રત્સાસન – એક મસ્ત દક્ષિણ ભારતીય સાયકો- સિરિયલ કિલર સસ્પેન્સ ફિલ્મ
A Must Must Watch Movie
દક્ષિણ ભારતમાં ઘણી સસ્પેન્સ અને ક્રાઈમ થ્રિલર પર ફિલ્મો બની છે. એકશન સીન અને ફાઈટ સીન એ દક્ષિણ ભારતીય ફિલ્મોનું જમા પાસું છે. વિઝયુઅલ ઈફેક્ટસમાં પણ દક્ષિણ ભારતને કોઈ ના પહોંચે. જેમાં રાત્સાસન સિવાય અંજામ પથીરા , સાયકો , કતલ ધ મીસ્ટરી એવી અનેક ફિલ્મોના નામ લઇ શકાય એમ છે. પણ ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે એ દરેક ફિલ્મો માટે એવું કહેવાય છે કે રત્સાસન જેવી આ ફિલ્મ છે. કહેવાનો મતલબ એ છે કે દરેકે એને કેવીક છે આ ફિલ્મ એ વિષે જાણવું ખુબ જ જરૂરી છે. જે ફિલ્મ માણવી ગમે અને અનેકોવાર જોવી ગમે એવી જ ફિલ્મો સારી ગણાય અને અને એવી જ ફિલ્મો બોક્સઓફીસ પર પણ હીટ જતી હોય છે. બોલીવુડમાં પણ “સમય” અને એનાં જેવી અનેકો ફિલ્મો બની છે. હોલીવુડમાં પણ આલ્ફ્રેડ હિચકોકની “સાયકો” ફિલ્મ શ્રુંખલા અને બીજી અનેકો ફિલ્મો બની છે. પણ આ ફિલ્મ “રત્સાસન ” એક અલગ ભાત પાડનારી ફિલ્મ છે. એક આલગ જ ઈમ્પેક્ટ આપણા માનસ પર પાડે છે. ફિલ્મનો કન્સેપ્ટ ભલે જાણીતો હોય, પણ એમાં કલાકારોની અદાકારી અને ફિલ્મની માવજત જ આ ફિલ્મ શ્રેષ્ઠ બનાવવાં માટે પુરતાં છે. જે આ ફિલ્મને એક ઉત્તમ ફિલ્મ બનાવે છે ! યુ ટ્યુબ પર હું જ્યારે દક્ષિણ ભારતની હિંદી ડબ ફિલ્મો સર્ચ કરતો હતો ત્યારે દરેક વિડીયોમાં આ “રત્સાસન ” ફિલ્મનો ઉલ્લેખ વારંવાર થતો હતો
રત્સાસનનો અર્થ થાય છે રાક્ષસ – શૈતાન ! આ કોઈ પૌરાણિક કથા તો છે નહીં જેમાં રાક્ષસો એ માણસ કરતાં જુદા પડતાં હોય. એ પણ માણસો જ હોય છે જેમની માનવ સમાજ દ્વારા ઉપેક્ષા થઇ રહી હોય છે કે ક્યારેક તેઓ આસપાસના માનવીઓને કારણે અવહેલના સહેતાં હોય છે. તેઓ ક્યારેક હાંસીપાત્ર બની જતાં હોય છે, કારણ કે જન્મજાત જેનેટિક ખામી તેમને સામાન્ય કરતાં અલગ પાડતાં હોય છે. આમાં એમનો તો કોઈ વાંક હોતો જ નથી પણ સમાજના વધુ પડતાં તિરસ્કારને કારણે તેઓ હિંસાનો સહારો લેતાં હોય છે. આ હિંસા એ એમની ક્રુરતા બની જાય છે અને એ એક માનસિક વિકૃતિમાં પરિણમતી હોય છે
જે સમાજ માટે ખતરાની ઘંટી છે. પણ બધાંને પરિણામ માં જ રસ હોય છે એનાં મૂળ તરફ કોઈ જ દ્રષ્ટિપાત કરતું જ નથી હોતું. ઈશ્વરીય ખામી કે વિજ્ઞાનની ખામી એ મનોવૈજ્ઞાનિક રીતે જ હલ કરી શકાય જેમાં આપણો કથિત સમાજ પાછો પડે છે. રોગને જો ઉગતો ડામી શકાતો હોય તો માનસિક વિકૃતિને કેમ નહીં !
તવિકૃતિઓથી પીડિત માણસો પોરસાય છે જ્યારે તેઓ પ્રથમ ગુનો એટલે કે હત્યા કરે છે ત્યારે, તેઓ પબ્લીસીટીનાં ભૂખ્યાં હોય છે એટલે કે તેઓ હત્યાની ચકચાર સમગ્ર શહેરમાં કે ગામમાં કે રાજ્યમાં થાય કે આખા દેશમાં થાય તેવું ઇચ્છતાં હોય છે. એટલે તેઓ કોઈ એક ચોક્કસ પેટર્ન નક્કી કરે છે અને કોઈ એક સુરાગ છોડી જતાં હોય છે.
પોલીસ એ સુરાગ શોધી એમની પાછળ ખાઈખપુચીને પડી જાય તેમને શોધવાં આકાશપાતાળ એક કરે તેવું તેઓ કરતાં રહેતાં હોય છે ! પણ પોલીસ પણ ચતુર હોય છે આખરે તેઓ પકડાઈ જાય છે કે ક્યાં તો માર્યા જાય છે. તેઓ ભલે કોઈ રીતે શારીરિક ખોડખાંપણવાળાં હોય કે માનસિક રીતે બીમાર હોય પણ તેમનામાં કોઈ એક અલોકિક શક્તિ કે અકલ્પનીય આવડત હોય છે. જેનો તેઓ યોગ્ય રીતે ઉપયોગ ન કરતાં તેઓ પોતાની માનસિક સ્થિતિમાંથી બહર નીકળી ના શકતાં તેઓ તેનો દુરુપયોગ કરતાં હોય છેં અને આ જ કારણોસર તેઓ હત્યા કરતાં પણ અચકાતાં નથી એક હત્યા કરે પછી તેઓ તેનાથી એટલાં આનંદિત થઇ જતાં હોય છે કે તેઓ પોતાને થયેલાં અન્યાય કે અત્યાચારનો બદલો લેવાં હત્યાઓની ભરમાર લગાવી દેતાં હોય છે. હત્યા એક જ કરે તો તેને હત્યારો કહેવાયો છે પણ એક કરતાં જો વધારે હત્યા અને તે પણ એક જ સરખી કરે તો તેણે સાયકો કિલર- સિરિયલ કીલર કહેવામાં આવે છે. મનોચિકિત્સક પાસે યોગ્ય સમયે તેમને લઇ જવામાં આવે તો તેઓ આવું કરતાં અટકી શકે છે. જો લઇ જઈ ને પણ તેઓ પોતાની મનોસ્થિતિ ન જ બદલી શકતાં હોય અને એમાંથી બહાર આવવા જ ન માંગતા હોય તો કોઈપણ શું કરી શકે? આખરે તેઓ વિકૃતિ તરફ જ વળેને! એમના મનમાં જો વિકૃતિ ઘર કરી ગઈ હોય તો તેઓ હત્યા – હત્યાઓ તરફ જ વળવાનાં ને! આવું થાય ત્યારે જ ચિત્રમાં આવે છે પોલીસ કે ઇન્વેસ્ટીગેટીવ ઓફિસરો ! તેઓ જયારે આ શોધી કાઢે છે અને હત્યારો કોણ છે એને પકડી પાડે છે કે એને મારી નાંખે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે ! આ માટે ઘણો સમય લાગે છે અને હત્યાઓ વધુ થાય છે. સાયકો કિલર પોરસાય છે કે કેવાં તમને દોડાવ્યાં કે ભરમાવ્યા ? તમને કોઈ એક કલુ આપવાં છતાં પણ તમે મને નથી જ પકડી શકતાં ને! તેઓ એટલાં બધાં બિન્દાસ બની જાય છે કે તેઓ કોઈ એક એવી ગંભીર ભૂલ કરી બેસતાં હોય છે કે જે કડી પોલીસ શોધતી હોય છે એ આખરે તેમને મળી જતી જ હોય છે ! અંતે હત્યારો પકડાય છે કે મરાય છે ! વાસ્તવમાં દરેક દેશમાં આવા સાયકો કિલરો વાર તહેવારે થતાં જ રહેતાં હોય છે એ પછી પરદેશ હોય કે આપણો ભારત દેશ ! કોઈ જ એમાંથી બાકાત નથી. ભારતમાં રામન રાઘવનું નામ આ બાબતમાં ખુબ જાણીતું છે. જેના પર ફિલ્મ પણ બની છે તો રશિયામાં રાસ્પુતિનનું જેનાં પર પણ ઘણી ફિલ્મો બની છે. એવાં કેટલાંય દેશો છે કેજેમાં આવા કેસો આવ્યાં છે જને વિષે આપણને શી ખબર નથી જ ! એ વાસ્તવિકતા હોય કે પરિકલ્પના પણ કાવ્યાત્મક ન્યાયે એમનો અંત તો સુનિશ્ચિત જ છે ! મનોવિજ્ઞાનને સમજવા જેવું છે તો જ એમની મનોસ્થિતિનો યોગ્ય ચિતાર આપણી સમક્ષ રજુ થઇ શકે છે
ફિલ્મ “રત્સાસન”ને આ જરી તે જોજો અને મૂલવજો તો જ તમને મજા આવશે !
ફિલ્મ “રત્સાસન”એ ૫ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ રીલીઝ થયેલી તામિલ ફીલ્મ છે. જે આ જ નામથી હિન્દીમાં ઇસવીસન ૨૦૨૦ની મધ્યમાં હિન્દીમાં ડબ થઈને સ્કાય્લાર્ક એન્ટરટેઈનમેન્ટ અને ટી સીરીઝ દ્વારા માત્ર ટીવીમાં રીલીઝ કરવામાં આવી હતી. જો કે આ તો સમગ્ર વર્ષ એ કોરોનાનું હતું એટલે થિયેટરમાં એને રીલીઝ નહોતી કરવામાં આવી. જો કે દક્ષિણ ભારતની હિંદી ડબ ફિલ્મો ક્યાં તો યુટ્યુબ ચેનલો પર રીલીઝ કરવામાં આવે છે ક્યાં તો ટીવી ચેનલો પર જેમાં OTT (Over The Top)પ્લેટફોર્મ પણ શામિલ છે એમેઝોન પ્રાઈમ વિડીયો , નેટફ્લીક્સ ,મેક્સપ્લેયર હોટસ્ટાર અને ડિઝની હોટસ્ટાર વગેરે !
આમાં કમાણી પણ થિયેટર કરતાં વધુ થાય છે અને જે દિવસે રીલીઝ થાય છે તે જ દિવસે આ ચેનલો ઉપરાંત આપણને અન્યત્ર ઠેકાણેથી જોવાં પણ મળે છે અને ડાઉનલોડ કરવાં પણ અને એ પણ પ્રીડીવીડીમાં નહી બિલકુલ ઓરીજનલ પ્રિન્ટમાં ફૂલ HDમાં ! આને જ કહેવાય વિકાસ ભાઈઓ / બહેનો ! સ્માર્ટ ફોનમાં કેવી રીતે જોવું અને કઈ જગ્યાએથી એને ડાઉનલોડ કરવી તેની પણ ઘણી રીતો અને ઘણી એપો છે. તો PCમાં તેને કઈ રીતે જોવી કે ક્યાંથી તેને ડાઉનલોડ કરવીતેની પણ ઘણી સાઈટો અને ક્રેકડ સોફ્ટવેરો પણ છે !
મેં કહ્યું તેમ આ ફિલ્મ ઇસવીસન ૨૦૨૦ની મધ્યભાગમાં આવી હતી. જે દિવસે આવી હતી તે જ દિવસે મેં ડાઉનલોડ કરી લીધી હતી. પણ કોરોનાકાળમાં ઘરમાં છોકરાઓ પોતાનું કાર્ય કરતાં હોવાથી અને એમને પણ પોતે ફિલ્મો જોવી હોય એટલે મને મોકો છેક હમણાં એટલે કે હજી દસ દિવસ પહેલાં જ મળ્યો
ત્યારે જ મને થયું કે આવી ફિલ્મો તો આવી હતી તે જ દિવસે જોઈ લેવાં જેવી હતી ! પણ કઈ વાંધો નહિ હું એ જોવામાંથી બાકાત નથી રહ્યો તેનો મને આનંદ છે. દક્ષિણ ભારતીય સસ્પેન્સ ફિલ્મો ઘણી જોઈ એનાં વખાણ પણ મેં સોશિયલ મીડિયા પર કર્યા ત્યારે પણ મારાં મનમાં તો આ અને તાજેતરમાં જ આવેલી ફિલ્મ એજન્ટ સાઈ હતી ! મિત્રોએ આ બે ફિલ્મો ખાસ મને જોવાં કહ્યું હતું. તે વખતે મેં “રત્સાસન ” તો ઓલરેડી જોઈ નાંખી હતી અને શેરલોક હોમ્સની દક્ષિણ ભારતીય અવતાર “એજન્ટ સાઈ ” હું ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જોવાનો છું. આ સિવાય ઘણી બધી સરસ દક્ષિણ ભારતીય સસ્પેન્સ ફિલ્મો જોઈ નાંખી હતી. જેમાંથી કેટલીક ઓનલાઈન જોઈ હતી તો કેટલીક ડાઉનલોડ કરી હતી તે પણ જોઈ ! હાર્ડડિસ્કમાં જગ્યા તો ખાલી કરવી પડે કે નહીં ભાઈ !
શું છે આ ફિલ્મ “રત્સાસન”માં કે જેનાં વખાણ કરતાં કોઈ થાકતું જ નથી ! યુટ્યુબ તો દર કલાકે આનાં વખાણ કરતાં ધરાતું જ નથી ! પણ પહેલાં આ ફિલ્મ વિષે કેટલીક પ્રાથમિક જાણકારી આપી દઉં. દક્ષિણ ભારત ફિલ્મના રીમેક માટે ખુબ જ જાણીતું છે. હાલમાં જ બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ “પિંક”નું રીમેક આવ્યું છે જેનું નામ હિન્દીમાં મહારક્ષક રાખવામાં આવ્યું છે. જોવાની ખૂબી એ છે કે અ ફિલ્મનું રેટિંગ એ પિંક કરતાં વધારે છે ૮.૧ રેટિંગ ધરાવે છે આ અજીતકુમાર અભિનીત ફિલ્મ —- મહારક્ષક ! મારે આ ફિલ્મની વાત નથી કરવાની પણ રીમેકની વાત કરવાની છે. “રત્સાસન”નું રીમેક તેલુગુ ભાષામાં “રક્ષાસુડુ” નામનું બન્યું હતું ઇસવીસન ૨૦૧૯માં. જેમાં શ્રીનિવાસ બાલાકોન્ડા અને અનુપમા પરમેશ્વરમ મુખ્ય ભૂમિકામાં હતાં ! એનુ હિંદી ડબ વર્ઝન હજી નથી આવ્યું હોં ! હવે વાત કરીએ ફિલ્મ “રત્સાસન”ની. આ ફિલ્મના નિર્દેશક છે — રામ કુમાર. આ ફિલ્મની વાર્તા પણ રામ કુમારે જ લખી છે. ફિલ્માં કલાકારો છે વિષ્ણુ વિશાલ અને આમલા પૌલ (દીપિકા પાદુકોણે જેવી લાગતી એક્ટ્રેસ). આ સિવાય પણ ફિલ્મમાં ઘણાં કલાકારો છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર છે પી. વી. શંકર અને એડિટર છે સામ લોકેશ. આ ફિલ્મનું સંગીત છે Ghibranનું ! આ ફિલ્મની લંબાઈ વિષે ઘણું કહેવાયું છે અત્યાર સુધી એની લંબાઈ છે ૧૬૯ મિનીટ. આ ફિલ્મ ૧૮ કરોડમાં બની હતી અને તેણે વકરો કર્યો હતો ૭૫ કરોડ !
કોઈ પણ ફિલ્મની સફળતામાં એનાં પ્લોટ અને સ્ક્રીન પ્લેનું મહત્વ બહુ જ હોય છે. શું છે આનો પ્લોટ એટલે કે કેવી છે આની વાર્તા ? આ એક એવી ફિલ્મ જે એની શરૂઆતથી જ આપણને જકડી રાખે છે. ફિલ્મની શરૂઆતમાં જ એક ગટરની પાઈપમાં ૧૫ વરસની બાળાનો બહુ ક્રુરતાપૂર્વક કરેલી હત્યાથી થાય છે. જે લામા લાશનું મોઢું એક પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળેલું હોય છે. પ્રથમ શોટ જ અદ્ભુત છે બે માણસો ફરવાં નીકળ્યાં છે ત્યાંથી થાય છે જેમાં એક પોતાના પાલતુ કુતરાને ફરવાં લઈને આવે છે ત્યાં થાય છે જ્યાં તેને એનો એક મિત્ર મળે છે અને એક બીજું ત્યાં રખડતું કુતરું મળે છે આ કુતરાઓ દુર્ગંધથી આકર્ષી એ લાશની આસપાસ ફરે છે આ જ તો છે કેમેરાવર્કની અદ્ભુત કમાલ ! ત્યાં પોલીસો આવે છે અને તપાસ કરે છે. હવે એક જગ્યાએ એક સ્ત્રીની હત્યા કરતો એક માણસ બતાવવામાં આવે છે. આપણને એમ જ લાગે કે આ જ હત્યારો હશે પણ એ તો એક ફિલ્મનો શોટ હોય છે. જેની સ્ક્રિપ્ટ પાલખી હોય છે ફિલ્મના નાયક અરુણ કુમારે (વિષ્ણુ વિશાલે ) જે આ ફિલ્મનો નાયક પણ છે ! તેની સ્ક્રિપ્ટના બહુ વખાણ થતાં નથી અને તેનાં મદદનીશ દિગ્દર્શનનાં પણ, તે પોતે આ ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે ! “રત્સાસન”નો નહીં રે બાબા એ જે ફિલ્માં ફિલ્મ બનાવે છે એનો જ સ્તો ! એ પોતે પણ સાયકોપાથસ પર ફિલ્મ બનવતો હોય છે પણ કામયાબી તેનાથી દૂર જ ભાગતી રહેતી હોય છે. એની સ્ક્રિપ્ટ ઘણી વાર રીજેક્ટ થઇ જાય છે અને એની આવડતની કોઈ જ કદર કરતું નથી. આખરે તે પોતે આ લાઈન છોડી પોતાનાં બનેવીની મદદથી તે પોલીસ સબઇન્સપેક્ટર બને છે. તેનાં ઉપરી અધિકારી સાથે જે એક મહિલા છે સુઝાન જ્યોર્જ તેની સાથે પણ તેણે ફાવતું નથી – બનતું નથી. તે તેને એક પટાવાળાની રીતે જ ટ્રીટ કરે છે ! અરુણ નાસીપાસ થઇ જાય છે હિમંત હારતો નથી તે પોતે પોતાની બહેન અને બનેવીને ત્યાં રહેતો હોય છે. જેમને એક દીકરી છે અમ્મુ નામની એટલે કે અરુણની ભાણી. એક વાર પોતાની ભાણી અરુણની પોતાનાં પિતાજીની સહી કરાવી લે છે ખોટાં રીપોર્ટ પર અને આ અનુ અરુણને પોતાની કલ્સસ ટીચર સમક્ષ પોતાનાં પિતાજી તરીકે રજુ કરે છે. આ સ્કૂલ ટીચર વીજી એટલે ફિલ્મની હિરોઈન આમલા પૌલ !
અરુણની આ ખોટી રીતે કોઈની સહી કરવાની આવડત એ જ એને ભવિષ્યમાં આઈ જીની સહી કરી હત્યારાને પકડવામાટે કારણભૂત બનવાની છે. આને જ કહેવાય નિર્દેશન કોઈ પણ વસ્તુ કે ઘટના બિન પ્રયોજિત ના હોવી જોઈએ ! એક વખત એક અનુની કોઈ સ્કુલફ્રેન્ડની પાર્ટીમાં ઘરની પાછળથી એક ડોલનું માથું મળે છે ત્યારે અરુણને પહેલી મરેલી છોકરી સમયુક્તામાં સરખાપણું લાગે છે. પછી બીજી કુમળી ૧૫ વરસની છોકરીઓની હત્યા પણ થાય છે એમાં પણ ઘણું સરખાપણું છે. જેનું ધ્યાન અરુણ એસીપી લક્ષ્મીનું ધ્યાન દોરે છે પણ એસીપી તેની શું સમજ પદે આ વાતમાં એમ કહી એની અવગણના કરે છે. પ્રસંગો અને હત્યાઓની હારમાળા શરુ થાય છે. અરુણ આની પાછળ જ લાગેલો રહે છે. એક વાર અરુણની ભાણી ગણિત શિક્ષકની હવસનો શિકાર બનવાની હોય છે પણ અરુણ ત્યાં સમયસર પહોંચીને પોતાની ભાણીને બચાવી લે છે. શિક્ષક ગિરફ્તાર થાય છે કારણકે આ અગાઉ પણ તે આવું જ કરતો હોય છે. ત્યારે એમ લાગે કે આ જ ફિલ્મનો સિરિયલ કિલર હશે પણ તે એમ કહે છે મેં હત્યાઓ નથી કરી. ત્યારે આપણને મનમાં એવું થાય કે તો પછી હત્યારો છે કોણ ? અને વાત થોડાં મેજિક શો વાળી બાઈ અને એક એબનોર્મલ બાળકની વાત જાણવામાં આવે છે. અરુણ પોતાની રીતે છાનબીન કરે છે એને ઘણી વાતોની જણકારી પ્રાપ્ત થાય છે. એને આ કેસથી દૂર રાખવા ઘણાં પ્રયત્નો થાય છે છેવટે એ ખોટી સહી કરી એની રીતે ઓફિશિયલી તપાસ શરુ કરે છે. એ તપાસ દરમિયાન એક રીટાયર્ડ પોલીસ અધિકારીને મળે છે એ કૈંક જરૂરી વાત કરવા માંગતા જ હોય છે ત્યાં જ એમનું ખૂન થઇ જાય છે પણ એમને ત્યાંથી એક ફોટો મળે છે જે અરુણે પોતે ફિલ્મ બનાવતી વખતે રીસર્ચ સમયે એણે પોતાના ઘરની દીવાલ પર બધું જ્યાં ટીંગાડેલું હોય છે એમાંથી એ ફોટો શોધી કાઢી એ સચાઈ જાણે છે અને ખૂનીને મારે છે. આ ખૂની સ્ત્રી છે કે પુરુષ તે તો તમે ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે ?
📺 આ ફિલ્મનું દિગ્દર્શન અને સ્ક્રીન પ્લે કમાલના છે. ફિલ્મનું જમા પાસું છે વિષ્ણુ વિશાલની કાબિલે તારીફ કામ આને આમલા પૌલનો અભિનય. જે પણ સીરીયલ કિલર બને છે એનું પણ કામ સારું છે. સંગીત અને એડીટીંગ ઘણાં જ સારાં છે. ઉડીને આંખે વળગે એવી છે શંકરની ફોટોગ્રાફી જેની ગણના ભારતના સારાં સિનેમેટોગ્રાફરમાં થાય છે. ફિલ્મમાં આવતાં દરેક પત્રોનું કામ ઘણું જ સારું છે. એક સાથે બે ત્રણ મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ રજુ કરવાં માટે બે ત્રણ અલગ પ્રકારની ઘટનાઓ રજુ કરવાં માટે દિગ્દર્શક રામ કુમારને ધન્યવાદ જ આપવાં ઘટે ! આ ફિલ્મ યાદ રહી જાય છે આપણા મનમાં ઘર કરી જાય છે અને એક સારી ફિલ્મ જોવાનો આનદ પ્રાપ્ત થાય છે એની સુંદર માવજતને કારણે ! દક્ષિણ ભારતની ફિલ્મોમાં રીસર્ચ વર્ક બહ જ સારું છે. આ ફિલ્મ જોતાં તમને લાગશે કે જે રીસર્ચ અરુણે કર્યું હતું તે તે જ તેને આ ખૂનીને શોધવામાં મદદરૂપ થવાનું છે. અદ્ભુત રીસર્ચ વર્ક છે અને હા ફિલ્મ ક્યાંય પણ નબળી નથી પડતી !
📺 શરૂઆતથી અંત સુધી પ્રેક્ષકોને જકડી રાખનાર આ ફિલ્મ સૌ ખાસ જુએ એવી મારી અદમ્ય ઈચ્છા છે. તો સૌ જોઈ કાઢજો બધાં, યુટ્યુબ પર ૭૨૦pમાં ઉપલબ્ધ છે. ભૂલતાં નહીં હોં પાછાં !
~ જન્મેજય અધ્વર્યુ
Leave a Reply