શ્રીનાથજી – ભક્તિગ્રંથ… પ્રસાદીગ્રંથ!
ચિત્રલેખા – અંક ૧૭ ઓક્ટોબર ૨૦૧૧
‘બાવરી કે શ્રીનાથજી’ નામના ભવ્ય પુસ્તકમાં રૂપા બાવરીએ રચેલાં શ્રીનાથજીનાં ચિત્રો તેમજ ભજનોનું સુંદર કોમ્બિનેશન થયું છે.
* * * * *
ભગવાન શ્રીનાથજીના ગરદનથી છેક પગની પાની સુધી ફૂલોની તેમજ સોનાની રત્નજડિત માળાઓ ઝુલી રહી છે, કેસરી રંગનાં ગોળ કાચણીનાં સુંદર વાઘા ધારણ કર્યાં છે, માથે મુકુટ, હાથમાં બંસરી અને લાંબી ચોટી છે. પગ પાસે એક તરફ પાનનાં બીડાં અને લાડુ ભરેલું પાત્ર છે તો બીજી બાજ યમુનાજીનું જળ છે. શ્રીનાથજીનાં આવાં તો કેટલાંય મનમોહક સ્વરૂપો છે, શૃંગારો છે. ઉષ્ણ મંગલાના શૃંગારમાં તેમણે કમર પર માત્ર સફેદ વસ્ત્ર વીંટાળ્યું છે તો શીતકાલ કા શયન શૃંગારમાં લીલી રજાઈથી એવી રીતે ઓઢી લીધી છે કે માત્ર મુખારવિંદનાં દર્શન થાય. હોળી ડોલોત્સવ શૃંગારમાં ગુલાલની છાકમછોળ ઉપરાંત રંગો ભરેલી પોટલીઓ સુધ્ધાં છે.
શ્રીનાથજીની આ અદભુત છટાઓ અને શૃંગારોનાં સાગમટા દર્શન ભાવકને હવે એક દળદાર પુસ્તક સ્વરૂપમાં થવાનાં છે. પુસ્તકનું નામ છે, ‘બાવરી કે શ્રીનાથજી’. બાવરી એટલે શ્રીનાથજીનાં પદો રચીને, ભજનો ગાઈને અને ભગવાનનાં પેઈન્ટિંગ્સ બનાવીને કીર્તિ પામેલાં રૂપા બાવરી. પુસ્તક સાથે એક સીડી પણ બીડેલી છે, જેમાં રૂપા બાવરીની કુલ ૬૫ રચનાઓ સંગ્રહ પામી છે. આમ, પુસ્તકમાં રૂપા બાવરીની ચિત્રકળા, લેખનકળા અને ગાયકી ત્રણેયનો સંચય થયો છે. મુંબઈમાં ૧૧ ઓકટોબરે યોજાનારા એક સંગીતમય કાર્યક્રમમાં કોકિલાબેન અંબાણીની ઉપસ્થિતિમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ‘બાવરી કે શ્રીનાથજી’નું વિમોચન કરશે. કોકિલાબહેને પુસ્તકની પ્રસ્તાવના પણ લખી છે.
પોતાના વાલકેશ્વર સ્થિત ફ્લેટમાં રૂૂપા બાવરી વાત માંડે છે, ‘આ પુસ્તકનો આઈડિયા મારા હસબન્ડનો છે. કોફીટેબલ બુક્સનું ચલણ તો હમણાં વધ્યું, પણ એ તો વીસેક વર્ષથી કહેતા હતા કે તારાં ભજનો અને ચિત્રજીનું એક પુસ્તક કરવું છે. મને થાય કે મારું પુસ્તક તે વળી શા માટે કરવાનું હોય? એમનો જવાબ હોય કે ભગવાને તને જે આપ્યું છે તેને મારે સાચવવું છે. શરૂઆતથી આમ જ રહ્યું છે ઠાકોરજી પ્રેરણા આપે, મારા હસબન્ડ મારા વતી સપનાં જએ અને તે સપનાં હું પૂરાં કરી શકું તેવું વાતાવરણ પણ એ જ રચી આપે. હું તો ફક્ત બધો જશ ખાટી જાઉં છું, એટલું જ.’
રૂપા બાવરી પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આટર્સનાં સ્નાતક છે. એ કહે છે, ‘સાચું કહું, મને જે.જે. સ્કૂલ ઑફ આટર્સમાં ભણવા જવામાં જરાય રસ નહોતો. પેઈન્ટિંગ મારું પૅશન હતું જ નહીં. અમારા ઘરમાં પહેલેથી જ સંગીત અને સાહિત્યનો માહોલ. પપ્પાનું કહેવું હતું કે સંગીત તો તું શીખે જ છે, બાકીનો સમય તું ચિત્રકળાને આપ. જે.જે.માં હું ક્યારેય સારી વિદ્યાર્થિની ગણાઈ નથી! છેલ્લું એટલે કે પાંચમું વર્ષ બાકી હતું ત્યારે લગ્ન થઈ ગયાં. ભણવાનું પૂરું થઈ ગયા પછી મને લાગતું હતું કે જિંદગીમાં હવે પછી ક્યારેય હું બ્રશ પકડવાની નથી!’
જો કે ફાઈન આટર્સના ગ્રેજ્યુએટ થયા પછી, છેક અગિયાર વર્ષે, ૧૯૮૬માં, રૂપાબહેને પહેલી વાર પેઈન્ટ બ્રશ પકડ્યું. તેમના પતિ અશોક મહેતાએ કહ્યુંઃ આપણા રૂમ માટે શ્રીનાથજીનું એક ચિત્ર તો બનાવ! રૂપાબહેને માત્ર તેમના કહેવાથી એક પેઈન્ટિંગ તૈયાર કર્યું. અશોકભાઈની ખ્વાહિશ આગળ વધીઃ તું શ્રીનાથજીનાં ઑર ચિત્રો બનાવ, આપણે તારાં પેઈન્ટિંગ્સનું એેક્ઝિબિશન રાખવું છે! ત્રણ વર્ષ પછી મુંબઈની સિમરોઝા આર્ટ ગેલેરીમાં રૂપાબહેને તૈયાર કરેલાં શ્રીનાથજીનાં પેઈન્ટિંગ્સનું પહેલું ચિત્રપ્રદર્શન યોજાયું. તેઓ કહે છેઃ
‘તે વખતે મારામાં ખાસ ભક્તિભાવ જેવું નહોતું. મને હતું કે આવાં ચિત્રો લોકો થોડાં ખરીદવાનાં છે? પણ તે એક્ઝિબિશનના અનુભવે મારી દષ્ટિ બદલી નાખી. ગેલેરીની બહાર લોકોની લાઈન લાગી. લોકો જાણે મંદિરમાં આવતા હોય તેમ ચપ્પલ ઉતારીને ગેલેરીમાં પ્રવેશતા અને ભગવાનની ઝાંખી કરીને ભાવવિભોર બની જતા. વૃદ્ધાઓ પેઈન્ટિંગ્સ જોઈને રડી રડે, મારા હાથ ચૂમી લે. આ પ્રતિક્રિયાઓ તદ્ન અણધારી હતી. એમની શ્રદ્ધા જોઈને હું દ્રવી ઉઠી. પેઈન્ટિંગ ખરીદીને કોઈએ સહી માટે સામે ધર્યું ત્યારે હું એકદમ અટકી ગઈ. મને અનુભૂતિ થઈ કે ભગવાનના ચિત્રજી પર સહી કરવાવાળી હું વળી કોણ? શરૂઆતથી જ હું ચિત્રજીની ઉપર નહીં, પણ તેની પાછળ સહી કરતી આવી છું.’
રૂપા બાવરી ભગવાનનાં ચિત્રને ‘ચિત્રજી’ કહે છે. પહેલાં એક્ઝિબિશનનું સૌથી પહેલું અને સૌથી મોટું પેઈન્ટિંગ ખરીદ્યું હતું કોકિલાબહેન અંબાણીએ. બન્ને મહિલાઓ વચ્ચેના લાંબા સંબંધની આ શરૂઆત હતી. રૂપા બાવરી કહે છેઃ ‘કોકિલાબેનની એસ્થેટિક સેન્સ ગજબની છે. મારા એ કડકમાં કડક ટીકાકાર છે. એ મને વઢે, મારું કામ જોઈને જે કંઈ લાગે તે તરત મોઢે પરખાવે. એમનો શ્રીનાથજી પ્રત્યેનો ભક્તિભાવ મને એમના તરફ ખેંચે છે.’
પહેલાં એક્ઝિબિશનનાં તમામ ચિત્રો વેચાઈ ગયાં અને પછી તો ડિમાન્ડ ઊભી થઈ.
‘પણ મને મારી ક્ષમતાની ખબર હતી. આટલાં બધાં ચિત્રજી હું કેવી રીતે બનાવું? પહેલાં પ્રદર્શનનાં પેઈન્ટિંગ્સ કેવી રીતે તૈયાર થઈ ગયાં હતાં તે પણ મને સમજાતું નહોતું. એ ચિત્રજી ભગવાનની કૃપાથી જ બનેલાં. મને સમજાયું કે ચિત્રજી જો હું ન બનાવતી હોઉં અને હું નિમિત્ત માત્ર હોઉં તો શ્રદ્ધાળુઓને ના પાડવાવાળી હું કોણ? હું ચિતરતી ગઈ તેમ તેમ મને ઠાકોરજીની કૃપાનો વધુને વધુ અનુભવ થતો ગયો. મને સમજાવવામાં આવ્યું કે આ કામને ચિતરવું ન કહેવાય, આને સેવા કહેવાય. બીજાઓની શ્રદ્ધાથી મારી ભીતર કશુંક જાગી ગયું હતું. મારું વાંચન વધતું ગયું, સમજણ વધતી ગઈ અને એક પછી એક ચિત્રજી બનતાં ગયાં…’
૧૯૯૪ અને ૨૦૦૦માં રૂપા બાવરીના પુનઃ સોલો એક્ઝિબિશન્સ થયાં. વકીલ પ્રિન્ટર્સે આ પેઈન્ટિંગ્સના કેલેન્ડર બહાર પાડવાનું શરૂ કર્યું જે ખૂબ લોકપ્રિય બન્યાં. ચાલીસ-પચાસ હજારનાં ઓરિજિનલ ચિત્રો આમઆદમીને ન પોસાય તો તેમના લાભાર્થે ૨૦૦૮માં આર્કાઈવલ કેન્વાસની લિમિટેડ એડિશન બહાર પાડવામાં આવી અને પ્રદર્શન પણ યોજાયું. ભગવાનનાં ચિત્રો તૈયાર કરતી વખતે ઝીણી ઝીણી કેટલીય બાબતોને ધ્યાનમાં લેવી પડે. પ્રત્યેક શણગાર અને સામગ્રી પાછળ કશોક ગૂઢાર્થ હોય. જો વિગતદોષ રહી જાય તો ભાવકોની ધાર્મિક લાગણી દુભાતા વાર ન લાગે. રૂપા બાવરી કહે છે, ‘શ્રીનાથજીના ૩૬૫ દિવસના જુદા જુદા શણગાર હોય છે. શું તેમના વાઘા, શું તેમના શણગાર! ટોચના ફેશન ડિઝાઈનરોના દિમાગ કામ ન કરે એવાં કલર કોમ્બિનેશન્સ અને એક્સેસરીઝ હોય છે. આ તો સમુદ્ર જેવો વિશાળ વિષય છે અને મેં તો હજ એક ટીપા જેટલું કામ પણ કર્યું નથી.’
ચિત્રયાત્રાની જેમ લેખનયાત્રા પણ અણધારી શરૂ થઈ. શ્રીનાથજી પ્રત્યેની કૃતાર્થતા વ્યક્ત કરવા રૂપાબહેને એક ભજન લખ્યું, જેની પહેલી કડી હતીઃ
મૈં તો ‘બાવરી’ શ્રીનાથજી
તેરે દરસ કી પ્યાસી
આઈ હૂં તેરે દ્વાર પે
અબ ક્યા મથુરા કાશી?
આ શબ્દમાં વપરાયેલો ‘બાવરી’ તેમનું ઉપનામ બની ગયું અને રૂપા મહેતા, રૂપા બાવરી બની ગયાં. અત્યાર સુધીમાં તેમના રૂપા બાવરીનાં નવ આલબમ્સ બહાર પડી ચૂક્યાં છે અને દેશવિદેશમાં ૩૦૦ કરતાં વધારે સ્ટેજ શોઝ યોજાઈ ચૂક્યા છે. રૂપા બાવરી વ્રજ ભાષામાં પદ રચે અને તેને સ્વરબદ્ધ કરવાની પ્રક્રિયા પણ સાથે સાથે જ ચાલે. ‘બાવરી કે શ્રીનાથજી’ પુસ્તક આ આલબમ્સનાં ટાઈટલ અનુસાર આઠ ભાગમાં વહેંચાયેલું છે પ્રસાદી, ચરણામૃત, શ્રીજી ઉત્સવ, અંગીકાર, પરમ કૃપા, અનુભૂતિ, બિરહન અને સર્વસ્વ સમર્પણ. રૂપા બાવરી કહે છેઃ
‘મારું ‘પાલન ઝુલો શ્યામ’ નામનું આલબમ પણ છે પણ પુસ્તકમાં મેં કૃષ્ણના બાળસ્વરૂપને સામેલ નથી કર્યું. પુસ્તકનું શીર્ષક ‘બાવરી કે શ્રીનાથજી’ છે એટલે કે તેમાં મારી અભિવ્યક્તિ છે. મારામાં ગોપીભાવ છે. કૃષ્ણને હું માતૃભાવથી પ્રેમ કરતી નથી. મારાં પદો એ પ્રભુ સાથેના મારા સંવાદો છે, એમાં મારાં હૃદયની વાત છે.’
પુસ્તકમાં પ્રત્યેક ડાબી બાજનાં પાને શ્રીનાથજીનું ચિત્ર છે અને સામે આનુષાંગિક ભજન છપાયું છે. આમ, આખા પુસ્તકમાં કુલ ૫૭ પેઈન્ટિંગ્સ અને એટલાં જ વ્રજભાષી ભજનો છેે. નવી પેઢી સુધી પહોંચી શકાય તે આશયથી હર્ષ દેહેજીયા દ્વારા પ્રત્યેક ભજનનો અંગ્રેજીમાં સુંદર ભાવાનુવાદ પણ છપાયો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રોડક્શન વેલ્યુ ધરાવતું આ પુસ્તક અશોક મહેતાએ જ પ્રકાશિત કર્યું છે. ૫,૯૯૯ રૂપિયાના મૂલ્યનું આ પુસ્તક મુંબઈમાં ઈમેજ પબ્લિકેશન, સ્ટ્રેન્ડ બુક શોપ અને નાલંદા બુક શોપમાં પ્રાપ્ય બનશે. પ્રકાશકનો rupabawri@gmail.com મેઈલ આઈડી પર સંપર્ક પણ કરી શકાય છે.
રૂપા બાવરીના હવે પછીનાં એકિઝબિશનમાં શ્રીનાથજીનાં સાત સ્વયંભૂ સ્વરૂપોનું ચિત્રણ હશે. રૂપા બાવરી માત્ર શ્રીનાથજીનાં જ ચિત્રો બનાવે, ફક્ત એમના જ ભજનો લખે. એમના આંતરિક વિશ્વમાં જાણે કે શ્રીનાથજી સિવાય બીજા કોઈને પ્રવેશ કરવાની અનુમતી જ નથી. એ સમાપન કરતાં કહે છેઃ ‘અલબત્ત, હું એક પત્ની છું, મારે દીકરોવહુ અને સાડાસાત વર્ષનો પૌત્ર છે. ઘરની જવાબદારીઓથી દૂર ભાગવાની વાત જ નથી. કોઈ પણ સંસારી મહિલા જેવું નોર્મલ મારું જીવન છે… પણ હા, મારી અંદરની મોસમ જદી છે. હું મારી જાતને ચિત્રકાર કે કવયિત્રી કે મહાન ભક્ત માનતી જ નથી. હું તો બાવરી છ અને મારે મારા શ્રીનાથજીની સેવા કરવી છે, તેમને પ્રસન્ન કરવા છે, બસ!’
૦૦૦૦૦૦૦૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply