આસિત મોદી એટલે કે…
દિવ્ય ભાસ્કર – Diwali issue – ઉત્સવ
૭૦૦ એપિસોડ્સ પછીય હોટ-એન્ડ-હેપનિંગ ગણાતી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નિર્માતા આસિત મોદી મળવા જેવા માણસ છે. આ સિરિયલની જન્મકથા તેનાં પ્રોડ્યુસર અને પાત્રો જેટલી જ રસપ્રદ છે.
(ટૂંક સમયમાં પ્રકાશિત થનારા શિશિર રામાવતના ‘ઊંધાં ચશ્માંથી ઉલટા ચશ્મા’ પુસ્તકમાંથી)
બરાબર એક દાયકા પહેલાં, ૨૦૦૧ની એક સાંજે, દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓના આ પ્રિય હાસ્યકાર તારક મહેતાના ઘરે ટેલિફોનની ઘંટડી વાગે છે. શ્રીમતીજી ઈન્દુબહેન રિસીવર ઊંચકે છે.
‘હલો?’
ફોન મુંબઈથી છે. પોતાનું નામ આપીને સામેની વ્યક્તિ કહે છે, ‘મારે તારક મહેતાનું કામ હતું.’
‘મહેતા તો અત્યારે સુતા છે. બોલો, શું કામ હતું?’
‘હું ટીવી પ્રોડ્યુસર છું. સિરિયલો બનાવું છું. મને ‘દુનિયાના ઊંધા ચશ્માં’માં રસ છે. તેના વિશે જ વાત કરવી હતી.’
‘પણ મહેતા અત્યારે વાત કરી શકે તેમ નથી. એક કામ કરો. તમે એક ફોન નંબર લખી લો અને સિરિયલ વિશે જે કંઈ વાત કરવી હોય તે એ ભાઈ સાથે કરો.’
‘સારું. પણ તમે જેનો નંબર આપી રહ્યા છો તે કોણ છે તે કહી શકશો?’
‘મહેશ વકીલ. ઘરનો જ માણસ છે. તમે નંબર લખો.’
ઈન્દુબહેન મહેશ વકીલનો કોન્ટેક્ટ નંબર લખાવે છે. તારક મહેતાના અઠંગ ચાહકમાંથી પારિવારિક મિત્ર બની ગયેલા સુરતવાસી બિલ્ડર મહેશ વકીલ. મહેશ વકીલે ખુદ ‘દુનિયાનાં ઊંધા ચશ્માં’ પરથી ટીવી સિરિયલ બનાવવાનું સપનું જોયું હતું અને તે પૂરું કરવાની કોશિશ પણ કરી હતી. વાત પૂરી કરીને પેલી વ્યક્તિ આભાર માને છે. એ ફોન મૂકે તે પહેલાં અચાનક ઈન્દુબહેન પૂછે છે, ‘એક મિનિટ. તમારું નામ શું કહ્યું ભાઈ? સોરી, જરા ફરીથી કહેશો?’
સામેની વ્યક્તિ પાછી પોતાની ઓળખ આપે છે. ઈન્દુબહેન રિસીવર ક્રેડલ પર મૂકે છે અને બાજુમાં પડેલી ડાયરી ઊંચકે છે. પછી પેનનું ઢાંકણું ખોલી ફોન કરનાર માણસનનું નામ અને વિગતો નોંધી લે છેઃ
આસિત મોદી. નીલા ટેલિફિલ્મ્સ. મુંબઈ.
ઈન્દુબહેનને ખબર નથી કે મહેશ વકીલનું સપનું ભાગ્યવિધાતાએ આસિત મોદી નામના આ માણસની કુંડળીમાં સાકાર કરવાનું નિધાર્યું છે…
ઈન્દુબહેનને એવી કલ્પના પણ ક્યાંથી હોય કે આ એ માણસ છે, જે તારક મહેતાને અને તેમની પાત્રસૃષ્ટિને આખી દુનિયામાં મશહૂર કરી દેવાનો છે!
કહાની આસિત મોદી કી…
કોમડી સિરિયલો બનાવીને આખા દેશને હસાવનાર આસિત હસમુખલાલ મોદીને રુદન સામે કદાચ જન્મજાત વાંઘો છે. લીટરલી! એટલે જ ૧૯૬૬ની ૨૪ ડિસેમ્બરે પુનાની એક હોસ્પિટલમાં તેઓ જ્ન્મ્યા ત્યારે સહેજ પણ રડ્યા નહોતાને! આસિત મોદીના બાળપણનાં શરૂઆતના વર્ષો દક્ષિણ મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં આવેલી ચાલીમાં દસ બાય દસની નાનકડી રૂમમાં વીત્યું.
‘મારા પિતાજી શાંત, સરળ અને બેફિકરા માણસ,’ આસિત મોદી કહે છે, ‘ એ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી કરતા. કવિતા લખવામાં અને લોકો સાથે સંબંધો બાંધવામાં ને જાળવવામાં એમને ખૂબ રસ પડે. પગાર તો ચોવીસપચ્ચીસ તારીખે ખલાસ થઈ જાય. પછી મમ્મી પોતાની રીતે ગાડું ગબડાવે. આમ, અમારું સંઘર્ષમય મિડલક્લાસ જીવન હતું એમ કહી શકાય. મમ્મીપપ્પાએ જોકે અમને કોઈ વાતે ઓછું આવવા દીધું નથી. અમે ઝાઝું માગ્યું પણ નથી. ચાલીમાં હું નાટકો કરતો, એમાં એક્ટિંગ કરતો, જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આગળ પડતા ભાગ લેતો. એટલે જ તારક મહેતાના ટપુડા સાથે હું મારી જાતને આઈડેન્ટિફાય કરી શકું છું, એનેે સારી રીતે ઓળખી શકું છું…’
અગિયારમું-બારમું ધોરણ તેમણે અંધેરીમાં આવેલી શ્રી ચિનાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કર્યું. કોલેજમનાં વર્ષોર્માં જ એમને નાટકોની લત લાગી ગઈ હતી. આજના પ્રોડ્યુસર આસિત મોદીએ શરૂઆત એકિંટગથી કરેલી. થર્ડ યરમાં હતા ત્યારે મિલમજૂરોની વ્યથા વ્યક્ત કરતા ‘બંધુઆ’ નામનું હિન્દી નાટક ભજવીને ઈન્ટરકોલેજ કોમ્પિટીશનમાં બેસ્ટ એક્ટર ઘોષિત થયા હતા. કોલેજ પછીનાં વર્ષોમાં થિયેટર જોકે છૂટી ગયું હતું. બેત્રણ જગ્યાઓ રૂટીન નોકરીઓ કર્યા પછી ૧૯૯૧માં આસિત મોદી ટીવી નિર્માત્રી સુશીલા ભાટિયા સાથે જોડાયા. તે પછી જયેશ ચોક્સીનું અકિક ચિત્ર નામનાં પ્રોડકશન હાઉસ જોઈન કર્યું અને બે સિરિયલનું માર્કેટિંગ સંભાવ્યું. તે વખતે અકિક ચિત્ર એકમાત્ર એવું પ્રોડકશન હાઉસ હતું, જેની એક સાથે બબ્બે સિરિયલો ઓનએર હોય!
અનુભવની સારી એવી સમૃદ્ધિ જમા થઈ ગઈ પછી સમય આવ્યો મુક્ત ઉડ્ડયન કરવાનો. ‘હમ સબ એક હૈ’ આસિત મોદીએ સ્વતંત્ર નિર્માતા તરીકે પ્રોડ્યુસ કરેલી પહેલી સિરિયલ. એક સંયુક્ત પરિવારમાં અલગ અલગ ત્રણ ભાષા બોલતી વહુઓની વાત હતી. ફેમિલીના વડા તરીકે જતિન કાણકિયાને કાસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના ત્રણ દીકરાઓના રોલમાં રાકેશ બેદી, દિલીપ જોશી અને દેવેન ભોજાણીને લેવામાં આવ્યા હતા. પંજાબી, બંગાળી અને ગુજરાતી પુત્રવધૂની ભુમિકા કરી અનુક્રમે ડોલી બિન્દ્રા, મોહિની અને ડિમ્પલ શાહે. કોલેજકાળના પોતાના સિનિયર રહી ચૂકેલા દિલીપ જોશી સાથે આસિત મોદીનો એકટર-પ્રોડ્યુસરનો સંબંધ બંધાયો.
૧૯૯૪માં લોન્ચ થયેલી અને લાગલગાટ ત્રણ વર્ષ ચાલેલી ‘હમ સબ એક હૈં’ સિરિયલ ખૂબ જોવાઈ અને ખાસ્સી વખણાઈ. એક જ પરિવેશમાં જુદીજુદી ભાષા, રીતરિવાજ અને રહેણીકરણી ધરાવતા લોકોનું સહઅસ્તિત્ત્વ, તેમની વચ્ચે રચાતો પ્રેમનો સેતુ, તેમની વચ્ચે થતી નોંકઝોંક અને તેમાંથી નિષ્પન્ન થતું રમૂજ. સહેજ પણ દંશ વગરની આ સરળ હ્યુમરમાં એટલી નિર્દોષતા અને અપીલ રહેતી કે પરિવારના જુદાંજદાં વયજૂથના તમામ સભ્યો તેને સાથે બેસીને માણી શકતા હતા.
સફળતાની આ એ રેસિપી આવનારાં વર્ષોમાં આસિત મોદીની સિગ્નેચર ફોર્મ્યુલા બની જવાની હતી!
આ રીતે રોપાયું સિરિયલનું બીજ!
‘હમ સબ એક હૈં’ માટે જતિન કાણકિયાનો અપ્રોચ કરવામાં આવેલા ત્યારે તેમણે આસિત મોદીને જણાવેલુંઃ આસિત, મને સુરતના એક પ્રોડ્યુસર તરફથી ઓફર આવી હતી. મહેશ વકીલ એમનું નામ. મજાના માણસ છે. તારક મહેતાના ટપુડા પરથી ‘લો કર લો બાત!’ નામની સિરિયલ બનાવવા માગે છે. મને જેઠાલાલનો રોલ ઓફર થયો, જે મેં સ્વીકારી લીધો છે. હજુ તો જોકે પાઈલટ સહિતના ત્રણ એપિસોડ માંડ શૂટ થયા છે. સિરિયલ હજુ અપ્રુવ થઈ નથી. એ લોકો અત્યારે ચેનલો સાથે માથાકૂટમાં જ પડ્યા છે.
‘હમ સબ એક હૈં’નું શૂટિંગ શરૂ થયું. જતિન કાણકિયા સાથે દોસ્તી એટલે ‘લો કર લો બાત!’ના સ્ટેટસ વિશ આસિત મોદીને અપડેટ મળતા રહે. સોની ચેનલ સાથે વાત આગળ વધી રહી છે એવી માહિતી મળી અને ત્યાર બાદ વાત પાછી અટકી પડી છે તેવા સમાચાર પણ મળ્યા. એક દિવસ જતિન કાણકિયાએ એક દિવસ આસિત મોદીને કહ્યુંઃ મહેશભાઈ બહુ સારા માણસ છે, પણ કોણ જાણે કેમ ચેનલ સાથે ક્મ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એ સુરત-બેઝડ છે એટલે કદાચ આમ થતું હશે. આસિત, ‘લો કર લો બાત!’ એકચ્યુઅલી તારે ટેકઓવર કરી લેવી જોઈએ. તું મુંબઈમાં છો, અનુભવી છો, તું આખા મામલાને સારી રીતે હેન્ડલ કરી શકીશ…
૧૯૯૯માં જતિન કાણકિયાનું અણધાર્યુર્ અવસાન થઈ ગયું, પણ ત્યાં સુધીમાં આસિત મોદીના દિમાગમાં તારક મહેતાની હાસ્યલેખમાળા ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પરથી સિરિયલ બનાવી શકાય એવા આઈડિયાનું બીજ અભાનપણે રોપાઈ ગયું હતું!
૨૦૦૦ની સાલમાં સોની ચેનલે આસિત મોદીને નવી સિરિયલ બનાવવાની ઓફર મૂકી અને આ રીતે ‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ બની. આ સિરિયલમાં એક રેસિડેન્શિયલ કોલોની છે, જેમાં જુદી જુદી ભાષા બોલતા અને રીતિરિવાજ પાળતા અનેક પરિવારો વસે છે. દિલીપ જોશી લુંગીધારી સાઉથ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સટીચર લંબુદ્રી બનેલા. અહીં પણ જુદાં જુદાં કિરદારો વચ્ચે દોસ્તી થાય છે, ઝઘડા થાય છે અને તેમાંથી રમૂજ ફૂટતી રહે છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ની જેમ જ. સ્વરૂપ અને કન્ટેન્ટની દષ્ટિએ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ને જો નવલકથા કહીએ તો ‘ યે દુનિયા હૈ રંગીન તેની પ્રસ્તાવના સમાન હતી. ‘દુનિયા હૈ રંગીન’ને ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ માટેની નેટ પ્રેક્ટિસ કહો તો એ અતિશયોક્તિવાળું સત્ય ગણાય.
‘ફ્રેન્કલી, ‘યે દુનિયા હૈ રંગીન’ની પ્રેરણા મને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’માથી મળી હતી,’ આસિત મોદી સ્વીકારે છે, ‘એમાં જોકે ટપુ ન હતો. સિરિયલ ઘણી જુદી હતી, પણ તેના પર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ની અસર જરૂર હતી.’
‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ એક વર્ષ ચાલી, પણ તે પછી બાલાજી ટેલીફિલ્મ્સની ‘કયૂંકિ સાસ ભી કભી બહૂ થી’ની ગજબનાક સફળતાએ સાસબહૂ સિરિયલ્સનો જબરદસ્ત ટ્રેન્ડ જન્માવી દીધો અને કોમેડી સિરિયલોનો લગભગ એકડો નીકળી ગયો!
…અને આ તબક્કે આસિત મોદી તારક મહેતાની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ સફળ હાસ્યશ્રેણી પરથી સિરિયલ બનાવવાનો સૌથી પહેલી વાર ગંભીરતાપૂર્વક વિચાર કરે છેઃ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ જેવું જબરદસ્ત દમદાર સર્જન હજુ સુધી વણખેડાયેલું અને ટેલીવિઝનના માધ્યમથી જોજનો દૂર રહ્યું છે. તેના પરથી સિરિયલ બનાવવાની એકવાર કોશિશ થઈ હતી, પણ તે સફળ ન થઈ… પણ હવે હું આના પરથી સિરિયલ બનાવવાની કોશિશ કેમ ન કરી શકું?
સિરિયલનું સગપણ અને ચેનલોનું ચલકચલાણું
‘ફ્રેેન્કલી, હું તારક મહેતાને પહેલી વાર મળવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે અંદરથી બિલકુલ પોઝિટિવ નહોતો…’ આસિત મોદી કહે છે, ‘પણ અંદરખાને હું જેટલો અસ્થિર હતો તેટલાં જ તારકભાઈ, મહેશભાઈ અને ઈન્દુબહેન સ્વસ્થ હતાં.’
પણ ધીમે ધીમે આસિત મોદીની આશંકા અને ડર ઓગળવા માંડ્યા. તારક મહેતાનું વ્યક્તિત્ત્વ જ એટલું હુંફાળું અને હળવુંફુલ છે કે સામેની વ્યક્તિને તેનો ચેપ લાગ્યા વગર રહે જ નહીં. આસિત મોદી ધીરે ધીરે ખૂલવા લાગ્યા. ઘણી વાતો થઈ. મિટીંગ સરસ રીતે આગળ વધી રહી હતી. તારક મહેતા, ઈન્દુબહેન અને મહેશ વકીલ ત્રણેયને એક વાતની પ્રતીતિ એક સાથે થઈ રહી હતીઃ આ માણસ છે તો જેન્યુઈન અને ડાઈનટુઅર્થ. ગ્લેમરની દુનિયામાં આટલાં વર્ષોથી છે પણ એનામાં છીછરાપણું પ્રવેશ્યું લાગતું નથી. એની સાથે સંધાન થઈ શકે છે. સૌથી મહત્ત્વનું તો એ કે, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નાં પાત્રોનો એ પ્રેમી છે. આ પાત્રસૃષ્ટિનું મૂલ્ય તે સમજે છે.
થોડા સમય પછી બીજી મિટીંગમા ટર્મ્સ અને કંડીશન્સ નક્કી થયાં. આસિત મોદીએ એ જ વખતે તારક મહેતાને ટોકન સુપરત કરીને કહ્યુંઃ આ સિરિયલ ક્યારે ઓનએર થશે તેના વિશે આ ઘડીએ મને કશી ખબર નથી, પણ વર્ષદોઢ વર્ષ રાહ જોવી પડશે…
મહેતાસાહેબ પરિવારના વરિષ્ઠ સદસ્યની માફક સ્થિર હતા. મહેશ વકીલની માનસિક અવસ્થા સગાઈ થયેલી કન્યાના જવાબદાર મોટા ભાઈ જેવી હતી. ઠેકાણું તો સારું મળ્યું છે, પણ બધું બરાબર તો થશે ને? ઈન્દુબહેન વિચારી રહ્યાં હતાં, એ તો નીવડ્યે વખાણ! …અને આસિત મોદી આનંદ અને ઉચાટ બણે એકસાથે અનુભવી રહ્યા હતા.
આ તો માત્ર સગાઈ થઈ હતી. સગાઈ અને લગન્ વચ્ચેનું લાંબુ અંતર કાપવાનું હજુ બાકી હતું!
‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળાના સ્વરૂપાંતરણ વિશેની માનસિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આસિત મોદીને સોની ટેલિવિઝન તરફથી ફરી સિરિયલ બનાવવાની ઓફર મળી. આ સિરિયલ એટલે ‘મેરી બીવી વંડરફુલ’. આમ, નીલા ટેલિફિલ્મ્સની લાગલગાટ ત્રીજી વીક્લી સિરિયલ સોની પર ટેલિકાસ્ટ થઈ, જે ૨૦૦૩માં પૂરી થઈ. બસ, હવે ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ને ટીવી પર અવતારવાનો વારો આવી ગયો હતો, પણ તે પહેલાં નીલા ટેલિફિલ્મ્સની ઓર એક સિરિયલે ઓવરટેક કર્યુર્. સ્ટાર પ્લસ પર સપ્ટેમ્બર ૨૦૦૪માં આફ્ટરનૂન સ્લોટમાં ‘સારથિ’નું ટેલિકાસ્ટ શરૂ થયું. અલબત્ત, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ માટે ચેનલોના સાહેબનો સામે પ્રેઝન્ટેશન આપવાની કવાયત તો ક્યારથી પૂરજોશમાં ચાલી રહી હતી. સોની, સબ, ડિઝની ચેનલ, નાઈન એક્સ, સહારા, સ્ટાર વન… વાત ક્યાંય જામતી નહોતી. ૨૦૦૧ના ઉત્તરાર્ધમાં તારક મહેતા સાથે પહેલી વાર મુલાકાત થઈ હતી અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના અધિકારો મેળવ્યા પછી સાતેક જેટલી ચેનલો વચ્ચે નોનસ્ટોપ ચલકચલાણું રમાયું, કેટેકેટલાં પ્રેઝન્ટેશન્સ થઈ, ગણી ગણાય નહીં એટલી મિટીંગ્સ યોજાઈ… હાસ્ય લેખમાળાના અધિકારોથી શરૂ થઈને ચેનલના અપ્રુવલ સુધીની સફર સાતસાત વર્ષ સુધી લંબાઈ જશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય? આખરે ૨૦૦૮માં સબ ટીવીએ ગ્રાીન સિગ્નલ દેખાડ્યું.
ફિલ્મસિટીમાં ગોકુલધામ સોસાયટીનો ભવ્ય સેટ ઊભો થાય છે. ઈન્ટિરીયરનાં દશ્યો માટે કાંદિવલીની એક સ્કૂલના આખા ફ્લોર પર સેટ તૈયાર કરવામાં આવે છે. શૂટિંગ પૂરજોશમાં શરૂ થાય છે. છ એપિસોડ્સ એડિટ થઈને રેડી થાય છે ત્યાં સુધીમાં તો સિરિયલ ટેલિકાસ્ટ થવાનો દિવસ આવી જાય છે ૨૮ જુલાઈ ૨૦૦૮, સોમવાર.
‘ઊધાં ચશ્માં’ પર કલંક?
‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’નો પહેલા જ એપિસોડમાં એક ડ્રીમ સિકવન્સથી છે. જેઠાલાલ કઠેડામાં ખડા છે અને વિરુદ્ધ છાવણીમાં આખી સોસાયટી છે.
‘ચિત્રલેખા’માં છપાતી હાસ્યલેખમાળાથી પરિચિત મોટા ભાગના ગુજરાતી ઓડિયન્સને આંચકો લાગે છે. આ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ છે? પાઉડર ગલીના માળાને બદલે આ બધા કોર્ટમાં શું કરે છે? તારક મહતા તોફાની ટપુડા વિશે કેટલું બધું લખે છે, પણ સિરિયલમાં બાળકો તો દેખાતાં જ નથી. ગુજરાતી વર્ગ પહેલા એપિસોડ સાથે સંધાન કરી શકતો નથી. નોનગુજરાતી દર્શકો પાસે સરખામણી કરવા માટે લેખમાળાનો સંદર્ભ નથી તે ખરેખર તો સારું છે. તેમના માટે આ તમામ પાત્રો તદ્દન નવાં છે, પણ સમગ્રાપણે પહેલો એપિસોડ નિષ્પ્રાણ પૂરવાર થાય છે…
પહેલા અઠવાડિયાના ચાર એપિસોડ પછી કહેવાતા મિત્રો અને હિતશત્રુઓ મૂછમાં મલકીને ચુકાદો આપી દે છેઃ સિરિયલમાં દમ નથી. જોઈએ, કેટલી ચાલે છે!
ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. આ મિશ્રણમાં જોકે સારા પ્રતિભાવ કરતાં ખરાબ પ્રતિભાવનું પ્રમાણ વધારે છે. આસિત મોદી નેગેટિવ ફીડબેક પછી પણ શાંત છે. તેમણે આવી જ અપેક્ષા રાખી હતી. ‘તારક મહેતા…’ની ક્રિયેટિવ ટીમ વચ્ચે સતત ચર્ચા થયા કરે છે. જેઠાલાલનું કિરદાર નિભાવી રહેલા દિલીપ જોષી એક્ટર હોવા ઉપરાંત હાર્ડકોર વ્યુઅર પણ છે. તેઓ સ્પષ્ટપણે કહે છે, ‘‘ચિત્રલેખા’માં તારક મહેતાને વાંચતી વખતે મજાની જે ફીલિંગ આવે છે તે એપિસોડ્સ જોઈને નથી જ આવતી.’
જો દિલીપ જોષીને ખુદને આવી લાગણી થતી હોય તો વર્ષોથી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ વાંચતા અને તેના પાત્રોને ભરપૂર પ્રેમ કરનારાઓની મનઃસ્થિતિ કેવી હશે?
ત્રીજો એપિસોડ ટેલિકાસ્ટ થતાં જ ‘ચિત્રલેખા’ની ઓફિસ પર સિરિયલને ગાળો આપતા ફોનકોલ્સ, ઈમેલ્સ અને પત્રોનો વરસાદ વરસવાની શરૂઆત થઈ જાય છે. આમાંના મોટા ભાગના વાચકોએ એવું જ માની લીધું છે કે સિરિયલ ચિત્રલેખા ગ્રુપે પ્રોડ્યુસ કરી છે! વાંચકોનો સૂર એક જ છેઃ આ તમે શું કરવા બેઠા છો ટીવી પર? આટલી સફળ હાસ્યલેખમાળાની આવી હાલત કરી નાખી? અમે આટલાં વર્ષોથી ટપુડાને વાંચીએ છીએ, અમારા મનમાં ચોક્કસ ચિત્ર હતું આ તમામ પાત્રોનું, પણ સિરિયલે ધડ્ દઈને ઈમેજ તોડી નાખી. સિરિયલ જોયા પછી અમને ‘ચિત્રલેખા’માં હાસ્યલેખ વાંચવાની ય મજા નહીં આવે. મહેરબાની કરીને બંધ કરો આ સિરિયલ!
‘ચિત્રલેખા’ પર આવતા પત્રો અને ઈમેલ્સના પ્રવાહને તંત્રી ભરત ઘેલાણી નીલા ટેલિફિલ્મ્સ અને અમદાવાદ તારક મહેતાના ઘરે એમ બણે દિશામાં ડાયવર્ટ કરે છે. આસિત મોદી અને તારક મહેતા બણે તમામ પત્રો તેમજ ઈમેઈલ ધ્યાનપૂર્વક વાંચે છે. જે વાચકવર્ગને પોતે દાયકાઓથી પોષ્યો છે અને જેમનો અપાર પ્રેમ સતત મળતો રહ્યો છે તેમની નારાજગી તારક મહેતાને અસ્વસ્થ કરી મૂકે છે.
રોષે ભરાયેલો એક વાંચક હદ કરી નાખે છે. તે કાગળમાં લખે છેઃ સબ ટીવીએ શરૂ કરેલી આ સિરિયલ તો ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પર કલંક સમાન છે…
કોઈ પણ સર્જકને આત્યંતિક ભાષામાં વ્યક્ત થયેલી આવી પ્રતિક્રિયા અસહ્ય લાગે. તારક મહેતા વ્યથિત થઈને ‘ચિત્રલેખા’ની ઓફિસે ફોન જોડે છે. ‘ભરત…’ તેઓ વ્યગ્ર સ્વરે કહે છે, ‘જાતી જિંદગીએ ટપુડો મને બદનામ ન કરી નાખે તો સારું…’
ટર્નંિગ પોઈન્ટ
કોઈ પણ પ્રોડ્યુસરને વિચલિત કરી દે તેવી આકરી આ ટિપ્પણી છે. આસિત મોદીને ‘ચિત્રલેખા’ના વાચકોની ગાળો અને આ ભાષા વસમી જરૂર લાગે છે, પણ તેઓ અસ્થિર થતા નથી.તેમણે નિર્માતા તરીકે પોતાનો પોઝિટિવ એટિટ્યુડ અને આત્મવિશ્વાસ અકબંધ રાખ્યા છે. દસેય દિશાઓમાંથી મળી રહેલા એકેએક પ્રતિક્રિયામાંથી એ અને તેમની ટીમ કંઈકને કંઈક શીખી રહ્યા છે.
લોકોને કેમ આવું લાગે છે? એવી કઈ ભુલો છે જે આપણા ધ્યાન બહાર રહી ગઈ હતી?
આસિત મોદી અનુભવે સમજ્યા છે કે કોઈ પણ સિરિયલ લોન્ચ થતાંની સાથે રાતોરાત હિટ થઈ જતી નથી, તેને સ્વીકૃતિના સ્તર સુધી પહોંચવામાં થોડો સમય તો લાગે છે. તેમને લાગે છે કે તારકભાઈની મૂળ વસ્તુમાં ભરપૂર હ્યુમર છે, તેથી સિરિયલમાં હ્યુમર આવવું તો જોઈએ જ. સિરિયલમાં માહોલને મોડર્નાઈઝ કરીએ કે ગમે તે કરીએ, ઓડિયન્સને હસવું આવે તે અગત્યનું છે. એક વાર હાસ્યનું આવરણ ‘ક્રેક’ થઈ જાય એટલે ગંગા નાહ્યા, પછી બીજું બધું તો મેનેજેબલ છે…
… અને હાસ્યનું કપરું આવરણ ‘ક્રેક’ થાય છે ચંપકલાલની એન્ટ્રીથી.
ચંપકલાલના મુંબઈગમનનો વાર્તાપ્રવાહ સરસ રીતે ડિફાઈન થયેલો છે. આ સિકવન્સમાં બે મહત્ત્વનાં એલીમેન્ટ્સ પણ ઈન્ટ્રોડ્યુસ થયાં છે જે બહુ નજીકના ભવિષ્યમાં હિટ આઈટમ બની જવાનાં છે દયાનું ‘હે મા… માતાજી!’ અને તેની ગરબા કરવાની અજબ શૈલી. ટૂંકમાં, ચંપકલાલની એન્ટ્રીવાળા એપિસોડ્સમાં હ્યુમરનો નિશ્ચિત સૂર પકડાયો છે.
યેસ્સ… ધીસ ઈઝ ઈટ! તો આપણે આ રીતે વાર્તા કહેવાની છે! આસિત મોદી અને તેમની ક્રિયેટિવ ટીમની આંખ સામેના અસ્પષ્ટતાના વાદળ હટવાની શરૂઆત થઈ ચૂકી છે.
૨૩ ઓગસ્ટ ૨૦૦૮. આ તારીખે જન્માષ્ટમી છે. જનમાષ્ટમીવાળો એપિસોડ ટીવી પર ટેલિકાસ્ટ થયા પછી આસિત મોદી તારકભાઈનો અભિપ્રાય માગે છે.
‘એપિસોડ ખરેખર સારો હતો આસિત,’ તારક મહેતા કહે છે, ‘લેડીઝ લોકો મટકી ફોડે છે અને એ બધું જોવાની મજા આવે એવું હતું, પણ બધો મસાલો એકમાં જ કેમ વાપરી નાખ્યો?’
‘એટલે? હું સમજ્યો નહીં તારકભાઈ…’
‘એટલે એમ કે તારી પાસે સારો વિષય હતો, સારું મટિરિયલ હતું તો તે બધું એક જ એપિસોડમાં કેમ વણી લીધું? પ્રસંગોને વધારે બહેલાવીને એકને બદલે બે એપિસોડ કર્યા હોત તો વધારે મજા આવત…’
તારકભાઈએ સાવ સીધાસાદા શબ્દોમાં સો ટચના સોના જેવી વાત કહી દીધી છે. વાર્તા ઉતાવળે કહી દેવાની ન હોય, તેને બહેલાવવાની હોય, વધારે એક્સાઈટિંગ બનાવવાની હોય. રમૂજનો ખજાનો એકસામટો ખુલ્લો નહીં મૂકી દેવાનો, બલકે તેને હળવે હળવે ખર્ચવાનો. વાર્તા ભલે ખેંચાય, પણ સ્ક્રીનપ્લે પણ વધારે મહેનત કરવાની, તેને વધારે એક્સાઈટિંગ બનાવવાનો! ચંપકલાલની એન્ટ્રીવાળી સિકવન્સથી વાર્તાને રમૂજી રીતે શી રીતે કહેવી તેની રીત સમજાઈ હતી. આજે તારકભાઈની વાત સાંભળીને વાર્તાને કેવી રીતે બહેલાવવી તે સમજાયું!
એ જ વખતે સોની ટેલિઝિનના વડા એન.પી. સિંહનો એસએમએસ આવે છેઃ સુપર્બ જન્માષ્ટમી એપિસોડ… વેલડન!
સિંહસાહેબ જેન્યુઈન માણસ છે, તેઓ ક્યારેય કશુંય અમસ્તા કે કહેવા ખાતર નહીં કહે. પહેલાં તારકભાઈના સ્વીકૃતિભર્યા શબ્દો અને હવે એન.પી. સિંહનો આવો ઉત્સાહજનક મેસેજ.. જાણે પોતે પરીક્ષામાં પાસ થઈ ગયા હોય તેવી નક્કર લાગણી આસિત મોદીના મસ્તિષ્કમાં જાગે છે. જી હાં, પપ્પુ શાયદ પાસ હો ગયા… સિરિયલ લોન્ચ થઈ તેના એક મહિના પછી, ફાયનલી!
શાનદાર શતક – સ્ટાર્સ આર બોર્ન!
Celebration Time…
૫ ફેબ્રુઆરી ૨૦૦૯. સ્થળ ક્લબ મિલેનિયમ, જુહુ. અવસર છે, ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના ૧૦૦ એપિસોડ્સનું ગ્રેન્ડ સેલિબ્રેશન.
સિરિયલનો સૌથી પહેલો એપિસોડ ટેલીકાસ્ટ થયો હતો ત્યારે આ જ રીતે સેલિબ્રેશન થયું હતું અને સૌએ સાથે મળીને અવસર ઉજવ્યો હતો. તે વખતે, ખેર, ઉમંગની સાથે ઉચાટ પણ હતો પણ આજની ભાવસ્થિતિ જુદી છે. આજે ઉચાટનું સ્થાન આત્મવિશ્વાસે લઈ લીધું છે. આંખોની ચમક વધી છે. સ્મિત વધારે પહોળા થયા છે. ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાય જાણીતા ચહેરા આમતેમ ઘુમી રહ્યા છે, હસીને વાતો કરી રહ્યા છે, ઘ્રુજારીદાર સંગીતના તાલે ઝુમી રહ્યા છે. મિડીયા તેના રસાલા સાથે ઉપસ્થિત છે. ચારે બાજુ ફ્લેશ લાઈટ્સની છોકમછોળ છે. ‘તારક મહેતા….’ના આર્ટિસ્ટોને આજે જુદી રીતે કેમેરાનો સામનો કરી રહ્યા છે. સામે માઈક લઈને ઊભેલા ટીવી રિપોર્ટરો સાથે વાત કરવામાં તેમને મોજ પડી રહી છે.
તારક મહેતા પોતાના વરિષ્ઠ પત્રકાર મિત્ર કાન્તિ ભટ્ટ સાથે સોફા પર બિરાજીને સંતુષ્ટ નજરે માહોલને નિહાળી રહ્યા છે. મહેમાનો સાથે હળતીભળતી વખતે અને મિડીયા સાથે વાતો કરતી વખતે પણ આસિત મોદીનું ધ્યાન તારક મહેતા પરથી હટતું નથી. તેઓ જુએ છે કે તારક મહેતા ખુશ છે. આ જ તો સૌથી મોટી સફળતા છે…
એક ઉજવણી તો રંગેચંગે પાર પડી. હજુ બીજી ઉજવણી બાકી છે. આસિત મોદીને ઈન્દુબહેનનો ફોન આવે છે, ‘મહેતાનો ૮૦મો જન્મદિવસ આવી રહ્યો છે. નવભારતવાળા આ નિમિત્તે મહેતાના ૮૦ પુસ્તકો એકસાથે બહાર પાડવાના છે. અમેરિકાથી ઈશાની અને ચંદ્ર (દીકરીજમાઈ) પણ આવી રહ્યાં છે. વિમોચન નરેન્દ્ર મોદીના હાથે થશે, જો એમનું શેડ્યુલ બરાબર ગોઠવાશે તો. આસિત, મને લાગે છે કે આ પ્રસંગ આપણે યાદગાર બનાવવો જોઈએ. તમે સિરિયલની ટીમ લઈને અમદાવાદ આવો તો કેવું?’
ઉત્તમ!
અમદાવાદ પહોંચીને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીમ પ્રેસ કોન્ફરન્સને સંબોધે છે અને બીજે દિવસે એટલે કે ૧ માર્ચ ૨૦૦૯ના રોજ ટાઉન હોલમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે. આ જ કાર્યક્રમમાં પ્રવચનો ઉપરાંત નાટક પણ પર્ફોર્મ થવાનું છે. રવિવારની સવારે સિરિયલની ટીમ ટાઉન હોલ પહોંચે છે ત્યારે માનવમેદની જોઈને છક્ક થઈ જાય છે. ચીફ મિનિસ્ટર આવવાના છે એટલે સિક્યોરિટીનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લગભગ બારસો સીટ્સની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ પેક થઈ ગયું છે, લોકો ચાલવાની જ્ગ્યા પર, પગથિયે કે જ્યાં જગ્યા મળે ત્યાં ખીચોખીચ ઊભા રહી ગયા છે છતાં બીજા કેટલાય માણસ અંદર આવવા પડાપડી કરી રહ્યા છે. ટીમના સભ્યો તો પાછલા દરવાજેથી ગ્રીન રૂમમાં પહોંચી ગયા, પણ તારક મહેતા મુખ્ય એન્ટ્રેન્સ પાસે ભીડમાં અટવાઈ ગયા છે. પપ્પાનો હાથ પકડીને ઊભેલાં ઈશાની શાહે મોટે અવાજે બોલવું પડે છે, ‘અરે આ તારક મહેતા પોતે છે, આ ફંકશન જેમના માટે યોજાયું છે એ લેખક… અમને તો અંદર જવા દો!’
હકડેઠઠ જમા થયેલી જનતાનો પ્રતિસાદ ગજબનાક છે. અમદાવાદની જનતા પોતાનાં પ્રિય પ્રાત્રોને જીવતાજાગતાં, પોતાની આંખોની સામ નિહાળીને ઉન્માદ અનુભવી રહ્યા છે. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં નાટક રજૂ થાય છે, જેમાં સિરિયલના બધા જ કલાકારોએ ભાગ લીધો છે.
નરેન્દ્ર મોદી થોડી વહેલી વિદાય લઈ લે છે. તે સાથે સલામતી વ્યવસ્થા માટે રચાયેલા અભેદ્ય કોઠા ગાયબ થઈ જાય છે અને લોકોએ અત્યાર સુધી જાળવી રાખેલો સંયમ તૂટે છે. કાર્યક્રમ પૂરો ઘોષિત થતાં જ જાણે ગાડુંતૂર પૂર આવ્યું હોય તેમ લોકોનાં ટોળાં અદાકારોને ઘરી વળે છે. કોઈને હાથ મિલાવવા છે, કોઈને ઓટોગ્રાફ લેવો છે, કોઈને તેમની સાથે ફોટો પડાવવા છે તો કોઈને માત્ર તેમને નજીકથી જોવા છે, સ્પર્શવા છે. આ બિલકુલ અણધાર્યું છે. આ ઉન્માદ અકલ્પ્ય છે. આવા પ્રતિસાદની અપેક્ષા કોઈએ નહોતી રાખી.
એક વાત આજે સૌને સમજાઈ ગઈ છે – સલામતીના પાક્કા બંદોબસ્ત વગર હવે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના આર્ટિસ્ટો માટે જાહેરમાં આવવું મુશ્કેલ છે. એક હકીકત આજે સ્ફોટ સાથે ઊછળીને સપાટી પર આવી ગઈ છે – માત્ર સાત જ મહિનામાં આ સિરિયલના કલાકારો સ્ટાર બની ગયા છે. સિનિયર એક્ટરોથી માંડીને બાળકલાકારો સુધીના બધા જ!
…અને એક પ્રતીતિ આ સમગ્ર ઘટનાક્રમના હિસ્સેદાર બનેલા તારક મહેતા નક્કરપણે થઈ રહી છે આસિતને મારી લેખમાળા પરથી સિરિયલ બનાવવાના રાઈટ્સ આપીને મેં કોઈ ભુલ કરી નથી!
અને હવે…
સુપર સક્સેસફુલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ હવે તો ૭૦૦ એપિસોડ્સનો આંકડો વટાવી ચૂકી છે અને હજુય પહેલાં જેટલી જ હોટએન્ડહેપનિંગ છે. સફળતા તો ઘણી સિરિયલોને મળે છે, પણ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળ્યો છે એવો જનતાનો ચિક્કાર પ્રેમ બહુ ઓછી સિરિયલના નસીબમાં લખાયેલો હોય છે….
0 0 0
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply