ટેક ઓફ – હું અલબેલો અલગારી.,,
Sandesh – Ardh Saptahik Purti – 20 July 2016
ટેક ઓફ
આપણે દાયકાઓથી ક્બૂતરોના ઘૂ-ઘૂ-ઘૂમાં એટલા બધા રમમાણ રહ્યા કે મીનપિયાસીની અન્ય રચનાઓને જાણવા-માણવાની તસદી લેવાનું જ ભુલી ગયા. સુરેન્દ્રનગર પાસે આવેલાં તેમના વતન ચુડાના કોઈ રસ્તા કે ચોક કે જાહેર ઈમારતને શા માટે હજુ સુધી મીનપિયાસીનું નામ અપાયું નથી?
* * * * *
સ્વર્ગસ્થ દિનકરરાય કેશવલાલ વૈદ્યનું નામ ક્દાચ આપણાં આંખ-કાનને અપરિચિત લાગી શકે, પણ મીનપિયાસીને આખું ગુજરાત ઓળખે છે. ‘ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ, કોયલ કૂજે કૂ કૂ કૂ… પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખદુખ પૂછ્યું’તું?… દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું’તું?… ગેંગેંફેંફેં કરતા ક્હેશો હેં-હેં-હેં-હેં શું? શું? શું?…ક્બૂતરોનું ઘૂ-ઘૂ ઘૂ…’ – મીનપિયાસીએ રચેલું આ અમર કાવ્ય ગુજરાતી પ્રજાને ખૂબ વહાલું છે. તક્લીફ એ થઈ છે કે આપણે ક્બૂતરોના ઘૂઘવાટા પાસે અટકી ગયા છીએ. મીનપિયાસીએ આ સિવાય પણ બીજાં કેટલાંય ઉત્તમ કવ્યો સર્જ્યાં છે, પણ આપણે દાયકાઓથી ક્બૂતરોના ઘૂ-ઘૂ-ઘૂમાં એટલા બધા રમમાણ રહ્યા કે કવિની અન્ય રચનાઓને જાણવા-માણવાની તસદી લેવાનું જ ભુલી ગયા. ગયા અઠવાડિયે આપણે મીનપિયાસીની અંગત ડાયરીનાં સંવેદનશીલ પાનાં ખોલ્યા હતાં. આજે મીનપિયાસીનાં હાંસિયામાં ધકેલાઈ ગયેલાં કેટલાંક અન્ય માતબર કવ્યોને સેન્ટર-સ્ટેજ પણ લાવવાં છે.
મીનપિયાસી (જન્મઃ ૧૯૧૦, મૃત્યુઃ ૨૦૦૦) અલગારી માણસ હતા. ખૂબ સરળ, સહજ અને કોઈ પણ પ્રકારના ભાર વગરના. તેઓ ખુદ પોતાનાં વ્યક્તિત્ત્વને આ રીતે શબ્દોમાં બાંધે છેઃ
હું અલબેલો અલગારી.
ક્દી લૂગડાં લઘરવઘરને ક્દી ફરું શણગારી.
હું એક્લો અલગારી.
ક્દીક નાચું નગરજનોમાં, ક્દીક રાચું રણમાં,
ક્દી હસું છું હજારો વચ્ચે, ક્દી રડું છું વનમાં,
મને જનતામાં નિર્જનતા લાગે, વગડે વસ્તી મારી.
હું એક્લો અલગારી….
દુખ મને બહુ દાંત ક્ઢાવે, સુખમાં રડી પડું છું,
દિનભર હું સૂતો સપનામાં, રાત પડે રઝળું છું,
શરણાઈઓના સૂર વિનાની ચડે શેરીઓ સ્વારી.
હું અલબેલો અલગારી….
દિલનાં ઢોલક ધડૂક્તાં તો દુનિયા ડોલે સારી,
ખુદા ક્હેઃ જા ખુદાબખ્સ છે, ખલક બધી આ તારી,
કેડા જેવી કિંમત તો યે અલ્લાની છે યારી.
હું એક્લો અલગારી….
મોટા માને મૂરખ મુજને, બધા ગણે છે બાઘો,
શંખ ગણે છે શાણા, તેથી રહું હંમેશાં આઘો,
(પણ) શબ્દનાદથી વિશ્વ ગજાવે વિષ્ણુ કરમાં ઘારી.
હું અલબેલો અલગારી…
સુખમાં રડી પડતા ને વેદનાની માયાજાળને પારખીને હસી પડતા કવિને ભીડમાં એક્લતા લાગે છે. એમનો ર્ક્મ્ફ્ટ ઝોન તો વગડો યા તો કુદરત છે. લોકો પોતાને મૂરખ કે બાઘો ગણે તો ય કવિને કયાં ક્શી પરવા છે. તેઓ તો પોતાનાં સપનાંની દુનિયામાં રમમાણ છે. તેઓ અહીંના સમ્રાટ છે અને ક્લ્પના એમની રાણી. તેથી જ તેઓ લખે છે કે-
હું સ્વપન-ભોમનો રાજા, મધુર ક્લ્પનારાણી મારી
ખોલી દિલ-દરવાજા ક્હેઃ આ જા, પ્રીતમ! આ જા!
હું સ્વપન-ભોમનો રાજા.
રજક્ણમાં નિત રમતી મારી અલકપુરી આખી,
શિશિર સંગ હું સ્નેહ ક્રું ને લૂ-ગમતી વૈશાખી,
વસંત ને વર્ષોની હૂંફે તનમન રાખું તાજાં.
હું સ્વપન-ભોમનો રાજા…
અનંતના પગથારે ઠેકી ઊડું જઈ અવકાશે,
અંધારાને ઉપાડતો હું પહોંચું પ્રકાશ પાસે,
બ્રહ્માંડોના અવકાશો ક્હેઃ આ જા, અહીં સમા જા.
હું સ્વપન-ભોમનો રાજા….
ક્લ્પના કીકી ખોલે છે ભેદ સક્ળ સૃષ્ટિના,
નયનો એનાં નાચ નચાવે નિત્ય નવી દષ્ટિના,
અંતર રાખે સાવ ઉઘાડું મૂકી સર્વમલાજા.
હું સ્વપન-ભોમનો રાજા…
મીનપિયાસીએ બે કાવ્યસંગ્રહો આપ્યાં – ‘વર્ષાજલ’ (૧૯૬૬) તથા ‘ગુલછડી અને જુઈ’ (૧૯૮૬). પક્ષીવિદ્ અને ખગોળવિદ્ તરીકે પણ ખ્યાતિ પામેલા મીનપિયાસી અઠંગ પ્રકૃતિપ્રેમી હોવાથી એમનાં બન્ને સંગ્રહોમાં કુદરતની જુદી જુદી છટાઓના સંદર્ભો સતત આવતા રહે છે. તેમની પાસે એવી ક્માલની સૌંદર્યદષ્ટિ છે કે તેઓ બાવળમાં પણ સુંદરતા જોઈ શકે છે. સાંભળોઃ
રે, બાવળ બહુમૂલ!
કોઈની નજર ફૂલ ચડે ના, સહુ દેખે કં શૂળ?
રે, બાવળ બહુમૂલ!
પાન પાન પર પીળાં પીળાં ઝૂમખાં ને ઝૂમખાં ડોલે,
ડાળ ડાળ પર છાલ છલક્તી શ્યામલ છાયાની છોળે,
‘આવો, આવો’ ક્હી બોલાવે વણબોલ્યાં બેમૂલ.
રે, બાવળ બહુમૂલ!
બાવળના કંટાને ધરાર જોવા ન માગતા કવિનાં મનમાં પાણીનું માટલું જોઈને કેવાં ક્લ્પનો ટ્રિગર થાય છે? જુઓ-
પાણીનો આ ગોળો.
સાવ ભલો અને ભોળો!
જ્યાં બેસાડો ત્યાં બેસી રહે – જાણે માનો ખોળો!
પાણી પોચો ખૂબ ટિચાયો, જીવન ચાકે ઘાટ ઘડાયો,
ટક્કર ઝીલવા, નક્કર બનવા, તપી તપીને બહુ શેકયો,
પાકેલો એ આપવીતીના અનુભવે છે બહોળો,
પાણીનો આ ગોળો…
પાણીનો ગોળો ને માનો ખોળો! ગોળાનું પાણી અંતરને એટલી ટાઢક આપે છે જેટલી નાનપણમાં માના ખોળામાં લપાઈ જવાથી મળતી હતી. કેટલી અદભૂત ક્લ્પના. આ કવિતા વાંચ્યા પછી માટીના ગોળાને જોવાની આપણી દષ્ટિ હંમેશ માટે બદલાઈ જવાની તે વાતની ગેરંટી!
અભિવ્યકિતની સાદગી એ મીનપિયાસીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. એમને અઘરા અઘરા શબ્દોની પટ્ટાબાજી કરવામાં કે વાચક્ને ગૂંચવી નાખે એવા રુપકોના ઠઠારા કરવામાં રસ નથી. કવિતાકર્મમાં પ્રયોગખોરીથી તેઓ જોજનો દૂર રહ્યા છે. ‘વર્ષાજલ’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં રામપ્રસાદ બક્ષીએ યોગ્ય જ લખ્યું છે કે, ‘મીનપિયાસી આધુનિક્તાને અભિમુખ થયા નથી, થવા ઈચ્છતા નથી, થવામાં સાર છે કે નહીં એ વિશે (તેઓ) સાશંક છે.’ ભરપૂર સાદગીની સાથે સાથે ગહનતા હોવી અને પાછું મર્મવેધી હોવું – આ ડેડલી કેમ્બિનેશન મીનપિયાસીની કવિતાઓમાં સહજપણે હાજરી વર્તાવતી રહે છે. આ કાવ્યોમાં આબાલવૃદ્ધ સૌને અપીલ કરી શક્વાનું કૌવત છે તેનું કારણ આ જ.
૪૬ વર્ષની વયે મીનપિયાસી વિધુર થઈ ગયા હતા. પ્રેમાળ પત્ની મનોરમાની ક્વેળાની વિદાય એમનાં જીવનની એક ડિફાઈનિંગ મોમેન્ટ બની રહી. પત્નીની સ્મૃતિમાં એમણે એક બહુ જ હૃદયસ્પર્શી કાવ્ય લખ્યું છે –
અવ કોઈ મને ન ટોકે.
જતાં આવતાં આંખ-ઈશારે કોઈ મને ના રોકે.
અવ કોઈ મને ના ટોકે!
હતું પારકું પોતાનું થઈ જીવ્યું’તું સંગાથે,
એ જ જીવનને દીધું જલાવી મેં આ મારા હાથે,
ચિતા સમું આ ચિત્ત હંમેશાં ભડભડ બળતું શોકે.
અવ કોઈ મને ના ટોકે!
‘કયાં બેઠા છો? શું જમવું છે? કેમ સુતા છો વારુ?
ઉદાસ છો કાં? કે થાકયા છો?’ કોઈ નહીં પૂછનારું!
સ્મરણ-મોતી શાં અશ્રુ આજે સરતાં થોકે થોકે.
અવ કોઈ મને ના ટોકે!
‘રહો, કેમ આમેલું? લાવો આ ફાટયું સાંધી દઉં,
મૂકે નિરાશા પડતી, આવો આશામાં બાંધી લઉં,’
એમ પૂછતી હસતી કોઈની આંખો નવ અવલોકે.
અવ કોઈ મને ના ટોકે!
નથી ધબક્તું હૈયું કોઈનું મુજ પદરવના તાલે,
નથી ઊપડતાં મુજ દર્શનથી ખંજન કોઈના ગાલે,
નથી જતું મન મારું કોઈના હૈયા ઝૂલે ઝોકે.
અવ કોઈ મને ના ટોકે!
પત્નીના નિધન પછી કોઈ રોક્વા-ટોક્વા નથી તો કોઈ પ્રેમ કરવાવાળું પણ નથી. હું ઘરમાં પ્રવેશતો તો મારાં પગલાંનો અવાજ સાંભળીને એ આનંદિત થઈ જતી. મને જોતાં જ એનો ચહેરો હસી ઉઠતો. એ સ્ત્ર્રી જે લગ્ન પહેલાં પારકી હતી, તે ચાર ફેરા ફરતાં જ પોતાની બની ગઈ ને મૃત્યુ પામી ત્યાં સુધી સુખ આપતી રહી. આ જ સ્ત્ર્રીનાં અચેતન શરીરને મારે ચિતા પર જલાવી દેવી પડી… આ કવિતા વાંચીને મીનપિયાસીના સાહિત્યકાર મિત્ર દિલીપ રાણપુરાનાં પત્ની સવિતા રડી પડયાં હતાં. મીનપિયાસી ઘરે આવ્યા ત્યારે એમણે ક્હેલું, ‘શું તમેય તે, મને ખૂબ રડાવી. આવું તે લખાતું હશે.’ મીનપિયાસીએ જવાબ આપેલો, ‘એક્લવાયા પુરુષની વેદના તમે ન સમજો તો કોણ સમજે! અને એટલે તો તમે દિલીપને સાથ આપ્યો છે…’
નદીકાંઠે બાયનોક્યુલરથી પક્ષીદર્શન કરી રહેલા મીનપિયાસી
પોતાનાં એક્લવાયાં જીવનને મીનપિયાસીએ સાહિત્ય, પક્ષીપ્રેમ, ખગોળ અને વૈદ તરીકેની કામગીરીથી છલોછલ ભરી દીધું હતું. દીકરી વર્ષાને લીધે એમનું અસ્તિત્ત્વ વાત્સલ્યભાવથી સતત લીલુંછમ રહી શકયું. જિંદગીની વિષમતાઓ સામે સતત લડતા રહેવાને બદલે પરમપિતા પરમેશ્વરને આયખાની લગામ સોંપી દેવાથી નિશ્ચિંત થઈ જવાતું હોય છે. મીનપિયાસીએ એટલે જ ભરપૂર શ્રદ્ધાભાવથી લખ્યું છે કે –
વિભુવર તારી મરજી,
તને ગમ્યું તે સાચું, શીદને કરવી ઠાલી અરજી?
વિભુવર તારી મરજી.
તું જે કર તે સમજી સઘળું
સહુના હિતનું જાણું,
જે બનતું તે બધું બરાબર
ગણી મજા હું માણું,
તેં જ ભલા તારી મરજીથી
સૃષ્ટિ સઘળી સરજી. વિભુવર..
સુખદુખ જે આવે તે
માગ્યાં મેં જ હશે ભૂતકળે મારા હિતને કજે,
સોનું તપાવતો તું ગાળે
હાયવોય ના કરું
રહું ના ફરિયાદે હું ગરજી. વિભુવર…
સર્વોદયની સાચી દષ્ટિ
એક જ તારી પાસે
ઘાટઘાટના ઘડે યોજના
નીરખું ઉજ્જવળ આશે
તારું ધાર્યું તું કરવાનો
આશા એ અમર જી. વિભુવર…
દુખો તો આવે ને જાય. ઠાલી ફરિયાદો ર્ક્યા કરવાથી શું વળવાનું છે? સઘળું ઉપરવાળાની ગ્રાન્ડ ડિઝાઈનને અનુસાર થઈ રહ્યું છે એવી ખાતરી રાખવી જોઈએ. જો માંહૃાલો શુદ્ધ હશે અને ક્દી જાણીજોઈને કોઈનું અહિત ર્ક્યું નહીં હોય તો જે થઈ રહ્યું છે અને જે થવાનું છે તે સારા માટે થવાનું છે એવું સ્વીકારી લેવું જોઈએ. મીનપિયાસીનાં કાવ્યોમાં ઉભરતા આ આધ્યાત્મિક શેડ્ઝ પણ ભારે રુપાળા છે.
કંઈ કેટલીય સુંદર રચનાઓ છે મીનપિયાસીની, પણ જગ્યાના અભાવે અહીં જ અટક્વું પડશે. એક વાત નિશ્ચિત છે કે ગુજરાતની નવી પેઢી મીનપિયાસી અને એમની કવિતાઓને રી-ડિસ્ક્વર કરી શકે એવો માહોલ ઊભો થવો જોઈએ. પાઠયપુસ્તક ડિઝાઈન કરનાર સમિતિએ મીનપિયાસીની ‘ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ’ સિવાયની કવિતાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. મીનપિયાસીનું સમગ્ર સર્જન નવા રંગરુપમાં ભાવકે સમક્ષ મૂકવું જોઈએ. એમની અંગત ડાયરી હજુ સુધી પુસ્તક સ્વરૂપમાં શા માટે પ્રકાશિત થઈ નથી તે આશ્ર્ચર્યની વાત છે. સુરેન્દ્રનગર પાસે આવેલાં તેમના વતન ચુડાના કોઈ રસ્તા કે ચોક કે જાહેર ઈમારતને શા માટે હજુ સુધી મીનપિયાસીનું નામ અપાયું નથી? ઈટ્સ હાઈ ટાઈમ! આપણા સાક્ષરોની ક્દર આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે?
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply