‘યશ’ગાથાઃ કરિયાણાની દુકાનથી ૩૦ કરોડની ફી સુધી…
————————————
‘કેજીએફ’ના સુપરહીટ હીરો યશના પપ્પા એસટી બસના ડ્રાઇવર હતા. એમને એક કરિયાણાની દુકાન પણ હતી. યશ નાનપણમાં આ દુકાન સંભાળતો. બેંગલુરુ આવીને થિયેટર કરવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં એ બેક્સ્ટેજ કરતો, એક્ટરો માટે ચા લઈ આવતો, સ્ટેજ પર ઝાડુ વાળતો… અને આજની તારીખે યશ એક ફિલ્મ કરવાના ત્રીસ-ત્રીસ કરોડ રુપિયા લે છે!
————————
સિનેમા એક્સપ્રેસ, ગુજરાત સમાચાર, ચિત્રલોક પૂર્તિ
————————
સફેદ ટીર્શટ ને એની ઉપર કાળું બ્લેઝર ચડાવીને, જીન્સને બદલે સરસ મજાનું ટ્રાઉઝર ઠઠાડીને, તે કમરથી લસરીને નીચે ઉતરી ન જાય તે માટે ખાસ લેધરનો બેલ્ટ પહેરીને અને ખાસ તો ચહેરા પર ઘેઘુર નકલી દાઢી ચોંટાડીને બોલિવુડ બોય ઉર્ફ બોબો તમારી સામે એકદમ સ્વેગ સાથે એન્ટ્રી મારે છે. તમે બે ઘડી એને જોતા રહો છો. પછી પૂછો છોઃ આજે તો તેં સુટ-બુટ ઠઠાડયું છેને કાંઈ! ને આ ફુલ બિઅર્ડ… શું છે આ બધું?
‘મારી લાઇફમાં એક નવો રોલમોડલ આવ્યો છે. હું એનો કટ્ટર ફેન બની ગયો છું…’
કોનો? નામ તો બોલ!
‘નવીન કુમાર!’
તમે માથું ખંજવાળો છોઃ આ વળી કોણ? હું નથી ઓળખતો એને. બોબો મંદ મંદ હાસ્ય વેરે છે, ‘તમે એને બરાબર ઓળખો છો, તમે એને બે વાર મન ભરીને જોઈ ચૂક્યા છો – ‘કેજીએફ-વન’ અને ‘કેજીએફ-ટુ’માં.’
પણ ‘કેજીએફ’માં તો યશ છે…
‘એ જ! એ જ! કન્નડ સુપરસ્ટાર યશનું ઓરિજિનલ નામ નવીન કુમાર છે.’
તમે માથું પટકો છોઃ અલ્યા ટયુબલાઇટ, ‘કેજીએફ-ટુ’ ફિલ્મ આવી ને જતી રહી એનેય ભવ થયો. તને હવે છેક બત્તી થઈ? બોબો ધીરગંભીર સ્વરે કહે છે, ‘પ્રેરણાની બત્તી ગમે ત્યારે થઈ શકે છે, મિત્ર. તમે જ કહો, યશની લાઇફ વિશે તમે શું જાણો છો? એના દુન્યવી, માનસિક અને ચૈતસિક સંઘર્ષો વિશે તમે કેટલું જ્ઞાન ધરાવો છો? મેં યશના સમગ્ર જીવન વિશે સઘન અભ્યાસ કર્યો છે ને હું સુપર ઇમ્પ્રેસ્ડ થઈ ગયો છું. આમેય બોલિવુડમાં પ્રેરણા આપી શકે એવા હીરોલોગની સોલિડ તંગી છે એટલે મોટિવિશન માટે પણ હવે સાઉથ તરફ નજર દોડાવવી પડે એમ છે અને…’
તમને ખાતરી થઈ જાય છે કે બોબો હવે તમને ‘યશ’ગાથા સંભળાવ્યા વગર છોડશે નહીં. તમે ડાહ્યા શ્રોતા બનીને ચુપચાપ એની સામે સ્ટૂલ ખેંચીને ગોઠવાઈ જાય છે. ઓવર ટુ બોબો…
૦ ૦ ૦
‘કેજીએફ-ટુ’ જોરદાર સફળ થઈ એનું કારણ કેવળ એની એક્શન સિકવન્સીસ, હેન્ડસમ હીરો કે ભવ્યાતિભવ્ય પ્રોડક્શન વેલ્યુ જ નથી. આ ફિલ્મ લોકોને સ્પર્શી એનું મોટું કારણ તેની ઇમોશનલ અપીલ છે. આ ફિલ્મ મૂળ તો એક મા-દીકરાની કથા છે. હીરો આખી ફિલ્મમાં જે કંઈ કરે છે એની પાછળનું પ્રેરક બળ એની ગરીબ, પણ ભારે હિંમતવાન મા છે. યશ પણ અસલી જીવનમાં કંઈ કોઈ ધનપતિ ઘરે જન્મેલો નબીરો નથી. એના પપ્પા એસટી બસના ડ્રાઇવર હતા. મમ્મી સીધીસાદી હાઉસવાઇફ. કર્ણાટકના નાના એવા ગામમાં એમની એક ટચુકડી કરિયાણાની દુકાન પણ હતી, જેમાં શાકભાજી પણ મળતી. યશ ટીનેજર થયો ત્યારથી આ દુકાન સંભાળવા લાગ્યો હતો. માર્કેટમાં જઈને સસ્તાં શાકભાજી લઈ આવવાનું ને દુકાનનું ધ્યાન રાખવાનું એનું કામ. પપ્પાની ઇચ્છા તો એવી જ હતી કે જેમ મેં સરકારી નોકરી કરી એમ મારા દીકરાને પણ કોઈ ગર્વમેન્ટ જોબ મળી જાય એટલે ભયો ભયો. બાંધી આવક તો ખરી!
પણ યશને તો નાનપણથી જ એક્ટર બનવું હતું. ગામની નિશાળમાં એ ખૂબ બધાં નાટકો અને ડાન્સ કોમ્પિટીશનમાં ભાગ લેતો. છોકરાઓ તાળીઓ પાડીને ને સિટીઓ મારીને એને વધાવી લેતા. બસ, આ તાળીઓ અને સિટીની ગૂંજ જ એના ચિત્તમાં જોરદાર જડાઈ ગઈ હતી. અરે, એના ટીચરો પણ એને ‘હીરો’ કહીને બોલાવતા. યશે નાનપણથી જ નક્કી કરી નાખેલુંઃ લાઇફમાં મારે આ જ કરવાનું છે – એક્ટિંગ, ડાન્સિંગ અને હીરોગીરી!
પણ પપ્પાજી કોઈ રીતે માને એમ નહોતા. આથી યશ ફિલ્મી હીરો બનવા રીતસર ઘરેથી ભાગી ગયો. બોલિવુડ જેમ મુંબઈમાં ફૂલ્યુંફાલ્યું છે એમ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બેંગલુરુમાં ફૂલીફાલી છે. યશ ભાગીને બેંગલુરુ આવ્યો ત્યારે એના ખિસ્સામાં ગણીને ૩૦૦ રુપિયા હતા. હવે કરવું શું? પણ સંઘર્ષથી ગભરાય તે યશ નહીં. આમેય યશ પહેલેથી જ બહુ કોન્ફિડન્ટ માણસ. કોઈએ એને રંગભૂમિનો રસ્તો બતાવ્યો. યશ એક સ્થાનિક થિયેટર ગ્રુપમાં જોડાઈ ગયો. તરત તો કોઈ નાટકનો હીરો બનાવી ન દે. એટલે યશ બેકસ્ટેજ કરે. એક્ટરો અને બીજાઓ માટે ચા લઈ આવે, સ્ટેજ પર ઝાડુ કાઢે, વગેરે. આખરે એને સ્ટેજ પર એક્ટિંગ કરવાનો મોકો મળ્યો. પેલી તાળીઓ એણે બેંગલુરુના ઓડિયન્સ પાસેથી પણ સાંભળવા મળી.
યશનું લક્ષ્ય તો ખેર, ફિલ્મો હતી. એ એક કન્નડ ફિલ્મ યુનિટમાં જોઈન થઈ ગયો ને ડિરેક્ટરને આસિસ્ટ કરવા માંડયો. પૈસા કમાવા પડે તેમ હતા એટલે ઇચ્છા નહોતી તોય ટીવી સિરિયલોમાં કામ કરવા માંડયું. મમ્મી-પપ્પાને બેંગલુરુ બોલાવી લીધાં. તે ઘડી ને આજનો દી. યશ બેંગલુરુમાં આજની તારીખે પણ મમ્મી-પપ્પાની સાથે જ રહે છે.
યશને ફિલ્મોમાં પહેલો બ્રેક મળ્યો ૨૦૦૭માં. ‘મોગીના માનસુ’ નામની આ ફિલ્મમાં ચાર હીરો ને ચાર હિરોઈનો હતી. આટલી ભીડમાંય યશ સૌનું ધ્યાન ખેંચી શક્યો. અરે, એને ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો… ને બસ, ફિર ક્યા થા? યશ કી ગાડી ચલ પડી. ડેબ્યુ ફિલ્મ યશને બીજી રીતે પણ ફળી. ફિલ્મમાં જે ચાર હિરોઈનો હતી એમાંથી એક રાધિકા નામની રુપકડી કન્યા પણ હતી. રાધિકાની પણ તે પહેલી જ ફિલ્મ. બન્ને વચ્ચે સરસ દોસ્તી થઈ. દોસ્તી ક્રમશઃ પ્રેમમાં પરિણમી. યશભાઈને સમજાઈ ગયું હતું કે શી ઇઝ ધ વન! પૈણીશ તો આની હારે જ પૈણીશ… ને આજે તો એમને ત્યાં એક ક્યુટ ક્યુટ દીકરી કિલકારી કરે છે.
જે માણસ ખિસ્સામાં ૩૦૦ રુપિયા લઈને બેંગલુરુ આવ્યો હતો એને ‘કેજીએફ-ટુ’માં કામ કરવા માટે કેટલા પૈસા ચુકવવામાં આવ્યા હતા, જાણો છો? ૩૦ કરોડ રુપિયા, ફક્ત. આને કહેવાય વિકાસ… આને કહેવાય સક્સેસ! સાચ્ચે, કન્ન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આખા ભારતમાં ‘વર્લ્ડ-ફેમસ’ કરવાનો યશ યશઅન્નાને જ મળે છે. અત્યાર સુધી સાઉથની ફિલ્મો એટલે મોટે ભાગે તમિલ, તેલુગુ ને મલયાલમ સિનેમા એવું જ ગણાતું. પોતાની ભાષાના સિનેમા સાથે થતું આવું ઓરમાયું વર્તન જોઈને યશને લાગી આવતું, પણ એણે ‘કેજીએફ’ અને ‘કેજીએફ-ટુ’ ફિલ્મો આપીને કન્નડ ઇન્ડસ્ટ્રીનું કદ એકદમ વધારી દીધું છે.
‘જુઓ, કોઈ પણ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાની હોતી નથી,’ યશ કહે છે, ‘તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં લોકો એને નાની કે મોટી બનાવે છે.’ (ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાલોં… સુન રહે હો?)
૦ ૦ ૦
…અને આ સાથે બોબો ગદગદ થઈને યશગાથા પર પૂર્ણવિરામ મૂકે છે. ‘યશસ્વી ભવ… યશસ્વી ભવ… જય સિનેમાદેવી… જય સિનેમાદેવી’ના પોકારો કરતો બોલિવુડ બોય ઉર્ફ બોબો આનંદપૂર્વક અક્ઝિટ લે છે.
– શિશિર રામાવત





Leave a Reply