવીએ છીએ. એ લલ્લુપંજ લોકોના બસની વાત નથી.
લો ત્યારે ! સાહિત્યરસિક કરતાં વધારે અમુક સાહિત્યસર્જકના પંખાઓ… તમને આ પરકાયાપ્રવેશની મેલીવિદ્યાનો જાણકાર સાહિત્યિકભૂવો લલ્લુપંજ કહી ગયો !
બરાબર છે ! પંખાઓ એ જ દાવના છે ! જ્યાં જુએ ત્યાં બસ હવાબાજીમાં ઉડતા જ ફરે છે ! એટલે બરાબર કહ્યું એ પરકાયા સર્જકે.
હા, ગમે તો કહો પણ આ ધંધો કદી મંદો નહિ થાય કેમ કે લોકોને હવે કહાની ખોળવા બજારમાં નહિ જવું પડે ! ઘેર બેઠાં પરકાયાપ્રવેશ કરીને. હલુંલુમ્બહાંક્…. છોક્ …છટ્..
એમ કરીને લોકો સાહિત્યસર્જન કરતા હશે. હું નહિ તમે બધા…ભાવધેલા ભાવકો બનીને… ઘેલા થઈને પરકાયાપ્રવેશ થયો ! એમ કરીને એમની લખેલી સાહિત્ય રચનાઓની આસપાસ નાચી રહ્યા હશો.
ત્યારે…
અમે તો બસ આ સંમોહની ફેલાવનારા મહાન સાહિત્યસર્જન વિદ્યાના જાણકાર એવા પરકાયાપ્રવેશ કરનારા કીમિયાગરને જોયા કરીશું કે એમની મહાનાટકબાજ વિદ્યાથી દુનિયાને કેવું મનોરંજન આપી રહ્યા છે ?
હા, મનોરંજન જરૂરી છે બૉસ ! ખૂબ જ જરૂરી છે. રોટલી ખાવા ન મળે તો ચાલે ! પણ આ મનોરંજન જોઈએ ભાઈ !
અરે સાચું કહું છું ! જ્યારે હું કૉલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે કૉલેજની બાજુમાં જ પ્લાસ્ટિકના કાગળોથી બનાવેલ ઝૂંપડે રહેનારા નંગાપુંગા બાળકોને ભંગાર હાલતમાં બંધ પડેલું ટીવી જોતાં જોયાં છે !
ના સમજાયું ?
– જયેશ વરિયા
– 31 – 05 -2020
Leave a Reply