શાહરુખ ઉર્ફે એસઆરકે ઉર્ફે કિંગખાન:
સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની..
“જ્યાં સુધી તમે ધનવાન ના બનો ત્યાં સુધી ફિલોસોફર ના બનો.”
“આપણે(ભારતીયો) રિએક્શન આપવામાં પાવરધા છીએ,પણ એક્શન લેવામાં નબળા..”
કોઈ તત્વચિંતક કે આર્ટ્સના પ્રોફેસરનું ભાસે એવાં આ બન્ને ક્વોટ સેન્સ ઓફ હ્યુમર જેનામાં કિલો કે મણ નહીં પણ કવિન્ટલના યુનિટમાં ભરી છે એવા ફેવરિટ એકટર શાહરૂખનાં મુખે કહેવાયા છે.(સોશિયલ મીડિયામાં રજવાડું ઉભું કરી બેઠેલા કૂપમંડુકોના ગળામાં બેનર લટકાવવા જેવા કવોટ્સ છે બેય.)
અમારી તરુણવયથી આજ સુધી જેની હેયરસ્ટાઇલથી માંડીને ડ્રેસિંગ,બાહો ફેલાવીને ઉભા રહેવાથી માંડીને નમ આંખો સાથે હસતા હસતા રડવાની કળાના આશિક છીએ એવો શાહરુખ. જેના ભીસાતા જડબા અને હળવે હળવે ઉગ્ર થતાં ડાયલોગ જોવા અમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે બેતાબ થઈ જતા એવો કિંગખાન…
સારા એકટર હોવું,સારી ફિલ્મો આપવી એ કોઈ નવી વાત નથી.ઘણાં વખતથી શાહરુખ આગવો ચાર્મ ગુમાવી બેઠો હોય એવું અમને ચાહક તરીકે લાગે. ફેન અને રઇસને બાદ કરતાં રાવણ,જબ તક હૈ જાન,દિલવાલે કે જબ હેરી મેટ સેજલમાં શાહરૂખને જોઈને ‘યે મેરા વાલા શાહરુખ નહીં હૈ…’ એવી ચીસો પાડવાનું મન થાય. ઝીરો પણ જરા હટકે હોઈને આર્ટ ફિલ્મની જેમ ફુસ્સસ થઈ ગયું…
પણ એકટર શાહરુખ અમને નિરાશ કરતો ગયો એમ એમ ફિલોસોફર શાહરુખ દિલ-દિમાગમાં કબ્જો જમાવતો ગયો. ઓફિશિયલ બાયોગ્રાફીનું ટાઇટલ પણ કેવું! ‘SRK- શાહરૂખ કેન, સ્ટિલ રીડિંગ ખાન’. એ કહે છે કે ‘આત્મકથાના મોસ્ટ ફની ચેપ્ટર્સ મેં જીવનના ખરાબ તબક્કામાં લખ્યા છે.’ ક
વળી, લખતાં-વાંચતા ને ફિલોસોફીઓ ઠોકતા બેસી ના રહેતાં સમગ્ર વિશ્વમાં સેકન્ડ રિચેસ્ટ સેલિબ્રિટી બની ગયો, 4000 કરોડના અસામી તરીકે.એનાથી આગળ ફક્ત અમેરિકન એકટર જેરી સીનફેલ્ડ જ છે. ટોમ ક્રુઝ પણ શાહરૂખ પછી ત્રીજા નંબરે છે.
ખેર,એવી સંપતિઓ તો આલિયા માલિયા લાલિયા ઘણા પાસે છે.એમાં ઈમ્પ્રેસ શું થવાનું! પણ મેઈન પ્લસ પોઇન્ટ મારા જેવા ચાહકોને સ્પર્શી જાય એ છે-આર્ટ ઓફ લિવિંગ. શાહરૂખના જ શબ્દોમાં-” રાવનની નિષફળતા પછી આર્યનનો મેસેજ આવતો કે ડેડી તમારા વિશે છાપાઓમાં આવું લખ્યું છે. અને હું રિપ્લાય કરતો કે તારા ડેડી વિષે છાપાઓમાં લખાય છે એજ મોટી વાત છે.” કેવું પોઝિટિવ…!
“પૈસાની કિંમત હું સારી રીતે સમજું છું. એટલે જ મિત્રોની સલાહ છતાં હું કામ ઓછું નથી કરતો.મારા પપ્પા પથારીમાં પડયા હતા ત્યારે મોંઘા ઈન્જેકશન પોસાતા નહોતા. વીસ ઈન્જેકશનના કોર્સની સામે ફક્ત આઠ ઈન્જેકશન ખરીદી શક્યો હતો..”
વિવાદોની વાતમાં શાહરુખ બહું ખૂલીને લખે છે-“મારા લેખ વાંચ્યા વગર જ લોકો કૉમેન્ટ્સ શરૂ કરી દે છે. ભારતમાં મુસલમાન હોવાની કેટલીક રાજકીય સમસ્યાઓ પણ છે.અમુક રાજકારણીઓના નિશાના હંમેશા મારા તરફ હોય છે.ભારતમાં મુસ્લિમોમાં જે ખરાબ તત્વ છે,તેનું ઉદગમસ્થાન હું જ હોઉં એવી હવા ઘણા તત્વો ઉભા કરે છે.” (ત્યારબાદ ઘણા મોટા વિવાદો મી ટુ કે સુશાંત બાબતે પણ દિલસોઝી વ્યક્ત કરવા સિવાય કોઈ જ ઓપિનિયન નહિ!)
આવા તત્વો જ ચાર વરસ અગાઉ પાકિસ્તાનને પિસ્તાલીસ કરોડનું દાન આપ્યાની અફવાઓ ફેલાવતાં હતા અને કેદારનાથમાં પીડિતો માટે કંઈ જ નથી કર્યું એવી નેગેટિવ ઇમેજ બનાવતા હતા. અને ભોળા ભક્તો એમનું થુકેલું ચાટી જતા ગૂગલ સર્ચ કરવાની તસ્દી લે તો ખ્યાલ આવે કે હુરૂન ઇન્ડિયા ફિલોન્થ્રોપિક લિસ્ટ 2014માં શાહરુખ 50 ભારતીય ડોનર્સમાં 33માં ક્રમે છે. ચેન્નઈમાં એક કરોડનું દાન,મુંબઈ-કોલકાતામાં કેન્સરના દર્દીઓ માટે પંદર કરોડનું દાન,ઉત્તરાખંડમાં દસ કરોડ અને સુનામી કેમ્પમાં પચીસ લાખ.મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં સ્વ.માતાની સ્મૃતિમાં ચિલ્ડ્રન વોર્ડ અને કેન્સર ડિપાર્ટમેન્ટ શાહરૂખે બનાવ્યું છે એ કેટલા દેશભક્તો જાણે છે! Unesco એ શાહરૂખને ચેરિટી માટે સન્માનિત કર્યો અને એ ગૌરવ મેળવનારો પહેલો ભારતીય છે એ આપણે ત્યાં ન્યુઝ બનતા નથી. માનસિક વિકલાંગ ગરીબ બાળકો માટે ‘મેક આ વિશ ફાઉન્ડેશન’ ઉભું કરવાનું શ્રેય પણ શાહરૂખને જાય છે.Unops જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કિંગખાનને ફર્સ્ટ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. પણ આવી માહિતીઓ મહેનત કરીને વાંચવા કે જાણવામાં આપણને રસ નથી. મફતિયા મેસેજમાં જે મળે એને પ્રસાદ સમજીને ગામમાં વહેંચતા ફરવાનું આપણને સારું ફાવે છે. અંતે, કોરોનાની મહામારી દરમિયાન પોતાની ઓફીસ ક્વોરેન્ટાઈન સેન્ટર માટે ખુશી ખુશી આપી દેવા સહિત અન્ય ચાળીસ-પચાસ કરોડનું સીધું જ દાન….મોદીસહેબની હાજરીમાં શાહરૂખનું ભારતના મોટા દાનવીર તરીકે સન્માન થઈ ચૂક્યું છે.
જો કે એમાં શાહરુખનો પણ વાંક ખરો.”હું કુરાનને અનુસરૂ છું, જો કોઈ કારણ(પ્રસિદ્ધિ) માટે તમે દાન આપો છો,તો એ દાન નથી.મારા મિત્રો મને ચેરીટીના ફોટોગ્રાફસ શેર કરવાનું કહે છે,પણ મને એ ઠીક નથી લાગતું…”
‘મોદી વડાપ્રધાન બનશે તો હું દેશ છોડી દઈશ’ એવી કોમેન્ટ કરનાર ડફોળ કેઆરકે ને મુક પડતો ને પકડો શાહરૂખને..કોઈએ શાહરૂખે મોદી માટે કરેલી અસલી ટ્વીટ વાંચી?- “તમે મોદીને પ્રેમ કરી શકો કે નફરત..પણ અવગણી ના શકો.મોદી આજે આખા દેશમાં બહુચર્ચિત વ્યક્તિ બની ગયા છે.”
જો કે શાહરૂખને ગમાડવા માટે આ બધા મુદ્દાઓને કલેરિફાય કરવાની જરૂર નથી. એકટર અને ફિલોસોફર શાહરુખ જ અમારા જેવા ચાહકો માટે કિંગ છે. -“જ્યારે મને મનમાં ઘમંડ ચડી જાય છે ત્યારે હું અમેરિકાનો પ્રવાસ કરી લઉં છું.ત્યાં ઈમિગ્રેશન વાળા મારુ સ્ટારડમ લાત મારીને ભગાવી દે છે…” હા હા હા
અંતે એક ટીવી શો માં કરેલી વાત પછી શાહરુખ મને બમણો પ્રિય લાગ્યો..-હું ઘમંડી બની જ ના શકું. અલ્લાહે અને કિસ્મતે મને મારી લાયકાત કરતાં ઘણું વધારે આપ્યું છે.મારી એકટર અને માણસ તરીકેની મર્યાદાઓ જોતા આ એક ગિફ્ટ જ છે.” (રાજકારણીઓની જેમ દોઢડાહ્યો ચાંપલો થવા એ ‘ભગવાન,ઈશ્વર,ગોડ શબ્દ મૂકી શક્યો હોત ને???) એટલે એ રાષ્ટ્ર વિરોધી કહેવાય જ ને? ઘરમાં ગાયત્રી મંત્રના પાઠ કરાય કે શિવની વિશાળ પ્રતિમા બિરાજમાન હોય એની સાથે આપણે શું સંબંધ!
હેપ્પી બર્થ ડે ટુ શાહરુખ….
~ ભગીરથ જોગિયા
Leave a Reply