ટેક ઓફ : મીનપિયાસીની ડાયરીનું અંગત અંગત…
Sandesh – Ardh Saptahik Purti – 13 July 2016
ટેક ઓફ
‘ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ…’ કવિ મીનપિયાસીની એ કવિતા છે જે આપણે સ્કૂલમાં ભણ્યા છીએ, જે રામક્થાઓથી માંડીને અન્યત્ર સતત ગવાતી રહે છે કે ક્વોટ થતી રહે છે, જેને ગુજરાતીઓની એકાધિક પેઢીઓએ ચિક્કાર ચાહી છે અને અને જે સમગ્ર ગુજરાતી પ્રજાના સામૂહિક ક્લાવારસાનો હિસ્સો બની ગઈ છે.આજે મીનપિયાસીની પર્સનલ ડાયરીનાં કેટલાંક પાનાં ખોલવાં છે. એમનાં વ્યક્તિત્વને નજીક્થી ઓળખવાનો પ્રયત્ન કરવો છે. મીનપિયાસીની અંગત નોંધપોથીનાં કેટલાંય પાનાં આજે અહીં પહેલી વાર જાહેર થઈ રહૃાાં છે.
* * * * *
સૌથી પહેલાં તો કવિ મીનપિયાસીની અમર કવિતાની કેટલીક પંક્તિઓમાંથી પસાર થઈએ. આ એ કવિતા છે જે આપણે સ્કૂલમાં ભણ્યા છીએ, જે રામક્થાઓથી માંડીને અન્યત્ર સતત ગવાતી રહે છે કે ક્વોટ થતી રહે છે, જેને ગુજરાતીઓની એકાધિક પેઢીઓએ ચિક્કાર ચાહી છે અને અને જે સમગ્ર ગુજરાતી પ્રજાના સામૂહિક ક્લાવારસાનો હિસ્સો બની ગઈ છે. સાંભળોઃ
ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
ને ભમરા ગુંજે ગું ગું ગું
ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ…
ચક્લા-ઉંદર ચૂ-ચૂ-ચૂ, ને છછૂંદરોનું છૂ-છૂ-છૂ,
કૂજનમાં શી ક્ક્કાવારી? હું કુદરતને પૂછું છું,
ઘુવડસમા ઘુઘવાટા કરતો માનવ ઘૂરકે હું-હું-હું.
ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ…
લખપતિઓના લાખ નફામાં, સાચું ખોટું કરવું શું?
ટંક ટંક્ની રોટી માટે રંક જનોને રળવું શું?
હરિ ભજે હોલો પેલો, પીડિતનો, કે, પરભુ તું! પરભુ તું!
ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ…
પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખદુખ પૂછ્યું’તું?
દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યુતું?
ગેંગેંફેંફેં કરતા કહેશો હેં-હેં-હેં-હેં શું? શું? શું?
ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ…
સાવ સાદગીભર્યા શબ્દો છતાં કેટલી અસરકરક અભિવ્યકિત ને ચોટદાર વાત. દિનકરરાય કેશવલાલ વૈદ્ય ઉફ્ર્ મીનપિયાસીની આ કૃતિને એટલી પ્રચંડ સ્વીકૃતિ મળી છે એના પ્રકાશના ચકચૌંધમાં અન્ય રચનાઓ પર આપણું ધ્યાન ઓછું ગયું છે. મીનપિયાસીએ જોકે ૯૦ વર્ષની ભરપૂર જિંદગી (જન્મઃ ૧૯૧૦, મૃત્યુઃ ૨૦૦૦) દરમિયાન ફ્કત બે જ કવ્યસંગ્રહો આપ્યાં છે – ‘વર્ષાજલ’ (૧૯૬૬) અને ‘ગુલછડી અને જુઈ’ (૧૯૮૬). મીનપિયાસીએ વિપુલ સર્જન કદાચ એટલા માટે કર્યું નથી કે, તેઓ કેવળ કવિ નહોતા. તેઓ ખગોળવિદ્, પક્ષીવિદ્ અને થિયોસોફ્સ્ટિ પણ હતા. આ તમામ વિષયો પર એમણે પુસ્તકો લખ્યાં છે. કવિતાર્ક્મ કરતાં સંભવતઃ પ્રકૃતિ એમને વધારે સુખ આપતી. એટલે જ ૨૦, ઓક્ટોબર ૧૯૪૪ના રોજ પોતાની અંગત ડાયરીમાં એમણે લખેલું કે, ‘પ્રકૃતિને ખોળે હું જેટલો સુખી હોઉં છું તેટલો બીજે કયાંય નથી હોતો.’
આજે મીનપિયાસીની અંગત ડાયરીનાં કેટલાંક પાનાં ખોલવાં છે. એમનાં વ્યક્તિત્વને નજીક્થી ઓળખવાનો પ્રયત્ન કરવો છે. મીનપિયાસીની ડાયરીનાં કેટલાંય પાનાં આજે અહીં પહેલી વાર જાહેર થઈ રહૃાાં છે. શરૂઆત ‘ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ’થી જ કરીએ. આ કવિતા સૌથી પહેલાં રેડિયો પર પ્રસારિત થઈ હતી. સુરેન્દ્રનગર પાસે ચુડા ગામે રહેતા મીનપિયાસી ૧૦, સપ્ટેમ્બર ૧૯૫૫ના રોજ પોતાની ડાયરીમાં લખે છેઃ
‘આજે રાજકોટ રેડિયો સ્ટેશન જોયું. સાંજના સાડા સાતથી પોણા આઠ સુધી ૧૫ મિનિટ મારાં સ્વ-રચિત કવ્યોનું વાંચન ર્ક્યું. જીવનમાં પહેલી જ વાર રેડિયો પર બોલ્યો. હું એક ઓરડામાં જ બોલતો હતો ને સામે ઈન્દુભાઈ ગાંધી (રેડિયો સ્ટેશનના ડિરેક્ટર) બેઠા હતા.
બહાર નીક્ળતાં જ બહાર બેઠેલા શ્રી અક્બરઅલી જસદણવાળાએ મારા ખભા હલાવીને ક્હૃાું ‘વાહ દોસ્ત વાહ! બહુ મજા આવી.’ ત્યાં શ્રી જયંત પલાણ પણ મળ્યા. તેમણે પણ ખુશી વ્યક્ત કરી. રૂ. ૫૪નો સ્ટેટ બેન્ક્ ઓફ્ ઇન્ડિયાનો એક ચેક સ્ટેશન ડાયરેક્ટરે આપ્યો. બપોર પછી ગોંડલ ગયો. ગોંડલમાં શ્રી મકરંદભાઈ વગેરે મળ્યા. ગોંડલમાં છલોછલ ભરેલા તળાવમાં રમતા ‘ખંજન’, ‘દિવાળી ઘોડા’ જોઈને ભારે આનંદ થયો.’
મીનપિયાસીનો પક્ષીપ્રેમ જુઓ. તેમને મકરંદ દવે જેવા કવિમિત્રોને મળીને જેટલો આનંદ થાય છે એના કરતાંય ક્દાચ વધારે આનંદ ‘ખંજન’ અને ‘દિવાળી ઘોડા’ જેવા પક્ષીઓને જોઈને થાય છે! રેડિયો પર કવ્યવાચનના ચાલીસ દિવસ બાદ, ૩૦ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ, તેઓ ડાયરીમાં નોંધે છેઃ
‘પછી તો ‘મિલાપ’ સાથે પત્રવ્યવહાર થતાં મારાં રેડિયો પર રજૂ થયેલા તેમજ ત્યાર પછીનાં કાવ્યો એમણે મગાવ્યા. તે મોક્લ્યા. દશ મોકલેલાં તેમાંથી માત્ર બે પાછાં આવ્યાં. પણ ‘ઘૂ ઘૂ ઘૂ’ તથા ‘ધરતી કોળી…’ વગેરે કાવ્યો વાંચીને મહેન્દ્રભાઈ મેઘાણી ખુશ થઈ ગયા ને લખે છે કે, આવાં સુંદર કવ્યોના કવિને તો જીવનભર ‘મિલાપ’ મોક્લવાનું મન થાય.’ અને વધુમાં લખે છે કે આપની તાજી છબી (ફોટોગ્રાફ્) સગવડે મોકલાવશો. વાંચીને તો મારી આંખ ભીની થઈ ગઈ. આ જન્મમાં આવું બનશે અને કોઈ તંત્રી સામેથી મારી છબી મગાવશે એ ધાર્યું ન હતું.’
‘ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ’ જેવી આઈકોનિક કવિતા લખનાર મીનપિયાસી ખુદ કેટલા લો-પ્રોફઈલ માણસ હતા તે ઉપરના લખાણમાં દેખાઈ આવે છે. એમના સ્વભાવની આ આકર્ષક સાદગી એમની રચનાઓમાં સતત વર્તાય છે. વ્યવસાયે વૈદ્ય એવા કવિનો પુસ્તક્પ્રેમ આખી ડાયરીમાં ઠેરઠેર વેરાયેલો છે. જેમ કે ૩૦ જુલાઈ, ૧૯૬૩ની આ વાત. લખે છે –
‘આજે પાર્સલ આવી ગયું. પોસ્ટ ઓફ્સિ જઈને લઈ આવ્યો. નાચવાનું મન થયું. ઓરડો બંધ કરી પાર્સલ ભગવાન પાસે મૂકી આભાર માન્યો. કોણ જાણે કેમ પણ આટલો આનંદ મને કશાથી નહીં થયો હોય એમ લાગે છે. ખૂબ જ મજાનાં પુસ્તકો આવી ગયાં.’
આ એક્ઝેક્ટલી ક્યાં પુસ્તકો હતાં તે સ્પષ્ટ થતું નથી, પણ ચોક્કસપણે તે એમનાં રસના વિષયોનાં પુસ્તકો જ હોવાનાં. ૨૩ ડિસેમ્બર,૧૯૬૪ના રોજ નોંધે છેઃ
‘આજે ‘ધી બુક ઓફ્ ઈન્ડિયન બર્ડ્ઝ’ માટે રૂ.૩૦ ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ને મોક્લ્યા. હવે એ પુસ્તક આવી જાય એટલે મઝા પડી જાય. આવી મુશ્કેલી ને મોંઘવારીમાં આમ કરવું વસમું લાગે છે પણ મારા માનસિક ખોરાક વિના શું કરવું?!’
દરમિયાન એક સરસ વાત બની. મીનપિયાસીની રચના પાકિસ્તાનની પાઠયપુસ્તક્નો હિસ્સો બની. ૩ નવેમ્બર, ૧૯૬૪નું લખાણ જુઓઃ
‘કાલે જીવનનો યુગપ્રવર્તક બનાવ બન્યો. ભાઈ ક્સ્મિત કુરેશીએ રૂ.૨૦ મોક્લ્યા અને જણાવ્યું કે પાક્સ્તિાન-કરાંચીના મેટ્રિક ધોરણ ૧૦ના પાઠયપુસ્તક (ટેક્સ્ટબુક)માં મારી ‘પાનખરની શી છટા’ એ કવિતા લેવાઈ છે તેનો પુરસ્કાર છે. અનુમતી માગતો પત્ર આવ્યો. તેમાં સહી કરી મોકલી. મહમદ વગેરેએ ક્હૃાું કે ‘એમાં તમારા નામની નીચે ‘ચૂડા’નું નામ પણ લખે’ એમ લખવું’ મને આ વાજબી લાગ્યું ને બહુ ગમ્યું. ગમે તે કેમ હોય પણ પોતાના ગામનું ગૌરવ હૈયે હોય એ ખુબ જ સુખદ બીના છે.’
પ્રકૃતિમાં ગજબની તાકાત હોય છે મનને શાતા આપવાની. તેથી જ મીનપિયાસીએ ૧૦ સપ્ટેમ્બર, ૧૯૬૧ના રોજ લખ્યું હશે ને કે –
‘હું જ્યારે વગડામાં ફરતો હોઉં છું કે નદી ક્નિારે એક્લો બેઠો હોઉં છું ત્યારે મને સતત એમ થયા કરે છે કે, કુદરતનો સંપર્ક વધુ રાખવો. માણસોનો ઓછો ને જે રાખવો તેમાં આપવાની દૃષ્ટિ જ રાખવી, લેવાની નહીં. કુદરતની જેમ.’
ડાયરીમાં મીનપિયાસીનો પ્રકૃતિપ્રેમ, ખગોળપ્રેમ અને પક્ષીપ્રેમ જ નહીં, બલકે પરિવાર પ્રત્યેનો સ્નેહ પર સુંદર રીતે ઊપસ્યો છે. કવિ ૪૬ વર્ષના હતા ત્યારે એમનાં પત્ની મનોરમાનું નિધન થયું હતું. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ તેઓ ભાવુક થઈને લખે છેઃ
‘આજે તારી વરસી વાળવાની છે. મંજુ! મનોરમા! ગમે તે કારણે પણ અંતરમાં આજે વેદનાનો સાગર ઊછળે છે ને એ મોજાંની છાલક આંખમાં આવે છે. આ અક્ષરો દેખાતા નથી. મને સારું લાગ્યું. તારી પાછળ હું રોઈ શકું છું ખરો! છેલ્લા મંદવાડ પછી તારી સાથે ક્ંઈ જ વાતો નથી થઈ શકી. તે જાણે આજે કરી લઉં એમ થાય છે. મને મારી બધી જ વાતો, વેદનાઓ તને કહેવાની ટેવ હતી. હવે કોને ક્હું? મારું હસવાનું ઠેકાણું ને રડવાનું ઠેકાણું તું જ હતી, મંજુલા, તું જ હતી.’
કવિ કાન્તની બે લીટીઓ કેટલી અનુભવથી સભર છે-
નહીં સ્વજન એ સખી, સ્વજન એકલી તું હતી.
સહસ્ત્ર શત શલ્યમાં હૃદયની પથારી હતી.
‘હૃદયની પથારી’!!! કેવો સુમંગલ શબ્દ.
તને હું ગાઉં એ ગમતું ખરું ને! તારા ક્હેવાથી તારી પાસે બેસી તારો હાથ મારા હાથમાં રાખી બે ગીતો ગાયાં હતાં. એક કવિશ્રી કાગનું ‘નંદરાણી તારાં આંગણાં’ ને બીજું ‘મારું માખણ મોહન માગે’. ખરું ને!
આપણા પ્રેમજીવનના પુષ્પ સરખી વર્ષા તું મને આપી ગઈ છો. એ મજામાં છે. એને તારી ખોટ કેટલી સાલશે એ ય મને ન સમજાયું. તારા વિના હું એને કેમ સાચવી શકીશ? પણ એ જરૂર તૈયાર થઈ જશે. ઈશ્વર સહુનો છેને?
એ જ. આજે આટલું ક્હેવાયું. હવે વળી પાછાં કોઈ કાલને કંઠે મળીશું. આવજે!’
૪૬ વર્ષ એ વિધુર થવાની ઉંમર નથી. મીનપિયાસીએ ધાર્યું હોત તો પુનઃ લગ્ન કરી શકયા હોત, પણ તેમણે તે પગલું ન ભર્યું. અર્થપૂર્ણ જિંદગી જીવવા માટે દીકરી વર્ષા અને રસના વિષયો પૂરતાં હતાં. જીવનને તેમણે સતત પોઝિટિવ અને ધબક્તું રાખ્યું. ૧૯૪૮ની ૧૯ મે અને ૩૦ જૂને તેઓ પોતાની ડાયરીમાં લખે છેઃ
‘બપોરે બેન વર્ષા ગળે વળગી હતી. મેં ક્હૃાું, બેન શું કરે છે? તો ક્હે કે ‘હેત.’ આવા સુખના દિવસો પરમાત્માએ ક્યા પુણ્યના બદલામાં આપ્યા હશે?…. મારે દીકરી ન હોય તો મારું શું થાત? એની કાલીઘેલી વાતો ને નિર્દોષતા બધું દુઃખ ભુલાવી દે છે. મનને ખૂબ શાંતિ આપે છે. બેન ખૂબ મઝાનું બોલે છે. મારી હાજરીથી ખુશી પણ થાય છે. આટલો સંતોષ! જગતમાં બાળકે ન હોત તો શું થાત? બાળકો જેટલું નિર્દોષ ને નિખાલસ જગત ન થઈ શકે!’
સમય વીતતો ગયો. યુવાન થઈ ગયેલી દીકરીને એક દિવસ મીનપિયાસીએ બહુ જ ખૂબસૂરત બર્થડે ગિફ્ટ આપીઃ
‘૪ ઓગસ્ટ, ૧૯૬૫.
ચિ. વર્ષાનો ૧૯મો જન્મદિવસ. તેની ઇચ્છાથી એને આપેલી ‘રુપમ’ બોલપેનથી ઉપયોગી થાય તેવું ક્ંઈક લખ્યું છે.
‘સૌથી પહેલું તો એ કે, જીવનમાં ગમે તેવી વસમી પરિસ્થિતિ આવે તો પણ માતા કરતાં પણ વધારે કાળજી અને વાત્સલ્યથી ઈશ્વર આપણી સંભાળ રાખે છે તે શ્રદ્ધા ખોવી નહીં. કારણ કે તે હકીકત છે. મૃત્યુ આવે તો પણ નહીં. કારણ કે મૃત્યુમાં પણ આપણે એનેે ખોળે જ હોઈએ છીએ. એટલે એના વિના આપણું કે વિશ્વનું અસ્તિત્ત્વ શકય નથી.
બીજું, સુખ અને દુખ મોટે ભાગે મનની અવસ્થા છે. અને દુઃખ જ્યારે આવે છે ત્યારે આપણા ક્લ્યાણ માટે જ, આપણને કંઈક શીખવવાને, આપણી છૂપી શકિતઓને બહાર લાવવા માટે હોય છે. વળી, આપણે જ ભૂતકાળમાં ઊભા કરેલાં ર્ક્મોને પરિણામે આવે છે. એનું વાળણ કરવાં સારાં ર્ક્મો કરવાં એ જ રસ્તો છે. દુખથી મૂંઝાઈને વધારે ભૂલો ન કરવી.
ત્રીજું, મરણ છે જ નહીં. મૃત્યુ એ તો વિશાળ અને વધારે સ્વતંત્ર જીવનનું દ્વાર છે. માટે કુદરતી રીતે આવે ત્યારે ગભરાઈ ન જવું.’
મીનપિયાસીએ પોતાનાં આખા જીવનની ફિલોસોફી આ પત્રમાં ઠાલવી દીધી છે. મીનપિયાસી વિશે હજુ ઘણી વાતો કરવી છે. એમનાં કાવ્યોને માણવા છે. આવતા બુધવારે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Jul, 2016 )
Leave a Reply