ચાલીસ વર્ષના થવું એટલે શું?
અહા! જિંદગી – એપ્રિલ ૨૦૧૧માં પ્રકાશિત 0 કોલમ : ફલક
અઢાર વર્ષની ઉંમર, બાવીસ વર્ષનો અનુભવ
ચાળીસીમાં પ્રવેશીએ ત્યાં સુધીમાં ખબર પડી ચૂકી હોય છે કે બોસ… ફેન્ટસી, મહત્ત્વાકાંક્ષા તેમ જ પોતાની ક્ષમતા આ ત્રણેય વચ્ચે હાથી, ઘોડા ને ડાયનોસોર જેટલો તફાવત છે અને આ ભેદ બેતાલાં ચશ્માં ચડાવ્યા વગર જોઈ શકાય છે!
‘દિલ તો બચ્ચા હૈ જી’ ફિલ્મમાં એક ડાયલોગ છે. સ્ત્રી વગરની જિંદગી જીવી રહેલા અજય દેવગણની ઈમરાન હાશ્મિ મશ્કરી કરે છે અને ટોણો મારે છે, ‘હવે ઉતાવળ કર. તું થર્ટીનાઈનનો તો થયો.’
અજય દેવગણને હાડોહાડ લાગી આવે છે. ‘થર્ટીએઈટ!’ એ તરત કરેકશન કરે છે, ‘બી રીઝનેબલ, યાર…’
આ સંવાદ જોતીસાંભળતી વખતે ભલે હોઠ મરકી જાય, પણ અજય દેવગણની પીડા સમજી શકાય એવી છે! જિંદગીનું ચાળીસમું વર્ષ નિકટ આવતું જાય તેમ તેમ માણસે સ્ત્રી અને પુરુષ બન્નેએ ઘાંઘાં થવાનું હોય કે અત્યાર સુધી અનુભવેલા રઘવાટમાંથી મુક્તિ મેળવવાની હોય? આનો જવાબ એણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પર્સનલ અને પ્રોફેશનલ લેવલ પર શું ઉકાળ્યું તેના પર છે. ચાળીસમા બર્થડે પર માણસ ઓફિશિયલી મધ્યવયમાં પ્રવેશ કરે છે. આપણી ભાષામાં ‘આધેડ’ શબ્દ છે, જેનો સાર્થ ગુજરાતી કોષ અનુસાર અર્થર્ થાય છે, અડધી ઉંમરે પહોંચી ગયેલું, પ્રોઢ વયનું. ચાળીસ વર્ષનો માણસ આધેડ કહેવાય? આધેડ કરતાં મધ્યવયસ્ક શબ્દ વધારે સહ્ય અને ઓછો અણિયાળો છે! ચાળીસીમાં પ્રવેશી રહેલા માણસ માટે ફાટફાટ જુવાનીનાં વર્ષો પાછળ છૂટી ગયાં છે, વૃદ્ધાવસ્થા દૂર ક્ષિતિજ પર ઊભી છે અને તેની આંખો આ બન્નેને એક જ ચકરાવામાં, એકસાથે જોઈ શકે છે.
ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે સ્ત્રીનું ઓગણચાળીસમું વર્ષ પાંચ વર્ષ ચાલતું હોય છે! સ્ત્રી કરતાં પુરુષ ચાળીસીને વધારે સ્વસ્થતાથી, વધારે સહજતાથી અપનાવી શકે છે તે હકીકત છે. આ દાયકામાં સ્ત્રી માટે એક નક્કર ઘટના બને છે મેનોપોઝ. મેનોપોઝમાં પ્રવેશવું તે મનોશારીરિક અવસ્થા છે અને તેનાં તીવ્ર કંપનોનો અનુભવ ક્યારેક આખા પરિવારને થાય છે. પુરુષે અત્યાર સુધી મિડલાઈફ ક્રાઈસિસ વિશે જાણવાસમજવાની દરકાર નહોતી કરી, પણ ચાળીસીમાં પ્રવેશતા જ આ શબ્દ એકદમ પ્રસ્તુત બની જાય છે. અત્યાર સુધી માતાપિતા અને વાઈફની નજરમાં સ્માર્ટ પુરવાર થવાનું હતું, હવે ઝપાટાભેર મોટાં થઈ રહેલાં અને શરીરના કોષની રચનાથી માંડીને બ્રહ્માંડના તારાના કદ સુધીના સવાલ પૂછપૂછ કરતા મહાઉત્સુક સંતાનની નજરમાં ઈન્ટેલિજન્ટ સાબિત થવાનું છે. અત્યાર સુધી કોઈ ‘અંકલ’ (કે ‘આન્ટી’) કહીને બોલાવતું તો ગુસ્સો છૂટી જતો, પણ ચાળીસીમાં પ્રવેશો એટલે દિવસમાં નિયમિતપણે શેવિંગ કરવા માંડેલો જુવાન કે થર્ટીફોરબી સાઈઝની બ્રા પહેરતી કોલેજિયન તમને ‘અંકલ’ કે ‘આન્ટી’ કહે તો મોઢું બગાડ્યા વગર, સહજતાથી સ્વીકારતાં શીખી જવાનું છે. ધારો કે તમે વીસ-એકવીસ વર્ષની વયે પરણી ગયાં હોત અને તરત બચ્ચું પેદા કરી નાખ્યું હોત તો બેતાલાં ચશ્માં આવવાની ઉંમરે તમે દાદાનાના કે દાદીનાનીની કેટેગરીમાં આવી ગયાં હોત!
ચાળીસીમાં પ્રવેશી રહેલા માણસ પાસે શું હોય છે? જીવનની અત્યાર સુધીની યાત્રા માણસને જમાવટ અને સ્થિરતા આપે છે. એના વ્યક્તિત્વમાં અનુભવની ચમક ઉમેરી દે છે. ગધ્ધાપચ્ચીસીમાં જે કોઈ ઉધામાઅખતરા અને ધમપછાડા કર્યા હતા તેનાં સારાંમાઠાં પરિણામ તે હવે જુએ છે. એ જો ‘સીધી લાઈન’નો હોય તો પોતાની કરીઅરનું કમસે કમ એક શિખર તો આ વર્ષોમાં જોઈ જ લે છે અથવા, કમસે કમ શિખરની નજીક પહોંચી જાય છે. ક્યારેક ત્રીસીના દાયકામાં જોયેલું શિખર માણસની કારકિર્દીનું એકમાત્ર શિખર બની રહે છે.
પતિ અને પત્ની ચાળીસનાં થાય ત્યાં સુધીમાં એકબીજાનાં સુલક્ષણો અને અપલક્ષણોથી સારી રીતે વાકેફ થઈ ચૂક્યાં હોય છે. એકબીજાનું બેસ્ટ અને વર્સ્ટ જોઈ ચૂકેલાં પતિપત્નીને ખબર પડી ચૂકી હોય છે કે આગલા સાત ભવ માટે આ જ જીવનસાથીનું એડવાન્સ બુકિંગ કરી નાખવું છે કે પછી આ એક ભવ પણ જેમતેમ પસાર થઈ જાય તે માટે કુળદેવીની માનતા માનવી પડે તેમ છે. સ્ત્રીપુરુષ એકબીજાનાં પ્રેમમાં પડે કે સગાઈના સંબંધથી જોડાય એટલે રોમેન્ટિક ફિલ્મ જીવતાં હોય તેવું લાગે. લગ્ન બાદ એકાએક એકબીજાંના અણધાર્યાં પાસાં સામે આવે અને બન્ને વચ્ચે એવાં હુલ્લડ થવા માંડે કે રોમેન્ટિક ફિલ્મ એકદમ જ ધૂમધડાકાથી ભરપૂર એકશન ફિલ્મ બની જાય. પછી બેય એકબીજાંથી ટેવાઈ જાય, એક પ્રકારની સ્વીકૃતિની ભાવના આવતી જાય કે ભઈ, જે છે તે આ જ છે. આમ, ચાળીસ પછી ધીમે ધીમે એક પ્રલંબ થ્રિલરનું બોરિંગ સામાજિક ચલચિત્રમાં પરિવર્તન થવા માંડે!
ચાળીસીના દાયકાની ખૂબસૂરતી એ છે કે તે માણસને અગાઉના કોઈ દાયકાએ ન આપી હોય તેટલી માનસિક સ્પષ્ટતા આપે છે. પોતાના વિશે, પોતાના પરિવેશ વિશે. અઢાર-વીસ-બાવીસ વર્ષના હતા ત્યારે ક્રાંતિ કરી નાખવાનાં, યુગપુરુષ બનીને અમર બની જવાનાં યા તો પ્રાઈવેટ જેટમાં સવાર થઈને પોતાની માલિકીના યુરોપિયન આઈલેન્ડ પર ભવ્ય આવાસમાં વેકેશન મનાવવાનાં સપનાં જોયાં હતાં. આ બધું, કોણ જાણે કેમ, એ ઉંમરે અશક્ય નહોતું લાગતું. ચાળીસીમાં પ્રવેશીએ ત્યાં સુધીમાં હાઉસિંગ, કાર અને બીજી જાતજાતની લોનના હપ્તાના બોજ નીચે ચગદાયા પછી ખબર પડી ચૂકી હોય છે કે બોસ… ફેન્ટસી, મહત્ત્વાકાંક્ષા તેમ જ પોતાની ક્ષમતા આ ત્રણેય વચ્ચે હાથી, ઘોડા ને ડાયનોસોર જેટલો તફાવત છે. અને આ ભેદ બેતાલાં ચડાવ્યા વગર જોઈ શકાય છે!
મોટી ઉંમર સુધી રહી ગયેલી બેબી ફેટ્સ જેવી મુગ્ધતા તૂટવી જ જોઈએ. ભ્રમ તૂટવાની આ ક્રિયા શુભ છે. ચાળીસીમાં પ્રવેશી ચૂકેલો માણસ, જો એ સ્વસ્થ હશે તો, પોતે કેટલાં પાણીમાં છે તે જાણી લીધા પછી હેબતાઈ નહીં જાય. ‘અરરર… હું બસ ચૂકી ગયો’ પ્રકારની લાગણી એનામાં નહીં જાગે, એને નવેસરથી લઘુતાગ્રંથિ કે ગિલ્ટનો એટેક નહીં આવે. એનો ઉત્સાહ અને જીવનબળ અકબંધ હશે તો એ પોતાની નબળાઈઓ સાથે મલ્લયુદ્ધ કરતા રહેવાને બદલે, તેને એની સાથે સ્માર્ટલી ડીલ કરશે, એની સાથે દોસ્તી કરીને અને એના ખભે હાથ મૂકીને આગળ વધી જશે.
ચાળીસી આત્મસ્વીકૃતિનો દાયકો છે. અને આત્મસ્વીકૃતિ હંમેશાં આત્મવિશ્વાસ પેદા કરે છે. ચાળીસી સુધી પહોંચતાં સુધીમાં જીવનના ઘણા બધા એરિયામાં પાક્કું શોર્ટલિસ્ટિંગ થઈ ચૂક્યું હોય છે. ‘ડુઝ’ અને ‘ડોન્ટ્સ’ના ખાનાં ભરાઈ ચૂક્યાં હોય છે. હવે પછીનાં વર્ષોમાં આ થઈ શકે તેમ છે, આ કરવાનું જ છે કે આ દિશામાં કોઈ કાળે જવા જેવું નથી એવી સ્પષ્ટતા થઈ ચૂકી હોય છે. ચાળીસથી પચાસ તરફની યાત્રા વધારે સફળતા, વધારે સ્થિરતા અને વધારે જમાવટની તરફની યાત્રા છે. ‘લાઈફ બિગિન્સ એટ ફોર્ટી’ તે ઉક્તિમાં મનોશારીરિક સત્ય છુપાયેલું છે. ચાળીસીમાં પ્રવેશ્યા પછી એક તરફ માણસની ફ્લેક્સિબિલિટી ઘટેે, તેની જોખમ ઉઠાવવાની વૃત્તિ પ્રમાણમાં મંદ પડે તો બીજી બાજુ એનામાં આઈડોન્ટકેર એટિટ્યુડ વિકસી ગયો હોય. આ એક વિરોધિતા છે. તે શામાંથી પેદા થાય છે ઘટ્ટ થઈ ચૂકેલા ઈગોમાંથી કે આત્મસ્વીકૃતિની લાગણીમાંથી?
જન્મથી ચાળીસ વર્ષ એટલે ઊર્ધ્વ ગતિ અને એકતાળીસ પછી નીચે ઊતરવાની શરૂઆત એવો કોઈ નિયમ નથી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે સત્યાગ્રહની સાથે ‘ગાંધીજી’ બનવા તરફની યાત્રાની શરૂઆત કરી ત્યારે એમની ઉંમર ૪૫ વર્ષ હતી તે યાદ છે ને? એક જગ્યાએ સરસ વાક્ય વાંચેલુંઃ ‘કોણે કહ્યું હું ચાળીસનો થયો? મારી ઉંમર અઢાર વર્ષ છે અને મને પુખ્તાવસ્થાનો બાવીસ વર્ષનો અનુભવ છે!’
બિલકુલ… ધેટ્સ ધ સ્પિરિટ!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply