મા-બાપ મૃત્યુ પછી પણ મરતાં નથી…
54મું વર્ષ મૃત્યુ પામવા માટે નથી. મારાં મધરનું નિધન થયું ત્યારે એ માત્ર 54 વર્ષનાં હતો. હું ત્રીસનો હતો. પાંચ વર્ષ પછી પપ્પાએ વિદાય લીધી. 30મું વર્ષ નમાયા બનવાની ઉંમર નથી અને 35મું વર્ષ મા-બાપ બન્નેની છત્રછાયા ગુમાવી દેવાની ઉંમર નથી. આજે મિડલ એજમાં પહોંચી ગયા હોય કે ઇવન સિનિયર સિટીઝન થવા આવ્યા હોય તોય જેમનાં મા, બાપ અથવા બન્ને જીવતાં હોય એવા લોકોને જોઉં છું ત્યારે મીઠી ઇર્ષ્યા થાય છે. ઉદાસ થઈ જવાય છે.
* * * * *
સત્તરનો થયો ત્યારે, બારમા પછી, ઘર છોડીને હોસ્ટેલમાં રહેવા માંડ્યો હતો. પછી તરત મુંબઇ જતો રહ્યો. એટલે કે મા સાથે એક છત નીચે જિંદગીનાં પહેલાં સત્તર વર્ષ જ રહેવા મળ્યું? મમ્મી ટીચર હતી. મારી સાથે રહેવા મળે તે માટે એણે પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ લઈ લીધું હતું. ‘બસ, હવે મારે મુન્ના પાસે મુંબઈ રહેવા જવું છે… મારે મુન્ના પાસે મુંબઈ રહેવા જવું છે…’ એ સતત હરખથી બધાને કહ્યાં કરતી. પણ એવું ક્યારેય ન બન્યું. રિટાયરમેન્ટ લીધું એના થોડા જ મહિનામાં એનું મૃત્યુ થયું. આજે હવે તટસ્થપણે માનું એક વ્યક્તિ તરીકે મૂલ્યાંકન કરું છું ત્યારે થાય કે કેટલી સરળ, કેટલી સીધી, કેટલી નિષ્કપટ વ્યક્તિ હતી મારી મા. આજથી ચાર-સાડાચાર દાયકા પહેલા એ વર્કિંગ વુમન હતી, પ્રોફેશનલ હતી, આર્થિક રીતે સ્વતંત્ર હતી, પણ એ વાતનો કોઈ મિથ્યા ભાર નહીં, કોઈ અહમ નહીં. ભગવાનનું માણસ આને જ કહેતા હશે?
મારો દીકરો જન્મ્યો ત્યારે મા નહોતી. મુંબઈમાં બીજું ઘર લીધું ત્યારે મા નહોતી. પહેલી કાર આવી ત્યારે મા અને બાપ બન્ને નહોતાં. મા-બાપને લાડ લડાવી શકવાની લાયકાત ઊભી થઈ ત્યાં સુધીમાં બન્ને જતાં રહ્યાં હતાં. એ બન્ન્ને હયાત હતાં ત્યારે કેમ એમને ખૂબ આનંદ થાય એવી પ્રવૃત્તિઓ ન કરી? કેમ એમને લઈને ક્યારેય કુલુ-મનાલી કે એવા કોઈ સ્થળે જવાનું પ્લાનિંગ ન કર્યું? કેમ એમના માટે બીજું કેટલુંય કરવું હતું તે ન કર્યું? આ બધા સવાલના કોઈ જવાબ નથી. ગિલ્ટ થાય છે? હા, થાય છે.
પાંત્રીસેક વર્ષના થઈએ ત્યાં સુધી આપણે આપણી કરીઅરમાં, ખુદની મહત્ત્વાકાંક્ષાઓમાં, ખુદનાં સપનાં પૂરાં કરવામાં સૌથી વધારે રમમાણ રહેતા હોઈએ છીએ. તે જ આપણું મુખ્ય ફોકસ હોય છે. મા-બાપ પણ આપણે આપણા ફોકસ અનુસાર જીવી શકીએ અને વર્તી શકીએ તે માટે સતત અનુકૂળ વાતાવરણ પૂરું પાડતાં રહે છે. મા-બાપ ડિમાન્ડ કરતાં નથી. શક્ય છે કે આપણામાં એમને સારો એવો સમય આપવાની, એમને હેરવવા-ફેરવવાની અને એમને ખૂબ બધું વહાલ કરવાની સમજણ-ધીરજ-અક્કલ-પરિપકવતા-ત્રેવડ આવે ત્યાં સુધીમાં તેઓ જતાં રહ્યાં હોય. આ વાત સતત યાદ રાખવા જેવી છે. ઘણી વાર માતા-પિતા સાથે ખરાબ રીતે વર્તતાં કે તેમની ઘોર ઉપેક્ષા કરતાં સંતાનોને જોઉં છું ત્યારે ચિત્કારવાનું મન થાય કે પ્લીઝ, મા-બાપની ઉપસ્થિતિનું મૂલ્ય સમજો. એમના માટે જે કંઈ કરવું છે તે હમણાં જ કરી લો. મા-બાપ દોઢસો વર્ષ જીવવાનાં નથી.
પ્રેમ, હૂંફ અને સલામતીની લાગણીનો માતા-પિતા જેવો પ્રચંડ અને જેન્યુઇન સોર્સ બીજો એકેય નથી. તેઓ માત્ર હયાત હોય ત્યારે જ નહીં, હયાત ન હોય ત્યારે પણ. મને ક્યારેય મા-બાપ “યાદ” આવતાં નથી. મને આ મા-બાપને “યાદ કરવું” એટલે શું એ સમજાતું જ નથી. યાદ કરવા એટલે શું વળી? એ બન્ને છે જ, સતત. હવાની જેમ. શ્ર્વાસની જેમ. શરીરની ચામડીની જેમ. સત્તર વર્ષની ઉંમરે વડોદરા ભણવા ગયો ત્યારે મા-બાપ મારી સાથે નહોતાં, તેઓ ઘરે હતા, જામનગર. મુંબઈ શિફ્ટ થયો ત્યારે તેઓ મારી સાથે નહોતાં, તેઓ ઘરે હતા, જામનગર. એમનાં મૃત્યુ પછી પણ સતત એવું જ લાગતું રહ્યું છે કે તેઓ બસ, પ્રત્યક્ષ નથી, જામનગર છે. અથવા બીજે કશેક છે. પણ તેઓ છે જ અને મને નિહાળી રહ્યાં છે, મારી સુખાકારીની ફિકર કરી રહ્યાં છે. મારું કશું અહિત ન થઈ જાય એનું ધ્યાન રાખી રહ્યાં છે, દૂર રહીને પણ મને બળ આપી રહ્યાં છે.
આ કંઈ વેવલી સેન્ટીમેન્ટલિટી નથી. આ એક લગભગ ટેન્જીબલ અને બહુ જ નક્કર અનુભૂતિ છે. જેમનાં મા-બાપ હયાત નથી, પણ જીવતેજીવ જેમની સાથે પ્રેમ અને આદરનો સંબંધ રહ્યો હોય એવાં સંતાનો આ વાત સમજી શકશે. મા-બાપ અથવા સ્વજન મૃત્યુ પછી પણ એક પ્રોટેક્ટિવ શિલ્ડ બનીને આપણી આસપાસ રહેતાં હોય છે, આપણું માર્ગદર્શન કરતાં હોય છે, આપણું રક્ષણ કરતાં છે… મારી ‘અપૂર્ણવિરામ’ નવલકથાનું કથાવસ્તુ આ જ અનુભૂતિમાંથી ટ્રિગર થયું હતું.
મા-બાપ મૃત્યુ પછી પણ મરતાં નથી. તેઓ બસ, હોય છે. હંમેશાં.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year May, 2018 )
Leave a Reply