Sun-Temple-Baanner

ગુડ્ડી – નવલિકા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગુડ્ડી – નવલિકા


ગુડ્ડી

નવલિકા – ‘માર્ગી’ દિવાળી અંક 2012

‘બોલ બીટ્ટુ, તને કોણ વધારે ગમે – નાનો ભાઈ કે નાની બહેન?’

હાસ્ય-મજાકની છોળો વચ્ચે છ વર્ષના બીટ્ટુને આ પ્રશ્ન ત્રીજી વખત પૂછાયો. જવાબમાં એણે ફરી હોઠ ભીડી દીધા, મોઢું ફૂલાવ્યું અને ગોળમટોળ આંખો પરની ભ્રમરો મરડીને રોષ પ્રગટ કર્યો.

‘પૂજા, હવે તમે એક જીવતુંજાગતું રમકડું બીટ્ટુને આપી જ દો!’ હરખપદૂડાં દાદીમા વહુને કહી રહ્યાં હતાં, ‘આ બીટુડાએ મારા બહુ લોહી પીધા છે. ખરે બપોરે માથાના મોંવાળાં બળી જાય એવા તાપમાં મને જગાડીને કહેશે, દાદીમા, મારી સાથે રમવા ચાલો… દાદીમા, મને બદામડી પર ચડાવો! હવે ઘરમાં નાનકડો ભાઈ કે નાનકડી બહેન આવશે એટલે એયને બીટ્ટુ એકલો એકલો એની સાથે રમ્યા કરશે ને રમાડ્યા કરશે. મારે એટલી ઝંઝટ ઓછી!’

‘નાનકડો ભાઈ નહીં, દાદીમા, નાનકડી બહેન જ આવશે!’ બીટ્ટુની મોટી બહેન ડોલી – જોકે એની ઉંમરેય અગિયાર વર્ષ કરતાં વધારે નહોતી – એ તો વળી આનંદ અને ઉત્સાહના આવેગમાં થનગનતી હતી:

‘મારે એક નાનો ભાઈ તો છે, હવે નાની બહેન જ જોઈએ!’

સમજણો થયો ત્યારથી બિટ્ટુએ આ જ શબ્દો સાંભળ્યા હતા- ‘નાનો ભાઈ’! પણ આજે પહેલી વાર ડોલી અને દાદીના મુખેથી નીકળતા ‘નાની બહેન’ જેવા અજાણ્યા શબ્દો એના કાન સાથે અથડાવાથી એને કશુંક નવું-નવું, અડવું-અડવું, અપ્રિયકર લાગતું હતું. બલકે રીતસર ખૂંચતું જ હતું. નાની બહેન એટલે શું વળી?

‘ગઈ કાલે મારી ફ્રેન્ડ નહોતી આવી – નૂપુર? એની નાની બહેન સ્વીટી કેટલી ક્યુટ છે? બસ, એવી જ!’ ડોલીએ ઉમેર્યુ્ંં.

‘હા રે હા! એ બેબલી તો મનેય બહુ ગમે છે,’ દાદીમા બોલ્યાં, ‘કેવી મજાની છે! ગોરી ગોરી, ચાવીવાળાં રમકડા જેવી!’

ડોલી ખુશ થઈ ગઈ.

‘સ્વીટી તો બીટ્ટુને ય ખૂબ પસંદ છે, કેમ બીટ્ટુ?’

વાત તો સાચી હતી. રુપકડી સ્વીટી બીટ્ટુને ખૂબ વહાલી હતી. એ બે વર્ષની બેબી સાથે બીટ્ટુ એ કંટાળ્યા વગર કલાકોના કલાકો પસાર કરી નાખતો. બીજો કોઈ દિવસ હોત તો એ સ્વીટીના પરાક્રમો ઊછળી ઊછળીએ, અદાઓ સાથે રજૂ કરત, પણ અત્યારે એ કંઈક ‘નકારાત્મક’ મૂડમાં હતો. લાક્ષાણિક ઢબે મોઢું મચકોડતો, ચહેરા પર ગુસ્સો છલકાવતો એ મોટેથી બોલ્યો:

‘છી! સ્વીટી તો કેટલી ગંદી છે! ત્યારે મારા ખોળામાં એણે કેવું સૂ-સૂ કયુર્ર્ં હતું!’
બીટ્ટુના માસૂમ ચહેરા પર ક્રોધની લાલિમા છવાતી ત્યારે એ ઓર મોહક બની જતો.

‘પણ મમ્મી, મારે તો સ્વીટી જેવી જ નાની બહેન જોઈએ છે અને-’

ડોલી વાક્ય પૂરું કરે તે પહેલાં જ મમ્મી ગુસ્સે થઈને બોલી, ‘ડોલી, હવે એક પણ શબ્દ આગળ બોલ્યા વગર ચુપચાપ જમી લે તો! બહુ બોલતા શીખી ગઈ છે આજકાલ…’

મમ્મી બહેન પર ગુસ્સે થઈ એટલે બીટ્ટુને મજા પડી ગઈ. એ પોતેય ‘નાની બહેન’-‘નાની બહેન’નું પારાયણ બંધ થાય એમ ઈચ્છતો હતોને! બે હાથે પાણીનો ગ્લાસ મોઢે માંડીને એ ડોલીના ચહેરા પરના હાવભાવ જોતો રહ્યો. ડોલી ચુપ થઈ ગઈ હતી. એ અને દાદીમાં કોણ જાણે શું કામ ક્યારના હસ-હસ કરતાં હતાં, પણ મમ્મી સાવ સિરીયસ છે.

…અને મૂંઝાયેલી, ખોવાયેલી.

‘ઘરમાં નાનું છોકરું આવવાનું હોય એટલે હરખ તો થાયને, વહુ!’ દાદીમાનો અવાજ ધીમો પડી ગયો હતો.

સામાન્યપણે રોજ રાતે ડાઈનિંગ ટેબલ પર વાતો થતી એમાંની ઘણી ખરી બીટ્ટુની આસપાસ જ ફરતી રહેતી:

– ‘પપ્પા, બીટ્ટુને કંઈક કહોને, રોજ મારી નવી નવી પેન્સિલો તોડી નાખે છે…’ ડોલી ફરિયાદ કરતી.

– ‘બીટ્ટુ, રિસેસમાં નાસ્તો કેમ કરતો નથી? કેમ રોજ લંચબોક્સ ભરેલું ને ભરેલું પાછું લાવે છે?’ મમ્મી ચિંતાતુર સ્વરે પૂછતી.

– ‘ભગવાન જાણે આ છોકરો ક્યારે રોટલા ખાતા શીખશે. ને પાછો વધે છેય કેવો!’ દાદીમા સૂર પૂરાવતા.

– ‘બીટ્ટુ, કાલે તારાં મિસ મળ્યાં હતાં. કહેતાં હતાં કે બીટ્ટુકુમારની મ્યુઝિક સેન્સ ખૂબ શાર્પ છે!’ પપ્પાના સ્વરમાં ગર્વની છાંટ વર્તાતી.
બીટ્ટુ, બીટ્ટુ અને બીટ્ટુ!

બીટ્ટુ એટલે મહેતા પરિવારના બાળરાજા. કુટુંબનું કેન્દ્ર. આખા ઘર પર એનો પૂરેપૂરો એકાધિકાર. એની ઈચ્છા-અનીચ્છા-મૂડ પ્રમાણે બાકીના સૌનું શેડ્યુલ નક્કી થાય. એનો પડ્યો બોલ ઝીલાય. અરે, નવું પ્લાઝમા ટીવી લેવું હોય તો પણ બીટ્ટુસાહેબના અભિપ્રાય પર ગંભીરતાથી વિચાર થાય!

… પણ મમ્મી હોસ્પિટલમાં ડોક્ટર આન્ટીને મળીને આવી છે ત્યારથી જાણે કશુંક બદલાઈ ગયું છે!

‘મમ્મી કંઈ બીમાર નહોતી, તોય કેમ ડોક્ટર આન્ટી પાસે ગઈ ?’ બીટ્ટુના મનમાં સવાલ સળવળ સળવળ થતો રહ્યો… અને જ્યારથી પાછી આવી છે ત્યારથી કેમ ડોલી અને દાદીમા ખુશખુશાલ થતાં થતાં ‘નાની બહેન… નાની બહેન’ની વાતો કરવા લાગ્યાં છે? બીટ્ટુને કશું સમજાતું નહોતું, પણ એના બાળમને આ અણધાર્યા ફેરફારની નોંધ જ‚ર લીધી.

પપ્પા શું કરતા હશે? બીટ્ટુને અચાનક પપ્પા યાદ આવી ગયા. પપ્પા ઓફિસની કંઈક ટ્રેનિંગ માટે એક વીક પહેલાં જ દિલ્હી ગયા હતા અને છેક દોઢ મહિના પછી આવવાના છે…

પછીના દિવસો તો રોજ ઊગતા હોય એમ જ ઊગતા રહ્યા, પણ ઘરમાં જાણે અદશ્ય ‘કોઈક’ની હાજરી ઉમેરાઈ ગઈ. ડોલીએ તો એ ‘કોઈક’નું નામ પણ આપી દીધું:

‘ગુડ્ડી!’
‘ગુડ્ડી? નામ તો તું સરસ શોધી લાવી, છોકરી!’ દાદીમાએ રાજી થઈને કહ્યું.
‘ગુડ્ડી? એ વળી કોણ?’ બીટ્ટુએ આશ્ચર્યથી પૂછ્યું.
‘અરે બુદ્ધુ! ગુડ્ડી એટલે હવે આપણા ઘરમાં આવવાની છે એ… આપણી નાની બહેન!’

બીટ્ટુએ આંખો ફાડીને ડોલી સામે જોયા કર્યું.

પછી તો સવારથી સાંજ સુધી ગુડ્ડી નામનું પતંગિયું પાંખો ફફડાવતું ઘરમાં ઊડવા માંડ્યું.

– ‘મમ્મી, ગુડ્ડી આવે પછી આપણે બધા કારમાં કેવી રીતે સમાઈશું? ગુડ્ડીનો સામાન પણ હશેને? મારી પાસે મસ્ત આઈડિયા છે, કહું? જો, હું પપ્પાને કહીશે કે આ કાર કાઢી નાખો અને નવી કાર લઈ લો. મોટી એસયુવી! ઝાયલો, નહીં તો પછી ટાટા સફારી… રેડ કલરની!’

– ‘નૂપુરની બહેન પાસે કેવાં ફાઈન ફાઈન ડ્રેસીસ છે! ગુડ્ડી માટે પણ એનાં કરતાંય મસ્ત ડ્રેસીસ લાવીશું, પેલા નવા મૉલમાંથી! બરાબરને, દાદીમા?’

– ‘બીટ્ટુ, તારી આ ટ્રાઈસિકલ ભંગારમાં આપી દેવાની છે. ગુડ્ડી માટે તો આપણે નવી સાઈકલ ખરીદીશું!’

– ‘ઓય બીટુડા! ગુડ્ડી આવે પછી ટીવીનું વોલ્યુમ આટલું ફાસ્ટ મૂકીશ એ નહીં ચાલે, હં!’

બીટ્ટુને આ બધું કેવી રીતે ગમે? ઘરમાં સૌથી નાના હોવાના કારણે મળતા ખૂબ બધા ‘વિશિષ્ટ અધિકારો’ હવે છીનવાઈ જવાના હતા. હવે ઘરમાં અગ્ર્ાતાક્રમ બદલાઈ જવાનો હતો. ડોલી અને દાદીમા તો જાણે અત્યારથી જ ગુડ્ડીના પક્ષમાં જતા રહ્યાં છે. નાનકડો બીટ્ટુ આ બધું સભાનતાપૂર્વક તો શી રીતે સમજી શકે, પણ એ આખી વાતને પામી જ‚ર જતો. એને આ બધું ખૂંચ્યા કરતું. ગુડ્ડીનો ઉલ્લેખ આવે એટલે એ ચીડાય જાય, ગુસ્સે થઈ જાય, રિસાઈને એક ખૂણામાં મોઢુ ચડાવીને બેસી જાય. તો ક્યારેક, ગુડ્ડીની વાતો કરતી વખતે ડોલીની આંખોમાં આતુરતા, આનંદ અને આવકારની જે પલી અજબ ચમક અંજાઈ જતી હતી તે જોઈને ચુપ થઈ જાય.

જૂના રજવાડાંમાં જેમ સૂર્ય અસ્ત થાય તે પહેલાં નગર ફરતે ગઢના વિશાળ દ્વારો બંધ કરી દેવામાં આવતાં એ રીતે બીટ્ટુએ પણ પોતાનાં હૃદયનાં દ્વાર ગુડ્ડી માટે અજાણપણે ભીડી દીધાં હતાં!

એક દિવસ ઘરના પાછલા કમ્પાઉન્ડમાં બદામડીના ઝાડ પાસે બીટ્ટુ એના ફેવરિટ બૉલ સાથે રમી રહ્યો હતો. થોડે દૂર દાદીમા જાડા કાચવાળા ચશ્માં ચડાવીને કશુંક વાંચી રહ્યાં હતાં. બીટ્ટુને બદામડીની ડાળે હીંચકો બાંધીને ઝુલવું બહુ ગમતું. બૂમ પાડીને એણે ડોલીને પાસે બોલાવી:

‘ડોલી, ચાલ આપણે પેલી ડાળ પર હીંચકો બાંધીએ!’
‘ના હોં. જરાય નહીં.’

બીટ્ટુને નવાઈ લાગી. ડોલી તો ક્યારેય આવાં કામમાં ના નથી પાડતી. આજે વળી શું થયું? એણે આશ્ચર્યથી પૂછ્યું:

‘કેમ?’
‘હવે બદામડીની ડાળે તારો હીંચકો નહીં બંધાય.’
‘તો?’
‘ગુડ્ડીનો બંધાશે! બરાબરને દાદીમા?’

બીટ્ટુના ગાલ પર જાણે જોરદાર તમાચો પડ્યો!

પણ દાદીમા ખડખડાટ હસી પડ્યાં. ‘આ તો ભેંસ ભાગોળે અને છાસ છાગોળે! અરે બેટા, ગુડ્ડીને આવવાને હજુ ઘણી વાર છે…’ પછી બીટ્ટુ તરફ દયામણી દષ્ટિ ફેંકી, ‘ડોલી, હવે બીટ્ટુરાજાને છેલ્લા છેલ્લા લાડ લડાવી લ્યો. ગુડ્ડી તો આવતાં આવશે, બિચારા બીટ્ટુના તો અત્યારથી ભાવ પૂછાવાનું બંધ થઈ ગયું…!’

એટલું બધું લાગી આવ્યું બીટ્ટુને! એનું મોઢું સાવ કરમાઈ ગયું. પોતાની વાત મનાવવા અને ધાયુર્ર્ં કરાવવા આખું ઘર માથે લેતો બીટ્ટુ આ વખતે સાવ મૌન થઈ ગયો. હવા ભરેલું રમકડું જેમ ટાંચણી ભોંકાતા ઢગલો થઈને પડી જાય એમ બીટ્ટુ નીચું મોં કરીને દૂર ઓટલા પર બેસી પડ્યો. એની આંખોમાંથી ટપ ટપ કરતાં આંસુ ટપકવાં લાગ્યાં.

આ જોઈને ડોલીનો જીવ બળ્યો હોય કે પછી ભેગેભેગા પોતાનેય હિંચકા ખાવા મળશે એવી લાલચ જાગી હોય, પણ એ બીટ્ટુ પાસે જઈને એના માથા પર હાથ ફેરવવા લાગી. કહ્યું, ‘જા, સ્ટોર‚મમાંથી હિંચકો લેતો આવ. આપણે પેલી સૌથી લાંબી ડાળી પર બાંધીશું, બસ!’

ડોલીને એમ કે આ સાંભળીને બીટ્ટુ રાજી રાજી થઈ જશે, આંખો લૂછીને સીધો સ્ટોર‚મ તરફ દોટ મૂકશે, પણ એણે તો બિલકુલ ઊલટી જ પ્રતિક્રિયા આપી. એણે આંચકો મારીને ડોલીનો હાથ હટાવી દીધો. દબાયેલી સ્પ્રિન્ગ ઊછળી હોય એમ એ ઝાટકા સાથે ઊભો થઈ ગયો અને એકદમ ક્રોધભર્યા સ્વરે, લગભગ ખૂન્નસથી ચીસ પાડી, ‘હું હીંચકો તોડી નાખીશ… ગુડ્ડીને અગાસી પરથી નીચે ફેંકી દઈશ…!’

અને પછી માંડ્યો મોટે મોટેથી હિબકાં ભરવાં. છેલ્લા કેટલાય દિવસોથી જમા થયેલું ‘દુખ’ જાણે એકસાથે આંસુ બનીને એની આંખોમાંથી વહેવા લાગ્યું. આ આંસુમાં ઘરના સિંહાસન પરથી ‘પદભ્રષ્ટ’ થયા પછી પોતાનું શું થશે તે વાતની ભારોભાર અસલામતી પણ વહેતી હતી! ડોલી મૂંઝાઈ ગઈ. બીટુડાને આ વળી ઓચિંતા શું થઈ ગયું? એ ઢીલા, કંઈક ગુનાહિત અવાજે બોલી:

‘દાદીમા, જુઓને મેં એને હીંચકો બાંધી આપવાનું કહ્યું તોય રડે છે…’

પણ જમાનાના ખાધેલાં દાદીમાને આવડા અંગૂઠા જેવડા છોકરાની નાડ પારખતાં કેટલી વાર લાગે? ઈશારો કરીને એમણે ડોલીને ચુપ રહેવા કહ્યું અને બીટ્ટુને પોતાના ખોળામાં ખેંચી લઈ છૂટથી રડવા દીધો.

‘અરેરે! આટલું બધું ખોટું લાગી ગયું મારા લાલાને!’ દાદીમાને હવે ભાન થયું કે ઘરમાં ડોલીનાં નામના મંત્રોચ્ચારનો અતિરેક જરા વહેલો અટકાવી દીધો હોત તો આ બિચારો છોકરો આમ કરમાઈ ન જાત. મહામહેનત શ્વાસ લેતા, હાંફતા બીટ્ટુનાં ડૂસકાં ધીમે ધીમે શમવા લાગ્યાં. જોકે રડવાનું સાવ બંધ તો ન જ થયું. હજુ રહી રહીને હીબકું ભરાઈ જતું હતું અને આખું શરીર હલી ઉઠતું હતું. એ કંઈક વાત સાંભળી શકે એવી સ્થિતિમાં આવ્યો એટલે દાદીમા એના માથા પર હાથ ફેરવતા સમજાવવા લાગ્યાં:

‘આ ડોલી તો સાવ જ ગાંડી છે, નહીં? સાંભળ ડોલી, હવે આપણે ક્યારેય ગુડ્ડીની વાતો નહીં કરવાની, સમજી ગઈ? એ વળી શું? આખો દિવસ ગુડ્ડી, ગુડ્ડી, ગુડ્ડી… જાણે બીજું કોઈ કામ જ નથી! હવેથી એ બધું બંધ, બરાબર છે?’

બીટ્ટુ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. દાદીમા આગળ વધ્યાં:

‘હવે જો બીટ્ટુને ગમેને તો જ ગુડ્ડીની વાત કરવાની. એ સિવાય નહીં. બીટ્ટુ ઘરમાં ન હોય ત્યારેય નહીં. બસ, હવે તો રાજીને બીટ્ટુરાજા?’

દાદીમાની વાતે ધારી અસર કરી. બીટ્ટુનું રુદન અટક્યું. એની ભીની થયેલી આંખો સ્થિર થઈ. દાદીમાની ગુડ્ડી-વિરોધી વાતથી એના દિલને ધરપત થઈ હતી! જોકે ચહેરા પર ખુશાલીના ભાવ તો ન જ આવ્યા. રોષ ખંખેરી નાખતો હોય એમ એ હળવાશ અનુભવતો દાદીમાની ગોદમાંથી ઊભો થયો. એક હાથ ઊંચો કરીને ટીશટર્ની બાંયથી નાક લૂછી એ નરમાશથી બોલ્યો, ‘ચાલ ડોલી, આપણે હીંચકો બાંધીએ, પેલી સૌથી ઊંચી ડાળ ઉપર…’

– અને આજે ઘણા દિવસો પછી એવી સાંજ આવી કે ઘરમાં ગુડ્ડીની વાતો બિલકુલ ન થઈ! અરે, બીજો દિવસેય કોરો ગયો. ડોલીને તો ગુડ્ડીનું નામ જીભ વાટે બહાર નીકળી ન જાય એ માટે રીતસર પ્રયત્ન કરવો પડતો હતો, પણ દાદીમાએ એને બરાબર વિશ્વાસમાં લીધી હતી. ઘરમાં ઊડાઊડ કરતું ગુડ્ડી નામનું પતંગિયું જાણે એકદમ જ પાંજરામાં પૂરાઈ ગયું. ઘરમાં ગુડ્ડીની વાતો સાવ બંધ થઈ ગઈ એટલે બીટ્ટુનાં છણકા કરવાનું અને નારાજ થવાનું પણ ઓછું થઈ ગયું.

પણ આ સિલસિલો લાંબો સમય ચાલ્યો નહીં. બન્યું એવું કે ખુદ બીટ્ટુએ જ – ખાસ તો પેલી ટબૂકડી સ્વીટીએ – પાંજરાનું બારણું ખોલી નાખ્યું અને પતંગિયાને પાછું મુક્ત કરી દીધું.

તે દિવસે ડોલીની બહેનપણી નૂપુર એની બે વર્ષની બહેનને લઈને બપોરથી લેસન કરવા આવી હતી. સ્વીટી તો જાણે જનમોજનમથી બીટ્ટુને ઓળખતી હોય એમ બન્ને હાથ ઊંચાનીચા કરતી, ડગુમગુ ચાલતી એને વળગી પડી. બીટ્ટુ પણ સ્વીટીને જોઈને રાજી રાજી થઈ ગયો. એણે સ્વીટી સામે પોતાનાં નવાંજૂનાં તમામ રમકડાંનો ડુંગર જ ખડકી દીધો. એક એક રમકડાંને ચાવી આપતો જાય અને કાલી કાલી ભાષામાં સ્વીટી સાથે વાતો કરતો જાય. સ્વીટી ખિલ ખિલ કરતી હસી પડે અને નાનીનાની હથેળીઓમાં તાળી પાડે એટલે બીટ્ટુભાઈ ઓર ખીલે.

‘…નહીંતર આજે અમે મેકડોનાલ્ડ્સમાં જવાનાં હતાં, પણ સ્વીટી આવી છે એટલે બીટુડો બધું જ ભૂલી ગયો છે!’ ડોલી નૂપુરને કહી રહી હતી.

મમ્મીએ ઓરેન્જ જ્યુસ અને બે-ત્રણ સ્નેક્સ બનાવી આપ્યાં. બીટ્ટુએ ખુરસી પર એક ઉપર એક ત્રણ ઓશીકાં ગોઠવીને એના ઉપર સ્વીટીને બેસાડી. પછી હળવે હળવે ચમચીથી જ્યુસ પીવડાવતો જાય એ નેપ્કિન વડે એનું મોં લૂછતો જાય.

‘જો તો ખરી વહુ, કેવું હેત છે બીટ્ટુને આ છોકરી ઉપર!’ દાદીમાએ અચંબો પામીએ મમ્મીને કહ્યું.

રાત થવા આવી એટલે સ્વીટીની મમ્મી બન્ને બહેનોને તેડી ગઈ. સ્વીટીને બીટ્ટુ સાથે એવી માયા બંધાઈ ગઈ કે વિખૂટા પડવાનું થયું એટલે ભેંકડો તાણીને રડવા માંડી. બીટ્ટુ પણ ઢીલો થઈ ગયો હતો. સ્વીટીના ભૂરા વાંકડિયા વાળમાં હાથ ફેરવતા જાણે એ બધું સમજતી હોય તેમ મનાવવા લાગ્યો:

‘જો સ્વીટી, કાલે સન્ડે છે. મને સ્કૂલમાં હોલીડે છે… હું સવારથી તારા ઘરે રમવા આવી જઈશ, બસ?’ પછી સ્વીટીની મમ્મી તરફ જોઈને પૂછી લીધું:

‘આવુંને આન્ટી?’
‘અરે આવજેને બેટા. તારું જ ઘર છે. એમાં પૂછવાનું હોય?’

બીજે દિવસે બીટ્ટુ ગયો પણ ખરો. આખો દિવસ બન્ને રમવામાં એવા મશગુલ રહ્યાં કે સાંજે ‘વિદાયવેળા’ આવી ત્યારે ફરી પાછું ગઈ કાલનું પુનરાવર્તન થયું. આ વખતે તો સ્વીટીનાં રુદનમાં બીટ્ટુનાં આંસુ પણ ભળ્યાં!

વળતી વખતે રસ્તામાં બીટ્ટુ કહે, ‘દાદીમા, સ્વીટી કેટલી સ્માર્ટ છે, નહીં? ચાલોને, એને આપણા ઘરે રાખી લઈએ!’

દાદીમા બીટ્ટુ સામે જોઈ રહ્યાં: લોઢું ગરમ છે, હથોડો ઝીંકવાનો સરસ મોકો છે. પળ-બે પળ એ જાણીજોઈને ચુપ રહ્યાં. પછી કહે:

‘ના રે ભાઈ, તને ક્યાં નાનાં છોકરાંવ ગમે છે?’ પછી હળવેકથી ઉમેરી દીધું, ‘તને તો ગુડ્ડી પણ ક્યાં ગમે છે?’

બીટ્ટુ જોઈ રહ્યો. થોડી વાર એ કશું ન બોલ્યો. પછી ધીમે અવાજે પૂછ્યું:

‘દાદીમા, ગુડ્ડી પણ સ્વીટી જેવી જ હશે?’
‘સ્વીટી કરતાંય ફાઈન!’
‘એ પણ મારી સાથે રમશે?’
‘હા હા! એ તો સ્વીટી કરતાંય વધારે રમતિયાળ હશે. તું જોજે તો ખરો!’

બીટ્ટુ વિચારમાં પડી ગયો. ઘરે આવ્યા ત્યાં સુધીમાં એના મોંમાંથી એક શબ્દ ન નીકળ્યો. કોમિક્સ લઈને એક ખૂણામાં ચુપચાપ બેસી તો ગયો, પણ એનું ધ્યાન ચોપડીમાં ક્યાં હતું. એની ચુપકિદી તૂટી છેક રાત્રે, ડિનર વખતે.
વાતવાતમાં ડોલી મમ્મીને કહી રહી હતી, ‘મમ્મી, નૂપુર શ‚આતમાં મારા કરતાં વધારે માર્ક્સ લાવતી હતી, પણ સ્વીટી આવી પછી પાછળ રહેવા લાગી…’

‘સાવ એવું તો નહીં હોય, ડોલી,’ મમ્મીએ કહ્યું, ‘એક સ્વીટીના કારણે જ…’

પણ મમ્મી વાક્ય પૂરું કરે એ પહેલાં જ, જાણે ક્યારનું શાંત બેઠેલું સસલું અચાનક ચેતનવંતુ બનીને કાન ઊંચા કરે એમ, ચુપચાપ કોળિયાં ભરી રહેલો બીટ્ટુ ઉત્તેજિત થઈને બોલી ઉઠ્યો:

‘મમ્મી, મમ્મી! ગુડ્ડી આપણાં ઘરમાં આવશે પછી તો હું મારી સાથે એને પણ હોમવર્ક કરવા બેસાડીશ… મેં સ્વીટીને એ-બી-સી-ડી નહોતી શીખવાડી? બસ, એમ જ! હું, ગુડ્ડી ને ડોલી અમે ત્રણેય હાર્ડ વર્ક કરીશું અને અમે ત્રણેય સરસ માર્ક્સ લાવીશું… હેં ને ડોલી?’

ડોલી સ્થિર થઈ ગઈ! એનો કોળિયો હવામાં અધ્ધર રહી ગયો! ચોંકીને એણે બીટ્ટુ સામે જોયું. આ બીટ્ટુ બોલ્યો? બીટ્ટુના અવાજનો આ રણકો, નાની આવનારી બહેન માટે પ્રગટેલી ઉષ્મા… આ બધું તદ્દન અનપેક્ષિત હતું. ડોલીની આંખો હર્ષથી ચમકી ઉઠી. એણે દાદીમા તરફ નજર કરી. દાદીમા એની સામે જોઈને આનંદથી મંદ મંદ હસતા, વિજયસ્મિત લહેરાવી રહ્યાં હતાં. એમનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. એમણે આંખોથી જ પોરસાઈને કહી દીધું: જોયુંને ડોલી, હું નહોતી કહેતી?

– અને પછી તો ગુડ્ડીનું નામ પહેલાં કરતાંય વધારે ચંચળ અને વધારે ગતિશીલ બનીને ઘરમાં રંગો વિખેરવા લાગ્યું. હવે ગુડ્ડીનાં નામનું રટણ કરવા માટે એક ઓર જીભ પણ ઉમેરાઈ ગઈ હતી- બીટ્ટુની! દાદીમા અને ખાસ તો પેલી ટબૂકડી સ્વીટીએ મળીને કંઈક એવો જાદુ કરી નાખ્યો કે એના બંધ હૃદયનાં દ્વાર ફટાક કરતાં ખૂલી ગયાં. બીટ્ટુને જાણે સમજાઈ ગયું કે શાહ પરિવારનાં સામ્રાજ્ય પર એ અને ગુડ્ડી બન્ને સંપીને રાજ કરી શકે છે! ઋતુ બદલે અને ઝાડપાન નવાં રંગ‚પ ધારણ કરે એમ બીટ્ટુના તો તેવર જ બદલાઈ ગયા.

– ‘ડોલી, ગુડ્ડીને ક્યાં સુવાડીશું? મમ્મી-પપ્પાના રુમમાં કે આપણા રુમમાં?’

– ‘નહીં, ફ્રોક નહીં, ગુડ્ડી મારી જેમ ચડ્ડી અને ટીશર્ટ પહેરશે!’

– ‘મમ્મી, ગુડ્ડી માટે પણ એક પિગી બેંક લાવી આપને. હું અત્યારથી એમાં કોઈન્સ નાખતો જઈશ… પછી એમાંથી ગુડ્ડી માટે ચાવીવાળો ડોરિમોન ને શિનચેન લાવીશું!’
દાદીમા હસી પડતાં, ‘મારો ભોળિયો દીકરો! રીસાતા ય વાર નહીં ને રીઝાતા ય વાર નહીં! પહેલાં કેવો ગુડ્ડીનું નામ પડતાં જ રાડો પાડવા મંડતા હતો અને હવે ગુડ્ડી-ગુડ્ડી કરતાં જીભ સૂકાતી નથી!’

પાછલાં કમ્પાઉન્ડમાં બીટ્ટુએ જીદ કરીને ગુલાબના બેને બદલે ત્રણ છોડ રોપાવ્યાં. વનસ્પતિ માત્રને એ ‘ટ્રી’ કહેતો. હરિયાળી લોન એટલે ઘાસના ટ્રી! એની ગણતરી સાવ સાદી હતી: એક ગુલાબનું ટ્રી મારું, એક ગુલાબનું ટ્રી ડોલીનું અને એક ગુડ્ડીનું! ગુલાબના છોડને દિવસમાં ત્રણ વાર પાણી પાવાનું એ ક્યારેય ચુકતો નહીં.

…અને દિલ્હીમાં પૂરા પોણા બે મહિનાની ટ્રેનિંગ પતાવીને પપ્પાનો પાછા ઘરે આવવાનો દિવસ સાવ નિકટ આવી ગયો. ઘરમાં આનંદની લહેર દોડી ગઈ. પણ થોડી ગરબડ થઈ ગઈ: પપ્પા શુક્રવારે રાતે આવવાના હતા અને શનિ-રવિ સ્કૂલની પિકનિક ગોઠવાઈ હતી. ડોલી તો કહેવા માંડી કે પિકનિક કેન્સલ કરી નાખીએ, પણ મમ્મીએ એને સમજાવી:

‘ના ના, તમે જઈ આવો પિકનિકમાં. આવી ટ્રિપ મિસ કરાય જ નહીં. બંધ ક્લાસ‚મમાં ભણો એના કરતાં કુદરતના ખોળે વધારે શીખવાનું મળે. પાછા પૈસાય ભરાઈ ગયા છે. તમારે ક્યાં વધારે રોકાવાનું છે? બે જ દિવસનો તો સવાલ છે. પછી પપ્પા સાથે રહેવાનું જ છેને?’

શુક્રવારની રાત ફટાફટ આવી ગઈ. પપ્પા દિલ્હીથી આવી ગયા, સૌ માટે કેટલીય ગિફ્ટ્સ લઈને. પપ્પા વગર આટલો લાંબો સમય એકલા રહેવાનું અગાઉ ક્યારેય નહોતું બન્યું. ભાઈ-બહેન એમને જોતાંવેંત દોડીને વળગી પડ્યાં હતાં. બીટ્ટુ તો લાગણીવશ થઈને રડવા લાગ્યો હતો, પણ પપ્પા એના માટે સૌથી વધારે ગિફ્ટ્સ લાવ્યા હતા એટલે તરત રાજી થઈને કૂદાકૂદ કરવા માંડ્યો. ઘરમાં આત્મીયતા અને હૂંફનું એક મધુર વાતાવરણ રચાઈ ગયું.

‘બીટ્ટુ, આ ગેમ તું કાલે પિકનિકમાં સાથે લઈ જજે. મજા આવશે,’ પપ્પાએ કહ્યું.
‘એ તો તમે નહીં કહો તો પણ સાથે લઈ ગયા વગર થોડો રહેવાનો છે?’ મમ્મી મુસ્કુરાઈ.

બીટ્ટુ તો પપ્પા સાથે મોડે સુધી જાગીને નવાં ટોયઝ સાથે રમવા માગતાં હતાં, પણ બીજે દિવસે સાત વાગ્યામાં સ્કૂલ બસ પિક-અપ કરવા આવી જવાની હતી એટલે નછૂટકે રોજ કરતાં વહેલાં સૂઈ જવું પડ્યું.

સવારે મમ્મી-પપ્પા બન્ને બસ સ્ટોપ સુધી મૂકવા આવ્યાં. બસ સમયસર હોર્ન વગાડતી આવી ગઈ. સૂચનાઓ અને શીખામણો આપીને મમ્મીએ બન્નેને સીટ પર બેસાડી દીઘાં. ટીચર્સને જ‚રી ભલામણો થઈ ગઈ. બારીમાંથી ટા-ટા કરતી વખતે બીટ્ટુને અચાનક યાદ આવ્યું, ‘મમ્મી, અમારાં ગુલાબના ટ્રીને પાણી પાવાનું ભુલતી નહીં!’

પિકનિકમાં બધાએ ખૂબ મસ્તી કરી. પર્વત, નાનકડી ઝરણાં જેવી નદી, લીલુંછમ્મ જંગલ, વૈભવી રિસોર્ટ અને ખાસ તો પોતાની ઉંમરના બચ્ચાઓ સાથે ધીંગામસ્તી. આ બધામાં દોઢ દિવસ અને એક રાત સડસડાટ પસાર થઈ ગયાં. પુષ્કળ મજા કરીને સૌ બસમાં બેસી શહેર તરફ પાછાં વળી રહ્યાં હતાં ત્યાં સુધી બીટ્ટુ પિકનિકના જ મૂડમાં હતો, ‘ડોલી, આપણે મમ્મી-પપ્પા અને દાદીમાને લઈને અહીં ફરી આવીશું…’ પછી કશુંક યાદ આવી ગયું હોય એમ ઉમેર્યું, ‘અને ગુડ્ડીને પણ સાથે લાવીશું!’

ડોલીએ એની સામે જોયું. ‘બે દિવસ તો ગુડ્ડીનું નામ પણ ન લીધું અને હવે ઘર નજીક આવ્યું એટલે ગુડ્ડી યાદ આવી!’

પણ બીટ્ટુ પોતાની ધૂનમાં હતો.

‘ડોલી, પપ્પા આપણા માટે ગિફ્ટસ લાવ્યાં, પણ ગુડ્ડી માટે કેમ કશું ન લાવ્યા?’ થોડુંક વિચારીને બીજો સવાલ કર્યો, ‘પપ્પાને ખબર છેને કે ગુડ્ડી આપણા ઘરે આવવાની છે?’
ડોલી હસી પડી. એ કશું બોલી નહીં.

‘ડોલી, મમ્મી ગુલાબના ટ્રીને પાણી પાવાનું ભુલી નહીં ગઈ હોયને?’ બીટ્ટુને રહી રહીને ચિંતા થઈ આવી, ‘અને ગુડ્ડીના ટ્રીમાં તો કળી પણ આવી હતી, ખબર છે?’

‘અરે, આ બે દિવસમાં તો કળીમાંથી આખું ગુલાબ થઈ ગયું હશે, તું જોજે તો ખરો!’ ડોલીએ કહ્યું.

બિટ્ટુનો ચહેરો ચમકી ઉઠ્યો.

‘વાઉ! આપણે છેને ગુડ્ડીના ટ્રીનું પહેલું ગુલાબ ભગવાનને ચડાવીશું!’ પાછી આંખો પટપટાવી, ‘પણ ડોલી, ગુડ્ડી આપણા ઘરે આવશે ક્યારે?’
આ જ સવાલ ડોલીએ દાદીને પણ પૂછ્યો હતો. એ એકાદ પળ શાંત રહી. પછી દાદીમાના જવાબના આધારે, એમની જ અદામાં ઉત્તર આપ્યો, ‘છેને તું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવી જઈશને ત્યારે!’

બીટ્ટુ મનોમન ગણતરીઓ કરતો રહ્યો ત્યાં ઘર આવી ગયું. સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હતો અને અજવાળું પૂરેપૂરું હતું. બસ નિર્ધારિત સ્ટોપ પર ઊભી રહી એટલે શોલ્ડર બેગ અને વોટરબોટલ લઈ, દોસ્તોને બાય-બાય કરી બન્ને સંભાળીને નીચે ઉતર્યાં. સામે કેતન ઊભો હતો. એ બાજુના બંગલામાં રહેતો હતો. ડોલી કરતાં એકાદ વર્ષ મોટો. એ ત્વરાથી આગળ આવ્યો:

‘કેવી રહી તમારી પિકનિક? મજા આવી?’
‘અરે બહુ મજા આવી… પણ તું અહીં શું કરે છે?’ ડોલીએ કહ્યું.
‘હું તમને લેવા આવ્યો છું.’

કેતન આગળ કંઈ બોલે એ પહેલાં બીટ્ટુએ અધીરાઈથી પૂછ્યું, ‘કેતન… કેતન… તું અમારા ગાર્ડનમાં ગયો હતો? તેં ગુલાબનાં ટ્રી જોયાં? એક ટ્રીમાં ગુલાબ આવવાનું હતું એ આવી ગયું?’

કેતન વિચારમાં પડી ગયો.

‘મેં તો એવું કંઈ જોયું નથી…’

‘કેતનને ગુલાબની કેવી રીતે ખબર હોય, સ્ટુપિડ?’ ડોલીએ ચાલવા માંડ્યું. પછી પૂછયું, ‘મારી મમ્મી કેમ ન આવી અમને તેડવાં?’

‘તારી મમ્મીને તો આરામ કરે છે,’ કેતને કહ્યું, ‘તમે લોકો કાલે પિકનિકમાં ગયાં પછી આન્ટીને હોસ્પિટલમાં એડમિટ કર્યાં હતાંને?’

ડોલી ચમકી ગઈ. મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કરી હતી? મમ્મી અને હોસ્પિટલ શબ્દ સાથે સાથે ઉચ્ચારાયા એટલે બીટ્ટુ પણ થંભી ગયો. બન્ને કેતન સામે જોવા લાગ્યાં. એ ફરી બોલ્યો:

‘શી ઈઝ ફાઈન. આન્ટીને કાલે સાંજે હોસ્પિટલમાંથી છુટ્ટી પણ મળી ગઈ.’

‘પણ મમ્મીને થયું શું હતું? અમે કાલે સવારે અમે પિકનિકમાં ગયાં ત્યારે તો સાવ સાજી હતી!’ ડોલીને ટેન્શન થઈ ગયું. વધારે સવાલ-જવાબ કરવાની જ‚ર ન પડી. ઘર આવી ગયું. બન્ને દોડીને અંદર ઘૂસી ગયાં. ડ્રોઈંગરુમમાં સોફા પર દાદી અને એક પાડોસી મહિલા ભારે ચહેરે બેઠાં હતાં. સામે ચેર પર પપ્પા હતા. બીટ્ટુ-ડોલી વંટોળની જેમ આવ્યાં એટલે તેમની કોઈ વાત ઊભી રહી ગઈ.

‘મમ્મી ક્યાં છે?’ બીટ્ટુએ તરત પૂછ્યું.

‘શું થયું મમ્મીને? હોસ્પિટલમાં કેમ એડમિટ કરી હતી?’ ડોલીએ પ્રશ્નોની ઝડી વરસાવી.

કોઈ કશું બોલ્યું નહીં. ડોલી વિસ્ફારિત નેત્રે સૌને વારાફરતી જોતી રહી. થોડી વારે પાડોશી મહિલા ધીમેથી બોલી:

‘મમ્મી અંદર બેડ‚મમાં સૂતી છે. તમે એને ડિસ્ટર્બ નહીં કરતા. બિચારીને માંડ ઊંઘ આવી છે.’

ડોલી સામેના સોફા પર બેસી ગઈ. બીટ્ટુનો હાથ ખેંચીને પોતાની પાસે બેસાડી દીધો. જરુર કંઈક સિરિયસ મામલો છે. બધાના ચહેરા પર આટલી તાણ શા માટે છે? દાદીમાનું મોઢું કોઈ દુર્ઘટના બની ગઈ હોય એવું શોકમગ્ન કેમ દેખાય છે? આ શું? દાદીમાં રડી રહ્યાં છે? ડોલી અને બિટ્ટુ ગંભીર થઈ ગયાં.

‘હું ગાર્ડનમાં જોતો આવું… પેલું ગુલાબનું ફુલ આવી ગયું છે કે નહીં…’ કહેતો કેતન બહાર જતો રહ્યો.

– અને દાદીમા છૂટથી રડી પડ્યાં. તરડાતા અવાજે વાતચીતનો તૂટેલો તંતુ ફરી સાંધતા હોય એમ પપ્પા સામે જોઈને બોલવા લાગ્યાં:

‘આ બિચારાં બીટ્ટુ અને ડોલી… કેટલા વખતથી ગુડ્ડી-ગુડ્ડી કરે છે. કેટલી હોંશ હતી બેયને નાની બહેનની… અને તારો સહેજ પર જીવ ન કોચવાયો આમ… એક જીવતા જીવને… સાવ આ રીતે…’ આગલા શબ્દો રુદનમાં ઓગળી ગયા.

પપ્પાનો ચહેરો વધારે સખત થઈ ગયો. જાણે ધૂંધવાયેલા હોય એમ સમસમીને ચુપ બેસી રહ્યા. પપ્પાનો આવો મુખભાવ અને દાદીમાને આ રીતે રડતાં જોઈને ડોલી-બિટ્ટુ શિયાંવિયાં થઈ ગયાં. દાદીમાનો રોષ ઠાલવવાનો હજુ બાકી હતો:

‘આ લોકો તો કીધા કરે… બે છોકરાં બસ… એક છોકરું બસ… પણ આપણે આપણું જોવાનું હોયને? સંતાન તો ઉપરવાળાની મરજી છે. એને પૂજાનું ફૂલ સમજીને માથે ચડાવવાનું હોય… આમ સડી ગયેલી આંગળીને કાપીને ફેંકી દે એ રીતે…’

દાદીમાના શબ્દોમાં વેદના વધારે હતી કે આક્રોશ એ કહેવું મુશ્કેલ હતું.

‘પીટ્યા દોક્તરોનો તો ધંધો છે. એ મૂઆઓ તો દુકાન ખોલીને બેઠા છે, એમને પૈસા કમાવા છે, પણ તારો જીવ કઈ રીતે ચાલ્યો, અનંત? તારું પોતાનું બીજ હતું એ… વહુને બિચારીને એમ કે તું દિલ્હીથી આવે પછી સારા સમાચાર આપે.. પણ તેં તો આવતાની સાથે જ… એક જીવતાજીવને આમ રહેંસી નાખતા તને સહેજ પણ અરેરાટી ન થઈ?’

ડોલી સ્તબ્ધ બની રહી હતી. દાદીમા આ શું બોલી રહ્યાં છે?

‘ને કે’ છે હતી ય છોકરી જ. તને ક્યાં ભારે પડી જવાની હતી એ નાની બાળ? ભગવાને દીધેલું ઘણું છે આપણી પાસે. ેબે ભેગાં ત્રણ… અને વહુનીય ઈચ્છા હતી. ભલે એ આ છોકરાવની જેમ આખો દહાડો ગુડ્ડી… ગુડ્ડીનું રટણ નહોતી કરતી, પણ મનમાં તો એનેય-’

ડોલીથી હવે ન રહેવાયું.

‘શું થયું ગુડ્ડીને, દાદીમા?’ એણે ફફડાટથી પૂછ્યું.

ઓરડામાં વજનદાર શાંતિ પથરાઈ ગઈ. ડોલી અને બીટ્ટુ ત્રણેયના ચહેરા સામે વારાફરતી તાકતા રહ્યાં. પપ્પાના ચહેરા પર કરડાકી યથાવત હતી. દાદીમાના ચહેરા પર પારાવાર વેદના છવાયેલી હતી. દાદીમાનો આવો ગરીબડો ચહેરો જોઈને ડોલીનો જીવ ચૂંથાવા લાગ્યો.

દાદીમાએ ધીમેથી નજર ઉઠાવીને છોકરાંવ સામે જોયું. ડબ ડબ કરતાં બે આંસુ એમની આંખોમાંથી સરી પડ્યાં. અત્યંત કષ્ટ પડતું હોય એમ, દુખ નીતરતા અવાજે એ માંડ માંડ બોલ્યાં:

‘ગુડ્ડી જતી રહી, બેટા… હવે ભુલી જાઓ એને… ગુડ્ડી જતી રહી, જન્મતાં પહેલાં જ…’

દાદીમાની વાત ડોલી સમજી અને સમજતાંની સાથે જ હેબતાઈ ગઈ. ગુડ્ડી જતી રહી? ફાટી આંખે એ દાદીમાને જોતી રહી. બીટ્ટુ પણ ચમક્યો. દાદીમા આ શું બોલ્યાં? એ ઊભો થઈ ગયો:

‘દાદીમા, ગુડ્ડી હવે નહીં આવે?’

જવાબમાં દાદીમા ફક્ત થોડાં ઓર અશ્રુ વહાવી શક્યાં.

‘હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવીશ ત્યારે ય નહીં આવે?’

‘ના દીકરા ના… તારી ગુડ્ડી હવે ક્યારેય નહીં આવે…’ દાદીમા પાછાં ભાંગી પડ્યાં.

બીટ્ટુ કશું બોલે એ પહેલાં તો-

‘બીટ્ટુ… ડોલી… તમારો ગુલાબનો પ્લાન્ટ…’ ગાર્ડનમાં ગયેલો કેતન ચીસ પાડતો ઓરડામાં ધસી આવ્યો. પછી હાંફતો હાંફતો બોલ્યો:

‘બીટ્ટુ, પેલા પ્લાન્ટ પર કળી હતીને? એ તો કોઈએ તોડી નાખી છે…’

બીટ્ટુ તાકી રહ્યો.

‘તો ગુલાબનું ફુલ?’

‘ગુલાબનું ફુલ હવે નહીં આવે. કળી કોઈએ તોડી નાખીને?’

કમરામાં બે-ત્રણ પળ ખામોશી તરવરતી રહી.

… અને પછી અચાનક જ, જાણે કોઈ બિહામણું દશ્ય જોઈ લીધું હોય એમ બીટ્ટુ છળી ઉઠ્યો. એ મોટેથી ચિત્કાર કરતો રડી ઉઠ્યો. એની ચીસ સાંભળીને મૂઢ બની ગયેલી ડોલીની સ્તબ્ધતા ફાટી. ધક્કો લાગ્યો હોય તેમ બીટ્ટુને વળગીને એ મોટેથી રડી પડી. આતંકિત થઈ ગયેલાં ભાઈ-બહેનની આંખોમાંથી અસહાય પીડા વરસવા લાગી.

અત્યાર સુધી મૌન બેઠેલા પપ્પા આ અણધારી પ્રતિક્રિયાથી ચોંકી ઉઠ્યા. એ સફાળા ઊભા થઈ ગયા:

‘બીટ્ટુ… ડોલી… આ શું થઈ ગયું તમને એકાએક? શાંત થઈ જાઓ બન્ને… એક ગુલાબની કળી તૂટી ગઈ એમાં આટલું બધું રડવાનું? બીટ્ટુ?’

પણ પપ્પાના શબ્દો કાન સુધી પહોંચી શકે એવી સ્થિતિ જ ક્યાં હતી?

કેટલાય દિવસોથી ઘરમાં ગુડ્ડી નામનું પતંગિયું ઊડાઊડ કરતું હતું. આજે એ બીટ્ટુ અને ડોલીના આંસુ નીચે દફન થઈ ગયું. હંમેશ માટે. 0 0 0

(સંપૂર્ણ)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.