Sun-Temple-Baanner

જબ તક હૈ જબાન


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જબ તક હૈ જબાન


જબ તક હૈ જબાન

દિવ્ય ભાસ્કર – સન્ડે સપ્લીમેન્ટ – 11 નવેમ્બર 2012

શાહરુખની જીભ એનું સૌથી આકર્ષક અંગ છે. શાહ‚ખનાં ઈન્ટરવ્યુઝ વાંચવામાં અને જોવામાં એની ફિલ્મો કરતાંય વધારે મજા આવે છે. પેશ છે એસઆરકેનું કેટલુંક બોલ બચ્ચન…

‘શાહરુખ ખાને બહુ જલદી મા-બાપ ખોઈ દીધા છે. એટલે એને સતત પ્રેમની જ‚ર પડે છે. પુષ્કળ પ્રેમની. જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ત્યાં સુધી એ તમને છોડશે નહીં. એ જાણે કે તમારો કાંઠલો પકડીને કહેશે: જુઓ, હું તમને પ્રેમ આપી રહ્યો છું, ઓકે? હવે મને સામો પ્રેમ આપો! બસ, શાહ‚ખની આ જ ક્વાલિટીએ એને સુપરસ્ટાર બનાવ્યો છે. એ કેમેરા સામે એક્ટિંગ કરતો હોય કે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતો હોય કે ઈન્ટરવ્યુ આપતો હોય… એ જાણે કે સતત કહેતો હોય છે કે ‘જુઓ, મારી સામે જુઓ… મને ચાહો, ચાહતા રહો’. એની પ્રેમની ઝંખના ક્યારેય સંતોષાતી નથી.’

આ આદિત્ય ચાપડાના શબ્દો છે. પ્રોડ્યુસર અને દોસ્ત હોવાના નાતે એણે શાહ‚ખની પર્સનાલિટીની એક છટા સરસ પકડી છે. હાલના તબક્કે સલમાન કદાચ ત્રણેય ખાનમાં સૌથી પોપ્યુલર ખાન છે, આમિર સંભવત: સૌથી વર્સેટાઈલ અને ચતુર ખાન છે, પણ એક્સ ફેક્ટરના મામલમાં શાહરુખ હંમેશા નંબર વન રહ્યો છે. એક્સ ફેક્ટર એટલે જેને વ્યાખ્યામાં બાંધી ન શકાય એવો કરિશ્મા, કશુંક ચુંબકીય તત્ત્વ. એ ‘ફૌજી’ સિરિયલ કરી રહ્યો હતો ત્યારે પણ એનામાં એક્સ ફેક્ટર હતું. શાહરુખની સૌથી પહેલી રિલીઝ થયેલી ફિલ્મ ‘દીવાના’માં એની એન્ટ્રી વખતે લોકો ચિલ્લાઈ ઉઠતા હતા. ફિલ્મી પડદા પર એનું અચીવમેન્ટ હજુ તો શૂન્ય હતું, તો પણ.

શાર્પ દિમાગ અને રમૂજથી છલકાતું વાકચાતુર્ય – શાહરુખના એક્સ ફેક્ટરના મૂળિયાં કદાચ અહીં દટાયેલાં છે. શાહ‚ખનાં ઈન્ટરવ્યુઝ વાંચવામાં અને જોવામાં એની ફિલ્મો કરતાંય વધારે મજા આવે છે. શાહરુખની જીભ એનું સૌથી આકર્ષક અંગ છે! ‘તમે ક્યારેય સિલ્વર મેડલ જીતતા નથી, તમે ફક્ત ગોલ્ડ મેડલ હારો છો!’ શાહરુખનું આ ક્લાસિક ક્વોટ છે. પેશ છે એના જેવા કેટલાક ઑર ચુનંદા અવતરણો….

– હું રોલ્સ રોયસ કાર જેવો છું. એન્જિન વગર કેવળ પ્રતિષ્ઠાના જોરે દોડતો રહી શકું છું.

– હું જે માનું છુંં એ જ કરુ ંછું. જે લોકોને એની સામે વાંધો છે એ મારા માટે મહત્ત્વના નથી. જે લોકો મારા માટે મહત્ત્વના છે, એનેે વાંધો હોતો નથી.

– ભગવાનને ક્રિકેટ રમવાનું મન થયું અને એેણે સચિન તેંડુલકર બનાવ્યો. ભગવાનને બોલીવૂડમાં એક્ટિંગ કરવાનું મન થયું અને એણે શાહરુખ ખાન બનાવ્યો!

– દુનિયામાં ફક્ત એક જ ધર્મ છે- પુુરુષાર્થ.

– હું સારો માણસ નથી, પણ મને સારા માણસ તરીકે જીવન જીવવાના સંસ્કાર મળ્યા છે. ક્રોધે ભરાઈને બીજાઓને ધીબેડતો માણસ ખરાબ નથી. અંદરખાને આપણે બધા જ એવા છીએ. આપણે આપણી જાતને જરા વધારે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, એટલું જ.

– મારી પત્ની ગૌરી મારા માટે પ્રેમથી રાંધે છે એવું કહીને ખોટું શું કામ બોલવાનું? ગૌરી જિંદગીમાં ક્યારેય રાંધતા શીખી જ નથી. હા, એ રસોઈયાઓ સારા પકડી લાવે છે.

– ગૌરી અને હું એકબીજાની સાથે જીવીએ છીએ, એકબીજા માટે જીવતા નથી. જો એણે મારા માટે ત્યાગ કર્યા હોય કે ભોગ આપ્યા હોય તો મને ખબર નથી. એ જો આવું બોલે તો એનો અર્થ એ થયો કે એ ત્યાગ નથી કરતી, બલકે મારા પર ઉપકાર કરે છે.

– તમે પ્રેમ ખાતર જેની સાથે લગ્ન કર્યાં હોય એનાથી કંટાળી જાઓ તો ગરબડ તમારામાં છે, તમારા જીવનસાથીમાં નહીં.

– હું પિતા તરીકે કે પતિ તરીકે ક્યારેક નિષ્ફળ જાઉં તો હાઈક્લાસ રમકડાં અને ડાયમંડનાં મોંઘાં ઘરેણાંની મદદ લઉં છું. આ બે વસ્તુ એવી છે જે ક્યારેય નિષ્ફળ જતી નથી!

– હું માત્ર બે જ જણા પર વિશ્વાસ કરું છું, એક ભગવાન પર અને એક શાહરુખ ખાન પર.

– હું બહુ શરમાળ માણસ છું. ધારો કે હું બ્રિટિશ એરવેઝમાં મુસાફરી કરતો હોઉં અને એરહોસ્ટેસ ખાવાપીવા અંગે એક-બે સવાલ પૂછે અને મને એનું ઈંગ્લિશ ન સમજાય તો હું ‘નો, થેન્ક્સ’ કહી દઈશ. પછી ભલે આખી ફ્લાઈટમાં મારે ભુખ્યા બેસી રહેવું પડે.

– હું કેમેરા સામે કોઈ કિરદાર ભજવતો હોઉં અથવા ‘સુપરસ્ટાર શાહરુખ’ તરીકે પેશ થઈ રહ્યો હોઉં ત્યારે જ કોન્ફિડન્ટ હોઉં છું. મારી જાત સાથે એકલો પડું ત્યારે મારા આત્મવિશ્વાસનું સ્તર નીચે ઉતરી જાય છે.

– મને નથી લાગતું કે મને સુપરસ્ટારડમ મળી ગયું છે. માણસે આના કરતાં ઘણું વધારે અચીવ કરવાનું હોય. હું ક્યારેક સ્ક્રીન પર મારી એક્ટિંગ જોતો હોઉં ત્યારે મને સવાલ થાય કે મેં આવા ભંગાર શોટ્સ શું કામ આપ્યા હશે. ઓડિયન્સને કે વિવેચકોને આ ખરાબ શોટ્સની ખબર નથી, પણ મને ખબર છે. આ ક્ષણો બહુ પર્સનલ હોય છે.

– હું કેટલીય વાર લોકોને સામેથી ‘હેલો’ કહેતો નથી. મને ડર હોય કે એ મને નહીં ઓળખે તો!

– હું બહાર રસ્તા પર નીકળું અને લોકો મને ઓળખે નહીં કે મને ઘેરી ન વળે તો હું આઘાતથી મરી જાઉં. આના માટે તો હું કામ કરું છું.

– આર્થિક સમૃદ્ધિમાં હું અમુક અંશે માનું છું. મને લાગે છે કે આર્થિક સુખ એ આધ્યાત્મિક સુખ તરફ જવા માટેનું પહેલું પગથિયું છે. જોકે કેટલાક લોકો આનાથી ઊલટું માનતા હોય છે. કદાચ એ સાચા પણ હોય. અલબત્ત, હું જે માહોલમાં મોટો થયો છું, આપણે સૌ જે માહોલમાં મોટા થયા છીએ, એમાં કન્ઝ્યુમરિઝમ એક વાસ્તવિકતા છે.

– હું પેપ્સીને છોડી દઉં અને કાલે ધારો કે કોકાકોલાવાળા મને અપ્રોચ કરે તો એના બ્રાન્ડ એમ્બેસેડર બનવામાં મને કોઈ વાંધો ન આવે. પેપ્સી અને કોકાકોલાની આઈડિયોલોજી સાથે મારે કશું લાગતું-વળગતું નથી. મને એક કામ સોંપવામાં આવે છે, જે હું કરીશ.

– મને એવું માનવું ગમે છે કે મારામાં હિટલર અને નેપોલિયનના થોડાક અંશ છે. હું પ્રયત્ન કરું તો ય મહાત્મા ગાંધી કે મધર ટેરેસા જેવો બની શકવાનો નથી.

– જો મારી પાસે તમને એરકન્ડીશન્ડ અંધકારમાં ત્રણ કલાક સુધી રડાવવાનો અધિકાર છે, તો તમને પણ મને કોઈ પણ પ્રશ્ન પૂછવાનો હક છે.

– લોકો કે મિડીયા બુમરાણ મચાવી રહ્યાં હોય ત્યારે ચુપ રહેવું, કશું ન બોલવું સહેલું નથી. આત્મસંયમ, ધીરજ અને પોતાની જાત પ્રત્યે તેમજ પરિવાર પ્રત્યે પ્રેમ હોય તો જ તે શક્ય બને.

– સ્ટાર ગમે તેટલો મોટો કેમ ન હોય, એનું પતન થઈ શકે છે, એ ભુલ કરી શકે છે. પછી એ શાહરુખ ખાન હોય કે રોનાલ્ડીનો.

– ભારતમાં સિનેમાનું સ્થાન સવારે બ્રશ કરવા જેવું છે. તમે એનાથી છટકી શકો જ નહીં.

– મને જ્યારે પણ લાગે કે મારામાં બહુ ઘમંડ આવી ગયું છે તો હું અમેરિકા આંટો મારી આવું છું. ત્યાં એરપોર્ટ પર જ ઈમિગ્ર્ોશન ઓફિસરો મારી બધી હવા કાઢી નાખે છે!

– હું ટ્રાય-સેક્સ્યુઅલ છું. જે કંઈ સેક્સ્યુઅલ છે એ બધું જ હું ટ્રાય કરું છું!

– હું ઈન્ટેલિજન્ટ-બીન્ટેલિજન્ટ કશું નથી. હું કેવળ છીછરો માણસ છું, જે બધી જગ્યાએ મિસફિટ છે.

– હું એક્ટર કરતાં પર્ફોમર વધારે છું. હું દઢતાથી, પ્રામાણિકતાથી, બેશરમીથી માનું છું કે સિનેમાનો ધર્મ લોકોને એન્ટેરટેઈન કરવાનો છે, સંદેશ આપવાનો નહીં. જો તમારે લોકોને સંદેશો જ આપવો હોય તો પોસ્ટ ઓફિસ જાઓ, ઈમેઈલ મોકલો કે એસએમએસ કરો. એ માટે ફિલ્મો શા માટે બનાવો છો?

– મને ક્યારેય કોઈ બાબતનું ગિલ્ટ થતું નથી.

– ફિલ્મસ્ટારોનું રાષ્ટ્રીય સ્તરે કશું મહત્ત્વ નથી, એમના વગર કશું જ અટકવાનું નથી. સિમ્પલ.

શો સ્ટોપર

શાહરુખ ખાન આર્ટ -ઓફ – લિવિંગના હરતા ફરતા કોર્સ જેવો છે. એ રોજ મારા આર્ટ ઓફ લિવિંગના ક્લાસ લે છે. એય સાવ ફ્રીમાં.

– કરણ જોહર

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.