સાંજના છ વાગ્યાનો શૉ ઓન એર થવામાં દસ જ મીનીટની વાર હતી ત્યારે શૉના હોસ્ટ RJ નીરવે સ્ટુડીયોમાં એન્ટ્રી લીધી. ઓફિસમાં પણ એની એન્ટ્રી થતાં એના સહકર્મચારીઓ સહેજ ઊંચા-નીચા થઈ ઉઠતા. આવતાની સાથે ‘ગુડ મોર્નિંગ…’ અથવા ‘ગુડ ઇવનિંગ…’ કહેતો એ સડસડાટ પોતાની કેબીનમાં ચાલ્યો જતો. પોતાના શૉને રીલેટેડ તૈયાર કરેલ સ્ક્રીપ્ટ, લિંક્સ, પ્રેપ્શીટ્સ ચકાસતો, કલાકેક પહેલા લિંકસ વોઈસઓવર કરીને સ્ટુડીયોમાં પંહોચી જતો. આમ RJ તરીકે બેસ્ટ, પણ માણસ તરીકે વિચારવું પડે ! આખા સ્ટુડીયોમાં એકમાત્ર એ જ એવો RJ હતો જે ક્યારેક કોલર્સ સાથે લાઈવ પણ વાત કરતો. અને અઠવાડિયામાં ત્રણ દિવસ એનો એવો શૉ રહેતો. જેમાં પ્રેમી-પંખીડાઓ તેને ફોન કરીને પોતાના પ્રિય પાત્રને કોઈ ગીત ડેડીકેટ કરતાં. તેના એ શૉનું નામ હતું, ‘એક પ્યાર કા નગ્મા હૈ…’. અને હમણાં દસ મિનીટ બાદ શરૂ થનાર એ જ શૉ માટે એ સ્ટુડીયોમાં આવી પંહોચ્યો હતો.
“બધું બરાબર છે ને… ચેક ઈટ વન્સ અગેઇન.”, માઈક સામેની પોતાની ખુરશીમાં જગ્યા લેતાં તેણે તેની સાથે કામ કરતી ઇન્ટર્ન માનસીને પૂછ્યું. માનસીએ હકારમાં ડોકું હલાવી ફરી એકવખત કાગળિયાં ઊંચા-નીચા કરી લઈ પાંચમી વખત બધું બરાબર હોવાની ખાતરી કરી લીધી. નીરવે તેની સામે ફિક્કું સ્મિત આપ્યું અને પોતાની તૈયારીની પળોજણમાં પડ્યો.
આમ તો માનસી ઉત્સાહી અને મહેનતુ છોકરી હતી. પણ નીરવને ક્યારેક એ ખટકતી. છેલ્લા 2 મહિનાની ઇન્ટર્નશિપમાં જ એણે સ્ટેશનમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. સ્ક્રીપ્ટ્સ લખવી, પ્રેપ્સશીટ તૈયાર કરવી, વોઈસ ઓવર કરવું, અને ડેયલી ‘ઓન એર’ પાંચ ન્યુઝ વાંચવા સુધીની સિદ્ધિઓ એણે ખુબ જ ટૂંકા ગાળામાં હાંસિલ કરી હતી. તેની આ ઝડપથી બધા રાજી હતા… સિવાય એક નીરવ. આખું સ્ટેશન નીરવ પર ટકેલું છે, એવો એને એક વ્હેમ હતો. અને ક્યાંક ને ક્યાંક એ હકીકત પણ હતી જ. અને એવામાં આવા કોઈ ઉત્સાહી જીવડાનું સ્ટેશનમાં પ્રવેશ એ તેની માટે ‘ઇન સિક્યોરીટી’ ફેક્ટર હતું. એણે તો માનસીને પોતાની સાથે કામમાં જોડે રાખવાની પણ ચોખ્ખે ચોખ્ખી ના કહી દીધી હતી. અને એના નાટકો અને ગુસ્સાથી એના હેડ પણ સુપેરે પરિચિત હતા. છતાંય તેમણે માનસીને નીરવના શૉમાં સાથે બેસાડવાનું સાહસ કર્યું. અને જે વાતનો ડર હતો એ જ થઈ રહ્યું હતું. નિરવ માનસી પાસે કામ તો બરાબરનું લેતો, પણ બદલામાં એને કંઈ જ શીખવાડતો નહીં. પણ છતાંય માનસીએ પોતાની ધગશ જાળવી રાખી હતી. એ, એ જ ઉત્સાહથી કામ કરતી જે ઉત્સાહથી પહેલા દિવસથી કરતી આવી હતી. અને રહી વાત શીખવાની… તો એ એક સારી નિરીક્ષક તો હતી જ !
ક્યારેક ક્યારેક એને એનો પહેલો ઈન્ટરવ્યું સાંભરી આવતો. જયારે અહીંના હેડે એને સિલેક્ટ કર્યા બાદ કહ્યું હતું કે, જો એમને કામ ગમશે તો એ જ સ્ટેશનમાં એનું સ્થાયીકરણ થઈ જશે. અને જો બધું સમુંસુતરું પાર પડે તો એને RJ તરીકે એકાદ શૉ પણ મળી શકશે. અને પ્રેગ્રામીંગ હેડના એ શબ્દો ક્યારેક માનસીના કાનમાં ગુંજ્યા કરતાં. ક્યારેક ઓન એર ન્યુઝ રીડીંગ કર્યા બાદ એ વિચારોમાં ખોવાઈ જતી, કે હું ક્યારે મારું પહેલું ઓન એર ‘ગુડ મોર્નિંગ…’ બોલીશ… અથવા મારો પહેલો કૉલર કોણ હશે? એ મને શું પૂછશે…? અને હું જવાબ શું આપીશ…? આવા અનેક પ્રશ્નો એને પેટમાં ગલગલીયા કરાવી જતાં. પણ એને એ પણ ખબર હતી કે જો કામ હશે તો જ નામ થશે… માટે એ શેખ ચીલ્લીના સપના જોવાથી વધારે કામમાં મન પરોવતી.
“ગુડ ઈવનિંગ… મારા પ્યારા ભાઈઓ, અને એમની બહેનો…”, કહેતાની સાથે RJ નીરવે શો ની શરૂઆત કરી છેક ત્યારે જઈ માનસી પોતાના વિચારોમાંથી બહાર આવી. બાજુમાં પડેલું એનું હેડફોન કાને લગાવી એણે પ્રેપશીટ નિરવને સોંપી. પહેલી લીંક થયા બાદ એડ આવવી શરુ થઈ. બીજી લીંક બાદથી જ કૉલર્સના લાઈવ કોલ્સ આવવા માંડ્યા.
“હલ્લો… RJ નીરવ હિઅર. કૌન બોલ રહા હૈ, ઔર પ્યાર કા કોનસા નગ્મા કિસે ડેડીકેટ કરના ચાહોગે…”, નીરવે પહેલા કોલર સાથે વાત કરવા માંડી. માનસી એનાથી થોડેક દુર પડેલા માઈકને જોઈ રહી… ‘એક દિવસ હું પણ આમ વાત કરીશ.’ ગીતના અવાજ સાથે ફરી એનું ધ્યાનભંગ થયું. કોણ જાણે કેમ આજે એ થોડી અસ્વસ્થ લાગી રહી હતી. એના મનમાં સતત હતું કે આજે એની સાથે કંઈક તો ખરાબ થવાનું જ છે !
નીરવે બીજો કોલ અટેન્ડ કર્યો… ત્રીજો… ચોથો… પાંચમો… અને એ ક્રમ આગળ ચાલતો ગયો. નિરવના બે કલાકના આ શોની ખાસિયત એ હતી કે કોલર જે પણ ગીત કહે એ વગાડવામાં આવતું. અને એ જ કારણે એ બે કલાકમાં કન્ટેમ્પરી હીટ સોંગ્સની સાથે રેટ્રો સોંગ્સ પણ વાગતા. એના કોલર્સમાં અઢાર વર્ષના લબરમૂછિયા જવાનીયાથી માંડી સિત્તેર વર્ષના વડીલો પણ સામેલ થતા. અને અઠવાડિયા એ ત્રણ દિવસ એક સાથે દસ લાખ લીસ્નર્સને જલસો પડી જતો !
સવા કલાક જેવો સમય વીતી ચુક્યો હતો. નીરવે આવી રહેલો ફોન ઉપાડ્યો.
“હલ્લો… તમે સાંભળી રહ્યા છો, ‘એક પ્યાર કા નગ્મા હૈ’, વ્હુ ઈઝ ધેટ લકી વન વ્હુમ યુ વોન્ટ ટુ ડેડીકેટ અ લવલી સોંગ…?”, નીરવ ક્યારેક અંગ્રેજી તો ક્યારેક ગુજરાતીમાં કોલ્સ રીસીવ કરતો. અને ક્યારેક જો વધારે મુડમાં હોય તો કાઠીયાવાડી, મેંહોણી, હુરટી, અને છેક હરિયાણવી, રાજસ્થાની સુધીમાં વાત કરી લેતો.
એના પ્રશ્નની દસેક સેકન્ડ બાદ પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો, ત્યારે તેણે ફરી પૂછ્યું, “હલ્લો… આર યુ ધેર…?”
ફરીથી સામા છેડે સુનકારો છવાયેલો રહ્યો. વચ્ચે એકાદ નાનું ડૂસકું સંભળાયું… અને થોડીક સેકન્ડ સુધી કોઈ ન બોલતા નીરવે, “લાગે છે કે કોલર નંબર ડાયલ કરીને એમના ‘પ્રેમ’ જોડે વ્હોટ્સઅપમાં બીઝી થઇ ગયા છે…”, કહેતા એણે ફોન કટ કરવા હાથ આગળ વધાર્યો, અને ત્યાં જ સામા પક્ષેથી રડમસ અવાજમાં સંભળાયું,
“પ્લીઝ, કૉલ ડીસકનેક્ટ ન કરશો… પ્લીઝ.”
એ પુરુષસહજ અવાજમાં એક આછી એવી ધ્રુજારી હતી. નિરવનો હાથ હવામાં જ અટકી પડ્યો. થોડી બીજી સેકન્ડ્સ શાંતિમાં વીતી. અને પછી ફરી એક ડૂસકું.
“શું થયું બડ્ડી…? બ્રેક અપ…?”, નીરવે પોતાની મસ્તી ચાલુ રાખતા પૂછ્યું.
“હા.”, સામા પક્ષેથી અવાજ આવ્યો.
“ગર્લફ્રેન્ડ સાથે કે બોયફ્રેન્ડ સાથે…”, નીરવે એ જ મસ્તી ચાલુ રાખતા પૂછ્યું, અને જોરથી હસી પડતાં માનસી સામે જોયું. એની અપેક્ષાથી વિપરીત એ કંઈક ચિંતામાં ગળાડૂબ હોય એમ માઈક સામે જોતી બેઠી હતી. જાણે ત્યાં કૉલરને સાંભળવાની બદલે જોતી ન બેઠી હોય !!
“લાઈફ સાથે ! લાઈફ સાથે બ્રેકઅપ થઈ ગયું !”, કોલરે રડમસ અવાજે જવાબ આપ્યો. એ સાંભળી નીરવની મસ્તી હવામાં ઓગળી ચાલી. કોલરે તૂટક તૂટક આગળ બોલવું ચાલુ રાખ્યું, “આઈ એમ ડન. બસ બહુ થયું. કંટાળી ચુક્યો છું આ જિંદગીથી ! એન્ડ યસ… તમને એમ પણ થતું હશે કે મેં આ બધા લવારા કરવા ફોન કર્યો છે…? પણ ના… મેં તમને બધાને – આ આખી સ્વાર્થી દુનિયાને – બતાવી દેવા, આઈ મીન સંભળાવી દેવા ફોન કર્યો છે કે જુઓ, તમારી નિષ્ઠુરતા કોઈકને કેટલી હદે ડિપ્રેસ કરી શકે છે ! જુઓ… તમે આજે એક મર્ડરના સહભાગી છો… મેં લાઈવ સ્યુસાઈડ કરી આ દુનિયાને અરીસો બતાવવા તમને ફોન કર્યો છે !”
આ સાંભળતા જ માનસીના મનમાં ધ્રાસકો પડ્યો. રેડિયો પર લાઈવ કોલર સાથે જાતજાતના પનારા પડે એ તો એણે સાંભળ્યું અને જોયું પણ હતું… પણ આવું કંઈક તો એણે સ્વપ્નેય નહોતું વિચાર્યું ! અને આનાથીય ખરાબ હાલત નો નીરવની હતી. એના તો હાંજા જ ગગડી ગયા હતા. પોતાની સાત વર્ષની કારકિર્દીમાં એણે ઓન એર આવો એકેય કેસ હેન્ડલ નહોતો કર્યો. અને એ બંને અને બીજા દસ લાખ સાંભળનારાઓને ચોંકાવવા આટલું ઓછું હોય એમ કોલરે આગળ બોલવું શરુ કર્યું,
“…અને તમને જાણીને આનંદ થશે કે હમણાં મેં મમ્મી-પપ્પાને ફોન કરવાને બદલે તમને ફોન કર્યો છે. લાઈફનો છેલ્લો ફોન ! અને હું જાણું છું, મમ્મી પપ્પા પણ હમણાં મને અને તમને સાંભળી જ રહ્યા હશે. આઈ એમ રીયલી સોરી. એન્ડ આઈ એમ રીયલી ડન. અને ફોન મુકતા પહેલા એક વાત જણાવી દઉં, કે મને શોધવાની, બચાવવાની કોઈ જ કોશિશ ન કરતાં. કારણકે હું મારા ફૂલ પ્રૂફ પ્લાન સાથે આવ્યો છું… સાબરમતીના કિનારે ! હમણાં ત્યાંથી જ બોલું છું. તમે ખોટા પ્રયાસો કરી પોતાનો સમય ન બગાડતા… સવારના સમાચારમાં મારું નામ, ઠામ બધું જ જાણવા મળી જ જશે ! ચલો ત્યારે, અલવિદા…”,
માનસીએ કંઈક ગુસ્સાથી નીરવ સામે જોઈ એને ઈશારાથી માઈકમાં બોલીને તેને રોકવા માટે કહ્યું. પણ એ તો જડની જેમ એક જ જગ્યાએ સ્થિર થઇને પડી રહ્યો હતો. ગણતરીની સેકન્ડ્સમાં જ માનસીએ નિર્ણય લીધો અને માઈક સામે ઊભા રહીને હાંફતા રહીને બોલવું શરુ કર્યું…
“જસ્ટ અ મિનીટ બ્રો… જસ્ટ વન મિનીટ મોર. જુઓ, તમે કહ્યું કે ફોન ન કાપશો તો અમે તમને સાંભળ્યાને… તો પ્લીઝ માત્ર એક મિનીટ મને સાંભળી લો.” માનસીને લાગ્યું કે કદાચ બોલવામાં મોડું થયું છે અને ફોન ડીસકનેક્ટ થઈ ચુક્યો છે. પણ ત્યાં જ સામેથી અવાજ આવ્યો,
“તમે કોણ…?”,
“એક દોસ્ત જ સમજો.”, માનસીએ હાશકારો અનુભવતા સાહજીકતાથી કહ્યું.
“કહો જલ્દી, શું કહેવું છે…”
“મારે… મારે ક્યાં કશું કહેવું છે. નિર્ણય તો તમે લઈ જ લીધો છે… અને એ પણ નક્કર. એન્ડ વ્હોટ અ ડીસીઝન મેન ! બ્રાવો !”, માનસીએ કટાક્ષમાં કહ્યું છે એ જાણી સામેથી પુછાયું,
“મેડમ તમે મારી જગ્યાએ હોત તો તમને ખબર પડત…”
“એકઝેટલી. પણ તમને એક વાત કહું. ‘ભલે હું તમારી જગ્યાએ નથી, પણ છતાં તમને સમજી શકું છું’. એન્ડ બીલીવ મી, અન્યોની જેમ મેં તમને સલાહો અને સુફિયાણી વાતો કહેવા નથી જ રોક્યા. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે મને તમે તમારા નિર્ણયમાં કાચા લાગ્યા…”, સાંભળીને નીરવે ઝાટકા સાથે માનસી તરફ જોયું. એણે એનું આગળ બોલવું ચાલુ રાખ્યું… “અને તમને કહું, તમને ભલે એમ લાગતું હોય કે સ્યુસાઈડ કરીને તમે કોઈ બહાદુરી બતાવી રહ્યા છો… અને આમ લાઈવ પર પોતાની વાત કહીને કંઈક ‘અલગ’ કરી રહ્યા છો… પણ ખરેખર તમે કાયર છો.”
“મેડમ… તમારી વાતો સાંભળવાનો મારી પાસે સમય નથી…”
“લ્યો… તમને તો છેલ્લી ક્ષણોમાં પણ સમયની માયા બાંધી રહી છે…”, માનસી જાણે કોઈ જુના દોસ્ત સાથે વાત કરતી હોય એમ બોલ્યે જતી હતી.
“અચ્છા, તો તમે એક કામ કરીને મને ખોટી સાબિત કરી શકો છો… લાઈફનો લાસ્ટ ટાસ્ક, બોલો છે હિમ્મત ?”, માનસીના અવાજમાં એક જબરદસ્ત પડકાર હતો. અને એ ભલભલાને પોતાની વાત શીરાની જેમ ગળે ઉતરાવી દેતી.
“શું…?”, સામેથી પુછાયું ત્યારે માનસીથી મલકી જવાયું.
“કંઈ ખાસ નથી. બસ મરવાનું ‘થોડુંકકક’ પોસ્ટપોન્ડ કરો… માત્ર અડધો કલાક !? અને એ અડધો કલાક નજીકના કોઈ પણ સરકારી અને ખાનગી દવાખાનામાં આંટો મારી આવજો. બસ એટલું જ. બાકી પછી તમે તમારા નિર્ણયમાં અડગ રહી શકો છો. અને હા, આવતીકાલે સવારે છાપામાં તમારું નામ જાણવાની આતુરતા રહેશે.”, કહેતાં માનસીએ ફોન ડીસકનેક્ટ કરી દીધો !
મ્યુઝીક મેનેજરે લીસ્નર્સનું ધ્યાન ભટકાવવાનો વ્યર્થ પ્રયાસ કરતા ગીતો વગાડવા શરુ કરી દીધા હતા.
માનસીનું વર્તન જોઈ નિરવ ગુસ્સાથી ધમી ઉઠ્યો હતો. સ્ટુડિયો બહાર પ્રોગ્રામિંગ હેડ, અને અન્ય કલીગ્સ પણ ભેગા થઇ ચુક્યા હતા. નીરવે માનસીનો હાથ પકડી ગુસ્સાથી પોતાની તરફ ફેરવતા કહ્યું, “આર યુ આઉટ ઓફ માઈન્ડ…? આ શું કર્યું તેં…!”
“મને જે ઠીક લાગ્યું તે કર્યું, એટલીસ્ટ એક પ્રયાસ તો કર્યો, તારી જેમ તો નઈ ને..!”, કહેતા એણે પોતાનો હાથ છોડાવ્યો. અને ત્યાં જ સ્ટુડિયોના કાચ પર ટકોરા પડ્યા. હેડ માનસીને ઈશારાથી બહાર બોલાવી રહ્યા હતા. માનસી ઊભી થઈને બહાર નીકળી. કાચને પારથી નીરવ તેને અને હેડને વાત કરતા જોઈ રહ્યો. ક્યારેક હેડ ગુસ્સામાં દેખાતા તો ક્યારેક માનસી એમને આજીજી કરતી હોય એમ હાથ જોડતી દેખાતી. એક મિનીટ બાદ માનસી લટકેલા મોઢે સ્ટુડીયોમાં પાછી ફરી. હેડે ફરી કાચ પર ટકોરા મારી નીરવને ઇશારાથી શો ચાલુ રાખવા જણાવ્યું. અને એ જોઈ નીરવનો પિત્તો છટક્યો… “વ્હોટ રબીશ ઇસ ધીસ. આટલું બધું થયા બાદ પણ તારે શો ચાલુ રખાવવો છે…?”
“નીરવ શો મસ્ટ ગો ઓન…”, કહેતા માનસીએ પોતાનું હેડફોન કાને ચડાવ્યું. બીજી જ સેકન્ડે ગીત પૂરું થયું અને કોલ આવવા શરુ થયા, “લુક, હવેના દરેક કોલ્સ આપણા માટે આગ્ત્યના છે…”, કહેતા માનસીએ નીરવને એનું હેડફોન સરકાવ્યું.
નીરવે કોલ રીસીવ કર્યો. કોલ કોઈ નવા જોડાયેલા લીસ્નરનો હતો, જેને આગળના ફોનની ઘટનાની જાણ નહોતી. નીરવે મહાપ્રયત્ને વાત કરી. થોડીક જ વાત કરી ગીત વગાડવામાં આવ્યું. ગીત પૂરું થયા બાદ બીજો ફોન આવ્યો, આ વખતનો કોલર આગળની ઘટનાથી વાકેફ હતો… આ કોલરે રીતસરની નીરવની ઝાટકણી કાઢી નાંખી. નીરવે કોલ ડીસ્ક્નેક્ટ કરી દીધો અને ગીત શરુ થઇ ગયું. બીજી તરફ એના મોબાઈલમાં નોટીફીકેશનની ધરમાર શરુ થઈ ચુકી હતી. લોકો એના ફેસબુક પેજ, ટ્વીટર હેન્ડલ પર જઈ જઈને એને પેલા કૉલર પ્રત્યેના ઋક્ષ વ્યવહાર બદલ એલફેલ બોલી રહ્યા હતા. ‘હેશટેગ બૉયકોટ નિરવ’સ શો’ સાથેનો એક આખો વર્ગ મેદાનમાં ઉતરી ચુક્યો હતો.
આમ ને આમ જ બીજો અડધો કલાક વીતી ગયો. કોઈક કોલર્સ નોર્મલી વાત કરતા તો કોઈ ગુસ્સામાં ધમકાવી દેતા. નીરવને બસ એ આખરી પંદર મિનીટ ગમે તેમ કરીને વિતાવી દેવી હતી. એ પોતાની જિંદગીનો સૌથી ખરાબ શો કરી રહ્યો હતો. અને ત્યાં જ બીજી તરફ માનસીની નજર ઘડિયાળ પર સ્થાયી થઈ ગઈ હતી. એ ફરજીયાતપણે નિરવને દરેક કૉલ્સ અટેન્ડ કરાવતી. એની માટે એક એક મિનીટ કિંમતી હતી. અને દર સેકન્ડે એના ધબકારા વધતા ચાલતા હતા. ઘડીભર તો એને પોતાને જ પ્રશ્ન થવા લાગ્યા, કે પોતે કર્યું એ ઠીક હતું પણ કે કેમ ? અને એની એ અસમંજસનો કોઈ નિકાલ આવે એ પહેલા જ બીજો કૉલ આવવા માંડ્યો. નીરવે ફરી ફોન ઉપાડ્યો, અને એ જ સાહજિકતા સાથે વાત શરુ કરી.
પણ સામા છેડે સુનકારો છવાઈ રહ્યો. અને એ વર્તી જઈ માનસી ઉત્સાહમાં આવી ગઈ. એણે ઊભા થઈ માઈક પર પોતે કબ્જો જમાવ્યો. અને એક માત્ર માનસી જ નહીં, પણ એ સમયે એની સાથે જોડાયેલા દસ લાખ લોકો એ વર્તી ચુક્યા હતા કે એ કોલર બીજો કોઈ નહીં, પણ એ જ વ્યક્તિ હતો.
એ કંઈ પણ બોલે એ પહેલા જ માનસીએ બોલવું શરુ કર્યું, “શું થયું…? ફાટી પડી ને બોસ !”, રેડિયો પર સભ્યતાથી વર્તવું જોઈએ એ નિયમ ભૂલી જઈ માનસી બોલતી ગઈ. કારણકે એ ક્ષણે એ માણસ પર આવી રહેલો ગુસ્સો, અકળામણ, બધું જ કાબુ રાખીને એને સમજાવવાનો હતો.
સામા પક્ષે એક ડૂસકું સંભળાયું, અને પછી, “આઈ એમ સોરી…”, કહેતા એ માણસનો અવાજ ફાટી પડ્યો.
“રડીશ નહીં દોસ્ત… હજી તો કંઈ જ નથી બગડ્યું. ઈનફેક્ટ હવે તું એક ફ્રેશ શરૂઆત કરી શકીશ. અને હવે તું હમણાં શું કરીશ એ કહું…”
“શું…?”
“ઘરે જા, અને મમ્મી પપ્પાને ભેટી પડજે. મમ્મી જોડે લાડ કરજે. એની પાસે જિદ્દ કરાવીને તને ભાવતું બનાવડાવજે. અને હા, પેપર વાંચવાનું ચૂકતો નહીં. કરન્ટ અફેર્સ પર ધ્યાન આપવું જરૂરી છે.”
અને એ સાંભળી સામે પક્ષેનું રુદન હાસ્યમાં પરિવર્તિત થઈ ગયું. થોડીવારે એણે ફરી પૂછ્યું, “મેડમ, તમને એક વાત પૂછું..? આપણે ક્યારેય મળ્યા નથી, કે ન ક્યારેક એકબીજાને જોયા સુદ્ધાં છે ! અરે મેં તો તમને મારા સ્યુસાઈડના નિર્ણય પાછળનું કારણ પણ નહોતું આપ્યું… પણ છતાંય તમે…”
“તારા મનની વાત કઈ રીતે જાણી એ જ પૂછવું છે ને…? બહુ સહેલું છે દોસ્ત. હકીકત તો એ હતી કે તારે મરવું જ નહોતું, અન્યથા તું એક છેલ્લા પ્રયાસરૂપે અહીં ફોન કરત જ નહીં !”
“અને એટલે જ તમે મને હોસ્પિટલ મોકલ્યો હતો…?”
“ઓબ્વ્યસ્લી… અને હું જાણું છું ત્યાં જઈને તેં તારાથીય ખરાબ હાલતમાં જીવી રહેલા લોકોને જોયા હશે… એન્ડ બીલીવ મી, એ લોકો દવાઓ પર નહીં પોતાની જીવવાની જીજીવિષા પર ટકી રહ્યા છે. અને એ બધાની સરખામણી એ તને શું દુઃખ છે… મને શું દુઃખ છે ? એક જ તો જિંદગી છે, મોજથી જીવી લે ને દોસ્ત… તકલીફો કોને નથી પડતી ? પણ એની તો એક… બે… અને સાડી ત્રણ…”
“થેન્ક્સ બ્રો…”
“ચાલ, હવે બ્રો કહ્યું જ છે તો ક્યારેક મને મળવા પણ આવજે. હું રાહ જોઇશ.”, કહેતા માનસીએ હરખાતા ફોન ડિસ્કનેકટ કર્યો. બાજુમાં બેઠો નીરવ બાઘો બની એની તરફ જોઈ રહ્યો હતો. કાચ બહાર હેડ અને કલીગ્સ તાળીઓ પાડતા એનું સ્વાગત કરવા આતુર હતા.અને એ સાથે દસ લાખ લીસ્નર્સ એ યંગ ગર્લને પોતપોતાના ઘરે બેઠા તાળીઓ અને ભીની આંખે વધાવી રહ્યા હતા.
ફાયનલી એ શો પૂરો થયો. સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા શરુ થઇ ચુકી હતી. માનસી અને નીરવ સ્ટુડિયો બહાર આવ્યા. માનસીના સાથી ઇન્ટર્નસે એને ભેટીને વધાવ્યા. અને ત્યાં જ માનસીના ફોનમાં ઈમેઈલની નોટિફિકેશન આવી. એણે ટૂંકો અને પ્રેમાળ મેઈલ વાંચ્યો,
“વેલકમ ટુ ધ ક્લબ ઓફિશિયલી… અવર ન્યુ RJ, RJ માનસી. આવતીકાલે તમારું પહેલું ઓન એર ‘ગુડ મોર્નિંગ’ કહેવા તૈયાર રહેજો. અને શો નું નામ તો પૂછો, – એક… બે… અને સાડી ત્રણ… ! – યોર હેડ કમ ફેન.”
– Mitra ❤
Leave a Reply