કલકતામાં આમ પણ ટ્રામ-બ્રામનો જ ઉપયોગ થાય છે. વધીને કાર લઈને લોકો જાય, પરંતુ નિવૃત થઈ રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નક્કી કર્યું કે મારે સ્કુટરમાં જવું છે. ઘણા લોકોને આશ્ચર્ય થયું. આ ઉંમરે દાદાને શું થઈ ગયું છે. મોદીજી પણ ચિંતામાં મુકાયા. તાત્કાલિક માર્ગ-વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીને આદેશ આપવામાં આવ્યો. જાઓ અને પ્રણવદા માટે સ્કુટર લઈને આવો. ગમે તેમ તો પણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એટલે જતા જતા ક્યાં દુ:ખી કરવા આ હિસાબે સ્કુટર મંગાવવામાં આવ્યું.
જ્યાં સુધી સ્કુટર ન આવ્યું ત્યાં સુધીમાં આગામી રાષ્ટ્રપતિ બનેલા કોવિંદને પ્રણવદા ‘ગોવિંદ’ બનીને બોધપાઠ આપી રહ્યા હતા. જુઓ, ઝાડ-પાનનું ધ્યાન રાખજો અને હા, ત્યાં ડાબી બાજુ સામે દેખાય છે, ત્યાંથી કોઈવાર ગેટ ખૂલ્લો રહી જાય, તો ગાય ઘુસી જાય છે, બહાર કાઢી પણ નથી શકતા. બાકી મીડિયા ટીવીમાં બતાવી દે, એટલે ધ્યાન આપવું. અધૂરામાં પૂરૂ મોદી સાહેબ છે, એટલે તમારે કંઈ વધારે નથી કરવાનું. બસ, એ કહે એમ કરવાનું ! બધી વાતમાં કોવિંદ માથુ હલાવતા હતા.
એટલામાં સ્કુટર આવી ગયું. આ ઉંમરે પ્રણવદા ક્યાં કિક મારશે, પાછા ગડકરી નિયમ પ્રમાણે સ્કુટર પણ કિકવાળુ જ લાવેલા. એક નેતાએ આગળ આવી હોંશે હોંશે કિક મારી પણ સ્ટાર્ટ ન થયું. પરસેવો વળી ગયો. પોતાનું શૂરાતન બતાવવા માટે તેમણે અધિકવાર પોતાના પગનો ‘દૂર’-ઉપયોગ કર્યો, પણ બધુ નિરર્થક હતું. આખરે મોદી સાહેબે પ્રસ્તાવ મુક્યો. જે લોકોએ પ્રણવદાને મત આપેલા એ લોકો કિક મારે. સાહેબ કોઈ કામ હલકામાં નથી લેતા એ પ્રણવદાને ખબર પડી ગઈ. એટલે રાષ્ટ્રપતિ ભવનમાં ભાજપ સાથે કોંગ્રેસ જોડાય. જ્યારે લગ્ન સમારંભ હોય, તેવો માહોલ ઉભો થયો.
આખી કોંગ્રેસ પાર્ટીએ કિક મારી પણ તેમને ખૂદને કિકની જરૂર હોવાથી ગાડી સ્ટાર્ટ ન થઈ. સાહેબ તો ખૂણામાં ચશ્મા સરખા કરતા જોતા હતા. કોંગ્રેસમાં દમ નહીં, તેમ કહી ભાજપે પણ કિક મારી.
સ્કુટર ચાલુ ન થતા પ્રણવદા મનમાં બબળ્યા, ‘ઓળી બાબા, 545 સીટ અને 1090 પગ શું કામ રાખ્યા ?
આખરે પ્રણવદાએ કમાન પોતાના હાથમાં લીધી. સ્કુટર ડાબી બાજુ વાળ્યું. અને પેલા જોક્સની માફક કિક મારી ત્યાં ચાલુ થઈ ગયું. રાષ્ટ્રપતિ ભવનમાં ઉભેલા તમામ લોકોએ એક સામટુ પૂછી નાખ્યું, ‘આ કેમ થયું ?’
‘હવે સાહેબ ભેગા રહો તો આમ જ કામ થાય.’ પ્રણવદાએ સ્કુટર મારી મૂક્યું. નવલકથાની જેમ ધૂળની ડમરી ઉડી અને પ્રણવદાએ રાષ્ટ્રપતિ ભવન છોડી દીધું.
( કાલ્પનિક કથા – ખુલ્લમ-ખુલ્લા )
~ મયુર ખાવડુ
Leave a Reply