ઓનલાઈન બ્લોગર ડોન રોયસ્ટરે વિલિયમ શેક્સપિયરના કાળજયી નાટક હેમલેટમાં એ રીતે ભૂલ કાઢેલી કે જે નાટકનું કથાવસ્તુ ડેનમાર્ક પર આધારિત છે. જે નાટકની ભાષા અંગ્રેજી છે. તેમાં ઈટાલી કે સ્પેનિશ નામ ધરાવતા બે પાત્રો શું કરી રહ્યાં છે ? વાત થાય છે પ્રથમ અંકમાં જ આવતા ફ્રાન્સિસ્કો અને બર્નાર્ડોની. આ બંનેની નાટકમાં ઉત્પતિ-પૂર્વભૂમિકા-બેકસ્ટોરી દર્શાવવામાં આવી ન હોવાથી, કોઈ પણ આ બે નામ સામે શંકાની નજરથી જ જુએ. ખૂદ વિલિયમ શેક્સપિયરને કોઈ બાર્ડ ઓફ ઓવનના નામથી બોલાવતું તો તે છંછેડાઈ જતો હતો. ત્યારે વહેલું મોડું તેના પાત્રોના નામ પર કોઇ આંગળી ચીંધવાનું જ.
રાત એકેલી હૈ ફિલ્મ જોઇ. તેમાં જટિલ યાદવ બનતો નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની માતાને ફરિયાદ કરતો જોવા મળે છે કે મારું નામ જતિનમાંથી જટિલ થઈ ગયું. એ જ રીતે ત્રણેક વર્ષ પહેલા ન્યૂટનમાં રાજ કુમાર રાવ નૂતનમાંથી ન્યૂટન સ્વ-ઈચ્છાએ થયેલો. જેની તે દુખાંત કથા પણ સંભળાવે છે. એ પાત્રનું નામ સાંભળતા જ ખ્યાલ આવી જાય કે નૂતન એટલે તો સ્ત્રી હશે. આ બંને પાત્રોને પોતાના નામ પ્રત્યે ચીડ છે.
પાતાલ લોકમાં સિદ્ધાર્થ ચૌધરીનાં પિતાનું નામ હાથીરામ ચૌધરી છે ? હાથીરામના દીકરાને તેના સહાધ્યાયીઓ પ્રતીકાત્મક રીતે સૂંઢ બતાવી ક્લાસમાં ચીડવી રહ્યાં છે. તમારું નામ બદલીને કોઇ તમને ચીડવે શું કામે ? મિત્ર હોય તો મશ્કરી એ આશાએ કરે કે જે તે માણસને ખોટું નહીં લાગે. સમૂહમાં મશ્કરી થાય તો સમૂહ સામે લડવું આકરું થઈ જાય છે. ટોળાનાં તો કોઈ નામ સરનામા નથી હોતા. પાતાલ લોકનાં સિદ્ધાર્થ ચૌધરી જેવી જ હાલત લાઈફ ઓફ પાઈના પાઈ પટેલની છે. પાઈ પટેલ પોતાના નામમાં પીસીનને બદલે પાઈ કરવા માટે કેટલી મથામણ કરે છે. એક વર્ષ સુધી હાંસી ઉડ્યા પછી, નવા વર્ષે કાળા કલરના બોર્ડમાં પાઈ એટલે શું એ નાસાના વૈજ્ઞાનિકની જેમ ઘસી મારે છે ? પીસીન મોલિતોર પટેલ. એક સ્વિમિંગ પુલ પરથી પડેલું નામ.
ગુજરાતી સાહિત્યમાં દોલતશંકરને પોતાનું યવન નામ નથી ગમતું. સ્વપ્નમાં શિવ આવે છે અને સુધારાવાળાઓનો નાશ કરવા માટે તે ભદ્રંભદ્ર જેવું નામ ધારણ કરે છે. નામ ધારણ જ નથી કરતાં પણ જે યવન વસ્તુ મળે તેનું ભદ્રંભદ્રીય નામકરણ કરતાં જાય છે અથવા તો તેમના માટે તેમણે નવા નામ શોધેલા છે. પ્રત્યાયન કરવામાં કેટલું બાધારુપ થાય ? છતાં ભદ્રંભદ્ર ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર છે.
ચંદ્રકાંત બક્ષીની તમામ નવલકથાના પાત્રોને ભેગા કરી એક મસ્તમજાની વિનોદીશૈલીમાં નવલકથા કે પ્રથમ પુરૂષ એકવચન તરીકે વ્યંગાત્મક રીતે પાત્રના ચરિત્ર નિબંધો તૈયાર કરી શકાય. જેમાં સૌ પાત્રો ચંદ્રકાંત બક્ષી વિરૂદ્ધ પોતાનો રોષ ઠાલવે કે તેણે અમારા બધાની અટક ‘શાહ’ શા માટે રાખી ? જૈનોમાં તો બીજી ઘણી અટક છે. બક્ષી બાબુના અઠંગ વાંચકોને તો ખબર હશે જ. કોરસનો નાયક અગ્નિ શાહ, હથેળી પર બાદબાકીનો કર્ણ શાહ, વંશનો મલ્હાર શાહ, પ્રિય નિકીનો રૂપ શાહ, લીલી નસોમાં પાનખરનો કુશાન શાહ, પડઘા ડુબી ગયોનો પ્રકાશ શાહ, એકલતાના કિનારાનો નીલ શાહ, આકારનો યશ શાહ, એક અને એકનો જીત શાહ, પેરેલિસિસનો અરામ શાહ, જાતકકથાનો ગૌતમ શાહ, હનીમૂનનો પાર્થ શાહ, અતીતવનનો ધૈવત શાહ, લગ્નની આગલી રાતેનો પોરસ શાહ, આકાશે કહ્યુંનો આકાશ શાહ, રીફ મરીનામાં અંકુશ શાહ, દિશા તરંગમાં તરંગ શાહ, બાકી રાતમાં વિક્રાન્ત શાહ.
આ બધા જ પાત્રો અંદરોઅંદર એ મુદ્દા પર પણ ઝઘડો કરી શકે કે બક્ષીએ રોમામાં રાજેશ કિલ્લાવાળા, ઝિન્દાનીમાં વેન્તુરા, સુરખાબમાં આંત્વા જેવા વિશિષ્ટ નામ તો રાખ્યા જ હતા ને !! આટલા હોશિયાર હતા તોપણ અલગ અલગ અટક ન આપી શક્યા. માહિતી માટે કહી દઉં કે, ચંદ્રકાંત બક્ષીએ ધર્મ અને દર્શન નામનું પુસ્તક પોતાની 23 નવલકથાનાં નાયકોને અર્પણ કર્યું છે. એવી જ રીતે લવ અને મૃત્યુ નામનું પુસ્તક 26 નવલકથાઓના સ્ત્રીપાત્રોને અર્પણ કર્યું છે.
પાછા ફિલ્મી પાટા પર ચડીએ તો મીંરા નાયરની સલામ બોમ્બેનો ચાઇ પાઉં જ્યારે ઈરફાન ખાન પાસે પત્ર લખાવવા માટે આવે છે ત્યારે માતાને તે ફરિયાદ કરે છે, ‘ઔર લીખો, યહાં મુઝે કોઇ ક્રિષ્ના કહે કે નહીં બુલાતા, સબ ચાઇ પાઉં કહે કે હી બુલાતે હૈ.’ ઉપનામથી નફરત.
છિછોરેમાં વરુણ શર્મા ગુરમીત નામના યુવાનનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યાં ક્લાઈમેક્સ સુધી તેને તેના મિત્રો સેક્સા કહીને સંબોધે છે. પણ પાત્રનું હ્રદય દુભાતુ નથી. એ પાત્ર જેવું છે તેવું જ દેખાય છે. એને સોસાયટીમાં પોતાની આબરુની, કે બે લોકો સામે પોતાનો ઠાઠ બતાવવાની જરૂર જ નથી. છિછોરેમાં તો દરેક પાત્રના ઉપનામ છે. હિમાંશું ઉર્ફ એસિડ, રઘુવીર ઉર્ફ રગ્ગી, સુંદર ઉર્ફ મમ્મી, સાહિલ ઉર્ફ બેવડા અને અનિરુદ્ધ ઉર્ફ અન્ની. કોલેજમાં કોઇ ગમે તે નામથી બોલાવી લે કંઇ ફર્ક જ નથી પડતો.
સ્કૂલ ને કોલેજમાં વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોની ફઈ બનીને જ બેઠા હોય છે. જેની સાહેબને પણ ખબર હોય છે, કારણ કે સાહેબ વિદ્યાર્થી જ્યાં બેસતા ત્યાં જ એક સમયે બેસતા હતા. થ્રી-ઇડિયટનો વીરુ સહસ્ત્રબુદ્ધે ઉર્ફ વાઈરસ અને રોહિત શેટ્ટીની ગોલમાલનો હરિશચંદ્ર રામચંદ્ર મિરચંદાની એટલે કે હરામી. પણ આ પાત્રોનાં નામ પાડનારાઓ એ વાતનું ધ્યાન રાખે છે કે આપણા સાહેબને આ વાતની ભનક પણ ન લાગવી જોઇએ. બાકી ગુરૂ જેટલું કોઈને ખોટું ન લાગે.
હિરાણીની ફિલ્મોમાં ઉપનામધારી પાત્રો ખૂબ હોય છે. મુન્નાભાઈ સિરીઝમાં સરકેશ્વર સર્કિટ છે. પીકેમાં જગતજનની જગ્ગુ છે. એક ને નામ ગમે છે બીજાને નથી ગમતું. થ્રી ઈડિયટમાં સાઇલેન્સર છે. એ પાત્રને પણ આ નામથી કોઇ ચીડવીને મજા લે તો મજા નથી આવતી. સિનેમાના ઈતિહાસનાં 100 વર્ષ અને મબલખ ફિલ્મો જોયા બાદ પણ મને તો આટલા જ મળ્યાં. પંદરેક વર્ષમાં એક જ પાત્રના બે નામ, જે કાં તો તેને ગમે છે કાં તો નથી ગમતાં તેનો ધીમે ધીમે પટકથામાં પ્રભાવ વધી રહ્યો છે.
~ મયૂર ખાવડુ
Leave a Reply