Sun-Temple-Baanner

છેલભાઈ ઈન્ટરવ્યુ : લાકડાની કાયા, લૂગડાંની માયા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


છેલભાઈ ઈન્ટરવ્યુ : લાકડાની કાયા, લૂગડાંની માયા


છેલભાઈ ઈન્ટરવ્યુ : લાકડાની કાયા, લૂગડાંની માયા

અહા! જિંદગી – ફેબ્રુઆરી ૨૦૧૧માં પ્રકાશિત

લાકડાની કાયા, લૂગડાંની માયા

ગુજરાતી રંગભૂમિ પર આર્ટ ડિરેકશન ક્ષેત્રે ચારચાર દાયકા સુધી જબરદસ્ત પ્રભુત્વ જમાવી રાખનારા છેલ-પરેશમાંના છેલભાઈ આણંદજી વાયડા આ મહિને આયુષ્યનાં ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અહીં તેઓ પોતાનાં જીવનનાં રસપ્રદ પાનાં ખોલે છે…

એમની ભૂરાશ પડતી કાળી કીકીઓમાં સામેના માણસને તરત પારખી લેતી તીક્ષ્ણતા છે. લાંબી જીવનયાત્રાની અનુભવસમૃદ્ધિ એમના વાળ અને દાઢી પર ચળકતો શ્વેત રંગ ધારણ કરીને છવાઈ ગઈ છે. એક પળે તેઓ ક્રોધે ભરાશે તો બીજી પળે મુક્ત મને ખડખડાટ હસી પડશે. એમની ઊર્જા એમના કરતાં ત્રીજા ભાગની ઉંમર ધરાવતી વ્યકિતને પણ ક્ષોભ પમાડી દે છે. ગુજરાતી રંગભૂમિ પર કલા, સન્નિવેશ કે સેટ ડિઝાઈનિંગનાં ક્ષેત્ર પર તેઓ છવાયેલા છે, દાયકાઓથી. તેમનું નામ તેમનાં કામનું સમાનાર્થી બની ગયું છે. કોઈ પણ કલાકાર કે પ્રોફેશનલ માટે આના કરતાં ઊચ્ચતર સ્થિતિ બીજી કઈ હોવાની?

છેલભાઈ વાયડા. છેલપરેશ તરીકે મશહૂર થઈ ચૂકેલી જોડીનું તેઓ અડધું અંગ.
2 ફેબ્રુઆરી 2011એ તેમણે આયુષ્યના ૭૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ચચ્ચાર દાયકાથી સતત કાર્યરત રહેલા છેલભાઈ તેમણે કરેલાં નાટકોના લેટેસ્ટ આંકડાનું પગેરું રાખી શક્યા નથી. અંધેરી પશ્ચિમમાં ફોર બંગલોઝસ્થિત પોતાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લેટમાં વાતચીતની શરૂઆત કરતાં છેલભાઈ કહે છે, ‘આ આંકડો ૪૫૦થી ૫૦૦ની આસપાસ હોવાનો. વચ્ચે મેંે એમ જ ડિરેક્ટરોનું લિસ્ટ બનાવ્યું હતું. ૧૯૬૦ના દાયકાના હની છાયા અને કાંતિ મડિયાથી માંડીને આજે ૨૦૧૧માં વિપુલ મહેતા સુધીની ત્રણ પેઢીના કુલ ૪૭ ડિરેક્ટરો સાથે હું કામ કરી ચૂક્યો છું.’

“હું ને મડિયા ખૂબ ઝઘડતા. હું રિસાઈ જાઉં, એ મનાવે.
મારા વગર એને ચાલે જરાય નહીં. મડિયા સારા ક્રાફ્ટમેન હતા,
જ્યારે પ્રવીણ જોશી પાસે સારું વિઝન હતું.”

બહુ ઇન્ટરેસ્ટિંગ છે છેલભાઈની જીવનયાત્રા. દ્વારકાવાસી આણંદજી છેલ અને જયાકુંવરના ઘરે છેલભાઈનો જન્મ. ચાર ભાઈઓ અને ત્રણ બહેનોમાં તેઓ સાતમા ક્રમે. ‘મારાં પહેલા દસ વર્ષ દ્વારકામાં વીત્યાં. પછી અમે ભુજ આવી ગયા. મેટ્રિક પછી મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી ભુજની સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું અને પેઈન્ટિંગમાં એલિમેન્ટરી અને ઈન્ટરમીડિયેટ પછીના એડવાન્સ તબક્કા સુધીનો અભ્યાસ કર્યો. ભણતાં ભણતાં નાનાંમોટાં પેઇન્ટિંગ્સ તૈયાર કરવાં, વાહનોની નંબર પ્લેટ બનાવવી વગેરે નાનાંમોટાં કામ પણ કરતો. તે પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)માં આસિસ્ટન્ટ ડ્રાફ્ટમેન તરીકે નોકરીએ લાગી ગયો, જ્યાં મારે નકશા બનાવવા, બિલ્ડિંગ્સના માપ લેવા વગેરે કામ કરવાનાં રહેતાં. ડ્રોઇંગનું ટેક્નિકલ નોલેજ મને આ રીતે મળ્યું,’ છેલભાઈ કહે છે.

દરમિયાન મોટા ભાઈ મુંબઈ આવી ચૂક્યા હતા. પાર્લે ઈસ્ટમાં છગનલાલ ત્રિવેદીની ચાલમાં રહેતા ભાઈએ લૉની પે્રક્ટિસ કરવાનું શરૂ કરેલું. છેલભાઈ એકવાર તેમને ત્યાં આવ્યા. ભાઈએ કહ્યું, ચાલ તને કોઈ સાથે તારી મુલાકાત કરાવું. ભાઈએ તેમને ડો. ડી. જી. વ્યાસ સામે ખડા કરી દીધા. છેલભાઈ કહે છે, ‘ડો. વ્યાસ આઈસર્જન હોવા ઉપરાંત સારા આર્ટ ક્રિટિક પણ હતા અને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં તેઓ ડિરેક્ટર હતા. એમને જોઈને હું તો હેબતાઈ ગયો. ભુજની આર્ટ સ્કૂલમાં અમને મળતાં સર્ટિફિકેટ્સમાં નીચે જેની સહી રહેતી તે ડો. વ્યાસ મારી સામે ઊભા હતા! એમણે તેમની સ્ટાઈલમાં પૂછ્યુંઃ શું કરે છે છોરા તું? મારી વિગતો જાણ્યા પછી ભાઈને કહ્યુંઃ આને ક્યાં રણમાં બેસાડી રાખ્યો છે? મને કહે, બોલ, આવવું છે મુંબઈ? એમણે જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં મારું એડમિશન કરાવી આપ્યું. નોકરીમાં રાજીનામું આપીને હું ૧૯૬૦માં મુંબઈ આવી ગયો.’

છેલભાઈને રોજના બે રૂપિયા મળતા. આટલામાંથી પચાસ પૈસાની રાઈસપ્લેટ, પચીસ પૈસાનું ચારમિનાર સિગારેટનું પાકિટ, લોકલ ટ્રેનનું ભાડું અને ડ્રોઇંગનો સામાન આ બધું કેવી રીતે મેનેજ થાય? દરમિયાન અશોક મહેતા નામના છોકરા સાથે દોસ્તી થઈ. ર્ફ્સ્ટ યરમાં તે બે વખત નાપાસ થઈ ચૂક્યો હતો.

‘અશોકને જે કામ અઘરું લાગતું તે મને રમતવાત લાગતી. હું એને ભણવામાં મદદ કરું અને બદલામાં જે. જે. સ્કૂલનાં ચાર વર્ષ દરમિયાન એપ્રનથી માંડીને ડ્રોઇંગના મટિરિયલ સુધીનું બધું જ એના તરફથી આવતું રહ્યું. એ મને ચાનાસ્તો કરાવે, જમાડે. ટૂંકમાં, અશોક તરફથી મને સીધુસામગ્રી મળતાં થઈ ગયાં! ’ છેલભાઈ હસી પડે છે.

મોટાબેનના નણદોયા કવિ સુંદરજી બેટાઈના સાઉથ ઈન્ડિયન જમાઈ મિસ્ટર જગમોહન ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથે સંકળાયેલા આર્ટ ક્રિટિક હતા. તેમણે છેલભાઈને મુંબઈ યુનિવર્સિર્ટી સામે આવેલા કલાકારોના અડ્ડા જેવા કૉફી હાઉસમાં આવતાજતા કર્યા. કોફી હાઉસના માલિક એલેકઝાન્ડરને એમણે કહી દીધેલુંઃ આ છોકરાને જે જોઈતું હોય તે આપવાનું પણ એની પાસેથી પૈસા નહીં લેવાના! મિસ્ટર જગમોહન લોકોને છલભાઈનો રેફરન્સ આપે અને ચિત્રોની નકલ કરવાં જેવાં નાનાંમોટાં કામ અપાવે. આ જ અરસામાં છેલભાઈનો હની છાયા સાથે લોકલ ટ્રેનમાં આકસ્મિકપણે ભેટો થઈ ગયો. છેલભાઈએ એમને ‘મહેંદી રંગ લાગ્યો’ ફિલ્મમાં અભિનેતા રૂપે જોયા હતા. છેલભાઈ કહે છે, ‘વાતવાતમાં મેં એમને કહ્યું કે મારી મૂળ ઈચ્છા તો આર્ટ ડિરેક્ટર બનવાની છે. હની છાયાએ મને રંગભૂમિ નાટ્ય એકેડેમીની ઓપેરા હાઉસ પર આવેલી ઓફિસે આવવા કહ્યું. વિષ્ણુકુમાર વ્યાસ એકેડેમીના પ્રિન્સિપાલ હતા અને હની છાયા પ્રોફેસર. મને ફ્રીશિપમાં એડમિશન આપવામાં આવ્યું. રંગમંચનો આ મારો પહેલો સ્પર્શ.’

૧૯૬૩માં સ્ટેટ લેવલની નાટ્યસ્પર્ધામાં એકેડેમીએ ‘ઈન્સ્પેક્ટર કૌલ’ નામનું હિન્દી નાટક ઊતાર્યું હતું. એના સેટડિઝાઈનને મોડિફાઈ કરવાનું કામ છેલભાઈને સોંપવામાં આવ્યું. નાગપુરમાં સ્પર્ધા હતી અને આ નાટકની સેટ ડિઝાઈનની ખૂબ પ્રશંસા થઈ. બેઘર થઈને અઠવાડિયું રીતસર ફૂટપાથ પર રહેવાનો પીડાદાયી તબક્કો આ જ વર્ષે આવ્યો.
‘એક વર્ષ મારા પારસી મિત્ર ફેરી નાનજીને ત્યાં રહ્યો. બે મહિના ચર્નીરોડ વિસ્તારમાં આવેલી ગાયવાડીના એક ગોડાઉનમાં કાઢ્યા. અહીં ‘શાહજહાં’ નાટકનો સામાન પડ્યો હતો. હું એમાંથી તકિયાં અને પાથરણાં આમતેમ ગોઠવીને ખુદ શાહજહાંની જેમ રહેતો!’ છેલભાઈ પાછા હસી પડે છે.

મંચ પર અમારે ત્રણ દીવાલો વડે દર્શકને ચાર દીવાલનો આભાસ કરાવવાનો
હોય. વાત તો આખરે લૂગડાં અને લાકડાની જ છે.

૧૯૬૪માં ‘પરિણીતા’ નામનું ગુજરાતી નાટક સ્પર્ધામાં મુકાયું. ઈન્ડિપેન્ડન્ટ સેટ ડિઝાઈનર તરીકેનું આ છેલભાઈનું પહેલું નાટક. ઈન્ટરવલમાં જજ દીના પાઠકે એમના માથે હાથ મૂકીને કહ્યુંઃ ચિંતા ન કર, આના કરતાં સારી રીતે ડિઝાઈન થયેલો સેટ હવે આવવાનો નથી. આ નાટકને સેટ ડિઝાઈનિંગનું ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું. કોઈ ગુજરાતી નાટકને પહેલું ઈનામ મળ્યું હોય એવો આ પહેલો પ્રસંગ હતો.

‘હની છાયા મારા ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ બની રહ્યા. મારો ફિલ્મોમાં અને ટેલિવિઝનમાં પહેલી વાર પ્રવેશ પણ એમણે જ કરાવ્યો,’ છેલભાઈ કૃતાર્થતાપૂર્વક કહે છે.
આ જ વર્ષે દ્વારકાની કુસુમ નામની કન્યા સાથે છેલભાઈનાં લગન્ લેવાયાં. છેલભાઈએ જોકે વડીલોને સ્પષ્ટપણે જણાવી દીધુંઃ જ્યાં સુધી ઘરની બહાર મારા નામની તકતી નહીં હોય ત્યાં સુધી કુસુમને મુંબઈ નહીં તેડાવું! (એ અવસર આવ્યો છેક ૧૯૭૨માં. પાર્લા ઈસ્ટમાં ટેરેસ પરના એક આવાસમાં તેમનું સહજીવન સાચા અર્થમાં શરૂ થયું હતું.)
૧૯૬૫માં છેલભાઈનાં બે નાટકો સ્પર્ધામાં ઊતર્યાં. જોકે પ્રાઈઝ છેલભાઈના સમકાલીન આર્ટ ડિઝાઈનર વિજય કાપડિયા લઈ ગયા. અખબારોમાં છેલભાઈનું કામ વખાણતાં લખાણો પ્રગટ થવા લાગ્યાં હતાં. આ વર્ષના ઊત્તરાર્ધમાં એક નિર્ણાયક ઘટના બની. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં વિદ્યાર્થીઓને હાઉસ ડેકોરેશનના પાઠ શીખવતા પ્રોફેસરે છેલભાઈ સામે પ્રસ્તાવ મૂક્યોઃ ચાલો, આપણે સાથે કામ કરીએ. છેલભાઈએ અચકાઈને કહ્યુંઃ સર, આપણે કઈ રીતે સાથે કામ કરી શકીએ? સરે તો એમના આસિસ્ટન્ટ બનવાની તૈયારી સુધ્ધાં દેખાડી. છેવટે ડિસેમ્બર ૧૯૬૬માં તેઓ પાટર્નર બન્યા. આ પાર્ટનર એટલે પરેશ દરૂ, છેલ-પરેશની પ્રસિદ્ધ જોડીનો બીજો હિસ્સો!

‘મને સૂરજ આપો’ નામનું નાટક સ્પર્ધા માટે સબમિટ થઈ રહ્યું હતું. એમાં સેટ ડિઝાઈનર તરીકે છેલ વાયડાનું નામ હતું. છેલ્લી ઘડીએ ‘વાયડા’ ભૂંસીને તેની જગ્યાએ ‘પરેશ’ લખવામાં આવ્યું. તે વખતે કોઈએ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે આ માણસ અટક બનીને છેલભાઈનાં નામ સાથે આજીવન જોડાઈ જવાનો છે અને આવનારાં વર્ષોમાં છેલ-પરેશની જોડી અનેક ઊંચાઈઓ કર કરવાની છે?

… અને એક મહાયાત્રાનો પ્રારંભ થઈ ગયો.

ચંદ્રવદન ભટ્ટ, કાંતિ મડિયા, હની છાયા, વિજય દત્ત, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, અરવિંદ ઠક્કર, શૈલેશ દવે જેવા દિગ્ગજો સાથે એક પછી એક નાટકો આવતાં ગયાં. છેલ વાયડા અને પરેશ દરૂ દ્વિવચનમાંથી એકવચન બનતા ગયા. છેલભાઈ કહે છે, ‘તે વખતે આઈએનટી, રંગભૂમિ, નાટ્યસંપદા અને રંગમોહિની આ ચાર સંસ્થાઓ નાટકો બનાવતી. કાંતિ મડિયાના ૩૨માંથી ૩૧ નાટકો મેં કર્યાં. એક નાટક એટલા માટે ન કરી શક્યો કે તે અરસામાં હું લંડન હતો. એ નાટક જોકે એક જ શોમાં બંધ થઈ ગયું હતું! હું ને મડિયા ખૂબ ઝઘડતા. હું રિસાઈ જાઉં, એ મનાવે. મારા વગર એને ચાલે જરાય નહીં. મડિયા સારા ક્રાફ્ટમેન હતા, જ્યારે પ્રવીણ જોશી પાસે સારું વિઝન હતું. તેઓ નાટકની થીમ પ્રમાણે સેટ ડિઝાઈનર સિલેક્ટ કરતા. જેમકે ‘અને ઈન્દ્રજિત’ નામનું નાટક એમણે એમ.એસ. સથ્થુ પાસે ડિઝાઈન કરાવ્યું હતું. એ જમાનામાં નાટક બનાવનારા અમારી સાથે બેસતા, ડિસ્કસ કરતા. આખું નાટક પહેલેથી લખાઈને તૈયાર હોય. મુહૂર્ત વખતે આખું નાટક વંચાય. બધા ડિરેક્ટરોને પોતપોતાની શક્તિઓ હતી, પોતપોતાની શૈલીઓ હતી. ખેલદિલીની ભાવના પણ એટલી જ. હરીફ ડિરેક્ટરનું કામ ગમે તો દિલથી વખાણે.’
આટલું કહીને છેલભાઈ ઉમેરે છે, ‘ધીમે ધીમે અમે ઘડાતા ગયા. મંચ પર અમારે ત્રણ દીવાલો વડે દર્શકને ચાર દીવાલનો આભાસ કરાવવાનો હોય. વાત તો આખરે લૂગડાં અને લાકડાની જ છે. જયંતી દલાલે લખેલાં એક સુંદર પુસ્તકનું શીર્ષક જ આ છે ને ‘કાયા લાકડાની, માયા લૂગડાંની.’’

“સેટ ડિઝાઈનરે માત્ર ઈન્ટિરિયર ડિઝાઈનિંગ નથી કરવાનું,
એણે હિસ્ટ્રી ઓફ આર્ટ પણ જાણવી પડે.”

છેલભાઈ આજની તારીખે પણ અડધી રાતે કોઈ નવો વિચાર આવે તો ઊભા થઈને લખી લે. સવાર સુધીમાં તે વિચાર દિમાગમાંથી છટકી ગયો તો? તેઓ કહે છે, ‘સેટ ડિઝાઈનરે માત્ર ઈન્ટિરિયર ડિઝાઈનિંગ નથી કરવાનું, એણે હિસ્ટ્રી ઓફ આર્ટ પણ જાણવી પડે. જેમ કે તમે રબારીનું ઘર બતાવો તો સ્ટીલનાં વાસણો ન ચાલે. રબારીનાં વાસણો કાંસાનાં જ હોય. આપણે ત્યાં દરેક કોમનું આગવું ભરતકામ છે. સુથાર અને લુહાર સફેદ કપડાં પર ભરતકામ કરશે, જ્યારે ચારણ રંગીન કપડાં પર.’

છેલભાઈએ ‘કંકુ’, ‘ઉપર ગગન વિશાળ’. ‘દાદા હો દીકરી’, ‘લાખો ફુલાણી’ જેવી પસંદગીની ડઝનેક ગુજરાતી ફિલ્મોમાં સૂઝપૂર્વક આર્ટ ડિરેકશન કર્યું છે. ‘તેરે શહર મેં’, ‘લૌરી’ અને ‘ખૂબસૂરત’ જેવી હિન્દી ફિલ્મો માટે પણ કામ કર્યું. જોકે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વાતાવરણ તેમને ખાસ માફક ન આવ્યું. ૧૯૭૦માં ‘મહેફિલ’ નામના ગઝલના કાયક્રમ માટે ઝુમ્મર તથા વિશાળ કદની સુરાહી જેવા એલિમેન્ટ્સ વડે સુસંગત માહોલ ઊભો કરતો અફલાતૂન સણિવેશ ખડો કર્યો અને પછી તો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. ડાયરાના સેટમાં ઘેઘૂર વડલો અને ચબૂતરો એમનો ટ્રેડમાર્ક બની ગયા. એની નકલ પણ ખૂબ થઈ. આ સિવાય ભજનસંધ્યા, સુગમ સંગીત તેમ જ સાહિત્યિક કાર્યક્રમોમાં છેલપરેશના સેટ ડિઝાઈનની અલગ છટા દેખાવા માંડી.

‘નાટક સિવાયના કાર્યક્રમોમાં પણ મંચ પર સણિવેશ ઊભો કરવાની અમે સૌને આદત લગાડી દીધી છે!’ છેલભાઈ સ્મિત કરે છે. ધીરુભાઈ અંબાણીના પરિવારનાં લગ્નોમાં લગ્નસ્થળોનું ડિઝાઈનિંગ પણ તેમણે એક્ઝિક્યુટ કર્યું છે.

છેલભાઈના પુત્ર સંજય છેલે ટેલિવિઝન અને હિન્દી ફિલ્મોની દુનિયામાં રાઈટર-ડિરેક્ટર તરીકે નામ કાઢ્યું છે. તેમની ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત થતી સાપ્તાહિક કોલમ ‘અંદાઝ-એ-બયાં’ ખાસ્સી પોપ્યુલર થઈ છે. છેલભાઈનાં પુત્રી અલ્પના રંગમંચ અને ટેલિવિઝનનાં અભિનેત્રી તરીકે સક્રિય છે. હાલ તેઓ ‘પાપડપોલ’ સિરિયલમાં હીરો વિનયનાં માતા તરીકે દેખાય છે. જાણીતા એક્ટર-ડિરેક્ટર-મોડેલ મેહુલ બૂચ છેલભાઈના જમાઈ થાય. છેલપરેશના હાથ નીચે સુભાષ આશર, વંદન નાયક (જેનું કાચી વયે અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું), પ્રદીપ પાલેકર અને પી. ખરસાણીના દીકરા ચીકા ખરસાણી જેવા સેટ ડિઝાઈનર્સ તૈયાર થયા છે.

ગુજરાતી રંગભૂમિ પર ડિરેક્ટર્સ-પ્રોડ્યુસર્સ-રાઈટર્સ-એક્ટર્સની પેઢીઓ બદલાતી ગઈ, પણ આર્ટ ડિરેક્ટર તરીકે છેલપરેશની જોડી હજુ અણનમ છે. છેલભાઈ સમાપન કરે છે, ‘ મરાઠી રંગભૂમિના આર્ટ ડિરેક્ટર રાજારામ ચૌહાણનું મહારાષ્ટ્ર સરકારે બહુમાન કર્યું હતું. આપણે ત્યાં આવું નથી. જોકે હું અપેક્ષાઓ પણ રાખતો નથી. જીવવાની મજા આવે છે. શાંતિ છે. લગાવ અને નિષ્ઠા હશે તો કામથી ક્યારેય થકાતું નથી. આનંદ કરવો. કામચોરી ન કરવી. દુશ્મન સારું કામ કરે તો એનેય ‘વાહ!’ કહેવી. મારા હમઉમ્ર મિત્રો પથારીવશ છે ત્યારે હું સક્રિય છું એ વાતની ખુશી છે. બસ, એક જ મહેચ્છા છે. હું મૃત્યુ પામું પછી મને યાદ કરીને કોઈ એમ બોલે કે કલાજગતનો એક સિતારો ખરી પડ્યો.. તો હું સંતોષ પામીશ. જોકે આવું સાંભળવા અને સંતોષ પામવા હું હાજર નહીં હોઉં!’

લોંગ લિવ છેલભાઈ!

૦૦૦૦૦૦૦

છેલભાઈના ટોપ ફાઈવ

છેલભાઈને એમની લાંબી કારકિર્દી દરમિયાન આ પાંચ નાટકો માટે આર્ટ ડિઝાઈનિંગ કરવાનું સૌથી વધુ ચેલેન્જિંગ અને સંતોષકારક લાગ્યુંં. પહેલાં ચાર નાટકના દિગ્દર્શક કાંતિ મડિયા હતા, જ્યારે પાંચમું ગિરેશ દેસાઈએ ડિરેક્ટ કરેલું.

– આતમને ઓઝલમાં રાખો મા
– મૂઠી ઉંચેરા માનવી
– આંખની અટારી સાવ સૂની
– બહોત નાચ્યો ગોપાલ
– નોખી માટીના નોખા માનવી

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.