Sun-Temple-Baanner

ફન્ડા…. ફિલ્મના અને લાઈફના!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ફન્ડા…. ફિલ્મના અને લાઈફના!


ફન્ડા…. ફિલ્મના અને લાઈફના!

Divya Bhaskar Diwali issue Utsav 2012

મહાન અમેરિકન ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેઝીને ‘ફાધર ઓફ સિનેમા’ દરજ્જો મળ્યો છે. આજે 70 વર્ષની ઉંમરે પણ તેઓ ઉત્સાહ અને એનર્જીથી થનગને છે. તેમણે વર્ણવેલા ઉત્તમ ફિલ્મમેકિંગના ફન્ડા ખરેખર તો સૌ કોઈને સ્પર્શે એવા ઉત્તમ જિંદગી માટેના ફન્ડા છે.

ફાધર ઓફ સિનેમા… અર્થાત સિનેમાનો બાપ!

આ વિશેષણ જેમના માટે વપરાય છે, એ છે માર્ટિન સ્કોર્સેઝી. 1970ના દાયકામાં અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય તેજસ્વી નામો ઊભર્યા: ફ્રાન્સિસ ફોર્ડ કપોલા (‘ગોડફાધર’), જેમ્સ કેમરોન (‘ટાઈટેનિક’), સ્ટીવન સ્પીલબર્ગ (‘જુરાસિક પાર્ક’), જ્યોર્જ લુકાસ (‘સ્ટારવોર્સ’), બ્રાયન દ પાલ્મા (‘સ્કેરફેસ’) અને માર્ટિન સ્કોર્સેઝી. આ સૌ હોલીવૂડના ‘બ્રેટ પેક’ એટલે કે તોફાની બારકસો કહેવાયા. આમાંથી ‘ફાધર ઓફ સિનેમા’નું બિરુદ પામેલા 70 વર્ષીય માર્ટિન સ્કોર્સેઝી વિશે આજે માંડીને વાત કરવી છે.

સ્કોર્સેઝીએ આજ સુધીમાં 42 ફિલ્મો બનાવી છે. એમની ફિલ્મો જોઈ જોઈને દુનિયાભરના ફિલ્મમેકરોની એક કરતાં વધારે પેઢી ફિલ્મ ડિરેક્શનના પાઠ શીખી છે. સ્કોર્સેઝી ઊભરતા ફિલ્મમેકર્સને જે ટિપ્સ આપે છે એ ધ્યાન દઈને સાંભળવા જેવી છે. મજાની વાત એ છે કે આ ટિપ્સ માત્ર ફિલ્મ ડિરેક્ટરોને જ નહીં, બલકે, પોતપોતાનાં ક્ષેત્રમાં સફળ થવા માગતા સૌને કોઈક ને કોઈક રીતે લાગુ પડે છે. આવો, સ્કોર્સેઝીની ટિપ્સની સાથે સાથે એમની જીવનકિતાબનાં પાનાં ખોલતા જઈએ…

ટિપ નંબર 1: તમારા અંગત અનુભવોને કામ લગાડો

માર્ટિન ર્સ્કોેસેઝીની ફિલ્મોમાં એમના અતીત અને એમની ખુદની પર્સનાલિટીનું પ્રતિબિંબ સતત પડતું રહ્યું છે. એમનું બાળપણ ન્યુયોર્કમાં વીત્યું. માર્ટિન (એમનું હુલામણું નામ ‘માર્ટી’ છે)નાં મમ્મીપપ્પા પાર્ટટાઈમ એક્ટર્સ હતાં. બન્નેનું કુળ ઈટાલિયન. અસ્થમાની તકલીફ હોવાને કારણે માર્ટિન સ્પોર્ટ્સમાં ભાગ ન લઈ શકતા. તેથી મમ્મીપપ્પા અને મોટો ભાઈ એમને ફિલ્મો દેખાડવા લઈ જતા. બસ, માર્ટિનને સિનેમાનો કીડો આ જ રીતે વળગ્યો. કોલેજમાં અંગ્ર્ોજી સાથે બી.એ. કરી રહ્યા હતા ત્યારથી જ તેમણે શોર્ટ ફિલ્મ્સ બનાવવાનું શ‚ કરી દીધેલું.

પચ્ચીસ વર્ષની ઉંમરે, 1967માં, માર્ટિને પોતાની પહેલી ફુલ લેન્થ ફીચર ફિલ્મ બનાવી જેનું ટાઈટલ હતું ‘હુઝ ધેટ નોકિંગ ઓન માય ડોર’. ડિરેક્ટર દોસ્ત બ્રાયન દ પાલ્માએ એમની ઓળખાણ એક એક્ટર કરાવી, જેનું નામ હતું રોબર્ટ દ નીરો. આ ઓેળખાણ બન્ને માટે ખૂબ ફળદાયી સાબિત થવાની હતી. રોબર્ટ દ નીરોને લઈને માર્ટિને ‘મીન સ્ટ્રીટ’ બનાવી, જેણે માર્ટિનને એક દમદાર ડિરેક્ટર તરીકે અને રોબર્ટ દ નીરોને સુપર એક્ટર તરીકે એસ્ટાબ્લિશ કરી નાખ્યા. મર્દાનગીભર્યો માહોલ, લોહીલુહાણ હિંસા, ન્યુયોર્કની અંધારી ગલીઓ, ગિલ્ટ, ધારદાર એડિટિંગ અને બેકગ્ર્ાાઉન્ડ મ્યુઝિકમાં રૉક સંગીત – આ માર્ટિન સ્કોર્સેઝીની ફિલ્મોનો ટ્રેડમાર્ક છે. આ બધું જ ‘મીન સ્ટ્રીટ’માં હતું.

સ્કોર્સેઝી તે પછી રોબર્ટ દ નીરોને ‘ટેક્સી ડ્રાઈવર’ના ટાઈટલ રોલમાં ચમકાવ્યા. ટેક્સી ડ્રાઈવર બાપડો એકાકી માણસ છે. એને અનિદ્રાની તકલીફ છે એટલે આખી રાત ન્યુયોર્કની સડકો પર ટેક્સી ચલાવ્યા કરે છે. એને સગીર વયની વેશ્યા (આ રોલ જુડી ફોસ્ટરે કરેલો, જે ખૂબ વિવાદાસ્પદ બનેલો)થી માંડીને જાતજાતના લોકો ભટકાતાં રહે છે. આ ફિલ્મે સ્કોર્સેઝીને જબરદસ્ત કીર્તિ અપાવી. ‘ટેક્સી ડ્રાઈવર’ વિશ્વસિનેમાના ઈતિહાસની મહાનતમ ફિલ્મોમાં સ્થાન પામે છે. રોબર્ટ દ નીરો વિશ્વના સૌથી મહાન અદાકારોમાંના એક ગણાય છે અને એમને આ ઊંચાઈ સુધી લઈ જવામાં એમણે માર્ટિનનાં ડિરેક્શનમાં કરેલી આઠ ફિલ્મોનો સિંહફાળો છે.

‘ટેક્સી ડ્રાઈવર’ ખૂબ વખણાઈ એટલે ઉત્સાહિત થઈ ગયેલા માર્ટિને પોતાની પહેલી બિગ બજેટ ફિલ્મ બનાવી- ‘ન્યુયોર્ક ન્યુયોર્ક’. આ સ્ટાઈલિશ મ્યુઝિકલ હતી, જેમાં ફ્રેન્ક સિનાત્રાએ ગાયેલું ટાઈટલ સોંગ ખૂબ પોપ્યુલર બન્યું. આ ફિલ્મની પ્રશંશા ખૂબ થઈ, પણ બોક્સઓફિસ પર તે ન ચાલી. આ નિષ્ફળતા માર્ટિનને ડિપ્રેશન તરફ ધકેલી દીધા. તેઓ કોકેઈન જેવી ખતરનાક નશીલી દવાના બંધાણી થઈ ગયા. જો આ સિલસિલો લાંબો ચાલ્યો હોત તો માર્ટિનની કરીઅર જ નહીં, જીવન પણ ખતમ થઈ ગયું હોત. ભલું થજો રોબર્ટ દ નીરોનું, જેમણે માર્ટિનને ‘રેજિંગ બુલ’ નામની ફિલ્મ બનાવવા માટે રીતસર ધક્કા માર્યા જેના પરિણામે તેઓ નશીલા દલદલમાંથી બહાર આવી શક્યા.

‘રેજિંગ બુલ’ બનાવતી વખતે માર્ટિનની માનસિક હાલત ભયાનક હતી. એમને ખાતરી થઈ ગઈ હતી કે મારી લાઈફની આ છેલ્લી ફિલ્મ છે અને આના પછી હું કશું જ કરી શકવાનો નથી. તેથી જાણે પોતાનામાં રહેલી શક્તિનું છેલ્લામાં છેલ્લું ટીપું વાપરી નાખવા માગતા હોય તેમ માર્ટિને રીતસર ઝનૂનમાં આવી ગયા હતા. પરિણામ? રિલીઝ થતાંની સાથે જ ‘રેજિંગ બુલ’ને એક માસ્ટરપીસનો દરજ્જો મળી ગયો. આ ફિલ્મમાં બોક્સિગંની વાત હતી અને માર્ટિન સ્કોર્સેઝીની ટ્રેડમાર્ક સ્ટાઈલ તેમાં સોળે કળાએ ખીલી ઉઠી હતી. ફિલ્મે આઠ-આઠ ઓસ્કર અવોર્ડઝ મળ્યા. રોબર્ટ દ નીરોને ‘ટેક્સી ડ્રાઈવર’ પછી બેસ્ટ એક્ટરનો બીજો ઓસ્કર મળ્યો. કમનસીબે માર્ટિન બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ ન જીતી શક્યા. ‘રેજિંગ બુલ’ એ વર્ષની જ નહીં, બલકે 1980ના દાયકાની તે શ્રેષ્ઠ ફિલ્મ ગણાઈ. ટોપ-ટેન ઓલ-ટાઈમ-ગ્ર્ોટ સ્પોર્ટસ ફિલ્મોમાં ‘રેજિંગ બુલ’નું નિયત સ્થાન છે.

માર્ટિન કહે છે, ‘આ ફિલ્મ બને એવું રોબર્ટ દ નીરો ઈચ્છતા હતા, હું નહીં, કારણ કે મને બોક્સિંગમાં કશી જ સમજ પડતી નહોતી. મારા માટે બોક્સિંગ એટલે શરીરથી રમાતું ચેસ. મારા હિસાબે આ ફિલ્મમાંથી એવો મેસેજ મળે છે કે હિંસાથી દુનિયા બદલતી નથી. ધારો કે થોડોઘણો બદલાવ દેખાય તો એ માત્ર ટેમ્પરરી હોવાનો.’

માર્ટિનની ફિલ્મોમાં ચોક્કસ લૂક અને ફીલ હોય છે. તેઓ નખશિખ ન્યુયોર્કનું ફરજંદ હોવાથી આ શહેર એમની ફિલ્મોમાં ભરપૂર ઉતયુર્ર્ં છે. તેઓ કહે છે, ‘જુઓ, મને રિઅલીસ્ટિક લૂકમાં ક્યારેય રસ નહોતો અને આજની તારીખે પણ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે દરેક ફિલ્મ જેવી મને ખુદને ‘ફીલ’ થાય છે એવી પડદા પર ‘દેખાવી’ જોઈએ.’

ખુદના અનુભવો, લાગણીઓ અને નિરીક્ષણોને પડદા પર (કે કાગળ પર) ઉતારવામાં આવે ત્યારે એમાં એક સચ્ચાઈ હોવાની, તીવ્રતા હોવાની. ઉછીનું લીધેલું ન પણ ઊગે, પણ જે પોતાનું હશે એ ખીલી ઉઠશે. જો નસીબ પણ સાથે સાથે જોર કરતું હોય તો આવું સર્જન ઓડિયન્સને સ્પર્શ્યા વગર રહેતું નથી.

ટિપ નંબર 2: તમને સંતોષકારક બજેટ ક્યારેય મળવાનું નથી

આટઆટલી સફળતા પછી પણ ફિલ્મમેકરને સ્ટ્રગલ કરવી પડે એના જેવી કમબખ્તી બીજી કઈ હોવાની? ‘રેજિંગ બુલ’ અને ‘કિંગ ઓફ કોમેડી’ પછી માર્ટિને ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઈસ્ટ’ નામની નવલકથા પરથી ફિલ્મ બનાવવાની કોશિશ કરી, પણ એ પ્રોજેક્ટ પડી ભાંગ્યો અને માર્ટિનની કરીઅરમાં કટોકટી સર્જાઈ ગઈ. હોલીવૂડમાં માહોલ બદલાઈ રહ્યો હતો. બધું એટલું કમર્શિયલાઈઝ્ડ થવા માંડ્યું હતું કે કળા એક તરફ ધકેલાઈ રહી હતી. 1970ના દાયકામાં જેમનો ભારે દબદબો હતો એવા માર્ટિન જેવા બીજા કેટલાક ઉત્તમ ફિલ્મમેકર્સ હાંસિયામાં ધકેલાઈ રહ્યા હતા.

આ તબક્કે માર્ટિને એક સખ્ખત લો-બજેટ ફિલ્મ બનાવી, રાધર, બનાવવી પડી – ‘આફ્ટર અવર્સ’. તે પછી માઈકલ જેક્સનનો ફેમસ મ્યુઝિક વિડીયો ‘બેડ’નું ડિરેક્શન કર્યું અને જિંદગીમાં પહેલી વાર હાડોહાડ મેઈનસ્ટ્રીમ હોલીવૂડ ફિલ્મ કહી શકાય એવી ‘ધ કલર ઓફ મની’ બનાવી. કહોને કે બનાવવી પડી. કલ્પના કરો, માર્ટિન સ્કોર્સેઝી જેવા ઓલરેડી મહાન બની ચૂકેલા ફિલ્મમેકરે સ્ટ્રગલ કરવી પડતી હોય અને નાણાભીડ સહેવી પડતી હોય તો નવાનિશાળિયાઓની શી વાત કરવાની! તેઓ કહે છે, ‘મારી આખી કરીઅરમાં માત્ર એક કે બે જ ફિલ્મમાં મને પૂરેપૂરો ફાયનાન્શિયલ સપોર્ટ મળ્યો હોય. બાકીની તમામ ફિલ્મો બનાવતી મને કાયમ એવો અફસોસ રહી ગયો છે કે કાશ, મારી પાસે વધારાના આઠ-દસ દિવસ શૂટિંગ થઈ શકે એટલું એકસ્ટ્રા બજેટ હોત તો કેટલું સારું થાત!’

આપણે શીખવાનું આ છે: મર્યાદાઓ હંમેશા નડવાની, પણ આ મર્યાદાઓ વચ્ચે રહીને પણ ઉત્તમ અચીવ કરવાનું છે. એક કે બીજાં પરિબળોને લીધે પરફેક્શન પર કદાચ આપણો અંકુશ ન રહે, પણ જે કોઈ પરિસ્થિતિમાં છીએ એમાં રહીને જ એક્સેલન્સ એટલે કે શ્રેષ્ઠતા હાંસલ કરવા પર આપણને કોણ રોકી શકવાનું છે?

ટિપ નંબર 3: પ્રેરણાની શોધ ક્યારેય અટકાવવી નહીં

શું ‘સિનેમાના બાપ’ને પ્રેરણા માટે બહાર નજર દોડાવવી પડે? હા, દોડાવવી પડે! જેમની ફિલ્મો જોઈને એક કરતાં વધારે પેઢીઓ ફિલ્મ ડિરેક્ટ કરતા શીખી છે એ માણસનેય પ્રેરણાની જરુર પડે? હા, ચોક્કસ જ‚ર પડી શકે. 1980ના દાયકામાં માર્ટિન સ્કોર્સેઝીએ કમર્શિયલ બનવાની કોશિશ કરી, જેને લીધે મિક્સ્ડ બેગ જેવો બની રહ્યો, પણ 1990માં તેઓ પાછા ઓરિજિનલ ફોર્મમાં આવવા લાગ્યા. શ‚આત થઈ ગેંગસ્ટર ફિલ્મ ‘ગુડફેલાઝ’થી. આ ફિલ્મમાં માર્ટિનનો કોન્ફિડન્સ પાછો સપાટી પર આવી ગયો હતો અને જાણે ફિલ્મની એકેએક ફ્રેમમાંથી તે છલકાતો હતો. આ ફિલ્મને ‘ગોડફાધર’ પછીની સર્વોત્તમ ગેંગસ્ટર મૂવી ગણવામાં આવે છે. તે પછી આવી સુપર સ્ટાઈલિશ થ્રિલર ‘કેપ ફિયર’. ગુણવત્તાની દષ્ટિએ ‘કેપ ફિયર’ને મિક્સ્ડ રિસ્પોન્સ મળ્યો, પણ તે કમાણીની દષ્ટિએ તે માર્ટિનની સૌથી સફળ ફિલ્મ બની રહી.

‘ફિલ્મમેકર બનવા માટે તમારામાં શું હોવું જોઈએ?’ માર્ટિન સ્કોર્સેઝી કહે છે, ‘ઈવન આજની તારીખેય મને સવાલ થયા છે કે મારે પ્રોફેશનલ બનવાનું છે કે કલાકાર બનવાનું છે? ટકી રહેવાનું દબાણ અને સેલ્ફ એક્સપ્રેશનની ઝંખના – આ બન્ને વચ્ચે બેલેન્સ કઈ રીતે કરવાનું? ફિલ્મમેકર બનવાનું સપનું જીવવા માટે હજુ કેટલો ભોગ આપવો પડશે? શું આખરે મારે સ્પ્લીટ પર્સનાલિટીના શિકાર બની જવું પડે છે? મારે ફિલ્મો ઓડિયન્સ માટે બનાવવાની છે કે નિજાનંદ માટેે?’

વિચાર કરો. કોઈ પણ ક્રિયેટિવિટી ક્ષેત્રમાં કામ કરતા સામાન્ય માણસને જે પ્રશ્નો સતાવતા હોય છે એક્ઝેક્ટલી એ જ પ્રશ્નો જીવતે જીવ લેજન્ડ બની ગયેલા માર્ટિન સ્કોર્સેઝીને પણ સતાવે છે! બે છેડા ભેગા કરવાનો સંઘર્ષ યા તો કમર્શિયલ દબાણની સ્થિતિ તીવ્ર બની જાય ત્યારે આપણને પ્રેરણાની – મોટિવેશનની જ‚ર પડતી હોય છે… આપણે પોતાની જાતથી વિખૂટા પડી ન જઈએ એ માટે.

સ્કોર્સેઝી પ્રેરણા માટે પોતાના દિલ-દિમાગનું એન્ટેના હંમેશાં ઊંચું રાખે છે! તેઓ કહે છે, ‘હું કોઈ બીજાએ ડિરેક્ટ કરેલી અફલાતૂન ફિલ્મ, એનો કોઈ સીન કે ઈવન એકાદ હાઈકલાસ શોટ પણ જોઉં તો પણ ઉત્તેજિત થઈ જાઉં છું. ઘણીવાર એવું બને કે આપણે શૂટિંગમાં કે એડિટિંગમાં એવા ઊંધેકાન થઈ ગયા હોઈએ કે એક તબક્કા પછી આપણને લાગવા માંડે કે બસ, આનાથી વધારે સારી રીતે મારાથી હવે નહીં થાય અથવા આના કરતા જુદું હું નહીં કરી શકું… આવી મનોસ્થિતિમાં બીજા કોઈનું સુંદર કામ મારી નજરે પડે તો હું નવેસરથી ઉત્સાહથી થનગનવા માંડું અને મને નવા નવા આઈડિયાઝ આવવા માંડે!’

ટૂંકમાં, કમર્શિયલ દબાણ ન હોય તો પણ હું સવર્ગુણસંપન્ન છું અને મને બધું જ આવડે છે એવા વહેમમાં રહેવું નહીં. અન્ય પ્રતિભાશાળી સર્જકોનાં સર્જન ખુલ્લા દિલે જોવાં. શક્ય છે તે તમારી ભીતર કશુંક ટ્રીગર થઈ જાય અને દિમાગમાં નવા આઈડિયાઝ પેદા થાય, વિચારવાની નવી દિશા ખુલી જાય. યાદ રહે, અહીં જેન્યુઈન પ્રેરણાની વાત થઈ રહી છે, ઉઠાંતરી માટેના આઈડિયાઝની નહીં. કહેવાની જરુર નથી કે આ વાત માત્ર ફિલ્મમેકર્સને નહીં, બલકે લેખકો, ચિત્રકારો, સંગીતકારો વગેરેને પણ એટલી જ લાગુ પડે છે.

ટિપ નંબર 4: ગુણગ્ર્ાહી બનો

2002માં માર્ટિનની સૌથી ખર્ચાળ અને સંભવત: સૌથી મેઈનસ્ટ્રીમ કહી શકાય એવી ફિલ્મ આવી- ‘ગેન્ગ્સ ઓફ ન્યુયોર્ક’. આ ફિલ્મમાં ‘ટાઈટેનિક’નો હીરો લિયોનાર્ડો દ કેપ્રિયો હીરો હતો. રોબર્ટ દ નીરો સાથે જેમ જોડી જામેલી એવું જ કંઈક લિયોનાર્ડો સાથે પણ બન્યું. માર્ટિનની હવે પછીની ફિલ્મોમાં લિયોનાર્ડો લગભગ કાયમી થઈ ગયો. આ બન્નેની બીજી સંયુક્ત ફિલ્મ ‘એવિએટર’ને અગિયાર ઓસ્કર નોમિનેશન મળ્યા જેમાંથી પાંચ એણે જીતી લીધા. જોકે બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર ક્લિન્ટ ઈસ્ટવૂડ તાણી ગયા, ‘મિલિયન ડોલર બેબી’ માટે. માર્ટિન સ્કોર્સેઝી બાપડા આ વખતે પણ રહી ગયા!

માર્ટિન કહે છે, ‘મને લાગે છે કે આપણે યુવાન હોઈએ એને એનર્જીથી ફાટ ફાટ થતા હોઈએ ત્યારે પહેલી પાંચ-છ ફિલ્મોમાં આપણે જે કહાણીઓ તીવ્રતાથી કહેવા માગતા હોઈએ એ કહી દેતા હોઈએ છીએ. કદાચ મારી શ‚આતની ફિલ્મોમાંથી એકાદને ઓસ્કર મળવો જોઈતો હતો. 1976માં મારી ‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મ માટે રોબર્ટ દ નીરોને બેસ્ટ એક્ટરનો ઓસ્કર મળ્યો, જુડી ફોસ્ટરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો, ઈવન મ્યુઝિક ડિરેક્ટર પણ ઓસ્કર જીતી ગયો, પણ હું અને મારો લેખક પૉલ શ્રેડર રહી ગયા. હું દુખી દુખી થઈ ગયો હતો. મેં પૉલને કહ્યું હતું કે જો દોસ્ત, અવોર્ડ્ઝમાં તો બધું આવું જ હોવાનું અને આમ જ રહેવાનું. આપણે આ ‘અન્યાય’થી ટેવાઈ જવું પડશે! સીધી વાત છે. અવોર્ડ ન મળે તો બીજું શું કરવાનું? ઘરે જઈને પોક થોડી મૂકાય છે?’

2007માં માર્ટિને પોતાની ફેવરિટ ક્રાઈમ-થ્રિલર શૈલીની ફિલ્મ બનાવી – ‘ધ ડિપાર્ટેડ’. આ સુપરહિટ ફિલ્મને વિવેચકોએ ‘ટેક્સી ડ્રાઈવર’ તેમજ ‘ગુડફેલાઝ’ના સ્તરની ગણાવી. આ ફિલ્મે ચાર ઓસ્કર અવોર્ડ જીત્યા… અને સરપ્રાઈઝ, સરપ્રાઈઝ! એક અવોર્ડ માર્ટિનને પણ મળ્યો, બેસ્ટ ડિરેક્ટર તરીકે! 40 વર્ષની ઝહળળતી કારકિર્દીમાં, અગાઉ પાંચ-પાંચ વખત નોમિનેટ થઈને નિરાશ થયા બાદ, માર્ટિનને આખરે છઠ્ઠી વખતે ઓસ્કર મળ્યો ખરો! અવોર્ડ લેવા તેઓ સ્ટેજ પર ગયા ત્યારે એમણે મજાક કરેલી: ‘પ્લીઝ, વિજેતાનું નામ બીજી વાર ચેક કરી લેજો. એન્વેલપમાં ખરેખર મારું જ નામ લખ્યું છેેને? કંઈ ભુલ નથી થતીને?’ પોતાનો અવોર્ડ એમણે પોતાના વર્ષો જુના દોસ્તો સ્ટીવન સ્પીલબર્ગ, જ્યોર્જ લુકાસ અને ફ્રાન્સિસ ફોર્ડ કપોલાને ડેડિકેટ કર્યો.

2011માં રિલીઝ થયેલી માર્ટિન સ્કોર્સેઝીની છેલ્લી ફિલ્મ ‘હ્યુગો’ થ્રીડીમાં હતી. આ અદભુત ફિલ્મને 11 ઓસ્કર નોમિનેશન ઘોષિત થયાં તે પછી એક મેગેઝિનના પત્રકારે માર્ટિનનો લાંબો ઈન્ટરવ્યુ લીધો. સ્કોર્સેઝીએ પોતાની વાતચીતમાં અલગ અલગ 85 ફિલ્મોના સંદર્ભો ટાંક્યા. આ પ્રત્યેક ફિલ્મનો પોતાના પર કેવો પ્રભાવ પડ્યો એ પણ એમણે કહ્યું. આ ઈન્ટરવ્યુ છપાયો અને વિવાદ થઈ ગયો. કેટલાય વિવેચકોએ બખાળા કાઢ્યા કે સ્કોેર્સેઝીએ ફલાણી-ફલાણી ફિલ્મને કેમ યાદ ન કરી? સ્કોર્સેઝીએ પછી ખુલાસો કરવો પડ્યો કે ભાઈ, મેં કંઈ પહેલેથી પ્લાનિંગ નહોતું કરી રાખ્યું કે નહોતું ફિલ્મોનું લિસ્ટ હાથ રાખ્યું. હું તો ઈન્ટરવ્યુ આપતા આપતા જે ફિલ્મોનાં નામ દિમાગમાં આવતાં ગયાં એ બોલતો ગયો!

આ કિસ્સામાંથી શીખવાનું આ છે: ગુણગ્ર્ાાહી બનો. સ્પોન્જ જેવા ગુણ ધારણ કરીને જે કંઈ ઉત્તમ વાંચો- જુઓ- સાંભળો એનું સત્ત્વ ખુદમાં ઉતારતા જાઓ. સ્કોર્સેઝીએ 85 ફિલ્મોને યાદ કરી. આ કેવળ પહેલું લિસ્ટ હોઈ શકે છે. સાચા અને સારા અર્થમાં જેનો પ્રભાવ ઝીલ્યો હોય એવી ફિલ્મોનો આંકડો 850ને પણ વટાવી જાય એમ બને.

ટિપ નંબર 5: સૌ સાથે એકસરખું વર્તન કરો

ફિલ્મના સેટ પર સમાનતાનો મૂડ ઊભો કરવામાં દેવામાં માર્ટિન સ્કોર્સેઝીની માસ્ટરી છે. ભલે ગમે તેટલો ફેમસ, ગમે તેટલો મહાન કે ગમે તેટલો સિનીયર એક્ટર – ટેક્નિશીયન કામ કરતો હોય, પણ સ્કોર્સેઝીનો વર્તાવ એવો હોય કે સાવ જુનિયર માણસને પણ એવું ફીલ થાય કે અહીં કોઈ ઊંચુંનીચું નથી, સૌ સમકક્ષ છે. સ્કોર્સેઝી ખુદ લિવિંગ લેજન્ડ છે, પણ અઢાર વર્ષના આસિસ્ટન્ટ ડિરેક્ટર સુધ્ધાંને એ વાતનો સહેજે ભાર ન લાગે. સેટ પર નાનામાં નાના માણસ સાથે એમનું પૂરેપૂરું સંધાન હોય. કોઈને એવું પણ લાગી શકે કે સ્કોર્સેઝીના સ્તરના માણસે સાવ જુનિયરોને પણ ભેટવાની ને ખભે હાથ મૂકીને વાત કરવાની શી જ‚ર છે? પણ આ પ્રકારની ટ્રીટમેન્ટથી જે પરિણામ આવે છે એ અદભુત હોય છે.

ટિપ નંબર 6: પૂછતા રહો… આપણે શું શીખ્યા?

કમાલની એનર્જી છે માર્ટિન સ્કોર્સેઝીમાં (એના વગર માણસ પાંચ-પાંચ વખતે લગ્ન કેવી રીતે કરી શકે?) એ સિત્તર વર્ષના થયા તોય પાગલની માફક મહેનત કરે છે. એનામાં ગજબનાક ઉત્સુકતા છે, એમની કુતૂહલવૃતિનો કોઈ અંત નથી. સિનેમાનું એમને રીતસર બંધાણ છે. હાઈફેશનના મોંઘાદાટ કપડાં પહેરાવાનો એમને શોખ છે. આ જીવંત માણસ મહેફિલમાં ખીલી ઉઠે છે. તેઓ કલાકો સુધી અસ્ખલિતપણે બોલી શકે છે. હસીમજાક કરતાં કરતાં કંઈકેટલાય કિસ્સાઓ સંભળાવતા જવાની એમની આદત લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને, ખૂબ આકર્ષે છે. ફિલ્મી પંડિતોના મત માર્ટિન એમની પેઢીના સૌથી ગિફ્ટેડ ફિલ્મમેકર છે.

‘હુઝ ધેટ નોકિંગ ઓન માય ડોર’થી ‘ટેક્સી ડ્રાઈવર’થી ‘ગુડફેલાઝ’થી ‘હ્યુગો’ સુધીની યાત્રામાં માર્ટિન સ્કોર્સેઝી શું શીખ્યા? વેલ, આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર તેઓ જે રીતે ફિલ્મો બનાવે છે એના પરથી જ મળી રહે છે. એમની ફિલ્મો જાણે પહેલાં સવાલ ખડો કરે છે અને પછી સિનેમાનો જાદુ પાથરતા પાથરતા જાતે જ ઉત્તર શોધવાની કોશિશ કરે છે. એમની ફિલ્મોમાં હિંસાના નિરુપણમાં પણ હવે વધારે ઊંડાણ દેખાય છે. માર્ટિન હંમેશા પોતાની જાતને અપડેટ કરતા રહ્યા, સમયના તાલ સાથે તાલ મિલાવતા રહ્યા. તેથી તેઓ ક્યારેય જુનવાણી ન થયા, ક્યારેય અપ્રસ્તુત બન્યા.

માર્ટિન સ્કોર્સેઝી નિવૃત્ત ક્યારે થશે? ક્યારેય નહીં! એમની હવે પછીની ફિલ્મ ‘ધ વોલ્ફ ઓફ વોલસ્ટ્રીટ’માં, અગેન, લિયોનાર્ડો દ કેપ્રિયો હીરો છે. એ પછીના અન્ય પ્રોજેક્ટ્સની ઘોષણા પણ તેમણે કરી નાખી છે. માર્ટિનનો એક મોટો પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે એમણે પોતાના પાવર અને પોઝિશનનો ઉપયોગ નવી ટેલેન્ટ્સને, નવા ફિલ્મમેકર્સને પ્રોત્સાહન આપવામાં કર્યો છે. સ્કોર્સેર્ઝીએ પેલા ઈન્ટવ્યુમાં પોતાને પ્રભાવિત કરનાર 85 ફિલ્મો ગણાવી હતી, જ્યારે એમણે ખુદ 42 ફિલ્મો બનાવી છે અને ભવિષ્યમાં ય બનાવતા રહેવાના છે… આપણને સૌને પ્રભાવિત કરવા માટે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.