ડી.કે. સવારનો પોતાનો આગવો નિત્યક્રમ પતાવીને છાપું વાંચતા વાંચતા પત્નીની જીભના રિમોટના ઇશારે ઘરમાં એકથી બીજી જગ્યાઓ પર સ્થળાંતરિત થઇ રહ્યા હતા ! આગવો નિત્યક્રમ એટલે ખરેખર જ આગવો… ધાર્મિકો સવારે પોતાની હથેળી જોઇને “કરાગ્રે વસતે લક્ષ્મી” એવું કરે… જુવાનિયાઓ પોતાના પ્રિય ફિલ્મ કલાકારોનાં દર્શન… જીવાતના મનુષ્યરૂપધારીઓ રુટિન મુજબ પ્રથમ બ્રશ, પછી ચા, પછી ટોઇલેટ ઇત્યાદિ… પણ ડી.કે. … ? ઊઠીને બે કામ કરવાનાં, પ્રથમ તો સિગરેટ શોધીને હોઠના જમણા ખૂણે લટકાવી, છાપું બગલમાં ભરાવીને ધીમે કદમે પોતે જેને મજાકના સૂરમાં “સિટ ઓફ પાવર” કહેતા તે ટોઇલેટ તરફ પ્રયાણ કરતા અને શ્રીમતીના ટહુકા બૂમોમાં પરિવર્તિત ન થઇ જાય અને ભારતીય બેઠકમાં પગોમાં ખાલી ચડી ના જાય ત્યાં સુધી તેઓ ટોઇલેટમાં છાપુ વાંચવાનું મંગલકાર્ય કરતા રહેતા. આજે આ બધા જ નિત્યક્રમો અને મંગલકાર્યો આટોપીને બેઠેલા ડી.કે.ને છાપુ વાંચતાં વાંચતાં કાને એરોપ્લેનનો અવાજ પડતાં તેમણે પોતાની લાડકી નાનકીને બૂમ પાડી… “નાનકી… એય નાનકી… આંયાં આય… તને રાવણનો પુષ્પક રથ દેખાડું”. શ્રીમતી શાકમાં કડછો ફેરવતાં ફેરવતાં બોલ્યાં “એને બિચારીને પુષ્પકમાં શું ખબર પડે? સીધેસીધું કહોને કે વિમાન દેખાડું”. અંદરના રૂમમાં રમકડે રમતી નાનકીને બાથમાં લઇને ડી.કે. લૂંગી સંભાળતા સંભાળતા ફળિયામાં દોડી ગયા અને આકાશમાં મગતરા જેટલા દેખાતા વિમાન ભણી હાથ લાંબો કરી નાનકીને કહ્યું… “ જો નાનકી ઓલું જાય ને એને વિમાન કહેવાય ! આપણે બેહવું છે ને એમાં?” નાનકી મનમાં આવે તેવા પ્રતિભાવ આપે અને ડી.કે. કાયમ નાનકી હા પાડે છે એવો અર્થ તારવીને ભવિષ્યમાં પ્લેનમાં બેસવાના સ્વપ્ન માત્રથી જ ખુશ થતા. આમ, જ્યારે પણ આકાશમાં વિમાન દેખાય ત્યારે ડી.કે. નો આ પણ એક નિત્યક્રમ જ હતો…
******
બાપુ પધારવાના છે એ સમાચાર મળતાં જ ડી.કે.ના ઘરનો માહોલ ભારેખમ થઇ ગયો ! પત્ની તો ઠીક, પણ ભારાડી કહેવાતા ડી.કે. પણ ભરઉનાળે પાણીના અભાવે ચીમળાઇ ગયેલા છોડ જેવા થઇ ગયા. આખા ઘરમાં એક માત્ર નાનકી જ આ સમાચારથી ખુશ દેખાતી હતી… એને તો બસ દાદા એટલે સફેદ દાઢી વાળા લેંઘા-ઝભ્ભાધારી આઇસ્ક્રીમદૂત ! નાનકીનો દાદાગમનનો આનંદ અને ઈંતેજારી જોઇ ને ડી.કે.ને કંઇક તો નાનકીની અને સાથોસાથ તેના બાળપણની પણ ઇર્ષા આવી.
******
ડી.કે.ના બાપુ શારીરિક રીતે બ્રાહ્મણ હતા અને જૂના વખતમાં ફર્સ્ટ ઇયર બી.એ. પાસ હતા, પરંતુ અંદરથી તો પોતાના વતનના દરબારોને પણ શેઢે મૂકી આવે એવા જિદ્દી, તંતીલા અને દાધારંગા. એ જમાનામાં રેલવેમાં બૂકિંગ ક્લાર્કની કાયમી નોકરી મળતાં જ કોલેજ છોડીને નોકરીએ લાગી ગયેલા ડી.કે.ના બાપુને જિંદગીભર એ વાતનો ડંખ રહેલો કે આર્થિક સંકડામણના કારણે અભ્યાસ પૂરો કરીને જે બનવા ધારેલું તે ન બની શક્યા. સાથોસાથ એ વાતનો ગર્વ પણ હતો કે તેમના કર્મકાંડી વિદ્વાન પિતા, જે નાણાંના અભાવે તેમને ભણાવી શક્યા નહોતા, તેમણે બાપુ સાથે કરેલા તમામ અન્યાયોને બાપુએ સહી લીધા હતા અને તેઓ પણ ડી.કે. સાથે આવું જ કરી બેસે ત્યારે પોતે સહન કરેલા અન્યાયોનું વર્ણન કરીને ડી.કે.ના અંતરાત્માને ઇમોશનલ બ્લેકમેઇલ કરતા ત્યારે પોતે ગોખી રાખેલો “બાપુ તમારી સાથે જે થયુ તે તમારા સંતાનો સાથે ન જ થાય એ તમારે જોવુ જોવે” એવો રેશનલ જવાબ આપવા મથતા પરંતુ હોઠસ્થ કરી ન શકતા ! ડી.કે. આ ડાઇલોગને પોતાની કલ્પનામાં જ જૂદી જૂદી અદામાં બાપુને સંભળાવી દેતા અને જાતને છેતરવાના વ્યર્થ પ્રયત્નો કરતા. ડી.કે. વિચારતા કે પોતાના બાપુ જે રીતે વર્ણન કરે છે તે રીતે તેમની સાથે આવા હળાહળ અન્યાય કરતા તેમના પિતાને તેઓ આટલો પ્રેમ કેવી રીતે કરી શકતા હશે ? સાથે સાથે તેઓ મનમાં બાપુના દાદા પ્રત્યેના પ્રેમને પોતાનામાં આરોપિત કરવા સખત મથામણ કરતા, પરંતુ નિષ્ફળ થતા અને વિચારતા કે… “શક્ય જ નથી… એવું પણ હોય કે ‘કહેવામાં શું જાય છે’ એ ન્યાયે બાપુ કદાચ ફેંકતા પણ હોય !”
******
દાદા ગયા એટલે કાલે આઇસ્ક્રીમ નહીં મળે એ વાતની પ્રતીતિ થતાં નાનકી રડી રડીને સૂઇ ગઇ… બેડરૂમમાં વચ્ચે સૂતેલી નાનકીના વાળમાં હાથ ફેરવતા ડી.કે.ને પત્નિએ પુછ્યું કે તમે આટલો અન્યાય કાં સહન કરો છો ? ત્યારે ડી.કે. થોડી વાર તો મૌન થઇ ગયા અને પછી બોલ્યા “ તને નહીં સમજાય… પહેલી વાત તો ઇ કે ઇ મારા બાપુ છે, અને મને ખબર છે કે બાપુને મારા પર અનહદ લાગણી છે અને કદાચ મને ખોઇ બેસવાની બીકે જ મારી હારે પોતાના ભૂતકાળનું પુનરાવર્તન કરે છે… નો સમજાણું ને ? ગાંડી, મનેય ઘણી વાર નથી સમજાતું ! તને બીજી એક વાત કવ ? મારા બાપુ કોઇ સામે ઝૂકે એ વાત માન્યામાં આવે ? નહીં ને ? મેં મારા આ જ માથાભારે બાપુને મારા ભલા માટે પોતાનાં તમામ સ્વાભિમાન, જિદ્દ અને ખુદ્દારીને કોરાણે મૂકીને, જેમને એક અડબોથે પાડી દેવાની તાકાત હતી તેમની સામે ઘૂંટણિયે પડતા જોયા છે. આ જ બાપુને આર્થિક સંકડામણના કારણે મને પુસ્તક અપાવી નહોતા શક્યા ત્યારે છાના છાના રોતા પણ મેં જોયા છે… એ મને નહીં, પણ બાળપણમાં તેમની તકલીફોને સમજીને, બાળક હોવા છતાં આઇસક્રીમ, નવાં કપડાં નહીં માંગવાની અને પુસ્તકની દુકાન પાસેથી પસાર થતી વખતે મોઢું ફેરવી લેવાની મારી સમજણને પ્રેમ કરે છે ! મારા બાપુ એક એવા બાપુ છે જેમની નજરમાં ચાલીસીમાં પ્રવેશેલો તેમનો બચુડો હજુ પણ નાનકડો બચુડો જ છે અને તું તેમના ભોળા ભટાક દીકરાને ભોળવીને ભરખી જનારી રાક્ષસી ! આ કદાચ પ્રેમનો તેમને ગમતો અંતિમ છે. તુ નહીં સમજે ગાંડી… ! પત્ની મુંઝવણભરી નજરે ડી.કે.ના ભાવોને વાંચવા વ્યર્થ મથામણ કરતી રહી.
******
સવારે વહેલા ઉઠીને નાનકીને તૈયાર કરીને સ્કૂલબસમાં બેસાડીને ઘરે પરત આવેલી ડી.કે.ની પત્નીએ ડી.કે.ને ચા મૂકીને ઊઠાડ્યા. ડી.કે. નિત્યક્રમની માથાકૂટમાં ન પડે એટલે ડાઇનિંગ ટેબલ પર ડી.કે.ની સાથે બેસીને ચા પીતાં પીતાં ડી.કે.ને પુછી બેઠી… “હેં બાપુની બીજી કોક વાતુ કરોને… !”” મોં પાસે લાવેલો ડી.કે.નો ચાનો મગ હોઠ સામે સ્થિર થઇ ગયો અને મગની ઉપર ધીમે ધીમે હવામાં અદૃશ્ય થઇ રહેલી વરાળની આરપાર જોઇ રહેલા ડી.કે.ની આંખમાં પણ ધુમ્મસ ફેલાઇ રહ્યુ હતું… સાંભળ…
******
“કોલેજમાં એડમિશન મળ્યુ એટલે બાપુ મને હોસ્ટેલમાં મુકવા હારે આઇવા તા”… ઘરેથી ગાદલાનો વીંટો, કપડાં માટે જિદ કરીને ખરીદાવરાવેલી વી.આઇ.પી.ની મોંઘી દાટ બેગ અને બાપુના ખભે પ્લાસ્ટિકનો ચીલાચાલુ થેલો લઇને અમે ટ્રેનમાં રવાના થયા. બાપુ આખા રસ્તે પોતાના બાળપણની તકલીફોની અને તેમાંથી કેવી રીતે રસ્તો કરી આપબળે આગળ આવ્યા અને પોતાને કેવી રીતે શું બનવું હતું તેની વાતો કરી. મોડી રાતે મને રેલવેના પાટીયા પર શેતરંજી પાથરીને પોતે પાટિયા ઉપર જ સૂઇ ગયા. સવારે આણંદ ઉતરીને વલ્લભ વિદ્યાનગરની બસમાં બધું બાપૂએ જાતે જ ચડાવ્યું અને વિદ્યાનગર આવ્યું ત્યારે ગાદલું પોતાના ખભે ચડાવી બીજા હાથમાં બેગ ઉપાડીને હોસ્ટેલ તરફ ચાલી નીકળ્યા. મેં વિવેક કર્યો કે “લાવો, બાપુ હું ઉપાડી લવ” તો હસીને મને માથામાં પ્રેમથી ટપલી મારીને બોલ્યા “તારા દીકરાને હોસ્ટેલમાં મુકવા જા ત્યારે ઉપાડજે”. હોસ્ટેલના રૂમમાં ગાદલું નાખી ને કહે “લે… આ તારું નવું ઘર, ધ્યાનથી ભણજે… .” અને પાણી પણ પીધા વગર જ કહે “હું હવે જાવ છું, રાત પડે ઇ પેલાં ઘીરે પોગવું છે” અને પરસેવો લુછવાના બહાને નેપકીનથી આંસુ લૂછતા લૂછતા એકેય વાર પાછું જોયા વિના જ સડસડાટ હોસ્ટેલનાં પગથિયાં ઉતરી ગયા.”
******
“એક વાર હોસ્ટેલમાં સવારના પહોરમાં બાપુ પ્રગટ થયા. બન્ને હાથમાં કોટનના થેલા હતા. બાપુ નાહી ધોઇને તૈયાર થયા એટલે ચા પીવા કિટલી પર ગયા. ત્યા બેસીને બે કપ ચા પીતાં પીતાં બધા સમાચાર આપ્યા. કહે… “મારે આમ તો આવવુ જ હતું પણ કાંઇક બહાનુ તો જોઇએ ને ?… તારી માં એ સાતમઆઠમ ની મીઠાઇ બનાવી એટલે મેં કીધુ… હાલ થોડી દકુડાને દઇ આવું… એટલે આ બે ડબ્બામાં મગસ અને સેવ ગાંઠિયા લઇ આઇવો છું… તારી માએ કીધું છે કે કબાટમાં તાળું મારીને રાખજે ને એકલો હો તંયે ખાજે… હે… હે… હે… પણ મને ખબર છે કે તું એકલો ખાવાનો નથી… આપણને પુરુષોને એકલાને ગળે ઉતરે જ નૈ ને… તું તારે દોસ્તારુ હારે જ ખાજે”. બપોરે જમીને બાપુને હોસ્ટેલ પર આરામ કરવા મૂકી ને હું કોલેજે ગયો. મલબારી મેડમ અંગ્રેજીનું ગઝલશાસ્ત્ર સમજાવતાં હતાં પણ મને મનમાં ઉચાટ હતો. અચાનક મનમાં ઝબકારો થયો… લોચા થૈ ગ્યા… “ડેબોનિયર”ના અંક કબાટમાં ઉપર જ પડ્યા હતા… ! ચાલુ ક્લાસે મેડમ ને “મેન… વ્હેર આર યુ ગોઇંગ… .”ની બૂમો પાડતા મૂકીને હું હોસ્ટલ તરફ દોડ્યો. રૂમનું બારણુ ખોલતાં જ જેની બીક હતી એ જ થયુ હતું. બધા “ડેબોનિયર”ના અંક ટેબલ પર વ્યવસ્થિત ગોઠવાયેલા પડ્યા હતા અને બાપુ રૂમમાં આંટા મારતા હતા. હું કાંઇ બોલ્યો નઇ એટલે બાપુએ આગ ઝરતી આંખે શરૂ કર્યુ… “આ સંસ્કાર દીધા છ મેં તને ?” ઘડીક તો કાંઇ સૂઝકો નો પડ્યો કે શું કેવું… પછી જીવનમાં પ્રથમવાર બાપુને જવાબ આપ્યો “બાપુ, આપણે ભારતમાં રહીયે છીયે તો મને આ ઉંમરે ઉઠતા પ્રશ્નોના જવાબ માટે તમને તો કેમ પુછવું ? ફોટા બોટા તો ઠીક છે પણ તેમા છપાતા લેખ વાંચવા માટે આ ખરીદું છું”… મારી આંખો ફર્શ પર જડેલી હતી. મનમાં ફડક હતી કે હમણા બાપુ બે ત્રણ અડબોથ મારી દેવાના ઇ નક્કી… ફર્શ પર જડેલી નજરના પરીઘમાં બાપુના ખુલ્લા પગ પ્રવેશ્યા… મર્યા… બોલ્યા “હામું જો”, આંસુની આરપાર ઉંચુ જોયું તો મારા માથા પર હાથ ફેરવીને બોલ્યા “આ બધા મેગેઝીન કબાટમાં મુકી દે… મને તો હમજાણું…. બધાને નો હમજાય… હાલ ચા પી આવીયે”. મગની ચામાંથી ઊઠતી વરાળની આરપાર ડી.કે. ની આંખો પત્નીના ચહેરા પર ફરી ફોકસ થઇ અને પોતાની સામે જોઇ ને સાંભળી રહેલી પત્ની ને ડી.કે.એ પૂછ્યું “નો સમજાણુંને ?… મનેય નો’તુ સમજાયું ત્યારે… એક વાર છે ને… ”
******
“હું ને બાપુ મુંબઇ ગયા તા… લોકોના મોઢે સાંભળેલી વાતોના લીધે મુંબઇમાં રખડવા નીકળીયે ત્યારે મુંબઇના નઝારા જોવાને બદલે ખીસ્સા સંભાળવામાં જ અમારો સમય જાતો… જ્યારે જ્યારે ભીડમાં હોઇએ ત્યારે અમારા હાથ ખિસ્સા પર જ હોય… ! ચર્ચગેટના સ્ટેશન બહાર અમે ચા પીવા ઉભા રહ્યા. એવામાં ગઠીયા જેવા બે માણસો પણ અમારી પાસે જ આવી ને ચા પીવા ઉભા રહ્યા. અમને ખીસ્સા કપાવાની એવી તો બીક લાગી કે ચા સારી હતી તોય ઝટ પટ ચા પતાવી ને પૈસા ચુકવીને ભાગ્યા… થોડે દુર જઇ ને ઉભા રહી ગયા અને એકબીજાની સામે જોઇ રહ્યા અને પછી તો ખૂબ હસ્યા… અને નક્કી કર્યુ કે ‘ખાડામાં ગયું… પૈસા જાવા હોય તો જાય… હવે ચિંતા વગર જ ફરીયે. ત્યાંથી ખરીદી પતાવીને અમદાવાદ આવ્યા. અરધો દિવસ બાકી હતો એટલે બે ચાર પુસ્તકોની દુકાનોમાં સમય પસાર કર્યો, પુસ્તકો ખરીદ્યા અને વધેલા પૈસામાંથી જમીને રાતે આઠ વાગે રેલવે સ્ટેશન પહોંચી ગયા. ટ્રેન ટ્રેક પર મુકાઇ ગઇ એટલે જગ્યા રોકીને બાપુ ડબ્બામાં બેઠા અને હું બહાર પ્લેટફોર્મ ઉપર ઊભો ઊભો રેલવેની અલગ દુનિયાને માણતો હતો. ત્યાં જ એક સફેદ લેંઘો ઝભ્ભો પહેરેલા આધેડ મારી પાસે આવ્યા. મને કે “ભૈ… હું ઉંઝાનો તલનો વેપારી છું. અહીં અમદાવાદ ખરીદીમાં આવ્યો હતો ને મારુ ખીસ્સુ કપાઇ ગયુ. ઘરે જાવાની ટિકીટ જેટલા પૈસા આલો તો ઘરે પહોંચીને તમને પાછા મોકલી આપીશ” મને દયા આવી આ સજ્જન દેખાતા માણસની. મને ખબર હતી કે બાપુના ખિસ્સામાં હવે ખાલી સવારે ચા પીવાય એટલા જ પૈસા જ બચ્યા છે તોય મેં બાપુની સામે પૈસા આપવાની મારી ઇચ્છા છે એવા ભાવથી જોયું. બાપુએ કંઇ બોલ્યા વગર પેલાને ૨૦ રૂપિયાની નોટ આપી દીધી. પેલો તો એની ડાયરીમાં અમારુ સરનામું લખીને નીકળી ગયો. હું બહુ ખુશ થયો. ટ્રેન ઉપડવાને હજુ વાર હતી એટલે બાપુને કહી ને છેલ્લા પ્લેટફોર્મ પરના બૂકસ્ટોલ તરફ ઓવરબ્રિજ પર થઇને ગયો. બુકસ્ટોલ ઉપર અંગ્રેજી પુસ્તકો જોતો હતો ત્યાં કાને પાછળથી ચાલતો સંવાદ પડ્યો. “ભૈ… હું ઉંઝાનો તલનો વેપારી છું… .” જોયું તો પેલા મહાશય બીજા બકારાને ઇમોશનલ બ્લેકમેઇલ કરી રહ્યા હતા… અને મારી ખોપડી છટકી… એની પાછળ જઇને ઉભો રહ્યો અને બધી લવારી શબ્દેશબ્દ સાંભળી. એની વાર્તા પૂરી થઇ એટલે પાછળથી જ કાનપટ્ટાની એક આપી તો સીધો પગમાં પડી ગયો… પોતાના પાકીટમાંના પૈસા દેખાડીને કે બધા જોઇએ તો લૈ લો પણ મારશો નૈ… મને દુ:ખ એ વાતનું હતું કે એ માણસે મારી લાગણી સાથે રમત કરી હતી. મેં મારા બાપુએ આપેલી ૨૦ની નોટ લઇ લીધી અને દોડતા ગયો બાપુ પાસે અને આખી કહાણી સંભળાવી… બાપુ એકીટશે સાંભળી રહ્યા અને મારી વાર્તા પૂરી થઇ એટલે મને એમ કે હમણાં લેક્ચર દેશે… પણ ઊલટું બાપુ બોલ્યા “ દકુડા મને તો ખબર જ હતી કે એ ખોટાડો છે… પણ તારી આંખમાં એક માનવતાનું કાર્ય કરવાનો ઉત્સાહ જોયો એટલે અને તારી લાગણી ન દુભાય એટલે જ હું કાંઇ નો બોઇલો ને આપી દીધા… દીકરા જે અનુભવમાંથી નીપજે એને જ જ્ઞાન કહેવાય બાકી બધુ… હમજાણું ?” રેલવેના જ સહકર્મી અને “આના ખિસ્સામાં વીંછી છે” એમ કહી રૂપિયા રૂપિયાને વિચારીને વાપરનાર ડી.કે.ના બાપુની ઠેકડી ઉડાડનારા બાપુના મિત્રોના ચહેરા ડી.કે.ની સામે તરવરી ઊઠ્યા. ભૂતકાળમાં થી વર્તમાનમાં આવી ગયેલા ડી.કે. પત્નીની સામે જોઇ બોલ્યા… કદાચ એવું છે કે બાપુને તો બધુંય હમજાય છે… આપણને જ નથી હમજાતું… શું કે છ ?
******
બાપુની તમામ અંતિમક્રિયાઓ પૂરી થઇ ગયા બાદ બા પાસે નાનકી સાથે રોકાયેલા ડી.કે.ને બા કહેતી હતી “ ક્યારના જિદ્દે ચડ્યા હતા કે હવે બધી જવાબદારી પૂરી થઇ ગઇ છે અને મારે હવે દેશ આખામાં રખડવું છે… એકલા ભટકવું છે…. જઇશ તો ટ્રેઇનમાં પણ જોજેને પાછો તો પ્લેનમાં જ આવીશ, એક વાર પ્લેન માં તો બેસવું જ છે… એમના બધા ઓળખીતા ભાઇબંધો ના પાડતા હતા કે “ગઇઢો થ્યો પણ બુધ્ધિ નો આવી… આ ઉંમરે આમ એકલા નો જવાય… કાઇંક થઇ જાય ને… તો આ બધા દુખી થઇ જાય… .” પણ ઇ થોડા કોઇનું માને… જબરા છાતીવાળા હતા… માંગવાને બદલે પગ કાપીને બૂટ લઇ લે એવા કાળમુખાવના પ્રદેશમાં છાતી કાઢીને અગિયાર મહિના રહ્યાને ? ભડ હતા ભડ ! એમને જવાનું હતું ત્યારે સવારે ચાર વાગે ઊઠી ગ્યા ને ચા પીને થરથરતી ટાઇઢમાં ઘોર અંધારે બે થેલા લઇને નીકળી પડ્યા… હું છે ને પાળીએ અડધી લટકીને એમને જતા જોઇ રૈ… તારા બાપુ અંધારામાં દેખાતા બંધ થયા ત્યાં સુધી હું પાળી પરથી એમને જાતા જોઇ રૈ… ગ્યા ઇ ગ્યા… બુકિંગ ક્લાર્ક હતા ને આખા ગામના પાર્સલને મોકલતા ને આવેલા પાર્સલને પોંચતા કરતા… પણ ભગવાનની કરામત તો જો… એમની ઇચ્છા પ્રમાણે પ્લેનમાં તો પાછા આઇવા, પણ પાર્સલ થઇને… ! પથારીમાં ચત્તા પડ્યા પડ્યા આકાશમાં ચમકતા તારલાઓ વચ્ચે પોતાના બાપુને શોધી રહેલા ડી.કે. ખુલ્લી આંખે, થરથરતી ઠંડીમાં બન્ને હાથમાં થેલા લઇને કાળામેશ અંધારામાં ધીમે ધીમે ઓગળી રહેલા બાપુને ભીની આંખે ગુમાવી રહ્યા… .
******
સવારે બા ફળિયુ વાળીને ચોખ્ખુ કરવા મથતી હતી ને નાનકી ફળિયાને યથાવત રાખવાના પ્રયત્નો કરતી હતી. ડી.કે. પોતાના આગવા નિત્યક્રમો પતાવીને તડકો ખાતા હતા ત્યાં જ બાને શું થયું તે નાનકીને તેડીને ફળિયાની વાડ પાસે લઇ ગઇ અને હાથ આકાશ તરફ કરીને દૂર ક્યાંક જઇ રહેલા વિમાનને દેખાડવા લાગી… જો નાનકી વિમાન જાય… બાએ નાનકીને પૂછ્યું “બેહવુ છે ને તારે વિમાનમાં ?” ડી.કે.ની આંખ ફરી ગઇ… નાનકીને બાના હાથમાંથી લગભગ આંચકવા જેવુ કરીને બોલ્યા “નથી બેહાડવી એને વિમાનમાં… .” ને જઇ રહેલા વિમાન તરફ ઝનૂનથી થૂંક્યા… બા ડી.કે.ના વિકૃત થઇ ગયેલા ચહેરા સામે પ્રશ્નાર્થ જોઇ રહી… ઓઝપાઇ ગયેલા ડી.કે. બોલ્યા… “નહીં સમજાય, બા તને નહીં સમજાય… મનેય ઘણી વાર નથી સમજાતું… ”
જેટ એરવેઇઝના કાર્ગોનું લગેજ ટેગ ફળિયામાં હવા સાથે આમ થી તેમ ઉડાઉડ કરતુ હતું.
******
~ ધર્મેન્દ્ર ત્રિવેદી
ગાંધીનગર.
Leave a Reply