Sun-Temple-Baanner

ફ્લાયઓવર બ્રિજ નીચે વહેતું ઝરણું


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ફ્લાયઓવર બ્રિજ નીચે વહેતું ઝરણું


ફ્લાયઓવર બ્રિજ નીચે વહેતું ઝરણું

શું મને મારાં કોઈ જર્નલિસ્ટિક કામ માટે પુલિત્સર પ્રાઈઝ એનાયત થયું છે?

શું મેં એવી કોઈ મહાન નવલકથા લખી નાખી છે યા તો એવી કવિતાઓ, નવલિકાઓ કે બીજું કોઈ સાહિત્ય રચી નાખ્યું છે જેને લીધે હું સાહિત્યના નોબલ પ્રાઈઝ માટે મજબૂત દાવેદાર ગણાતો હોઉં?

શું મેં એવી કોઈ મહાન ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે જેને લીધે ઓસ્કરમાં મારું નોમિનેશન પાકું હોય?

ફેન્ટસીના લેવલ પર આ ત્રણેય સવાલોના જવાબ છેઃ હા. ફેન્ટસીમાં તો, ખેર, મારા ઘરની શેલ્ફ પર આ ત્રણ સિવાયના પણ બીજા કેટલાય ભવ્ય પારિતોષિકો હું કાયમ જોઉં છું!

પણ હકીકત જુદા અંતિમ પર ઊભી છે.

અને છતાંય હું ‘લેખક’ તો છું જ. ગર્વિષ્ઠ અને આત્મસન્માનથી પુષ્ટ લેખક. ગૌરવ અને સંતોષની આ લાગણી ભીતરમાંથી, જેને આપણે માંહ્યલો કહીએ છીએ તેમાંથી, ઝરે છે.

જેમ ખુમચાવાળા માટે પાણીપુરી બનાવવી એક કામ છે, કેશકર્તનકાર માટે કેશકર્તન કરવું એક કામ છે, તેમ લેખક માટે લખવું એક કામ છે. અલબત્ત, ખુમચાવાળાએ કે કેશકર્તનકારે કામ કરતી વખતે માત્ર પોતાનું કૌશલ્ય બતાવવાનું હોય છે, એને પોતાની જાતને ‘એક્સપ્રેસ’ કરવાના અબળખા હોતા નથી. લેખકનું ખાતું જરા જુદું છે. પોતાનાં વિચારો-લાગણીઓ-ક્રિયેટિવિટીને વાચક સુધી પહોંચાડવાની તેની ઝંખના હોય છે. શ્રોતા વગરનો વક્તા અપ્રસ્તુત છે તેમ વાચક વગરનો લેખક અપ્રસ્તુત બની જાય છે. લેખક અથવા તો લખાણનો મહિમા થવા માટે વાચકનું હોવું જરૂરી. છતાંય એક હદ પછી લેખકની લેખકવૃત્તિ બાહ્ય વેલિડેશન પર આધારિત ન રહે, તે શક્ય છે. કમરાના એકાંતમાં સિતાર કે પિયાનો કે કોઈપણ વાદ્ય પર લીન થઈને રિયાઝ કરી રહેલા કે સંગીતનું સજર્ન કરી રહેલા કલાકારનો આનંદ, સેંકડો-હજારો શ્રોતાઓની દાદ ઝીલી રહેલા કલાકારના આનંદ કરતાં માત્ર જુદો હોય છે, ચડિયાતો કે ઉતરતો નહીં. કલાકારનો યા તો લેખકનો નિજાનંદ ક્યાં સુધી વિસ્તરતો હોય છે અને સ્વીકૃતિની અપેક્ષાનો ઈલાકો ક્યાંથી શરૂ થઈ જતો હોય છે?

૦ ૦ ૦

નિજાનંદ ને અભિવ્યક્તિ ને સર્જનપ્રક્રિયા ને એવા બધા ભારેખમ શબ્દોથી પરિચિત થવાની વાર હતી ત્યારે, કોલેજનાં વર્ષોમાં, લખવું એ અનાયાસે જ મારા માટે એક એવું દોરડું બની ગયું હતું, જેના થકી લટકતા રહીને ઊંડી ખીણમાં ફંગોળાઈ જતા બચી શકાય. સ્કૂલજીવનમાં ભણતર એ ગર્વનો અને સ્વપરિચયનો સૌથી મોટો સ્ત્રોત હતો, પણ એન્જિનીયરિંગ કોલેજમાં પ્રવેશતાંની સાથે જ, જાણે એક ક્ષણમાં સ્વિચ પટાક્ કરતી ઓનમાંથી ઓફ્ થઈ જાય તેમ, ભણતર એકદમ જ ભયાનક આઈડેન્ટિટી ક્રાઈસિસનું કારણ બની ગયું. જીવનનો એ સૌથી પીડાદાયી તબક્કો હતો. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ હતી કે વડોદરાના પોલિટેક્નિક કેમ્પસમાં મારી હોસ્ટેલ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર હું રાત્રે એકલો જતો અને રેલિંગ પાસે ઊભા રહીને નીચે આવજા કરી રહેલી ટ્રેનોને જોતો, મનોમન ટ્રેનોના સમય નોંધતો અને પ્લાનિંગ કરતોઃ માત્ર એક જ છલાંગ, બસ. શરીર સીધું નીચે બે પાટા વચ્ચે પટકાશે એટલે જીવ આમેય જતો રહેશે. ધારો કે ન ગયો તો બીજી જ મિનિટે ધસમસતી ટ્રેન શરીરનો ખુદડો બોલાવી દેશે. વાત પૂરી.

પણ વાત હંમેશા અધૂરી રહી જતી. હું ફ્લાયઓવર બ્રિજ પરથી પાછો વળી જતો અને હોસ્ટેલના દોસ્તોની ધમાલમસ્તીમાં ચુપચાપ સામેલ થઈ જતો.

એ વર્ષોમાં ટકી રહેવા માટે આ બે જ આધારો હતા- હોસ્ટેલના બંદરછાપ દોસ્તો અને બીજી ડાયરી. અંગત ડાયરી. મિત્રો મારા જેટલા જ અપરિપક્વ અને બિનઅનુભવી હતા તે કારણ હતું અથવા કદાચ તેમની પાસે હૈયું ઠાલવી શકવાનો માહોલ ઊભો થઈ શકતો નહોતો. ઘરના લોકો સાથે બિલકુલ વાત કરી શકું તેમ નહોતો. તેથી તમામ પીડાઓ, અસ્પષ્ટતાઓ, માનસિક સંઘર્ષો, તારણો અને સંકલ્પો ડાયરીનાં પાનાં પર ઠલવાતાં. ઓરડાના એકાંતમાં ભીષણ એકાગ્રાતાથી મારી કલમ સડસડાટ ચાલતી. ભયાનક દબાણ અનુભવતું કૂકર વિસ્ફોટ સાથે ફાટી પડે તે પહેલાં વ્હીસલ વાગે અને પ્રેશર હળવું થઈ જાય તેમ ડાયરીનાં પાનાં પર ખાલી થઈ ગયા પછી હું શાંત થઈ જતો. કશુંક ધાર પાસે આવીને અટકી જતું અને પાછું ભીતર લપાઈ જતું. મારી ડાયરી પેલી આત્મઘાતી વૃત્તિનાં ઝેરીલાં અંકૂરોને ખબર ન પડે તેમ વાઢી નાખતી. હું ટકી જતો.

મારી ડાયરી મારી ઓક્સિજન-માસ્ક હતી. ડાયરીમાં થતું આ લેખન મારી થેરાપી હતી. સેલ્ફથેરાપી. આ એવું લખાણ હતું જે ક્યાંય છપાવાનું નહોતું. જેને હું ક્યારેય કોઈને વાંચવા આપવાનો નહોતો. જેને વાહવાહી કે શાબાશી કે વ્યાપક સ્વીકૃતિ સાથે કોઈ સંબંધ નહોતો. પણ એ લખાણ લખાવું મારા માટે અત્યંત નિર્ણાયક હતું.

તીવ્ર માનસિક કટોકટીનો આ તબક્કો તો ખેર, એક બિંદુ પછી શમી ગયો, પણ ડાયરી વફાદાર પ્રિયતમાની જેમ સતત સાથે રહી. એન્જિનીયરિંગના વર્ષોમાં એન્જિનીયરિંગનાં પુસ્તકો સિવાયનું બીજું બધું જ વંચાતું. એમ. એસ. યુનિવર્સિટીની એચ. એમ. લાઈબ્રેરીમાં મોટા ઉપાડે વાંચવા તો જતો, પણ અડધી જ કલાકમાં માઈક્રોપ્રોસેસર્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સનાં થોથાંનાં સ્થાને હાથમાં ચંદ્રકાન્ત બક્ષીની ‘આકાર’ કે પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ આવી જતાં. કોલેજના અધૂરાં એસાઈન્મેન્ટ્સ બેગમાં જ રહી જતાં અને ‘પરબ’ કે ‘ગદ્યપર્વ’ જેવાં સાહિત્યિક સામયિકોમાં બિઝી થઈ જવાતું.

હોસ્ટેલમાં મોડી રાત સુધી જાગીને પ્રેક્ટિકલ્સની જર્નલ બને કે ન બને, પણ ‘અભિયાન’માં પ્રગટ થતી બક્ષીની ‘વિકલ્પ’, મધુ રાયની ‘નીલ ગગન કે તલે’ કોલમ, સૌરભ શાહના ‘આડી લાઈને ચડેલાઓને…’ જેવા લેખો તેમજ ‘સમકાલીન’ની ‘વરાયટી’ પૂર્તિમાંથી હસમુખ ગાંધીની કોલમનાં પાનાં ફાડીને એની વ્યવસ્થિત ફાઈલો જરૂર બનતી. આ સઘળા વાંચનને કારણે મનમાં કંઈ કેટલુંય ટ્રિગર થતું, પાર વગરનાં તરંગો જન્મતાં જે પછી શબ્દરૂપે યા તો ‘વિચારકણિકા’ રૂપે ડાયરીમાં અવતરતાં. (ડાયરી એટલે બસ્સો પાનાંના પાકાં પૂઠાવાળાં ફુલસ્કેપ ચોપડાં જ.) જે કંઈ વંચાતું એમાંથી ‘નોંધવા જેવાં’ અવતરણો રસપૂર્વક લખાતાં. આમ, ડાયરી કેવળ વિષાદ કે માનસિક યાતનાનો દસ્તાવેજ ન રહી, બલકે તેમાં કંઈકેટલાંય પ્રફુલ્લિત અને ક્રિયેટિવ રંગો ઉમેરાતા ગયા.

લખવાનો શોખ પહેલેથી હતો. બાળપણમાં ‘ચંપક’, ‘ફૂલછાબ’, ‘ફૂલવાડી’ વગેરેમાં ઝીણું ઝીણું બચ્ચા જેવું લખતો હતો અને નામ છપાયેલું જોઈને રાજી રાજી થઈ જતો હતો, પણ સાચા અર્થમાં લખવાનો નક્કર રિયાઝ આ ડાયરીને કારણે થયો. ડાયરીની એકધારી દોસ્તીને લીધે લખાણ ધીમે ધીમે સફાઈદાર થવા માંડ્યું. તે શુદ્ધ અને પ્રવાહી બનતું ગયું. ભાષાની સમજ, ભાષાની લીલા, ભાષાની મસ્તી પકડમાં આવતી ગઈ. સમજાયું કે લખવું એટલે માત્ર વ્યક્ત થવું એમ નહીં, લખતી વખતે લેખક પોતાની જાતને છુપાવવાનું કામ પણ કરી શકતો હોય છે! ગુજરાતી સામયિકો અને અખબારોની દુનિયા વધુને વધુ વશીભૂત કરી રહી હતી. કોલેજનાં વર્ષોમાં જ ‘પરબ’ અને ‘કંકાવટી’ જેવાં પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકોમાં નવલિકાઓ સ્વીકારાઈ અને છપાઈ એટલે બાપુ રાજીના રેડ થઈ ગયા. આ પિરીયોડિકલ્સમાં વાર્તા પ્રગટ થવી એટલે જાણે કે તમારા પર લેખક હોવાનો આઈએસઆઈનો માર્કો લાગી જવો!

આજે પણ ક્યારેક કોઈ લેખ લખવો હોય ત્યારે પંદરવીસ વર્ષ જૂની ડાયરીઓના થોકડા કાઢીને બેસું છું, પાનાં ફેરવું છું અને જરૂરી મસાલો અચૂકપણે મળી જાય છે. ઉદાસ કરી મૂકે તેવાં પાનાંને સ્ટેપલર વડે પિન કરી દીધાં છે કે જેથી એમાંથી નવેસરથી પસાર થવંુ ન પડે. જે કંઈ થયું હતું એનો પૂર્ણ સ્વીકાર છે, તે અનુભવોએ મજબૂતી બક્ષી છે તે સત્યનો પૂરો આદર છે. છતાં નથી કરવી એ યાદોને રિફ્રેશ. નથી જીવવી એ ક્ષણોને ફરીથી.

હું જે અનુભવો અને અનુભૂતિઓમાંથી પસાર થયો છું તે પરથી કહી શકું છું કે મારા માટે લખવું એટલે માત્ર પત્રકારત્વનાં ન્યુઝફીચર્સ લખવાં કે વાર્તા-નવલકથા-નાટક લખવાં કે અન્ય કોઈ પ્રોફેશનલ રાઈટિંગ કરવું એમ નહીં. લખવું એટલે એકત્રિત કરેલી માહિતી કે પોતાના વિચારો-લાગણીઓ ક્રિયેટિવિટીને લોકો સામે રજૂ કરવાં કેવળ એમ પણ નહીં. બીજાઓનો સંદર્ભ તો પછી આવે અથવા ન પણ આવે. મારા કિસ્સામાં લખવું એટલે ભગવાને આપેલાં મન-મગજ-દિલમાં જે હોબાળો ચાલી રહ્યો છે તેને સમજવો. કશુંક અસ્પષ્ટ છે, અધૂરું છે, કશાકનો તાળો મળી રહ્યો નથી કે કશુંક હવામાં અધ્ધર લટકે છે તેવું આઈડેન્ટિફાય કરવું, સમજવું અને સ્વીકારવાની કોશિશ કરવી. માંહ્યલા સામે પ્રામાણિક બનવાનો પ્રયત્ન કરવો.

મારી ડાયરીએ મારું ઘડતર કર્યુ છે. મને જીવતો રાખ્યો છે. લખવું એટલે શું એ પ્રશ્નનો સૌથી પહેલો નક્કર જવાબ મને ડાયરીના રૂપમાં, જીવન ટકાવી રાખવાના ઓજારના રૂપમાં મળ્યો છે. મારી નજરમાં લેખનપ્રક્રિયાની આ સૌથી સુંદર અને સૌથી મૂલ્યવાન ઓળખાણ છે.

૦ ૦ ૦

આવ્યું. પછી તો બધું જ આવ્યું. પત્રકારત્વમાં પ્રવેશ્યા પછી યુએનઆઈ-પીટીઆઈના અંગ્રોજી સમાચારોના અનુવાદોથી લઈને આવતા રવિવારે ફલાણા સ્થળે છગનભાઈ મગનભાઈનું જાહેર પ્રવચન પ્રકારની નગરનોંધથી લઈને છાપાં-મેગેઝિનનાં ફિક્સ ફોર્મેર્ટ ધરાવતા વિભાગો માટેનાં લખાણોથી લઈને ઘાટઘાટનાં પાણી પીધેલા જાતજાતના લોકોના ઈન્ટરવ્યુઝ-ક્વોટ્સ લીધા પછી તૈયાર થતા લેખોથી લઈને કોલમ્સથી લઈને ધારાવાહિક નવલકથા સુધીનું બધું જ લખવાનું આવ્યું.

એન્જિનીયરિંગમાં વર્ષો સુધી દબાયેલી રહેલી મારી સ્પ્રિન્ગ ૧૯૯૫માં પત્રકારત્વમાં પ્રવેશતાની સાથે જ તીવ્રતાથી ઉછળી. શરૂઆત ‘જન્મભૂમિ’થી થઈ. સવારે સાત વાગે શરૂ થયેલી ઓફિશીયલ ડ્યુટી બપોરે બે વાર પૂરી થઈ જતી, પણ પછી મારી ‘હિપ્ હિપ્ હુર્રે’ સપ્લીમેન્ટ માટે કામ ચાલતું. મુંબઈમાં ‘સમાંતર પ્રવાહ’ અને ‘મિડ-ડે’ જેવાં જોશીલા ટેબ્લોઈડ્સ નવાં નવાં લોન્ચ થયાં હતાં અને તેની સામે ‘જન્મભૂમિ’ જેવું સિનિયર અને ગંભીર અખબાર આ સપ્લીમેન્ટનાં રૂપમાં યુથફુલ છટા ધારણ કરી રહ્યું હતું. એમાંય હસમુખ ગાંધીએ એમના તંત્રીલેખમાં આ સપ્લીમેન્ટની પોઝિટિવ નોંધ લીધી એટલે સમજોને કે પુલિત્ઝર પ્રાઈઝ મળવાનો આનંદ કેવો હોઈ જોઈએ તેનો પાક્કો અંદાજ જર્નલિઝમમાં આવ્યાને ત્રીજા જ મહિને મળી ગયો! મુંબઈ જેવું મારા માટે સાવ નવું શહેર અને આ પૂર્તિ માટે નવા નવા લોકોને મળવાનું, ઈન્ટરવ્યુઝ કરવાના, રોકટોક વગર ખૂબ બધું મૌલિક અને મનગમતું લખવાનું, ઢગલાબંધ બાઈલાઈન્સ જોવાની… એટલો બધો આનંદ આવતો હતો કે મને ખરેખર સવાલ થતો કે ઓફિસ મને કઈ વાતનો પગાર ચૂકવે છે? આટલી બધી મજા કરવા દેવા ખરેખર તો મારે સામેથી કંપનીને ફી ચૂકવવી જોઈએ! એન્જિનીયરિંગના વર્ષોમાં સાવ પાતાળમાં પહોંચી ગયેલું આત્મસન્માન અને સ્વઓળખ ઝપાટાભેર ઊંચકાઈને નોમર્લ સપાટી પર આવી રહ્યાં હતાં. હવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પરથી નીચે નજર કરતી વખતે છલાંગ લગાવવાનો વિચાર નહોતો આવતો, પણ ધડધડાટ દોડતી લોકલ ટ્રેનોનું મીઠું મેટ્રોપોલિટન મ્યુઝિક સંભળાતું હતું…

‘જન્મભૂમિ’ પછી અનક્રમે ‘સમાંતર પ્રવાહ’, ‘ચિત્રલેખા’, ‘મિડ-ડે’ અને પછી ‘અભિયાન’નો સ્ટાફર બન્યો. જવાબદારીઓ વધતી ગઈ. અગાઉનાં પ્રકાશનો કરતાં ‘ચિત્રલેખા’ની કામગીરી જુદી હતી. અહીં હું ‘ડેસ્કનો માણસ’ નહીં, રિપોર્ટર હતો. મારી વર્ક પ્રોફાઈલ અને ટેમ્પરામેન્ટ એવાં રહ્યાં છે કે જો ‘ચિત્રલેખા’માં જોડાયો ન હોત તો નક્કર ફિલ્ડવર્કનો જે ટૂંકો અનુભવ મળ્યો છે તે કદાચ કદી ન મળ્યો ન હોત. હાલ ‘અહા! જિંદગી’ના એડિટોરિયલ કન્સલ્ટન્ટ તરીકે તેમજ ‘ચિત્રલેખા’ અને ‘દિવ્ય ભાસ્કર’ સાથે કોલમિસ્ટ તરીકે સંકળાયેલો છું.

પત્રકાર હોવાની સૌથી ‘પૈસા વસૂલ’ એક્ટિવિટી જો કોઈ હોય તો એ છે અલગ અલગ ક્ષેત્રોની વ્યક્તિઓનો વનટુવન ઈન્ટરવ્યુ લેવાનો આવ્યો છે. પાંચદસ લીટીના ક્વોટ નહીં પણ ફુલફ્લેજ્ડ ઈન્ટરવ્યુ. જીવતાજાગતા માણસને મળવું, તેની સાથે સંધાન કરી શકવું, તેની ભીતર ઝાંકવાની કોશિશ કરવી, તેનાં મન-હ્યદય-વિચારોને ક્રમશઃ અનાવૃત્ત થતાં નિહાળવા… આ આનંદ મહામૂલો છે. મુલાકાત લેનાર જો ઠીકઠીક પર્સેપ્ટિવ હોય તો અમુક ન કહેવાયેલી વાતો પણ જોઈસાંભળી-સ્પર્શી શકતો હોય છે. ઈન્ટરવ્યુ લીધા પછી તે લખવાની પણ મજા છે.

પત્રકાર ડેડલાઈનનો માણસ છે અને જ્યાં સુધી ડેડલાઈનનું પ્રેશર ન આવે ત્યાં સુધી એની કલમ હલવાની તસ્દી લેતી નથી તે એક સર્વસ્વીકૃત વાત છે. આ પુસ્તકમાં ઘણાએ આ ‘જર્નલિસ્ટિક સત્ય’ ટાંક્યું હશે, આઈ એમ શ્યોર! કોઈ બહાનું બચ્યું ન હોય, સાવ ભીંતસરસા ચંપાઈ ગયા હોઈએ અને સહેજ પણ ચસકી શકાય તેમ ન હોય, આમતેમ નજર કરીએ ત્યારે ભાગી છૂટવા માટે નાનું બાકોરું પણ દેખાતું ન હોય, આર્ટિકલ સબમિટ કરવા માટેનો બેર મિનિમમ સમય બચ્યો હોય છેક ત્યારે લખવા બેસવાનું અમને લોકોને ગમતું હોય છે. ચાલુ ભાષામાં કહીએ તો ‘નીચે રેલો આવે’ ત્યારે જ રિપોર્ટ-લેખ-કોલમ-ફિલ્મ રિવ્યુ કે કંઈપણ લખવાની મજા આવતી હોય છે! ડેડલાઈનનું જોરદાર દબાણ હોય ત્યારે એકાગ્રાશક્તિ (અને કદાચ લેખનશક્તિ પણ) ખીલે, શબ્દો ફ્ટાફટ સૂઝવા માંડે અને કાગળ અથવા તો કમ્ય્યુટર કીબોર્ડ પર ફરતી આંગળીઓ મહત્તમ સ્પીડ ધારણ કરી લે. આ રીતે લખાયેલો આર્ટિકલ ફાઈલ થઈ ગયા પછી જે નિરાંત થાય… આહા!

પણ છેલ્લી ઘડી સુધી લખવાનું ઠેલ્યા કરવાનું જોખમી નિવડી શકે છે. આ વાત ‘અભિયાન’માં ‘વિક્રાંત’ ધારાવાહિક લખી રહ્યો હતો ત્યારે બરાબર સમજાઈ રહી હતી. ‘વિક્રાંત’ મારી પહેલી જ નવલકથા. બે આંગળીના વેઢા પણ માંડ થાય એટલી જે નવલિકાઓ લખી હતી તે છેક પૂર્વજન્મમાં, કોલેજનાં વર્ષોમાં. આથી એવું પણ નહોતું કે આ પ્રકારનું ક્રિયેટિવ લખવાનો મહાવરો હતો. ‘અભિયાન’માં હવે પછીની ધારાવાહિક મારે લખવાની છે તે એકદમ જ નક્કી થયું. એક તો ‘અભિયાન’નુ સંપાદન અને એક્ઝિક્યુશન કરવાનું પુષ્કળ સમય માગી લેતું જવાબદારીભર્યુ કામ. તેમાં દર અઠવાડિયે ‘વિક્રાંત’ના હપ્તા લખવાનું એટલું જ વજનદાર વધારાનું કામ ઉમેરાયું. આદર્શ રીતે તો દસેક હપ્તા તૈયાર થાય પછી નવલકથા શરૂ કરવી જોઈએ, પણ એટલો સમય અને મોકળાશ લાવવા ક્યાંથી. અને ડેડલાઈનના પ્રેશર વગર દસદસ હપ્તા લખાય પણ કેમ. માંડ ત્રણ લખાયા અને નવલકથા છપાવાની શરૂ થઈ ગઈ. બુધવારે ઈશ્યુ પેક કરવાનો હોય એટલે નવલકથાનાં પાનાંવાળું ફોર્મ મોડામાં મોડા સોમવારે પ્રોસેસમાં જતું રહેવું જોઈએ. છેલ્લી ઘડી સુધી ‘વિક્રાંત’નો હપ્તો લખાતો રહે. પાંચપાંચસાતસાત પાનાં લખીલખીને કંપોઝમાં મોકલતો રહું અને છેલ્લે છેલ્લે ઈન્ટરકોમ પર ઓપરેટરને પૂછતો રહુંઃ હજુ કેટલાં પાનાં જોઈશે?

હપ્તો લખાતો હોય ત્યારે સાથે સાથે રૂટિન કામ તો ચાલતાં જ હોય મુબઈના અને બહારના રિપોર્ટરો સાથે સતત ફોન પર સંપર્કમાં રહેવું, ડેસ્કના સ્ટાફ અને બીજા ડિપાર્ટમેન્ટ્સ સાથે કો-ઓર્ડિનેટ કરવું, ઈમેઈલ્સ ચેક કરતા રહેવું, બીજા લેખો-વિભાગોનું એડિટિંગ કરતા રહીને તેનાં પાનાં ફાઈનલાઈઝ કરતાં જવાં વગેરે. માનસિક મોકળાશ કે નો ડિસ્ટર્બન્સ કે એકાંત કે રાઈટર્સ બ્લોકની લકઝરી એટલે શું વળી? એક વીક્લીની જે રુટિન ધમાલ હોય એમાં કશી બાંધછોડ કરવાનો સવાલ જ નહોતો. તે જ પ્રમાણે, નવલકથાની સુરેખતા, પ્રવાહીતા, અપીલ તેમજ જરૂરી રિસર્ચ કરવું પડે તો તેમાં પણ કશી બાંધછોડ ન હોય. અગાઉ કહ્યું તેમ, આ રીતે પહેલી નવલકથા લખવી કેટલી જોખમી છે તે મને સમજાઈ રહ્યું હતું. એક્સિડન્ટ-બેક્સિડન્ટ થયો ને હાથ ભાંગી ગયો તો? બે મહિનાનો ખાટલો થઈ ગયો તો? ગુજરી ગયા તો? ધારો કે આવું કશું ન થાય, પણ નવલકથામાં કેવી રીતે આગળ વધવું તે સમજાતું ન હોય તો? કશીક ક્રિયટિવ ક્રાઈસિસ ઊભી થઈ તો?

પણ થેન્ક ગોડ આવું કશું ન થયું. દીકરા, ચિંતા ન કર, ઉપર હું બેઠો છું એવું હજાર હાથવાળાએ ફરી એકવાર પૂરવાર કર્યુ! ‘વિક્રાંત’ લખાઈ, સરસ રીતે લખાઈ, પૂરો સંતોષ થાય તે રીતે લખાઈ. વાચકોએ તેને દિલપૂર્વક પસંદ કરી. પછી તો તે પુસ્તકરૂપે પણ પ્રકાશિત થઈ. ‘વિક્રાંત’ વાંચીને વાચકો હજુય પત્ર-એસએમએસ-ફેસબુસ મેસેજ રૂપે સંપર્ક કરે અને ફીડબેક આપે છે ત્યારે હોઠના બન્ને ખૂણા કાનને સ્પર્શી જાય એટલું મોટું સ્મિત ચહેરા પર આવી જાય છે.

‘મિડ-ડે’ માટે હિન્દી ફિલ્મોના રિવ્યુઝ લખવાની વાત આવી ત્યારે પહેલો વિચાર એ આવ્યો હતો કે હું તો રહ્યો કેવળ સિનેમાનો પ્રેમી, સિનેમાની સમીક્ષા કરવા માટે જે અભ્યાસ, એક્સપોઝર અને પાંડિત્ય જોઈએ તે ક્યાંથી લાવવાં? સદભાગ્યે મને આપવામાં આવેલી બ્રિફ પ્રમાણે મારે કોઈ પણ પ્રકારની પંડિતાઈના ભાર વગર આમદશર્કના પોઈન્ટ-ઓફ-વ્યુથી રિવ્યુ લખવાના હતા. રિવ્યુ લખવાનો હોય એટલે ગમે તેટલી ખરાબ હોય તો પણ ફિલ્મ આખેઆખી જોવી પડે અને પાછી ધ્યાનપૂર્વક જોવી પડે, તમે અડધેથી નાસી ન શકો, નસકોરાં બોલાવતાં સૂઈ પણ ન શકો! જોકે ફિલ્મ જેટલી ખરાબ હોય, કચકચાવીને રિવ્યુ લખવામાં એટલી વધારે મજા આવે. રિવ્યુઝ માટે લાગલગાટ બે વર્ષ સુધી દર અઠવાડિયે બબ્બે, ત્રણત્રણ અને ક્યારેક તો ચારચાર હિન્દી ફિલ્મો જોવાની ફળશ્રુતિ એ કે, મા કમસ, સહનશીલતા ગજબની વધી ગઈ છે!

૦ ૦ ૦

સાહિત્યમાં રસ હોય, લખવાનો શોખ હોય એટલે પત્રકારત્વમાં જવું એવું એક સાદું સમીકરણ આગાઉ પણ હતું, આજે ય છે. આ જરા નાજુક બાબત છે. સાહિત્ય અને જર્નલિઝમ બન્નેનો સંબંધ કલમ સાથે છે એ ખરું, પણ પત્રકારત્વમાં તો જ આવવું જોઈએ જો પત્રકારત્વમાં રસ હોય. પત્રકાર બન્યા પછી આગળ જતાં તમે કોલમિસ્ટ બનો અને સાથે સાથે જો સાહિત્યની ‘સેવા’ પણ કરી શકો તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં. આની સામે બીજી વાત પણ છે. ફુલટાઈમ પત્રકાર બન્યા પછી એના પડકારોમાં, એના અલગ જ પ્રકારના આનંદ અને સંતોષમાં, તેના બીબાંઢાળ રૂટિનમાં તમારી સાહિત્યપ્રીતિ સૂકાવા માંડે કે સાહિત્ય તરફ તમે જે થોડીઘણી ગતિ કરી હતી એ તદ્દન જ અટકી જાય તે બિલકુલ શક્ય છે. સાહિત્યનું સર્જન તો ઠીક, સાહિત્યનું વાંચન પણ સદંતર બંધ થઈ જાય તેમ પણ બને. કેટલાય પત્રકારો સાથે આવું બન્યું છે અને સતત બનતું રહે છે. આ જોખમસ્થાન બરાબર સમજી લેવું જોઈએ. ‘કેમ? હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા અને હરકિસન મહેતા ફુલટાઈમ પત્રકાર હોવા છતાંય સાહિત્યકાર હતા જ ને?’ આવી દલીલ હંમેશા કરવામાં આવે છે. આ બધા મજાનાં અને અપવાદરૂપ ઉદાહરણો છે. બધા સાહિત્યસર્જનવાંછું પત્રકારો કંઈ દવે-શર્મા-મહેતા જેવું કોમ્બિનેશન અચીવ કરી શકવાના નથી.

નિર્ભેળપણે જર્નલિસ્ટ હો એટલે ટ્વેન્ટીફોર-બાય-સેવન ‘એક્સાઈટિંગ સ્ટફ’ કરતા રહેવું એમ નહીં, પ્લીઝ. આંખમાં જર્નલિઝમનું ગ્લેમર આંજીને બેઠેલાં છોકરાછોકરીઓએ આ બાબત સમજી લેવી જોઈએ. પત્રકાર તરીકે તમે કેટલાંય એક્સાઈટિંગ લોકોને મળો છો, તેમની સાથે ઈન્ટરેક્ટ કરો છો તો સાથે સાથે તમે અંદરથી બુઠ્ઠા કરી નાખે તેવી બીબાઢાંળ કામગીરી પણ કરો છો. તમે મજ્જા પડી જાય તેવા લેખો લખવાની સાથે માત્ર રેવન્યુ જનરેટ કરવાના ઉદેશ સાથે બહાર પાડવામાં આવતી માર્કેટિંગની મહાબોરિંગ પૂરવણીઓ પણ તૈયાર કરો છે. પત્રકાર એક પ્રોફેશનલ રાઈટર છે અને તેને માટે નિજાનંદનું ગણિત જરા પેચીદું હોય છે. પત્રકારત્વ એક પેકેજ ડીલ છે, કોઈપણ નિકટની વ્યક્તિ કે ઘનિષ્ઠ સંબંધની જેમ, જેને આખેઆખું સ્વીકારવું પડે.

ખેર, આ બધું અનુભવે સમજાતું જાય છે, શીખાતું જાય છે. સમય બદલાય છે, પત્રકારત્વનાં નીતિમૂલ્યો તેમજ સમીકરણો બદલાય છે અને તમે પણ બદલાઓ છો. પાણીનું ઝરણું જેમ દિશાઓ બદલતું વહેતું જાય તેમ તમે તમારી આંતરિક શક્તિ અને ઝંખના અનુસાર પોતાનો માર્ગ કરતા આગળ વધતા રહો છો.

૦ ૦ ૦

લેખક માટે ‘સામૂહિક ક્રિયેટિવ પ્રોસેસ’ જેવી પણ કોઈ વસ્તુ હોય શકે તે ભાઈદાસ-તેજપાલ જેવી કમર્શિયલ અને પૃથ્વી થિયેટર જેવી નોન-કમર્શિયલ રંગભૂમિના અનુભવ પરથી સમજાયું. આ ક્ષેત્ર સાથેનો સંબંધ હજુ તો નવો છે, પણ આ એક અલગ દુનિયા છે અને બહુ મજાની દુનિયા છે. સિનેમાનું માધ્યમ તીવ્રતાથી આકર્ષેં છે, પણ હજુ સુધી તેની સાથેનો નાતો કેવળ એક સિનેમા-લવર તરીકેનો જ રહ્યો છે. ખેર, ઝરણું પોતાની ગતિ, શક્તિ અને મસ્તી પ્રમાણે વહેતું રહેશે. ઝરણું કઈ દિશામાં કેવી રીતે આગળ વધશે તેની આગાહી ક્યાં કરી શકાતી હોય છે?

આગાહી આમ તો ફેન્ટસીનો જ એક પ્રકાર થયો કહેવાયને !

0 0 0

– Shishir Ramavat

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.