Sun-Temple-Baanner

સરદાર પટેલ હાજરાહજૂર છે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સરદાર પટેલ હાજરાહજૂર છે…


સરદાર પટેલ હાજરાહજૂર છે…

Vedish Zaveri in and as Sardar

દિવ્ય ભાસ્કર – સરદાર વિશેષ પૂર્તિ – 15/12/2010માં પ્રકાશિત

તમને લાગે છે કે સમયચક્ર જાણે ઊલટું ફરી ગયું છે અને ઈતિહાસને નક્કર દિશા આપનારી શકવર્તી ઘટનાઓ તમારી આંખ સામે આકાર લઈ રહી છે. મિહિર ભૂતા લિખિત-દિગ્દર્શિત નાટક ‘સરદાર’ની આ તાકાત છે.
———————————-

સફેદ ખાદીનો ઝભ્ભો અને ધોતિયું, ઉપર આછી લીલી બંડી અને ખભે શાલ. માથે ટાલ છે. કાનની ઉપર જોકે વાળની થોડી સફેદી બચી ગઈ છે. ચહેરા પર કરડાકી છે અને અવાજમાં અધિકારી વજન. એ બોલે છે ત્યારે સૌ ધ્યાન દઈને સાંભળે છે, સાંભળવું પડે છે. એમની હાજરી માત્ર માહોલને ભરી દે છે.

એ સરદાર છે. સરદાર વલ્લભભાઈ પટેલ. તમે એરકંડીશન્ડ ઓડિટોરિયમમાં તમારી સીટ પર છો અને તમારી સામે જીવતા-જાગતા-બોલતા-દલીલ કરતા સરદાર હાજરાહજૂર છે. તમને લાગે છે કે સમયચક્ર ઊલટું ફરી ગયું છે, તમે વીસમી સદીના પૂર્વાર્ધમાં પ્રવેશી ચૂક્યા છો અને ઈતિહાસને નક્કર દિશા આપનારી શકવર્તી ઘટનાઓ તમારી આંખ સામે આકાર લઈ રહી છે. મિહિર ભૂતા લિખિત-દિગ્દર્શિત દ્વિઅંકી નાટક ‘સરદાર’ની આ તાકાત છે.

‘આ નાટક છેલ્લાં દસપંદર વર્ષથી મારી અંદર ઘુમરાઈ રહ્યું હતું.’ મુંબઈની રંગભૂમિ પર ગયા મહિને ઓપન થયેલા પોતાના ‘સરદાર’ નાટક વિશે મિહિર ભૂતા કહે છે, ‘મને શરૂઆતથી જ ઈતિહાસમાં અને ખાસ કરીને કેરેક્ટર સ્કેચીસમાં વધારે રસ પડ્યો છે. મને લાગે છે કે સામાજિક સ્તરે જાગૃત હોય એવા કોઈ પણ લેખકને ઈતિહાસમાં રસ પડે જ. મારા સ્વર્ગસ્થ દાદાજી પ્રભુદાસ ભુતા સ્વાતંત્ર્ય સેનાની હતા. ૧૯૪૨-’૪૩ દરમિયાન તેઓ યરવડા જેલમાં સરદાર પટેલની સાથે છ મહિના રહેલા અને તેમના અંગત સચિવ તરીકે કામ પણ કરેલું. મારા પરિવારમાં આ બધી વાતો ખૂબ થાય. કર્ણોેપકર્ણ વહેતી આવેલી આ વિગતો સાયલન્ટ ઈમ્પ્રેશન રૂપે મારા મનમાં જમા થયા કરે, જે ‘સરદાર’ નાટક બનાવતી વખતે ઉપયોગી બની.’

સરદાર પટેલ જેવા અત્યંત મહત્ત્વના એૈતિહાસિક પુરુષ વિશે નાટક બનાવતી વખતે દેખીતી રીતે જ ખૂબ બધું વાંચવું પડે. રાજ પાટિલે એડિશનલ રિસર્ચ કરી આપ્યું અને પછી ક્રમબદ્ધ રીતે નાટકનાં દશ્યો લખાતાં ગયાં. વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી વચ્ચેના પ્રારંભિક પરિચયથી શરૂ થયેલું આ ચોટદાર નાટક આખરે સરદારના મૃત્યુ પર વિરમે છે. મિહિર ભૂતા કહે છે, ‘સરદાર પટેલ સાથે એટલી બધી ઘટનાઓ સંકળાયેલી છે કે નાટકનું ફોર્મેટ લિનીઅર (સુરેખ) હોય તો જ યોગ્ય સંદર્ભો સાથે પ્રસ્તુત થઈ શકે. મારા ‘ચાણક્ય’ નાટકનું ફોર્મેટ પણ લિનીઅર હતું.’

ગાંઘીજીના સ્પર્શને કારણે મૂડીવાદી એડવોકેટમાંથી પ્રચંડ દેશદાઝ ધરાવતી વ્યક્તિમાં થતું સરદારનું સ્વરૂપાંતર, સ્વાતંત્ર્ય સંગ્રામની જુદી જુદી પ્રવૃત્તિમાં આગેવાની, દેશના પ્રથમ ગૃહમંત્રી બન્યા પછીની કાર્યવાહી, જવાહરલાલ નેહરુ અને ઈવન ગાંધીજી સાથેના મતભેદ વગેરે દર્શાવતા પ્રસંગોની વચ્ચે વચ્ચે સરદારના વ્યક્તિગત જીવનના માપસર ઉલ્લેખો પણ થતા રહે છે. સરદાર પટેલ ખાસ કરીને રજવાડાઓના વિલીનીકરણ જેવી અત્યંત નિર્ણાયક બાબત સૌથી વધારે જાણીતા છે અને આ દશ્યો નાટકની હાઈલાઈટ છે. સરદારની કુનેહ ઉપરાંત તેમની દૂરંદેશી પણ નાટકમાં આબાદ ઝીલાઈ છે. જેમ કે, નાટકના એક દશ્યમાં દશાવાર્યું છે તે પ્રમાણે, દેશ આઝાદ થયો તે વર્ષોમાં સરદારે કહેલું કે, ‘કાશ્મીરનો મામલો તો દેડકાનો ભારો છે. જો એ તરત નહીં ઉકેલાય તો મને ડર છે કે ક્યારેય નહીં ઉકેલાય…’ સરદારનો આ ડર કેટલો સાચો હતો તે આજે આપણે જોઈએ છીએ.

નાટક માત્ર લખાવું કે ભજવાવું પૂરતું નથી, તે જોવાવું પણ જોઈએ. ઈતિહાસના આલેખનની સાથે નાટ્યરસ પણ અકબંધ જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારી લેવાઈ છે. પ્રત્યેક દશ્યનો સ્પષ્ટ પ્રારંભ, મધ્ય છે અને તે એક નિશ્ચિત ચોટ કે પંચ પર પૂરું થાય છે. બે દશ્યો વચ્ચેના બ્લેકઆઉટમાં હોમી વાડિયાના પૌરુષિક અવાજમાં કોમેન્ટ્રી ચાલે, જે દર્શકને હવે પછીના દશ્ય માટે સજ્જ કરી દે. મિહિર કહે છે તેમ, જીવાતા જીવનમાં ‘ઈવેન્ટ્સ’ બનતી નથી, તેવી છૂટ નાટકમાં જ મળે. સરદારના જીવનની બને તેટલી વધારે વિગતો આવરી શકાય અને તેને પ્રેક્ષણીય નાટ્યરૂપ પણ મળે તે માટે અલગ અલગ બનેલા બે બનાવોને ક્યારેક એક જ દશ્યમાં જોડી દેવાયા છે.

નાટક જોતી વખતે કોણ જાણે કેમ જવાહરલાલ નહેરુનું પાત્રાલેખન નબળું લગભગ કેરિકેચરીશ લાગ્યા કરે છે. આ એક જ વાતને લીધે વાંકદેખાઓ ‘આ નાટક ભગવા (એટલે કે ભાજપી) રંગે રંગાયેલું છે’ એવી ટીકા કરે તો આશ્ચર્ય ન પામવું. ‘જુઓ, નાટકમાં કોઈ એક વ્યક્તિને કેન્દ્રમાં બતાવીએ એટલે બીજાં પાત્રો આપોઆપ પરિઘ પર જતા રહેવાનાં.’ મિહિર ભૂતા કહે છે, ‘આપણે ત્યાં જવાહરલાલ નહેરુનો એટલો બધો મહિમા થયો છે કે સરદાર એમની તુલનામાં હંમેશા નાના દેખાયા છે. આ નાટક સરદાર વિશેનું છે, સરદાર અહીં કેન્દ્રમાં છે તેથી નહેરુ પણ સ્વાભાવિક રીતે જ સરદારના સંદર્ભમાં પેશ થયા છે.’

ભાજપી રંગે રંગાયેલા હોવાની દલીલનો છેદ નાટકનો એક સંવાદ જ ઉડાવી દે છે. એક દશ્યમાં સરદાર પટેલ હૂંકાર કરે છે, ‘હું હિંદુ નથી, પટેલ નથી, ગુજરાતી પણ નથી… હું આખા દેશનો છું.’

સરદારનું કેન્દ્રીય પાત્ર ભજવ્યું છે ઉત્તમ અદાકાર વેદીશ ઝવેરીએે. મિહિર ભૂતા લિખિત અને મનોજ શાહ દિગ્દિર્શિત ‘જલ જલ મરે પતંગ’ નાટકમાં વેદીશના પાવરફુલ પર્ફોર્મન્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ‘સરદાર’ નાટક અભિનયની દુનિયામાં વેદીશનું સ્થાન ઓર સજ્જ્ડ બનાવી દીધું છે. મિહિર કહે છે, ‘વેદીશ ઈઝ અ ફિનોમિનલ એક્ટર. વળી, તેનો દેખાવ, તેની ફિઝિકાલિટી સરદાર પટેલ સાથે કમાલનું સામ્ય ધરાવે છે. ઈટ્સ અ ગ્રેટ કોમ્બિનેશન.’

ગાંધીજી તરીકે અજય જયરામ પણ પ્રભાવશાળી છે. પરેશ ગજ્જર (નેહરુ), તૃિ ઠક્કર (મણિબેન) ઉપરાંત શફીક અન્સારી, શ્રેયાંશ કપાસી, આદિત્ય કાપડિયા, આનંદ પટેલ, અમિતા પટેલ, મનીષ વાઘેલા, અરવિંદ ઉપાધ્યાય, પ્રવીણ ભંડારી, દર્શન સંઘવી અને શક્તિ સિંહે ભજવેલી ભુમિકાઓ પણ મજાની છે. મિહિર ભૂતાએ લખેલા ‘વલ્લભ.. વલ્લભ’ ટાઈટલ સોંગને સચિન સંઘવીએ પ્રભાવશાળી રીતે કંપોઝ કર્યું છે. ઉદય મઝુમદારના મ્યુઝિકલ ઈનપુટ્સ નાટકને વધારે સમૃદ્ધ બનાવે છે.

મિહિર ભૂતાને પોતાના સંદર્ભમાં રાઈટર અને ડિરેક્ટર આ બન્ને સ્વરૂપો એકબીજાને પૂરક લાગે છે. તેઓ કહે છે, ‘ડિરેક્ટર સૌથી પહેલો દર્શક છે. અદાકાર જે કંઈ પર્ફોર્મ કરે છે તેને કે મંચ પર જે કંઈ ભજવાઈ રહ્યું છે તેને નકારવાનો સૌથી પહેલો અધિકાર પણ ડિરેક્ટરનો જ છે. આ નાટકની નિર્માણપ્રક્રિયા દરમિયાન સરદાર વિશેના મારા ઘણા ખ્યાલો બદલાઈ ગયા, ઘણા કોન્સેપ્ટ્સ સ્પષ્ટ થયા. કોઈ પણ મહાનુભાવને સંક્ષિપ્તમાં ન વાંચી શકાય. એનું આખું જીવન જોવું પડે અને તે પછી જ ખુદના તારણો પર પહોંચી શકાય…’

અટુભાઈ ઠક્કર અને હેમંત પિઠડીયા નિર્મિત આ નાટકના કોઈ અંશ કે અમુક અર્થઘટન સાથે ક્દાચ કોઈ અસહમત થાય તે શક્ય છે, પણ ‘સરદાર’ આધુનિકગુજરાતી રંગભૂમિનું એક મહત્ત્વપૂર્ણ નાટક બની રહેવાનું એ તો નક્કી. કહે છે ને કે ઈતિહાસ કંટાળજનક હોતો નથી, ઈતિહાસ ભણાવનાર માસ્તર કંટાળજનક હોય છે. અહીં ‘સરદાર’ નાટક અને તેને ભણાવનાર માસ્તરની રીત બન્ને ઈન્ટરેસ્ટિંગ છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2010 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.