ગાંધીબાપુએ બકાને શું કહ્યું?
ચિત્રલેખા – અંક ૧૭ ઓક્ટોબર ૨૦૧૧
ચિત્રકાર અતુલ ડોડિયાનાં લેટેસ્ટ આર્ટ એક્ઝિબિશનમાં સાહિત્યકાર લાભશંકર ઠાકરનાં
લખાણને કમાલની કલાત્મક અભિવ્યક્તિ મળી છે.
બીજા દિવસે બાપુ આવીને બેઠા કે મે પૂછ્યું,
‘બાપુ બીજાની ઊંઘ તે ઊંઘ જ હોયને?’
‘હાસ્તો.’
‘બીજાની ઊંઘ ઊંઘ ના હોય?’
‘ઊંઘ જ હોય બકા.’
‘તો બકાની ઊંઘ બકાની ઊંઘ કરીને બકાને પૉલ્શન (એટલે કે માખણ) કેમ મારો છો?’
‘તારી ઊંઘમાં રહેવું ગમે છે બકા એટલે.’
‘એટલે પૉલ્શન મારો છો?’
‘એમ જ હશે બકા.’
‘હશે એટલે? ‘છે’-ની વાત કરોને.’
‘બકા, આમ ધમકાવ નહીં મને.’
‘તો પછી બકાને પૉલ્શન નહીં મારવાનું.’
‘પણ બકા એમાં શું બગડી ગયું તારું?’
‘ઊંઘ.’
‘સારું બકા. સોરી, લાય રબ્બર. પૉલ્શનના ડાઘા ભૂંસી નાખું.’
આ સંવાદ આકાર લે છે, મહાત્મા ગાંધી અને દસબાર વર્ષના એક ઉત્સુક કિશોર વચ્ચે. ૨૦૦૪માં પ્રતિષ્ઠિત સાહિત્યકાર લાભશંકર ઠાકર (લાઠા)નું ‘બકો છે. કલ્પો’ નામનું એક પુસ્તક પ્રકાશિત થયેલું. આ સંવાદ તે પુસ્તકનો એક અંશ છે. પુસ્તકમાં ગાંધીજી અને બકા વચ્ચે આવા ઘણા સંવાદો થાય છે. સાત વર્ષ પછી આ પુસ્તકને યાદ કરવાનું ખાસ કારણ એ છે કે ગાંધીજી, બકો અને આ સંવાદો પુસ્તકના પાનાં પરથી ગતિ કરીને હવે કેન્વાસ પર ઊભર્યા છે. આ કમાલનું સ્વરૂપાંતર કર્યું છે, ભારતના સર્વશ્રેષ્ઠ સમકાલીન ચિત્રકારોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા અતુલ ડોડિયાએ. મુંબઈની ‘કેમોલ્ડ’ આર્ટગેલેરીમાં ‘બકો એક્ઝિસ્ટ્સ. ઈમેજિન’ શીર્ષક હેઠળ યોજાઈ ગયેલાં કળાપ્રદર્શનનાં ૧૨ પેઈન્ટિંગ્સમાં અતુલ ડોડિયાની ઓર એક સર્જનાત્મક છટા સુંદર રીતે ઝીલાઈ.
લાકડાના સ્ટેન્ડ પર માઉન્ટ કરવામાં આવેલાં વિશાળ કદનાં આ પેઈન્ટિંગ્સ પહેલી નજરે તો સ્કૂલના બ્લેકબોર્ડ જેવાં લાગે. અતિ વપરાશને કારણે બ્લેકબોર્ડની કાળી સપાટી ક્યાંક ક્યાંકથી ઘસાઈને જાણે ઊખડી ગઈ છે. તેના પર સફેદ ચોકથી અત્યંત સુઘડ અંગ્રજી અક્ષરોમાં બાપુબકાનું લખાણ લખવામાં આવ્યું છે. ડસ્ટરથી લૂછવાને કારણે રહી ગયેલા આછા સફેદ ડાઘ તેમજ અક્ષરોની આસપાસ ચોકના વેરાઈ ગયેલા ઝીણા કણો પણ ચોખ્ખા દેખાય છે. લખાણની આસપાસ અને નીચે જુદી જુદી ઈન્ટરેસ્ટિંગ આકૃતિઓ છે. ક્લાસરૂમનાં કાળા પાટિયાં જેવી આબાદ અસર ઊપજાવતાં બ્લેક કેનવાસ પર અતુલ ડોડિયાએ ઓઈલ, ઓઈલ સ્ટિક, વોટરકલર, એક્રેલિક અને માર્બલ ડસ્ટનો ઉપયોગ કર્યો છે.
બાવન વર્ષીય મુંબઈવાસી અતુલ ડોડિયા ચિત્રલેખાને કહે છે, ‘હું આકાર અને અક્ષરો વચ્ચે ભેદ જોતો નથી. લખાણ પણ દશ્યકળાનો જ એક ભાગ છે. હું જમણેરી છું , પણ આ પેઈન્ટિંગ્સ પરનું લખાણ તૈયાર કરવા માટે મેં ડાબો હાથ વાપર્યો હતો કે જેથી ફોન્ટ્સને સુનિશ્ચિત ઘાટ મળે. અગાઉ પણ મેં લિપિસંબંધિત, ટેક્સ્ટબેઝડ ઘણું કામ કર્યું છે. આ કૃતિઓને જોઈને કલારસિકને સવાલ થવો જોઈએ કે મારે આને જોવાનું કે વાંચવાનું? જોનાર મૂંઝાય, સમજવાની મથામણ કરે, એને અવઢવ થાય, હું જે કહેવા માગું છું તે યથાતથ સાંભળી લેવાને બદલે પોતાની કથા ઘડવાના પ્રયત્ન કરે… આ બધામાં મને બહુ રસ પડે છે.’
અતુલ ડોડિયાને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ જાણીતો છે. ૨૦૦૩માં તેમણે ‘એન્ટલર એન્થોલોજી’ શીર્ષક હેઠળ આઠ આધુનિક ગુજરાતી કવિઓની રચનાઓનો વિનિયોગ કરીને વિશાળ કદનાં એક ડઝન ચિત્રો તૈયાર કર્યાં હતાં. લાભશંકર ઠાકર લિખિત ‘બકો છે. કલ્પો’માં તેમના અતિ પ્રિય પાત્ર મહાત્મા ગાંધીજી જુદા જ અંદાજમાં પેશ થાય છે. ભૂતકાળમાં અતુલ ડોડિયાની કૃતિઓમાં ગાંધીજી અનેક વખત પ્રગટ થઈ ચૂક્યા છે. અલબત્ત, આ વખતનાં ચિત્રો ફક્ત ગાંધી વિશેનાં નથી એમ કહીને અતુલ ડોડિયા ઉમેરે છે, ‘લાઠાનાં આ પુસ્તકમાં ગાંધીજી અને બકો બે દોસ્તારોની જેમ સહજપણે વાતો કરે છે. ગાંધીજીની વાતચીતમાં સ્વાતંત્ર્યસંગ્રામ, અહિંસા કે સત્યાગ્રહ આવતાં નથી. આ એબ્સ્ટ્રેક્ટ વાતો છે. પુસ્તકમાં વચ્ચે વચ્ચે આવતા આ કાલ્પનિક ગદ્યખંડોમાં બકાનું વિસ્મય અને ઉત્સુકતા સરસ ઝીલાયાં છે. પુસ્તક વાંચ્યું ત્યારે બકાની માનસિકતા સાથે હું મારી ખુદની કિશોરાવસ્થાને રીલેટ કરી શક્યો. દસબાર વર્ષની ઉંમરે મારા મનમાં ખુદના ગમાઅણગમા વિશે તેમજ કળાપ્રેમ વિશે સ્પષ્ટતાઓ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. મારે આ વિષયને લઈને કેનવાસ પર કશુંક ઊતારવું હતું. આખરે આ ટેક્સ્ટ-બેઝડ ફૉર્મ વિશે માનસિક સ્પષ્ટતા થતાં પેઈન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું.’
બાપુ બકાના સપનાંમાં નહીં, પણ ઊંઘમાં મળે છે. સપનું બહુરંગી હોઈ શકે, પણ ઊંઘનો શેડ ડાર્ક છે, ઘેરો કાળો છે. તેથી કેનવાસનું બેકગ્રાઉન્ડ સ્કૂલનાં બ્લેકબોર્ડ જેવું કાળું છે. વળી, કાળા પશ્ચાદભૂને બેઝ યા તો ધરી નથી. ગુરુત્વાકર્ષણવિહીન સ્થિતિમાં વસ્તુઓ તરતી હોય તેમ અહીં જુદાં જુદાં એલીમેન્ટ્સ અને આકૃતિઓ ફ્લોટ કરી રહ્યાં છે. આ કૃતિઓ બહોળા વર્ગ સુધી પહોંચી શકે તે માટે લાઠાની ટેક્સ્ટનું અંગ્રજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. આ કામ કર્યું નાટ્યકારલેખક નૌશિલ મહેતા તેમજ કવયિત્રી અરુંધતી સુબ્રમણ્યમે. અલબત્ત, આ ચિત્રોને લાઠાનાં લખાણનું ચિત્રસ્વરૂપ ગણીને મર્યાદિત દષ્ટિકોણથી જોવાની ભૂલ કરવા જેવી નથી. લેખકના લખાણને આત્મસાત કરીને, તેને પોતાના ચિત્તનો એક હિસ્સો બનાવીને ચિત્રકારે પોતાના મિજાજ પ્રમાણે કરેલું આ આત્મકથનાત્મક અર્થઘટન છે.
આ એક્ઝિબિશનમાં માત્ર ચિત્રો જ નહોતાં, પણ ‘મેડિટેશન (વિથ ઓપન આઈઝ)’ નામનું બહુ જ રસપ્રદ આર્ટ ઈન્સ્ટોલેશન પણ હતું. ઈન્સ્ટોલેશન એટલે, સાદી ભાષામાં, મ્યુઝિયમના ઓરડામાં કે ખુલ્લામાં અલગ અલગ ચીજવસ્તુઓેની કરવામાં આવતી કલાત્મક ગોઠવણી. અતુલ ડોડિયાએ અહીં નવ જેટલાં લાકડાંના કબાટ લગોલગ ગોઠવ્યા હતા. તેમાં હાથેથી અનાજ દળવાની ઘંટીના તોતિંગ પડ, ગરમ પાણીથી શેક કરવાની કોથળી, વિષ્ણુના દશાવતારમાંથી સાતેક જેટલા અવતારની મૂર્તિઓ, એક પર એક ગોઠવાયેલા ડસ્ટરનો સ્તંભ, જૂના જમાનાની ઘડિયાળ જેવી કંઈકેટલીય વસ્તુઓ છે. તે સિવાય સત્યજિત રાય, ફ્રેન્ચ ફિલ્મમેકર ફ્રાન્સવા ત્રુફો, અમેરિકન પેઈન્ટર જાસ્પર જોન્સ આદિની તસવીરો તેમજ ‘આનંદ’ ફિલ્મનો સ્ટિલ ફોટોગ્રાફ સુદ્ધાં છે. આ બધાની સૂઝપૂર્વક થયેલી ગોઠવણી વિશિષ્ટ અસર ઊપજાવે છે.
અતુલ ડોડિયા સમાપન કરે છે, ‘આ મારાં બાળપણનાં પ્રતીકો છે અને હું જેમનાથી પ્રભાવિત થયો છ એવા મારા હીરોઝ છે. આર્ટ એક્ઝિબિશનનો આ મહત્ત્વનો હિસ્સો છે. જો બકો ન હોત તો આ ઈન્સ્ટોલેશન પણ ન હોત.’
અતુલ ડોડિયાનાં અગાઉનાં પ્રદર્શનોની માફક આ એક્ઝિબિશન પણ કળાજગતમાં સ્પંદનો પેદા કરશે એ તો નક્કી.
0 0 0
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply