સંસ્કાર એટલે વિચાર અને સંસ્કૃતિ એટલે વિચારોની પરંપરા.. વિચાર ધારા… ખબર નહિ આપણે સિમ્પલ અને સરળ શબ્દોને આટલા અઘરા અને મુશ્કેલ કેમ બનાવી દીધા છે, સમજાતું નથી
સંસ્કાર એટલે કે વિચારો કાળક્રમે બદલાતા જાય છે, તેમ સંસ્કૃતિ એટલે કે વિચારધારામાં પણ પરિવર્તનો આવતા રહે છે. વળી, સભ્યતા એટલે કે વિવેક એક તટસ્થતા છે. સભ્યતા વગર સંસ્કારનું ટકવું મુશ્કેલ છે. સંસ્કાર એ સમાજ કે ધર્મનો અરીસો છે. સંસ્કૃતિ યુગો યુગોથી ચાલતી આવતી પરંપરા છે. સંસ્કારના ગર્ભમાં સંસ્કૃતિનો વસવાટ છે. સંસ્કારો એટલે કે વિચારો બદલતા રહે છે… તેથી સંસ્કૃતિ એટલે કે વિચારધારા પણ બદલાતી રહે છે, પરિવર્તન આવતું રહે છે. સંસ્કાર અને સંસ્કૃતિ બન્ને ને આપણે એક-બીજા સાથે સાંકળતા આવ્યા છીએ. તેમ છતાં અમુક સંસ્કારોને(વિચારો) બદલાવવાથી સમગ્ર સંસ્કૃતિનો નાશ થતો નથી. તેવી જ રીતે સંસ્કાર અને સભ્યતાને પણ આપણે સાંકળતા આવ્યા છીએ. વિચાર અને વિવેક બન્ને એકબીજા પર આધારિત છે.
આપણે સાદા અને સરળ શબ્દોને આટલા જટિલ બનાવી ખોટી ગેરસમજણો શું કામ ઉભી કરીએ છીએ ભારે ભરખમ શબ્દપ્રયોગનો એક તો ભાર વધી જાય છે અને તેનું સાચું મૂલ્યાંકન પણ થઈ શકતું નથી. વિચારધારામાં (સંસ્કૃતિ) આપણે ક્યારેક ખરેખરા વિચાર(સંસ્કાર) ખોઈ નાખીએ છીએ. તો ક્યારેક સભ્યતાની ગરિમા પણ ખોઈ નાખીએ છીએ.
વક્ત સે પેહેલે કિસ્મત સે જ્યાદા…
કિસી કો મિલા હૈ ના કિસી કો મિલેગા…
દરેક માતા-પિતા પોતાના સંતાનનું સારું નસીબ ઇચ્છતા હોય છે. પછી તે તેના નસીબમાં હોય કે ના હોય. રામાયણનું જ ઉદાહરણ લઈએ. રાજા દશરથ તેના સૌથી મોટા અને લાડકા પુત્ર રામને રાજગાદી સોપવા ઇચ્છતા હતા પણ ભરતને આ સ્થાન મળ્યું. રાજા જનકે પણ પોતાની દિકરી સીતાને અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામને પરણાવી. રાજા જનકે પણ પોતાની દિકરી સુખ-સમૃદ્ધિમાં રહે તેવી કલ્પના કરી હશે, પણ સીતા ૧૪ વર્ષના વનવાસ અને ત્યાર પછી પતિના ત્યાગનો ભોગ બનેલી.
નસીબમાં જે હોય લખાયું છે તેને આપણે બદલી શકતા નથી. કર્મથી થોડો ફેરફાર અવશ્ય કરી શકીએ છીએ પણ નસીબને સંપૂર્ણ પણે ટાળી શકાતું નથી.
દરેક માં-બાપ સંતાનનું નસીબ કે કર્મ સ્વીકારતા નથી. લાગણીવશ થઈ પોતાના નસીબના જોરે સંતાનને પણ સુખ આપવાનું સ્વપ્ન જોતા રહે છે અને સંપત્તિ છોડતા જાય છે પણ સંતાન એ સંપતિનો યોગ્ય ઉપયોગ કરી શકશે કે નહિ કે પછી આ સંપત્તિ તેના ઉપયોગમાં આવી શકશે કે નહિ તે વિચાર શુદ્ધા કરતા નથી હોતા. સંતાન એનું નસીબ લઈને આવે છે. તેથી સંસ્કાર, સત્કર્મ ની પૂંજી માતા-પિતા તરફથી જો મળી રહે તો ગમ્મે તેવા કપરા સમયમાં પણ સંતાન એના દુઃખભર્યા દિવસોમાં સક્ષમ રહેશે અને વિપરીત સંજોગોનો ડર્યા વગર મહાભારતના અભિમન્યુની જેમ હિંમતભેર સામનો કરશે.
સલાહ
ક્યારેક આપણે બીજામાંથી કઈક શીખીએ છીએ. આપણને કોઈ સલાહ આપવાનું કામ કહે, તો જાણે આપણે પીઢ-અનુભવી પ્રાધ્યાપકની જેમ આપણું લેકચર શરૂ કરી દઈએ છીએ. બસ, કોઈ સલાહ માંગે એટલી વાર હોય. ઘણી વખત સલાહ માંગે નહિ તો પણ આપણામાં આવા લેકચર આપવાના ગુણ પ્રવેશી જાય છે પરંતુ જાણતા-અજાણતા બીજાને સલાહ આપતા સ્વયંમાં પણ એક જાગૃતતા આવી જાય છે. જયારે બીજાને સલાહ આપીએ ત્યારે પોતે કરેલી ભૂલનું દ્રષ્ટાંત પણ ક્યારેક યાદ આવી જાય. ભલે આપણાથી ભૂલ થઈ પણ બીજાને આ ભૂલ કરતા રોકીએ જેથી વણમાંગી સલાહ આપી ભૂલો થતી અટકાવીએ.
ક્યારેક બીજાની તકલીફો જોઇને આપણને આપણું જીવન સુખમય લાગે છે અને બીજાની તકલીફો સાંભળી ક્યારેક આપણે પણ ચેતી જઈએ છીએ. જેથી ભવિષ્યમાં આવી તકલીફો કે ભૂલોનો સામનો ન કરવો પડે.
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૨૭ )
Leave a Reply